કળશ ૩

વિશ્રામ ૪

પૂર્વછાયો

મંદિર બદરીનાથનું, તહાં આસન કરીને એકાંત;

ધ્યાનમુદ્રાએ ધર્મસુત, બેઠા શરીર મન કરી શાંત. ૧

ચોપાઈ

એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે;

ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું. ૨

પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી;

અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મસ્થાપન કાજ. ૩

ભરતભૂમિમાં સઘળે ફરશો, સર્વે તીરથ પાવન કરશો;

સારો ઉદ્ધવનો સંપ્રદાય, પ્રસરાવશો પૃથવીમાંય. ૪

તજે અષ્ટ પ્રકારે જે નારી, એવા કરશો સાધુ બ્રહ્મચારી;

તમે પશ્ચિમ દેશ વિચરશો, મોટાં મંદિર સુંદર કરશો. ૫

ભરતખંડમાં આજ ઠેકાણે, મારી મૂર્તિ તે કોઈક જાણે;

માટે ગુજરાત મધ્યે વિચારી, પધરાવશો મૂર્તિ અમારી. ૬

વળી લક્ષ્મીનારાયણ આદિ, પધરાવશો કૃષ્ણરાધાદિ;

એવાં વચન કરીને ઉચાર, થયા અંતરધાન તે ઠાર. ૭

ઉપજાતિવૃત્તિ

એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાક્યો ઉચર્યો અનેક;

ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો. ૮

આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે;

એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે? ૯

તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી! મારું સતયુગ નામ;

મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ. ૧૦

ધર્મ પ્રવર્તાવનને જ કાજ, તમે ધર્યો છે પ્રભુ દેહ આજ;

આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો. ૧૧

મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ ધ્યાન ધરતા;

તે ધર્મ સ્થાપો વર એ જ માગું, પ્રભુ તમોને લળી પાય લાગું. ૧૨

સુણી પ્રભુએ દિલ ધારી લીધું, તે યુગને ત્યાં વરદાન દીધું;

સ્થાપીશ હું સાંપ્રત1 ધર્મ તારો, ત્રણે યુગોથી પણ તેહ ન્યારો. ૧૩

કરીશ હું સાધુ તપસ્વી કેવા, આ કાળમાં ક્યાંઈ જડે ન એવા;

માધુકરી2 ભીખ જમે જ માગી, ગોળા જળે મિશ્રિત સ્વાદ ત્યાગી. ૧૪

વસે નિશાયે વનમાં જ વાસ, દિલે સદા વિશ્વ થકી ઉદાસ;

ઉપોષણે3 દેહ દમે વિશેષ, ઇચ્છે નહી દૈહિક સુખ લેશ. ૧૫

રાજી થયો તે જુગ સાંભળીને, ગયો પ્રભુને ચરણે ઢળીને;

ત્યાં આવિયો તે પછી ક્ષત્રિ કોઈ, કરે મુખે ખૂબ વિલાપ રોઈ. ૧૬

કહે પ્રભુ હે નર કોણ તું છે? કરે ઘણું રોદન કષ્ટ શું છે?

સુણો કહું હે હરિ સર્વવેત્તા,4 જાણો મને તો જુગ નામ ત્રેતા. ૧૭

મારે સમે સૌ જન યજ્ઞ કર્તા, તેથી સુરો સંકટ સર્વ હર્તા;

હે નાથ ભૂમાં મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો. ૧૮

કહે હરિ યજ્ઞ ઘણા કરીશ, હું ધર્મ તારો અતિ આચરીશ;

જ્યાં ભક્તવાળો બહુ ભૂમિભાગ, વિશેષ થાશે તહિં વિષ્ણુયાગ. ૧૯

એવું પ્રભુયે વરદાન આપ્યું, ત્રેતા તણું સંકટ સર્વ કાપ્યું;

ત્યાં વૈશ્ય રૂપે નર એક આવ્યો, પોકાર સંકષ્ટ તણો સુણાવ્યો. ૨૦

તેને વળી શ્રીહરિ એમ પૂછે, શું કષ્ટ છે ને નર કોણ તું છે?

ત્યારે કહે દ્વાપર નામ મારું, ઇચ્છું સદા હું શરણું તમારું. ૨૧

મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌ લોક કર્તા સુરમૂર્તિ અર્ચા;

સદ્ધર્મ સાથે શુભ ભક્તિ માર્ગ, હતો હણી તેહ કર્યો કુમાર્ગ. ૨૨

આ કાળમાં ભક્તિપથે જનારા, તે ધર્મથી ભ્રષ્ટ દિસે થનારા;

કહું અધર્મી તણી ભક્તિ કેવી, નદી નિહાળી જળહીન જેવી. ૨૩

મારા સમાનો શુભ માર્ગ જેહ, તમે ચલાવો જનમધ્ય તેહ;

મોટાં રુડાં મંદિર તો રચાવો, તેમાં સુરોની મૂરતિ સ્થપાવો. ૨૪

ઉપાસના માર્ગ અમૂલ્ય સ્થાપો, હે નાથ એવું વરદાન આપો;

કહે પ્રભુ તું સુણ બોલ મારો, સ્થાપીશ હું ભૂતળ ધર્મ તારો. ૨૫

મોટાં રુડાં મંદિર તો રચાવું, ઘણે પ્રકારે પ્રતિમા પૂજાવું;

ઉપાસના માર્ગ અમૂલ્ય એહ, સ્થાપીશ સદ્ધર્મ સમેત તેહ. ૨૬

એવું હરિનું વરદાન લીધું, તેણે પછી ત્યાંથી પ્રયાણ કીધું;

એવે સમે ત્યાં નર ભીલ્લ આવ્યો, શોકાતુરે શોક ઘણો જણાવ્યો. ૨૭

કહે હરિ તું વદ નામ તારું, શું કષ્ટ છે તે વદ તો વિચારું;

હે નાથ જાણો કલિકાલ હુંય, તમારી આજ્ઞા વશવર્તિ છુંય. ૨૮

સુરાસુરો સૌ રચનાર આપ, સૌથી તમારો પરમ પ્રતાપ;

તમારી ઇચ્છા વીણ વિશ્વમાંઈ, કોઈ થકી થૈ જ શકે ન કાંઈ. ૨૯

તમારી શક્તિ પ્રભુ કાળ માયા, સૌના નિયંતા હરિ વિશ્વરાયા;

સૌની તમે છે મરજાદ બાંધી, ચાલે સહુ તેમ જ દૃષ્ટિ સાંધી. ૩૦

મર્યાદ બાંધી દિન ને નિશાની, મર્યાદ બાંધી ૠતુઓ બધાની;

મર્યાદ બાંધી જુગ ચાર કેરી, તમે નિભાવો નિજશક્તિ પ્રેરી. ૩૧

બીજા જુગોનાં બહુ વર્ષ કીધાં, મને પૂરાં પંચ લખે ન દીધાં;

તેમાં હરો છો વળી જોર મારું, આ કષ્ટ ક્યાં જૈ હરિ હું ઉચારું? ૩૨

મારે સમે જ્ઞાન વિરાગ જાય, કુસંપ ને ક્લેશ વિશેષ થાય;

હે નાથ જો ભૂતળ ધર્મ સ્થાપો, મને તમે આશ્રય ક્યાંઈ આપો. ૩૩

કુસંપ ને ક્લેશ કુમાર મારા, છે પ્રાણથી બે મુજ પૂર્ણ પ્યારા;

કહો બિચારા જઈ ક્યાં રહેશે, જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે. ૩૪

જાણે જહાં માયિક વસ્તુ ફોક, માનાપમાને નહિ હર્ષ શોક;

જ્યાં નિત્ય સંતોષ વસે વિશેષ, કુસંપ કે ક્લેશ રહે ન લેશ. ૩૫

કહે હરિ ધર્મ રુડો ધરીશ, શિક્ષાની પત્રી શુભ હું રચીશ;

જે લોક તે પત્રીપ્રમાણ ચાલે, તારે જવું ત્યાં નહિ કોઈ કાળે. ૩૬

કરે જ ઉલ્લંઘન વાક્ય મારું, ત્યાં વાસજે5 સર્વ કુટુંબ તારું;

થયો સુણીને કળિકાળ રાજી, ગયો તહાંથી નિજ સૈન્ય સાજી. ૩૭

જે ભૂખના દુઃખથી ભેખ ધારે, તે સ્વાદ ને માન ચહે વધારે;

એવા તણાં છે બહુ ઝુંડ જ્યાંય, ગયો પછી તે કળિકાળ ત્યાંય. ૩૮

લડે મરીને બહુ માન માટે, કુસંપ રાખે તુછ વસ્તુ સાટે;

પરસ્પરે વાંસ ઘસાઈ જેમ, બળી મરે ભેખ મુવા જ તેમ. ૩૯

હતા અધર્મી વળી જ્યાં નરેશ, વસ્યા જઈ તત્ર કુસંપ ક્લેશ;

જેવો દિસે વહ્નિ6 વિનાશકારી, તેવા જ તે બે કળિપુત્ર ભારી. ૪૦

રજા કળીને પ્રભુયે જ દીધી, પોતાની ઇચ્છા પરિપૂર્ણ કીધી;

કેદાર નામે બદરીશ જ્યાંય, કૃષ્ણે કર્યું એવું ચરિત્ર ત્યાંય. ૪૧

ચોપાઈ

થોડા દિન રહી ધર્મકુમાર, પછી ત્યાંથી કર્યો છે વિહાર;

પ્રૌઢ7 વનમાં કરીને પ્રવાસ, પહોંચ્યા પર્વત કાળાની પાસ. ૪૨

ચાલ્યા તેની તળાટી મોઝાર, ત્રણ દિન નવ પામ્યા આહાર;

ફળ જળ પણ ન મળ્યું છેક, આવી ચોથે દિવસ નદી એક. ૪૩

સ્નાનાદિક કરીને જળ પીધું, મોટા વડ તળે આસન કીધું;

ત્યાં જ રાત રહ્યા ભગવાન, આવી ચોકી કરે હનુમાન. ૪૪

જો જો અચરજ એક વિશાળ, કીડી કુંજરની8 રખવાળ;

વડે રહેતો ભેરવ વિકરાળ, કોટિ ભૂત તણો તે ભૂપાળ. ૪૫

રાતે કૃષ્ણને પીડવા આવ્યો, હનુમાને તે મારી નસાવ્યો;

વીતી રાત દિવસ થયો જ્યારે, હનુમાન લાવ્યા ફળ ત્યારે. ૪૬

નિત્યકર્મ કરી જમ્યા નાથ, પ્રસાદી આપી હનુમંત હાથ;

પછી હનુમંતને હરિરાય, કર્યા અવધ્યપુરીમાં વિદાય. ૪૭

પછી ચાલીયા શ્રીઅવિનાશ, પડે રજની ત્યાં કરતા નિવાસ;

એમ દિન કેટલાક વિતાવ્યા, ત્યારે શ્વેતગિરિ પાસે આવ્યા. ૪૮

જો જો હરિનાં મનુષ્યચરિત્ર, પાપી પણ થાય સુણતાં પવિત્ર;

દિશા સાંધીને ચાલતા નાથ, નહિ રસ્તો કે નહિ કોઈ સાથ. ૪૯

આડા વિકટ ત્યાં પર્વત આવ્યા, જોતાં રસ્તો જડ્યો નહિ જાવા;

એવે ટાણે સૂરજ થયો અસ્ત, પેઠાં માળામાં પક્ષી સમસ્ત. ૫૦

હિમાચળ નરનું રૂપ ધારી, સ્તુતિ કૃષ્ણની આવી ઉચ્ચારી;

અહો ઈશ્વર અંતરજામી, તમે છો સચરાચર9 સ્વામી. ૫૧

તમે વ્યાપક સર્વ પ્રદેશ, નથી તમથી અજાણ્યું તો લેશ;

ભૂત ભવિષ્યને વર્તમાન, ત્રણે કાળનું તમને છે જ્ઞાન. ૫૨

તમે મારગે સૌને ચડાવો, ભૂલેલાને તમે ઠામ લાવો;

મળે તમને તે મોક્ષે સિધાવે, તમને કોણ માર્ગ બતાવે. ૫૩

જનહિત નરનાટક ધારી, નરચરિત્ર કરો છો મુરારી;

એમ કહી એક રસ્તો બતાવ્યો, ભાળી ભગવાનને મન ભાવ્યો. ૫૪

ગુફામાંથી આવે ગંગા સામી, તેના સન્મુખ ચાલવું સ્વામી;

જ્યારે પામશો પર્વત પાર, ત્યારે આવશે મારગ સાર. ૫૫

એમ કહી થયો અંતરધાન, નદી સામા ચાલ્યા ભગવાન;

ફોડી પર્વત આવે પ્રવાહ, જોર આંગળી તૂટ અથાહ. ૫૬

સામે પુરે ચાલ્યા ઘનશામ, જ્યારે જામિની ગઈ એક જામ;

ત્યારે પામીયા પર્વત પાર, હૃદ10 ઊંડો આવ્યો એહ ઠામ. ૫૭

જેમાં છે બહુ મગરની જાત, તેને કાંઠે રહ્યા હરિ રાત;

પ્રભુ જાગિયા જ્યારે પ્રભાત, કરી નિત્યક્રિયા ભલી ભાત. ૫૮

હૃદ કાંઠે મેવાનાં છે વૃક્ષ, ફળ લાગ્યાં તેને ઘણાં લક્ષ;11

કર્યો હરિએ તહાં ફળાહાર, પછી ચાલિયા થૈને તૈયાર. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ હિમગિરિમાં કરે પ્રવાસ, વનચરનો ન ધરે તથાપિ ત્રાસ;

વય લઘુ પણ કામ કીધ ભારી, સુણ નૃપ તેહ ચરિત્ર સ્નેહ ધારી. ૬૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-શ્વેતગિરિ પારમહાહૃદગમનનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે