વિશ્રામ ૫
પૂર્વછાયો
ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ ચરિત્રની વાત;
મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત. ૧
ચોપાઈ
હૃદ કાંઠે ચાલ્યા દિનરાત, મળી ત્યારે જોગીની જમાત;
શત પાંચ1 દિગંબર2 દિસે, ગુરુ એક મોટો તેહ વિષે. ૨
તેણે સાધેલો જોગ કહાવે, સર્વ શિષ્યોને જોગ સધાવે;
એક શિષ્યે કહી એવી વાત, ગુરુ સિદ્ધ છે આ સાક્ષાત. ૩
એણે સિદ્ધ કર્યો હઠજોગ, માટે નવ નડે કાળ કે રોગ;
જ્યારે કાળ લેવા તેને આવે, બ્રહ્મરંધ્રે3 તે પ્રાણ ચડાવે. ૪
તેથી કાળ ન ફાવે લગાર, થયાં જોગીને વર્ષ હજાર;
મળ્યા જોગીને શ્રીઘનશામ, પાંચ દિવસ ઠર્યા તેહ ઠામ. ૫
એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ;4
ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે. ૬
હઠજોગ તો સાધ્યો છે એણે, નથી રાખી કચાશ જ તેણે;
ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર. ૭
ક્રિયા જે જે કરે છે તે રાય, અહિં બેઠાં મને તે દેખાય;
મળ્યા આપણે બે સાક્ષાત, તે તો રાજાએ જાણી છે વાત. ૮
માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી;
ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો ક્યાંય? ૯
સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી;
તોય પૂછો છો નરતનું ધારી, માટે હું કહું વાત અમારી. ૧૦
આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઈ જનનો ન થાય પ્રવેશ;
આંહિં આવ્યાજાતા અર્જુન આપે, તે તો પૂરણ કૃષ્ણ પ્રતાપે. ૧૧
થોડાં છે અહિં નગર ને ગામ, વસે વસ્તી પવિત્ર તમામ;
યોગભ્રષ્ટ હોય જન જેહ, આંહિં જન્મ ધરે આવી તેહ. ૧૨
અહિં જોગ સાધી સિદ્ધ થાય, શ્વેતદ્વીપ આદિકમાં જાય;
દુરવાસાના શિષ્ય અનેક, યોગભ્રષ્ટ રહ્યા અમે છેક. ૧૩
તેથી આંહિ ધર્યા અવતાર, અમે સાધીએ યોગ આ ઠાર;
દીધું છે ૠષિએ વરદાન, મળ્યા તેથી તમે ભગવાન. ૧૪
હવે પામીએ અક્ષરધામ, કરો એવું તમે ઘનશામ;
એમ કરતાં થઈ થોડી વાર, ત્યાં તો આવ્યો રાજા તેહ ઠાર. ૧૫
તેણે નખશિખ હરિને નિહાળ્યા, સોળ ચિહ્ન તે ચરણમાં ભાળ્યાં;
દીઠું છાતીમાં શ્રીવત્સ ચિહ્ન, એમ મૂર્તિ જોઇ અવિછિન્ન.5 ૧૬
ગુરુશિષ્યે કરીને વિચાર, જાણ્યા પુરુષોત્તમ નિરધાર;
કીધી પૂજા ઘણી પ્રેમ ધારી, સ્તુતિ સ્નેહ સમેત ઉચ્ચારી. ૧૭
દીક્ષા વૈષ્ણવી વર્ણીએ દીધી, તે તો સમજીને સૌ જને લીધી;
કહે કૃષ્ણ સુણો જન સર્વ, હઠજોગનો ધરશો ન ગર્વ. ૧૮
પ્રાણ રૂંધી સમાધિમાં જાય, હઠજોગ તેને કહેવાય;
પ્રાણ રુંધ્યા વિના ધરી ધ્યાન, જન પ્રેમી પ્રેમાતૂરવાન. ૧૯
હરિમૂર્તિ સમાધિમાં દેખે, રાજજોગ તેને મુનિ લેખે;6
એ તો ઉત્તમ જોગ છે જાણો, હઠજોગથી અધિક વખાણો. ૨૦
વળી વર્ણીએ વાણી ઉચારી, ધરો ધ્યાનમાં મૂર્તિ અમારી;
થોડાં વર્ષમાં તન પરહરશો, સતસંગમાં અવતાર ધરશો. ૨૧
થશો કોઈ ગૃહસ્થ કે ત્યાગી, મારા ચરણ વિષે અનુરાગી;
પછી પામશો અક્ષરધામ, થશો સૌ તમે પૂરણકામ. ૨૨
સુણી હરખ્યા જોગી અને રાય, પછી ભૂપ બોલ્યો નમી પાય;
મારા નગરમાં નાથ પધારો, વસ્તી સર્વનો હર્ષ વધારો. ૨૩
સુણી એવું બોલ્યા ઘનશામ, મારે કરવાનાં છે ઘણાં કામ;
જ્યાં ત્યાં એમ રોકાઉં હું જ્યારે, કામ સર્વ પુરાં થાય ક્યારે? ૨૪
એમ કહી હરિ ત્યાંથી સિધાવ્યા, જતાં કોઈની નજરે ન આવ્યા;
થયા સર્વ વિજોગે ઉદાસી, પણ ઇચ્છા પ્રભુની તપાસી. ૨૫
ધરીને ઉર મૂર્તિનું ધ્યાન, ગયા પોતપોતા તણે સ્થાન;
હરિ ચાલ્યા ગિરિ વન જોતા, પુલહાશ્રમમાં આવી પો’તા.7 ૨૬
નદી ગંડકી ચક્ર આકાર, ના’યા ત્યાં જઈ જગતઆધાર;
મુક્તનાથનું દર્શન કીધું, પછી તપ કરવા વ્રત લીધું. ૨૭
દીધું છે યુગને8 વરદાન, ભારે તપ આચર્યું ભગવાન;
ત્યારે ત્યાંના નિવાસિયો જેહ, તપ કરવા લાગ્યા સહુ તેહ. ૨૮
સતયુગનો ધરમ એમ ધાર્યો, તપનો ઘણો મહિમા વધાર્યો;
તપે રીઝિયા સૂરજ દેવ, આવ્યા પ્રત્યક્ષ ત્યાં તતખેવ. ૨૯
સ્તુતિ ધર્મકુંવર તણી કરી, નિજધામ ગયા રવિ ફરી;
પછી ચાલિયા ત્યાંથી દયાળ, ત્યાં તો આવિયો દેશ નેપાળ. ૩૦
વ્યાપ્યો ત્યાં કળિકાળ જણાય, ગુરુ ધૂર્ત ને સ્વારથી રાય;9
આવ્યું ત્યાં એક સુંદર ગામ, રાજા રાજ્ય કરે તેહ ઠામ. ૩૧
ઉપજાતિવૃત્ત
જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણસિદ્ધિ મળવા ચહે છે;
સદાવ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણસિદ્ધિ મુજને બતાવે. ૩૨
તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધુતારા ધન ધૂતિ જાય;
તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોંયરામાં વનમાં વસે છે. ૩૩
આસો શુદી પૂનમ દિન ચાર, ત્યારે જ તે તો નિસરે બહાર;
ત્યાં તેહનાં દર્શન તો કરાય, મેળો ઘણો તેથી તહાં ભરાય. ૩૪
મેળા તણા વાસર વીતિ જાય, તે ભોંયરામાં ગુરુજી સમાય;
એવી રીત્યે વર્ષ દશેક વીત્યાં, તે સિદ્ધની કીર્તિ ઘણી વધી ત્યાં. ૩૫
ભૂપાળ તો ભાવ વિશેષ રાખે, પૂજી સદા પાવડી અન્ન ચાખે;
સંતોષ તો તેથી નહીં જણાય, સિદ્ધો બીજાની પણ શોધ થાય. ૩૬
જે એક જોગી નૃપ પાસ છેય, તે તીર્થવાસી તણી સુદ્ધ લેય;
જો કોઈ સિદ્ધાઈ કરી જણાવે, તો જોગી તે જૈ નૃપને સુણાવે. ૩૭
તેણે દિઠા શ્રીહરિ બ્રહ્મચારી, મૂર્તિ અલૌકિક પ્રમોદકારી;
આપ્યું ભલું ભોજન પાન લાવી, તે ભૂપને વાત જઈ સુણાવી. ૩૮
છે બાળજોગી પણ શ્રેષ્ઠ જાણું, વિશેષ શી વાત કહી વખાણું;
મળો તમે આણી ઉમંગ ઊર, સુવર્ણસિદ્ધિ મળશે જરૂર. ૩૯
તે ભૂપતિયે પ્રભુ પાસ આવી, પ્રણામ કીધો શિરને નમાવી;
કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણસિદ્ધિ મુજને જ આપો. ૪૦
ઉપજાતિવૃત્ત (ધૂર્ત જોગી વિષે)
કહે હરિ સાંભળ હે નરેશ! લોભી જનોને નહિ બુદ્ધિ લેશ;
અત્યંત લોભી જન જ્યાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પુરું ભરાય. ૪૧
સુવર્ણસિદ્ધિ નહિ પ્રાણિયોમાં, એ તો કહી વાત કહાણિયોમાં;
નહીં કળીમાં નજરે જણાય, તથાપિ ભોળા જન ભોળવાય. ૪૨
સુવર્ણસિદ્ધિ કરનાર જોગી, દિસે ભિખારી નહિ ભવ્ય ભોગી;
ધનાર્થ પોતે પરદેશ ધાય, તથાપિ ભોળા જન ભોળવાય. ૪૩
સુવર્ણસિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યું નહીં કાંચન કેરું ધામ;
સુણ્યા ઘણા જે ધન ધૂતિ જાય, તથાપિ ભોળા જન ભોળવાય. ૪૪
શ્રીમંતને ધૂર્ત જઈ કહે છે, આ ભોંયરે સાપ વડો રહે છે;
ત્યાં દ્રવ્ય છે તે તમને અપાવું, ભોળાય ભોળા સુણી વેણ આવું. ૪૫
કોઈ કહે હું નથી અન્ન ખાતો, કોઈ કહે હું નથી શૌચ જાતો;
કોઈ કહે વાત ભવિષ્ય જાણું, ભોળા જનોનું ઠગી જાય નાણું. ૪૬
કોઈ કહે હું ધન પુત્ર આપું, કોઈ કહે મારણમંત્ર જાપું;
એવા થકી કાંઈ નથી થવાનું, તે કામ તો છે ધન ધૂતવાનું. ૪૭
કોઈ કરે છે તપ ઈશ્વરાર્થે, કોઈ કરે ધાન્ય તથા ધનાર્થે;
કોઇ ચહે છે દધિ10 દુગ્ધપાન, કોઈ ચહે છે જનમધ્ય માન. ૪૮
જે સદ્ગુરૂ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિનાં11 સંકટ સર્વ કાપે;
જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા. ૪૯
ઇત્યાદિ કૃષ્ણે કહી વાત સારી, સુણી ધરાધીશ12 લીધી વિચારી;
જીવેશમાયા તણું જ્ઞાન જેહ, દીધું પ્રભુયે શ્રુતિતત્ત્વ13 તેહ. ૫૦
રાજા તણો ભાવ દીઠો અપાર, રહ્યા હરિ ત્યાં પછી પક્ષ ચાર;14
એકાદશી આશ્વિન શુક્લ આવી, વાર્તા નૃપે શ્રીહરિને સુણાવી. ૫૧
રાજા કહે છે ગુરુજી અમારા, છે ભોંયરામાં નિસરે ન બારા;
આસો શુદી પૂનમ દિન ચાર, ત્યારે જ તે દર્શન આપનાર. ૫૨
ન વસ્ત્ર ધારે નહિ ખાન પાન, છે ભોંયરામાં શબની સમાન;
જે વાસરે15 ત્યાં થકી નીસરે છે, ત્યારે ફળાહાર સદા કરે છે. ૫૩
તે પૂનમે ત્યાં જ ભરાય મેળો, ઘણો થશે ત્યાં જનસંઘ ભેળો;
કહે પ્રભુ તે તજી ખાન પાન, જીવ્યાતણું કારણ જાણ માન. ૫૪
જો તેહ ટાણે જન ત્યાં ન જાય, તો માન તેનું અતિ ભંગ થાય;
જો માન આધાર હશે જિવ્યાનો, તો જીવ તેનો તનથી જવાનો. ૫૫
ભૂપે પરીક્ષા કરવા વિચારી, જવા ન દીધાં નર કોઈ નારી;
તે ભોંયરાથી નિસર્યો બહાર, દીઠાં નહીં માણસ તેહ ઠાર. ૫૬
જોગી થયો તે થકી માનભંગ, છુટી ગયું તત્ક્ષણ તેનું અંગ;
જ્યારે નરેશે બધી વાત જાણી, વર્ણીશમાં પૂર્ણ પ્રતીતિ આણી. ૫૭
તેને જ સર્વોપરિ શ્રેષ્ઠ જાણ્યા, શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ નૃપે પ્રમાણ્યા;
શ્રીકૃષ્ણનો આશ્રય એક કીધો, બીજો બધો મારગ છોડી દીધો. ૫૮
ત્યાંથી મહારાજ પછી સિધાવ્યા, બુટોલ નામે પુર પાસ આવ્યા;
ત્યાંનો મહાદત્ત મહીંદ્ર જેહ, રાખ્યા હરિને સજીને સનેહ. ૫૯
તે ભૂપ કેરી ભગિની ઉદાર, છે તેનું મૈયા શુભ નામ ધાર;
તેણે સજી સ્નેહ સમેત સેવા, શ્રીકૃષ્ણ સર્વોપરિ જાણી એવા. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
નરપતિ ભગિની સુપ્રશ્ન કીધા, સુણી હરિ મર્મ જવાબ સર્વ દીધા;
સુણી સુણી ઉપદેશ કૃષ્ણ કેરા, જન હરિભક્ત થયા તહાં ઘણેરા. ૬૧
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-બુટોલનગરપ્રાપ્તનામા પંચમો વિશ્રામઃ ॥૫॥