કળશ ૩

વિશ્રામ ૨૭

પૂર્વછાયો

વણિક ગોવરધન કહે, સુણો શ્રીપુરુષોત્તમ આપ;

ફઈ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ? ૧

ચોપાઈ

તેને ઈશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુ તણું ધ્યાન;

નામ મંત્ર તણો જપ કરતી, વ્રત વિવિધ પ્રકાર આચરતી. ૨

ઘણાં તીર્થનું સેવન કીધું, મોટા સંતને ભોજન દીધું;

કર્યાં પુણ્ય તેણે ઘણાં એમ, કુંભીપાક વિષે પડી કેમ? ૩

સુણી બોલ્યા હરિ સાક્ષાત, તેના પાપ તણી કહું વાત;

ધરમાદા તણું ધન જેહ, હતા પાસા1 સોના તણા તેહ. ૪

રામાનંદસ્વમીએ વિચારી, એહ બાઈને સોંપ્યા સંભારી;

તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ. ૫

ત્યારે બોલી વચન તે બાઈ, નથી મારી પાસે ધન કાંઈ;

સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને. ૬

દીધો સ્વામીએ બહુ ઉપદેશ, તોય માન્યું નહિ લવલેશ;

એવું કાંચન2 છે મહાપાપી, બુદ્ધિ જનની બગાડે કદાપી. ૭

ઘરબાર તજી વન જાય, તોય ધનથી કદી લલચાય;

હરિભક્તપણું ભલું ધરે, તન મન ધન અર્પણ કરે. ૮

તેને પણ ધન ધર્મથી પાડે, કુંભીપાકનાં દુઃખ દેખાડે;

ગુરુનું સોનું ઓળવ્યું3 એણે, કુંભીપાક વિષે પડી તેણે. ૯

ભક્તિપુત્ર કહે ભગવાન, સુણો ગોવરધન ગુણવાન;

કહું પાપ તણા બે પ્રકાર, ધર્મશાસ્ત્ર તણે અનુસાર. ૧૦

ઉપપાતક જે પાપ છોટાં, મહાપાતક જે પાપ મોટાં;

માંસભક્ષક ને ગૌઘાત, ઉપપાતકમાં છે તે ભ્રાત. ૧૧

મહાપાતક પાંચ ગણાય, મદ્યપાન ને બ્રહ્મહત્યાય;

ત્રીજું ગુરુપત્ની સંગ કરે, ચોથું હેમ ગુરુ તણું હરે. ૧૨

એવાનો અતિ સંગી છે જેહ, પાંચમો મહાપાપી છે તેહ;

લખ્યું છે જે મિતાક્ષરા માંહી, તે હું તમને સુણાવું છું આંહી. ૧૩

ગાયો સોને હાથે હણે જ્યારે, મહાપાપી તો તે થાય ત્યારે;

મહાપાપ કરે એક વાર, ગાયો સો વધતુલ્ય થનાર. ૧૪

ગુરુનું ધન હરવામાં એવું, મહાપાતક છે જુવો કેવું;

ગુરુનું કાંઈ કામ કરાય, તેમાં છાની દલાલી ખવાય. ૧૫

કાંઈ વસ્તુ ગુરુ તણી ચોરે, પકડે તેને જમદૂત જોરે;

ગુરુને રહી બાગબગીચે, તેનાં ફળ ફૂલ ચોરીને વેચે. ૧૬

ગુરુ સાથે કરે જે ઠગાઈ, તેનું પાપ ભયંકર ભાઈ;

ત્યાગી સાધુની થાપણ રાખે, તેને રૌરવ નરકમાં નાંખે. ૧૭

વસ્તુ ત્યાગીને જે વેચી આપે, નાણું તેમાં થકી કાંઈ કાપે;

એહ ત્યાગી ને એહ ગૃહસ્થ, લાગે બેયને પાપ સમસ્ત. ૧૮

પાપ નાશ થવા નિજ કેરાં, દે છે દેવને દ્રવ્ય ઘણેરાં;

એમાંથી અણહકનું જે ખાય, પાપ દેનારનું તેને જાય. ૧૯

દેવમંદિરમાં ચોરી કરે, કુંભીપાકમાં તેહને ધરે;

દેવમંદિરનો માલ જેહ, છાનો આપી દે કોઈને તેહ. ૨૦

કામ ચોરીનું તે કહેવાય, કરનાર તે નરકમાં જાય;

ગુરુ મોકલે જો પરદેશ, વાટ ખરચી આપીને વિશેષ. ૨૧

જુઠું ખર્ચ લખી ધન રાખે, મહાપાપી મુનિ તેને ભાખે;

વસ્તુ ખાવાની ચોરીને ખાય, તોય ચોરી કરી કહેવાય. ૨૨

માળા ફેરવે ને ધ્યાન ધરે, દેવ સાથે ઠગાઈ જો કરે;

એનું કેમ થાશે જ કલ્યાણ, નથી અંતરજામી અજાણ. ૨૩

કરે એકાદશી ઉપવાસ, વસે તીર્થ વિષે જઈ વાસ;

કોટી કોટી કરે જો ઉપાય, ગુરુદ્રોહનો દોષ ન જાય. ૨૪

તારી ફૈયે કર્યું કામ એવું, કોટી જજ્ઞે મટે નહિ જેવું;

કુંભીપાકમાં તે થકી ગઈ, તેને છોડાવી તેં આજ જઈ. ૨૫

ઉપજાતિવૃત્ત (ગુરુનું ધન ચોરનાર વિષે)

કહે સુગોવર્ધનને કૃપાળુ, જે દ્રવ્ય ચોરે ગુરુદેવવાળું;

સુણો કહું છું વળી પાપ એનું, નથી નથી વારણ કાંઈ તેનું. ૨૬

સ્ત્રી બ્રહ્મહત્યા કદી જો કરાય, વ્રતો કર્યાથી કદી તે છૂટાય;

જો ચોરી કીધી ગુરુદેવતાની, નથી ક્રિયા તે અઘ4 છૂટવાની. ૨૭

વૈરાગ્ય પામી ઘર છોડી દીધું, પછી ગુરૂનું ધન ચોરી લીધું;

ધિક્કાર તેને શ્રુતિયો કહેશે, મુવા પછી તે ગતિ કેવી લેશે. ૨૮

શૂરો જઈને રણમાંથી નાસે, સતી ચિતાનો દવ દેખી ત્રાસે;

ત્યાગી થઈને નહિ ત્યાગ પાળે, તે શું જીવે છે મુખ આપ કાળે. ૨૯

અન્યત્ર ઠામે અઘ જે મળે છે, તે તો ગુરૂસેવનથી ટળે છે;

જો લેશમાત્રે ગરુદ્રોહ થાય, તે પાપ ટાળ્યાથી નહીં ટળાય. ૩૦

સંસાર છોડે દુઃખ પામવાથી, તે થાય ત્યાગી સુખની સ્પૃહાથી;

તે તો ગુરૂના ધનને તકાવે,5 છોડે નહિ જો કદી હાથ આવે. ૩૧

જો કોઈ ચોરી ગુરુદ્રવ્ય ખાશે, જરૂર તે તો નરકે જ જાશે;

અનંત કોટિ જુગ વીતિ જાય, તથાપિ તેનો છુટકો ન થાય. ૩૨

ગુરૂની ચોરી કરી સાંભળીને, મુખે ધરે છે જમ આંગળીને;

પાતાળ પૃથ્વી નથી કેમ જાતી, આવી ક્રિયા કેમ હશે ખમાતી! ૩૩

પૃથ્વી તણો ભાર ગણે ન શેષ, મેરૂ તણો તો ન ગણે જ લેશ;

ગુરૂની ચોરી કરનાર પાપી, તેનો નહીં ભાર સહે તથાપી. ૩૪

ચોરી ગુરૂની કરી હોય જેણે, માતા પિતાની હણી લાજ તેણે;

જે વંશમાં તે જનમ્યો જણાય, તે વંશને લાંછન તો ગણાય. ૩૫

એવા તણો જે કરશે પ્રસંગ, અશુદ્ધ થાશે બહુ તેનું અંગ;

પાપી તણા સંગથી પાપ લાગે, દવ પ્રસંગે દવ જેમ જાગે. ૩૬

ન સંગ કીજે વ્યભિચારી કોય, ન સંગ કીજે જન ચોર હોય;

ન સંગ કીજે કદી નાસ્તિકોનો, પ્રસંગ કીજે જન આસ્તિકોનો. ૩૭

વસંતતિલકાવૃત્ત

જો હોય સત્ય ઉર આસ્તિકતા લગારે,

તો ધર્મદ્રવ્ય હરતાં બહુ બીક ધારે;

ધર્મિ જણાય પણ નાસ્તિક હોય જેહ,

ધર્માર્થનું ધન કદી હરનાર તેહ. ૩૮

   ધર્માર્થનું ધન હળાહળ ઝેર જેવું,

   તે ચોરીને સમઝુએ કદીયે ન લેવું;

   તે દ્રવ્ય તો સકળ સૌખ્ય વિનાશકારી,

   કલ્પાંત6 કોટિ લગી દાયક7 દુઃખ ભારી. ૩૯

જો ખાઈ જાય જન કોઈ અપક્વ પારો,8

તે તો જરૂર તનમાં કદી ફૂટનારો;

તે તુલ્ય છે ગુરુ તણું ધન એમ ધારો,

જે ચોરી ખાય જન તે દુઃખિયો થનારો. ૪૦

   ત્યાગી થઈ ગુરુ તણું ધન ચોરી ખાય,

   એ આસુરી જન સમો જગમાં જણાય;

   કાં તો મહા અસુરનો જન એ જ અંશ,

   બૂડાવવા અવતર્યો નિજ તાતવંશ. ૪૧

જે ત્યાગી હોય ગુરુનું ધન ચોરનારો,

તેથી ગૃહસ્થ ગણિયે હરિભક્ત સારો;

ધર્માર્થ કાજ અરપે ધન તે કમાઈ,

ત્યાગી થયો પણ ગયો મૂળમાંથી ભાઈ. ૪૨

   ચોરી તથા જગતમાં વ્યભિચાર જે છે,

   ભૂંડાં મહાકરમ તો અતિ એ જ બે છે;

   જેણે કરી જનમીને કદિ ચોરી જારી,9

   તે તો ગયો નરતનૂ ધરી વ્યર્થ હારી. ૪૩

નિર્લજ્જ એ જ જન લોક વિષે જણાય,

તે જીવતો મૃતકતુલ્ય સદા ગણાય;

આ લોકમાં અપજશે10 મુખ શામ થાય,

અંતે જઈ નરકમાં અતિ માર ખાય. ૪૪

   જ્યારે પ્રવૃત કળિકાળ વિશેષ થાશે,

   ત્યારે અસાધુ પુરુષો જગમાં જણાશે;

   જો પુણ્ય જાણી જન ભોજન પાન દેશે,

   તેમાંથી સાધુ ઘૃત સાકર ચોરી લેશે. ૪૫

મિષ્ટાન્ન ખાઈ મનમાં નહિ તે ધરાય,

લાડુ જલેબી દળ આદિક ચોરી જાય;

તે ગુપ્ત રાખી વળતે દિન છાનું ખાશે,

એવા અસાધુ કળિકાળ વિષે જણાશે. ૪૬

   ચેલા વિચારી કરવા ગુરુએ સદાય,

   વૈરાગ્ય સત્ય ઉરમાં જનને જણાય;

   જાણ્યા વિના ગુણ ગુરૂ કરી શિષ્ય લેશે,

   તો તે કદાપિ ગુરુને પણ ઝેર દેશે. ૪૭

ચોર્યું ન હોય ગુરુનું ધન જો કદાપી,

મિથ્યાપવાદ ધરશે જન તેહ પાપી;

આ લોકમાં પ્રભુ તણો પણ ચોર એ છે,

નિર્દોષના ઉપર જે જન દોષ દે છે. ૪૮

   એવી વિશેષ હરિએ શુભ વાત કીધી,

   ગોવર્ધને સુણી બધી મન ધારી લીધી;

   તેને અનન્ય હરિએ નિજભક્ત કીધો,

   પ્રીતેથી લોજપુરનો પછી પંથ લીધો. ૪૯

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણ નૃપ હરિ છે સમર્થ એવા, નથી નથી કોઈ સમર્થ કૃષ્ણ જેવા;

અતિ અઘ કરનાર કોઈ હોય, પલક વિષે જ કરે પવિત્ર તોય. ૫૦

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

માંગરોળનિવાસીભક્ત-ગોવર્ધનાખ્યાનકથનનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ॥૨૭॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે વનવિહારનામા તૃતીયકલશઃ સંપૂર્ણઃ ॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે