વિશ્રામ ૨૬
પૂર્વછાયો
અનુપ આખા ગામ છે, તેને પાદર પૂરવ દીશ;
આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઈશ. ૧
ચોપાઈ
ત્યાંથી મઢડે ગયા મહારાજ, જેઠામેરનું કરવાને કાજ;
જેઠામેર ઉપર કરી મેર, ઘનશામ રહ્યા તેને ઘેર. ૨
તેણે સેવા સજી ઘણી સારી, પાળે નિષ્કામવ્રત નરનારી;
સૂતા રાત્રીમાં શ્રીઘનશામ, જેઠામેરે જોયું તેહ ઠામ. ૩
બ્રહ્મા શંભુને ઇન્દ્ર અપાર, આવેલા વંદવા તેહ વાર;
રમા રાધા આદિ ઘણી શક્તિ, સજે ભાવ ધરી ભલી ભક્તિ. ૪
કોઈ તો થાળ ધરે છે લાવી, કોઈ આરતી ઉતારે આવી;
કોઈ તો ગુણગાન કરે છે, કોઈ સ્નેહે સ્તુતિ ઉચ્ચરે છે. ૫
જેઠોમેર અને તેની નારી, નિરખે મૂરતી ચિત્ત ધારી;
ત્યારે બ્રહ્માએ વેણ ઉચાર્યાં, ધન્ય માત ને તાત તમારાં. ૬
ઘણા જન્મ કર્યું તપ જેહ, આજ આવી મળ્યું ફળ એહ;
ઘન્ય ધન્ય તમે નર નારી, ભલાં કીધાં તમે તપ ભારી. ૭
અભેસિંહ કહે મુનિરાય, મને એ તો સુણાવો કથાય;
જેઠોમેર તથા તેની નારી, તેણે તપ શું કર્યું એવું ભારી? ૮
જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં;
કહે વર્ણી સુણો ધરણીશ, જેઠામેરની વાત કહીશ. ૯
શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત;
તમ આગળ તે હું ઉચારું, શ્રોતામાં સર્વોપરી હું ધારું. ૧૦
કૃતયુગ1 થકી તે નરનાર, ધર્યાં ભૂતળ બહુ અવતાર;
પતિ પત્નિ થયાં બધે ઠામ, વ્રત પાળ્યું સદા નિષ્કામ. ૧૧
આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો વ્રત તેમ;
બાળ જોબન કે વૃદ્ધજાતે, બ્રહ્મચર્ય પાળ્યું ભલી ભાતે. ૧૨
નરનારી રહ્યા ઊર્ધ્વરેતા,2 રહે કોઈ વડા બ્રહ્મવેત્તા;3
એ જ પુણ્ય ઉદય થયું જ્યારે, મળ્યા પ્રગટ પ્રભુ તેને ત્યારે. ૧૩
વસંતવિલકાવૃત્ત (નિષ્કામવિષે)
લીધા તપસ્વી બહુધા જગમધ્ય જોઈ,
નિષ્કામ તુલ્ય તપ તો ન ગણાય કોઈ;
જો બ્રહ્મચર્ય વ્રત કોઈ અખંડ પાળે,
તો પાપ પૂર્વ ભવનાં સઘળાં પ્રજાળે. ૧૪
કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા,
જોગીશને4 તરત જોગ થકી જગાડ્યા;
બ્રહ્માદિને પણ ઘણાક ફજેત કીધા,
કામે મહેશ સરખાય હરાવી દીધા. ૧૫
રાજ્યાદિ છોડી કરવો વનમાં નિવાસ,
કે અન્ન છોડી કરવા ઉપવાસ માસ;
તે તો કદાપિ જન કોઈ થકી કરાય,
સંકલ્પ કામસુખનો ન તજ્યો તજાય. ૧૬
સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું,
દીઠી ઘણીક સતિ જે તનને દહેલું;
આકાશ માપવિણ છે કદિ તે મપાય,
સંકલ્પ કામસુખનો ન તજ્યો તજાય. ૧૭
વેદાદિશાસ્ત્ર ભણીને વિદ્વાન થાય,
જીતે વિદેશ વિચરી સઘળી સભાય;
કાવ્યાદિ ચોજ તણી5 તે ચતુરાઈ જાણે,
હૈયે અનંગ6 જીતવા નહિ હામ આણે. ૧૮
જે કામથી સુર નરો મુનિશ્રેષ્ઠ હાર્યા,
ગર્વિષ્ઠના ગરવ તે સરવે ઉતાર્યા;
તે કામને વશ કરે જગમાં રહી જે,
સાક્ષાત્ એ જ જન ઈશ્વર તો કહીજે. ૧૯
સાધી સમાધિ તજીને સઘળી ઉપાધિ,
આરાધિ ઈષ્ટ તનની તજી સર્વ વ્યાધિ;
આકાશ મધ્ય વિચરે દવ7 માંહિ પેસે,
દિસે બળિષ્ઠ પણ કામથી હારી બેસે. ૨૦
જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે,
તે કામથી બહુ બહુ બળતા રહે છે;
જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય,
તેના થકી જ રતિના પતિને જિતાય. ૨૧
ચોપાઈ
એવો કામ બળિષ્ઠ છે જેહ, જેઠામેરે જીત્યો હતો તેહ;
તેને પુણ્યે પ્રભુ મળ્યા આવી, તમે પૂછી તે વાત સુણાવી. ૨૨
જેઠાભક્ત તણું કરી કાજ, માંગરોળ ગયા મહારાજ;
દિશા પશ્ચિમમાં ડોસાવાવ્ય, કર્યો આસનનો ત્યાં ઠરાવ. ૨૩
આવ્યો ત્યાં એક વૈશ્યકુમાર,8 નામ ગોવરધન નિરધાર;
પાસે બેસીને કીધો પ્રણામ, ઘણી વાતો કરી ઘનશામ. ૨૪
પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલ્યો વાણિયો તે મુખ વાણી;
જમો તો ચોખી સુખડી લાવું, ગામમાં જઈને ઝટ આવું. ૨૫
ભાવ ભાળીને હા કહી જ્યારે, જઈ લાવ્યો તે સુખડી ત્યારે;
ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત. ૨૬
આવી ક્યાંથી તેં સુખડી આણી, સુણી બોલ્યો તે વાણિયો વાણી;
મારી ફઈનું ખરચ9 છે આજ, ત્યાંથી લાવ્યો છું હે મહારાજ. ૨૭
હતી પૂતળી નામે તે સારી, કહો ક્યાં હશે તે ફઈ મારી?
કહે હરિ જમહાથ ચડી છે, કુંભીપાકમાં જઈને પડી છે. ૨૮
સુણી બોલ્યો ગોવર્ધન એમ, પડે એ તો નરકમાં કેમ?
રામાનંદજી છે પ્રભુ જેહ, તેનાં ભક્ત એકાંતિક એહ. ૨૯
પ્રભુ ભજતાં નરકમાં જાય, એવી વાત તે કેમ મનાય?
સુણી બોલ્યા મુખે મુનિરાજ, જોવી હોય તો દેખાડું આજ. ૩૦
તેણે જોવાની ઇચ્છા જણાવી, ત્યારે શામે સમાધિ કરાવી;
જોયા કુંડ નરક તણા જઈને, કુંભીપાકમાં દીઠી ફઈને. ૩૧
ફઇએ ગોવર્ધનને જોઈ, કાલાંવાલાં કર્યાં બહુ રોઈ;
કાઢ્ય કાઢ્ય અરે ભાઈ મને, દયા આવતી હોય જો તને. ૩૨
કાઢી કુંડમાંથી તેને જ્યારે, જમના દૂત આવિયા ત્યારે;
માર્યો ગોવરધનને માર, નાખી બાઈને કુંડ મોઝાર. ૩૩
જમદૂત કહે ક્રોધ આણી, પાછો જા મૃત્યુલોકના પ્રાણી;
ધર્મને10 નવ પૂછ્યું લગાર, કેમ બાઈને કાઢી બહાર? ૩૪
પછી વાણિયે દેહમાં આવી, મહારાજને વાત સુણાવી;
વળી વિનતિ કરી શિર નામી, મારી ફઈને મુકાવોને સ્વામી. ૩૫
ભગવાન મળ્યા મને તમે, મારી ફઈ કેમ ત્યાં દુઃખ ખમે;
સુણી ઉચર્યા વિશ્વઆધાર, તમે કાઢો જઈ બીજીવાર. ૩૬
બોલ્યો બાળક હે અચ્યૂત! મને મારે ત્યાં તો જમદૂત;
કહે કૃષ્ણ ફરીથી જો જાશો, મારા વચનથી બલવાન થાશો. ૩૭
જમદૂતથી કરજો લડાઈ, મુક્ત આવીને થાશે સહાયી;
પછી તે તો સમાધિમાં ગયો, ફૈને કાઢવા તતપર થયો. ૩૮
જમનો દૂત એક ત્યાં આવ્યો, તેણે ગોવર્ધનને ડરાવ્યો;
ત્યારે કાયા ધરી અદભૂત, દેખી નાઠો તે તો જમદૂત. ૩૯
પૂર્વછાયો
દૂતે જઈ જમરાયને, કહ્યા સર્વવિધિ સમાચાર;
ક્રોધ કરી જમપતિ કહે, જમ જાઓ મળીને હજાર. ૪૦
ચોપાઈ
સુણી સજ્જ થયા જમદૂત, ભારે રૂપ ધર્યાં અદ્ભુત;
આવતા તે ગોવરધને ભાળ્યા, દિસે કાજળ તુલ્ય તે કાળા. ૪૧
ઊંચા ઊંચા તે પર્વત જેવા, ભાળી લાગે ભયંકર એવા;
મુખ શૈલગુફા11 અનુમાન, દાંત શૈલના શિખર સમાન. ૪૨
મુખે માણસનાં શબ ચાવે, તેને દિલમાં દયા નવ આવે;
નાખ્યાં કોટમાં બહુ આંતરડાં, લાલ લોચન લાગે છે કરડાં. ૪૩
માથાં જન તણાં કરમાં ઉછાળે, ભલો ખેલ દડા જેવો ભાળે;
લીધાં ખપ્પર લોહી ભરેલાં, દિસે શોણિત12 પાન કરેલાં. ૪૪
કંઠે કોઈને માથાની માળા, નીસરે કોઈને મુખ જ્વાળા;
હાથ જાણીએ સર્પની ફેણ, અસ્ત્ર શસ્ત્ર ધર્યાં દુઃખદેણ. ૪૫
ધર્યાં ગુપ્તિ ગદા ને ત્રિશૂળ, ધર્યા લોહના દંડ પ્રથૂળ;13
ધર્યા ભારી ભયંકર ભાલા, કરે ક્રોધે ભયંકર ચાળા. ૪૬
તરવાર છરા અને છરી, માંસ તોડવા સાણસી ધરી;
લીધી કોઈએ હાથમાં ફરશી, જનનું લોહી પીવાને તરશી. ૪૭
આવે ઉચ્ચરતા ખાઉં ખાઉં, લોહી પીને કહે છે ધરાઉં;
પ્રલેકાળનાં વાદળાં જેવાં, તન દિસે છે દોડતાં તેવાં. ૪૮
કોઈ સિંહમુખો જમદૂત, કોઈ રીંછમુખો અદભૂત;
કોઈનું મુખ તો જેવું શ્વાન, મુખે કોઈ માંજાર14 સમાન. ૪૯
કોઈ ઘુડમુખા તે જણાય, કોઈ ગર્દભમૂખો15 ગણાય;
કોઈ ઊંટમુખો વળી એમાં, કોઈ મર્કટમુખ પણ તેમાં. ૫૦
આવ્યા ગોવરધનને પકડવા, લાગ્યા જોર કરી બહુ લડવા;
ત્યારે ગોવરધન તણો દેહ, થયો ગોવરધન16 સમ એહ. ૫૧
પગે પીલીને કૈકને માર્યા, ઢીંકા પાટુએ કૈને સંહાર્યા;
જમદૂતનાં લૈ હથિયાર, માર્યા કૈકને તો તેહ ઠાર. ૫૨
કરે હોંકારા ગોવરધન, જાણે ભાંગશે ચૌદે ભુવન;
હરિ આગળ છે તેનો દેહ, લાગ્યો હોંકારા કરવા તેહ. ૫૩
હાથ વીંઝે17 ને પાવ પછાડે, સિંહ કેસરીની પેઠે ત્રાડે;18
લોકો દેખીને અચરજ આણે, સાચો મર્મ તો શ્રીહરિ જાણે. ૫૪
જમ નાઠા તે પામીને ત્રાસ, કહી વાત તે ધર્મની પાસ;
યમરાજા ચડ્યા ક્રોધ ધારી, કરી પાડા ઉપર અસવારી. ૫૫
લોહદંડ લીધો લીધો પાશ,19 ચૌદ કોટિ લીધા સાથે દાસ;
મોટા સિંહ પાડે ત્રાડ જેવી, જમરાય પાડે ત્રાડ એવી. ૫૬
ભારે ફોજ આવી ચડી જ્યારે, ડર પામ્યો ગોવરધન ત્યારે;
સ્નેહે સંભાર્યા શ્રીઅવિનાશી, આવ્યા મુક્ત અક્ષરના નિવાસી. ૫૭
જમરાજ દેખી ડર પામ્યો, હાથ જોડી ઉભો રહ્યો સામો;
કહે મુક્તપ્રત્યે જમરાય, કેમ એને કરો છો સહાય? ૫૮
મહાપાપિણી નારી છે જેહ, તેને લૈ જવા આવ્યો છે એહ;
એને દંડ ઓછો રહી જાય, કુંભીપાકથી કેમ કઢાય? ૫૯
ત્યારે મુક્ત કહે સુણો રાય, પ્રભુ પ્રગટ્યા છે ભૂતળમાંય;
તેની આજ્ઞાથી આવ્યો છે એહ, તમથી અટકાય ન તેહ. ૬૦
ધર્મરાયે પછી સ્તુતિ કીધી, તેની ફૈબાને લઈ જવા દીધી;
ગયા મુક્ત પોતા તણે સ્થાન, આવ્યાં બે જણ જ્યાં ભગવાન. ૬૧
કહે બાઈને સુંદરશામ, તમે જૈ બદ્રિકાશ્રમ ધામ;
થોડા કાળ સુધી તપ કરશો, પછી સત્સંગમાં દેહ ધરશો. ૬૨
અંતે પામશો અક્ષરધામ, એમ કહી મોકલી તેહ ઠામ;
સમાધિથી ગોવરધન જાગ્યો, કરી વાત ને સંશય ભાગ્યો. ૬૩
પુષ્પિતાગ્રાવૃત્ત
અકળ ચરિત્ર એમ કૃષ્ણ કેરાં, ગણી ન શકાય સુણેલ છે ઘણેરાં;
હરિજન હિત આ કથા ઉચારી, પરમ પવિત્ર તથા પવિત્રકારી. ૬૪
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે
શ્રીમાંગરોળનિવાસી ભક્તગોવર્ધનાખ્યાનકથનનામા ષડ્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૬॥