વિશ્રામ ૩
ઉપજાતિવૃત્ત
હે ભૂપતિ શ્રીહરિ છે સુજાણ, પ્રભાતમાં ઊઠી કરે પ્રયાણ;
કદાપિ માગે જન પાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા. ૧
આહાર ક્યારે ફળનો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે;
કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાયે વનમાં જ વાસ. ૨
એવી રીતે તે વિચર્યા વિદેશ, ઉલંઘિયાં ગામ પુરો વિશેષ;
વીત્યા ઘણા વાસર એમ જ્યારે, તે નૈમિષારણ્ય ગયા જ ત્યારે. ૩
કાલિંદિ1 ગંગાતટ ભાગ એહ, ગણાય છે પૃથ્વી પવિત્ર જેહ;
જ્યાં નિર્મળી ધેનુમતિ2 નદી છે, નિવાસ ત્યાં સૌ સુરસાથ3 ઇચ્છે. ૪
મુનિ તણા આશ્રમ ત્યાં અનેક, મળ્યા મુનિ સૌ ગણિ ઇષ્ટ એક;
લેતાં સગાં દર્શનસુખ જેહ, દીધું મુનીને લઈ ત્યાંથી તેહ. ૫
સર્વે મુનિને મન ધૈર્ય દીધું, વિજોગનું કષ્ટ વિનાશ કીધુ;
કરી તહાં વાસર ચાર વાસ, પછી પધાર્યા કરવા પ્રવાસ. ૬
આવ્યું જતાં શ્રીપુર નામ ગામ, આદિત્ય4 અસ્તંગત5 એહ ઠામ;
સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો. ૭
મહાંતજી તે મઠમાં રહે છે, તે આવીને શ્રીહરિને કહે છે;
હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો. ૮
આવો જમો ભોજન રૂડી ભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે;
ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો. ૯
કહું દયા અંતર માંહિ આણી, માનો મહારાજ અમારી વાણી;
કહે હરિ કાંઈ ધરૂં ન ત્રાસ, વસ્તિ વિષે તો ન ગમે નિવાસ. ૧૦
ઇચ્છા નથી ભોજનની અમારે, શું કામ છે તો મઠ માંહિ ત્યારે?
આ ઓટલે ઠીક અમે સુવાશે, ભવિષ્યમાં જેહ થવાનું થાશે. ૧૧
અથ મૃત્યુ વિષે
સંતાઈ પેઠે નહિ મોત મૂકે, ચુકાવવાથી નહિ મોત ચૂકે;
અનેક દોરા દિશ6 હાથ બાંધે, આયુષ્ય તૂટે નહિ કોઈ સાંધે. ૧૨
રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે;
જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે. ૧૩
મૂર્ખા જનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઊગરે છે?
મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુઆનો ભય શીદ આણે. ૧૪
જ્યાં મોત આવી ગ્રહશે જરૂર, જવા નહીં દે ડગ એક દૂર;
ત્યારે વિચારી દૃઢ ચિત્ત થાવું, જ્યારે મળે તત્ક્ષણ ઊઠી જાવું. ૧૫
વાટે મળે કે કદી નીર ઘાટે, નહીં મુઝાવું મન મોત માટે;
તૈયાર થૈ નિત્ય જને રહેવું, ખમો ઘડી એમ નહીં કહેવું. ૧૬
આત્મા કદીયે મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ;
જ્ઞાની મુઆથી ડરતો નથી જ, તે હર્ષ શોકે કરતો નથી જ. ૧૭
જેને મરીને હરિધામ જાવું, તો શીદ શોકાતુર ચિત્ત થાવું;
જેને નથી નિશ્ચય ત્યાં જવાનો, તેને સદા શોક ઘણો થવાનો. ૧૮
એવું સુણીને ઉચર્યો મહાંત, વૃદ્ધો તણાં છે વચનો અભ્રાંત;7
મેરૂ ડગે કે રવિ રાહ ચૂકે, મહીશ જોગી હઠ તો ન મૂકે. ૧૯
મહાંત સૂતો મઠમાં જઈને, તે દ્વારનાં જોડ કમાડ દઈને;
પડી નિશા ને પુરદ્વાર વાશી, સૂતા સહુ તે પૂરના નિવાસી. ૨૦
ગયા નિશાના જુગ જામ8 જ્યારે, આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે;
પાડે બહુ ત્રાડ પ્રમત્ત9 તેહ, જાગ્યા મહાંતાદિક લોક જેહ. ૨૧
જાણ્યું મરાયો લઘુ10 બ્રહ્માચારી, જોયું ઉઘાડી અતિ ઊંચી બારી;
દીઠો પ્રભુ આગળ સિંહ બેઠો, ત્યારે થયો કાંઈક જીવ હેઠો. ૨૨
ઊંચે રહી ધીરજ ઊર ધારી, જુએ તમાસો ચિત્તમાં વિચારી;
જોયું પ્રભુએ નિજદૃષ્ટિ સાંધી, તે સિંહને તો થઈ ત્યાં સમાધી. ૨૩
અપૂર્વ આશ્ચર્ય નિહાળી એવું, ન સાંભળેલું નવ દીઠું જેવું;
મહાંત ને શિષ્ય કરે વિચાર, આ તે હશે શંકર કે મુરાર.11 ૨૪
સમર્થ આ તો અતિશે જણાય, આવી ક્રિયા માણસથી ન થાય;
અરણ્યનો સિંહ દિસે અજાણ્યો, તે કેમ આ બાળકથી લજાણો? ૨૫
વીતી નિશા ને પ્રગટ્યું પ્રભાત, જાગ્યાં પશું પક્ષી મનુષ્યજાત;
દૂરે રહીને જન સિંહ દેખે, આશ્ચર્ય મોટું ઉર માંહિ લેખે. ૨૬
વાણી વદે છે જન સર્વ એમ, આ વર્ણીને છે વશ સિંહ કેમ?
તો સિંહ જેવો જુલમી જણાય, મનુષ્ય તો વશ્ય અવશ્ય થાય. ૨૭
બીજો કહે પશ્ચિમ દેશ જ્યાં છે, કાઠી તણો ત્રાસ ઘણો જ ત્યાં છે;
જો વર્ણી આ સોરઠ દેશ જાય, જરૂર કાઠીજન વશ્ય થાય. ૨૮
જે લોકની સંપત્તિ લૂંટી લે છે, જેનો બધી ભૂમિ વિષે જ ભે12 છે;
છે ક્રૂર તે વાઘ થકી વિશેષ, હત્યા કરે પાપ ગણે ન લેશ. ૨૯
ગાયો હરે છે દ્વિજ કેરી જ્યારે, દોડાવતાં માર અપાર મારે;
તેનાથી ધ્રુજી રહી આખી ધર્તી, કરી શકે શું નૃપ ચક્રવર્તી. ૩૦
પૂર્વછાયો
એવી રીતે જન જોઈને, કહે આ તો અપૂર્વ છે વાત;
ઈશ્વરનો અવતાર છે, એહ જોગી નહિ જનતાત. ૩૧
ચોપાઈ
પછી ત્યાંથી ચાલ્યા મહારાજ, નદીને તટ નાવાને કાજ;
સિંહ શ્રીહરિ પાછળ જાય, જેમ ગોવાળ પાછળ ગાય. ૩૨
કહે સિંહને શ્રીઅવિનાશી, જાઓ વનમાં તમે વનવાસી;
પછી સિંહ ચાલ્યો ગયો વનમાં, ચાલી વાત તે તો પુર જનમાં. ૩૩
ત્યારે દર્શન કરવાને કાજ, ચાલ્યો પુરમાંથી જનનો સમાજ;
કહે લોક કરીને પ્રણામ, રહો નાથ અમારે જ ગામ. ૩૪
ત્યાં તો આવ્યા બાવો મઠધારી, ઘણે આગ્રહે વિનતિ ઉચ્ચારી;
ચાલો સોંપીશ હું મઠ તમને, શેર અન્ન જ આપજો અમને. ૩૫
લક્ષ દ્રવ્યની તો છે પેદાશ, વળી છે બહુ દાસી ને દાસ;
થાઓ સર્વેના માલિક તમે, દાન પુન્ય કરો જેમ ગમે. ૩૬
સુણી બોલિયા શ્રીહરિ ત્યારે, નથી વૈભવ જોતો અમારે;
અમે તો જશુ તીર્થમાં ફરવા, સારા સંતનો સત્સંગ કરવા. ૩૭
ઉપજે જેને સાચો વૈરાગ, તે તો રાજ્યનો પણ કરે ત્યાગ;
પ્રભુચરણને ચિત્ત ચહાય, તે તો લક્ષ્મીથી નવ લલચાય. ૩૮
ઉપજાતિવૃત્ત (સાચા વૈરાગ્ય વિષે)
સંસાર છોડી જન ભેખ ધારે, તે તો દિસે છે ત્રિવિધ પ્રકારે;
ભાખું હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબોધે કરજે13 મુંઝાઈ. ૩૯
સંસાર છોડે કરી જેહ ક્રોધ, તે ત્યાગી થૈને કરશે વિરોધ;
સત્સંગ કેરો મહિમા ન જાણે, નિમિત્ત અલ્પે અતિ ક્રોધ આણે. ૪૦
સૂજે નહી ઉદ્યમ દેવું થાય, મુંઝાઈ જોગી થઈ માંગી ખાય;
તે તેહના લક્ષણથી જણાશે, પદાર્થ કે સ્વાદ સદા ચહાશે. ૪૧
સંસાર તો સર્વ અસાર જાણી, જ્ઞાની તજે તેહ વિરાગ આણી;
જો અંતરેથી ઉલટી કરાય, તે પાછું ખાવા ચિત્ત શું ચહાય. ૪૨
સદ્યોગી14 સૌને નમતો રહે છે, તે શ્રીહરિને ગમતો રહે છે;
દશેન્દ્રિયોને દમતો રહે છે, માનાપમાનો ખમતો રહે છે. ૪૩
જે જોગી ઇંદ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્યઇચ્છા ઉર કેમ આણે;
સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઇચ્છે નહીં દૈહિક સુખ ક્યારે. ૪૪
એવું કહી શ્રીહરિ તો સિધાવ્યા, જોતાં જનોની નજરે ન આવ્યા;
આશ્ચર્ય પામ્યા પુરના નિવાસી, વિજોગથી સર્વ થયા ઉદાસી. ૪૫
ઉલંઘી મોટું વન વાટ કેરું, ક્ષુધાદિ સંકષ્ટ સહી ઘણેરું;
વીતી ગયા વાસર કૈંક જ્યારે, ગયા હરદ્વાર દયાળુ ત્યારે. ૪૬
જ્યાં ગુપ્તગંગા પ્રભુ ત્યાં પધાર્યા, જયોતિર્મઠે જૈ જન કૈંક તાર્યા;
શ્રીપુરથી સંચરી મેઘશામ, રહ્યા જઈને બદરીશ ધામ. ૪૭
પ્રમિતાક્ષારાવૃત્ત
બદરીશ પાસ નદી ગંગ વહે, સુરલોકવાસી પણ ચિત્ત ચહે;
તનના ઉતાપ વળી પાપ હરે, જળથી પવિત્ર પળ માંહિ કરે. ૪૮
બહુ લોક સંઘ સજી જાય તહાં, જપવાથી થાય જપ સિદ્ધિ જહાં;
તટમાં તપસ્વિ જન વાસ કરે, હઠજોગ સાધી હરિધ્યાન ધરે. ૪૯
વળી વેદપાઠી ઋષિ વેદ ભણે, ઘરબાર છોડી રહી વર્ણિપણે;
ૠષિ કોઈ ગંગતટ યજ્ઞ કરે, ઉર સ્વર્ગવાસ તણી આશ ધરે. ૫૦
હરખ્યા સમસ્ત હરિને નિરખી, સરિતા વિશેષ સહુથી હરખી;
કહી ધન્ય ધન્ય સુત ધર્મ તણા, સતકાર કીધ મળી સર્વ ઘણા. ૫૧
ધનહીન હોય ધન જેમ જડે, હરખાય રંકજન રાજ વડે;
ઉર સર્વને જ મુદ એમ થયો, કવિથી કદાપિ નવ જાય કહ્યો. ૫૨
અજ ઇશ15 નીશદિન ધ્યાન ધરે, મળવાની આશ મન માંહિ કરે;
કદી કલ્પ કોટિ પણ જાય વહી, હરિમૂર્તિ તોય દરશાય નહીં. ૫૩
કરુણાનિધાન કરુણા કરીને, મળિયા સુદેહ નરનો ધરીને;
જનજન્મ16 ધન્ય સુર સર્વ ગણે, સદભાગ્ય ભૂરિ17 સુરભૂપ18 ભણે. ૫૪
પ્રભુ નાહિ ગંગજળ પાન કર્યું, સરિતાનું સર્વ મળ શામ હર્યું;
પ્રભુ ધન્ય ધન્ય સરિતા ઉચરી, મુજને પવિત્ર અતિ આજ કરી. ૫૫
પૂર્વછાયો
નિર્મળ નારદકુંડ છે, તપ્તકુંડ તહાં છે એક;
ઉર્વશિસંગમ છે વળી, એવાં એવાં છે તીર્થ અનેક. ૫૬
ચોપાઈ
શિલા એક છે નારદી નામ, વૈનતેયી19 બીજી તેહ ઠામ;
ત્રીજી વારાહી નામ વિશુદ્ધ, નારસિંહી ચોથી જાણે બુદ્ધ.20 ૫૭
નરનારાયણી શિલા જે છે, તે તો પાંચમી ગણતાં ગણે છે;
શિલા પાંચે તે તીર્થ પ્રમાણો, વળી ત્યાં અગ્નિતીર્થ છે જાણો. ૫૮
તીર્થ ત્યાં છે કપાલમોચન, તૈમિંગિલ બીજું તીર્થ પાવન;
ઇન્દ્રપદ તીર્થ છે એક સારું, માનસોદ્ભવ તીર્થ ઉચારું. ૫૯
કામતીર્થ તથા વસુધાર, પંચધારા છે તીરથ સાર;
તીર્થ સોમકુંડાયન જાણું, દ્વાદશાદિત્ય તીર્થ વખાણું. ૬૦
ચતુઃશ્રોત આદિક ઘણાં એહ, પ્રભુએ કર્યાં પાવન તેહ;
શાંતમૂર્તિ છે શ્રીભગવાન, તપ્તકુંડે કર્યું જ્યારે સ્નાન. ૬૧
તપ્તકુંડને તો ટાઢો પાડ્યો, અગ્નિતીર્થનો તાપ મટાડ્યો;
શિલા પાંચ કઠણ હતી જેહ, પદ સ્પરશે મૃદુલ થઈ તેહ. ૬૨
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર બદરીશ21 પાસ જૈને, નમી કર જોડી પ્રસન્નચિત્ત થૈને;
નિજજન મનને અભીત22 કીધાં, નિરભય વાક્ય વળી સુણાવી દીધાં. ૬૩
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-બદરીકેદારગમનનામા તૃતીયો વિશ્રામઃ ॥૩॥