વિશ્રામ ૬
પૂર્વછાયો
ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત;
આવિયું એક અરણ્ય ત્યાં, જેનો જોતાં જડે નહિ અંત. ૧
ચોપાઈ
ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જ્યાં નહિ વાસ;
વસે મૃગલાં ને સસલાં શિયાળ, વસે વાઘ વરુ વિકરાળ. ૨
વસે અજગર અરણા1 પાડા, વસે વાનર કેરા અખાડા;
વસે હાથી હજારો હજાર, પશુ વનચરનો નહિ પાર. ૩
ક્યાંઈ ઝાડી દિસે ચારે પાસ, તેમાં ન પડે રવિનો પ્રકાશ;
આવે ક્ષારભૂમિ વળી ક્યાંય, નહિ ઝાડ કે તૃણ પણ ત્યાંય. ૪
ઊંચા ડુંગર ક્યાંઈક દિસે, ક્યાંઈ કોતર ઊંડાં અતિશે;
ક્યાંઈ ભૂત ને પ્રેત ભમે છે, ક્યાંઈ રાક્ષસ રણમાં રમે છે. ૫
શિખરિણીવૃત્ત - ઉલ્લેખાલંકાર
જટાધારી જાણી પરવતસુતાવાહન2 નમ્યા,
નિહાળીને વજ્ર પ્રભુપદ ગજોને3 મન ગમ્યા;
ધનુર્ધારી ધારી નિરખી કપિ ભાલૂ4 ખુશી થયા,
દીઠો હસ્તે દંડો મહિષ5 યમ જાણી નમી ગયા. ૬
ચોપાઈ
તપે જ્યારે સૂરજનો તાપ, ત્યારે અવની તપે છે અમાપ;
શશી શીતળ ચિહ્ન છે પગમાં, તેથી પગ ન તપે જ મારગમાં. ૭
એમ ચાલતાં તે વનમાંય, કૈક વીતિ ગયા દિન ત્યાંય;
દીઠો ત્યાં વટવૃક્ષ નિરોગી, હતા ત્યાં એક ગોપાળજોગી. ૮
તે તો અષ્ટાંગજોગને સાધી, પ્રભુ સમરે સજીને સમાધી;
તેને હરિએ કહ્યું ધરી નેહ, કરો ત્યાગ આ ભૌતિક દેહ. ૯
નિજજ્ઞાન આપી ઘનશામ, પછી મોકલ્યા અક્ષરધામ;
પંચરત્નનો ગોટકો જેહ, હતો ગોપાળજોગીનો તેહ. ૧૦
દેહ તજતાં પ્રભુને તે દીધો, હેત જાણીને હરિએ તે લીધો;
અંતે તે ગુટકો મુનિનાથે, સોંપ્યો મુક્તાનંદજીને હાથે. ૧૧
વળી તે સ્વામીયે પણ નેટ,6 રઘુવીરજીને કર્યો ભેટ;
કહે વર્ણી સુણો નરરાજ,7 તે છે વરતાલમાં હજી આજ. ૧૨
લખ્યો છે તેમાં ગીતાનો સાર, નિજ અક્ષરે જગતઆધાર;
કરી ગોપાળજોગીનું કામ, પછી ત્યાંથી ચાલ્યા ઘનશામ. ૧૩
ગયા પૂર્વ દિશા માંહિ પોતે, વીત્યા વાસર બહુ વન જોતે;
આવ્યું તીરથ આદિવરાહ, એથી આનંદ ઉપજ્યો અથાહ. ૧૪
ત્રણ વાસર તે સ્થળ ઠરી, તેહ તીર્થને પાવન કરી;
ત્યાંથી ચાલિયા પૂર્વદિશામાં, જઈ ના’યા તે મોદી ગંગામાં. ૧૫
ત્યાંથી ઊતર્યા બેસી ઝોલામા,8 પછી ચાલિયા પૂર્વ દિશામાં;
કેટલાક દિવસ વાટે થયા, પૂખરા શહેરમાં ત્યારે ગયા. ૧૬
એ તો કહેવાય ઉત્તરકાશી, વસે જ્યાં બહુ વિદ્યા અભ્યાસી;
સેતીગંગા વહે છે ત્યાં સારી, તેમાં ના’યા જઈ બ્રહ્મચારી. ૧૭
જોઈ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત દીઠી તેહ તણી;
હતા વેદપાઠી સાક્ષાત, તેને વેદ તણી પૂછી વાત. ૧૮
કોઈ જ્યોતિષ પિંગલ જાણે, પ્રશ્ન પૂછિયા તેહ પ્રમાણે;
શબ્દશાસ્ત્ર જાણે કોઈ ન્યાય, તેને તેવું પૂછે હરિરાય. ૧૯
જાણે સર્વવિદ્યા તણો સાર, લોક અચરજ પામ્યા અપાર;
લોકો પૂછે છે વર્ણીનું નામ, વર્ણી નામ કહે ઘનશામ. ૨૦
કરે વાત સરવ નરનારી, એક આવ્યા બટુક બ્રહ્મચારી;
એની ઉમ્મર છોટી છે છેક, પણ જાણે છે શાસ્ત્ર અનેક. ૨૧
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
વિદ્યા વેદ તણી ઘણી ભણી ભલી પ્રત્યક્ષ બ્રહ્મા દિસે,
વિદ્યા ખાણ પુરાણ જાણ સરવે શું વ્યાસ પોતે હશે;
દીસે દેવગુરૂ જ એ જ સઘળી વિદ્યા તણા ધામ છે,
શંભુ સત્ય સુયોગશાસ્ત્ર વિષયે વર્ણી ઘનશ્યામ છે. ૨૨
ઉપજાતિવૃત્ત
શિવાલયે કૃષ્ણ કર્યો નિવાસ, આવ્યો તહાં પંડિત એક પાસ;
શ્રીશ્યામને શંકર ચિત્ત લાવી, સુકાવ્ય એકે સ્તુતિ સંભળાવી. ૨૩
દ્વિઅર્થી
જટા તથા ચંદ્રક ચારુ ધારી, કામારિ યોગાષ્ટકસિદ્ધકારી;
સદા દિસે છે વૃષ આપ સાથ, નમું નમું શ્રીનિલકંઠ નાથ.9 ૨૪
ચોપાઈ
સ્તુતિ સાંભળીને મહારાજ, કર્યું તેના કલ્યાણનું કાજ;
પછી પૂરવ દિશામાં સિધાવ્યા, ગંગા નારાયણી તટ આવ્યા. ૨૫
વળી વાટ પૂરવ દીશે લીધી, ભૂરી ગંગાની જૈ ભેટ કીધી;
ત્યાંથી ત્રિશૂલી ગંગાયે ગયા, દેખી તીર્થદેવો રાજી થયા. ૨૬
એમ તીર્થો વિષે કરી સ્નાન, ચાલ્યા આગળ શ્રીભગવાન;
મળી ખાખીની રસ્તે જમાત, તેના ભેળા ચાલ્યા નરભ્રાત. ૨૭
જતાં સાંભળી ત્યાં એવી પેર, આંહિ આડું આવે એક શહેર;
ત્યાંના ભૂપનું પેટ પીડાય, તે તો નવ મટે કરતાં ઉપાય. ૨૮
કોઈ આવી ચડે ભેખધારી, તેની સેવા સજે ઘણી સારી;
પછી કહે છે કરી સનમાન, વસે ભેખમાં શ્રીભગવાન. ૨૯
માટે રોગ મટાડો આ મારો, કાં તો બંધીખાનામાં પધારો;
પૂર્યા કેદમાં પાંચસે બાવા, નથી દેતો તે તેઓને જાવા. ૩૦
એવું સાંભળીને સઉ ખાખી, બોલ્યા ભૂપતિનો ભય રાખી;
એવા શહેર વિષે શીદ જૈયે? મોત શા માટે માગીને લૈયે? ૩૧
આશા જીવ્યાની હોય જરૂર, તો તે શહેર તજી દૈયે દૂર;
હતો ઉપરી જમાતનો જેહ, ઘનશામશું રાખતો સ્નેહ. ૩૨
વૃષલાલનાં લક્ષણ જોઈ, તે તો જાણતો છે સિદ્ધ કોઈ;
માટે પૂછી શ્રીહરિને વાત, ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત. ૩૩
ઉપજાતિવૃત્ત (ત્યાગીના ધર્મ વિષે)
જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તેહ ભોગી;
જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે. ૩૪
દુઃખે ડરે તો ઘર શીદ છાંડે,10 જોગી મરે તો નહિ રાંડ રાંડે;
જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મુંઝાવું. ૩૫
જ્યાં ખાન ને પાન મળે વિશેષ, જોગી રહે જો જઈ તે પ્રદેશ;
તો વાસના તેની નથી જવાની, અંતે વળી મુક્તિ નથી થવાની. ૩૬
સંસાર છોડ્યો તપ કાજ જેણે, ન ઇચ્છવું દૈહિક સુખ તેણે;
વસ્તુ હરે કે અપમાન થાય, જોગી તણી કીંમત ત્યાં જણાય. ૩૭
રામા11 તથા દ્રવ્ય રસાસવાદ, તેથી ભૂંડો માન વડો વિષાદ;12
માને ઘણા પંડિત પ્રૌઢ13 માર્યા, જોગી જનોને વનમાં વિદાર્યા. ૩૮
જો આપણું ત્યાં અપમાન થાશે, તો આપણું શું જર14 જોખમાશે;
જો આપણા તે તનને તજાવે, તથાપિ આત્મા નહી હાથ આવે. ૩૯
માટે સિધો મારગ શીદ મેલો, ચાલો તહાં ત્રાસ નથી રહેલો;
થવાનું જે નિર્મિત તે જ થાશે, જવાનું તે જત્ન કરેય જાશે. ૪૦
પૂર્વછાયો
સાંભળી વાત શ્રીહરિ તણી, મન હિંમત આણી મહાંત;
શામને જાણ્યા સમર્થ છે, તેથી ભાસી નહીં મનભ્રાંત. ૪૧
સર્વ જમાત તે સંચરી, જ્યાં છે સુંદર શહેર વિશાળ;
વાટે મળે જન તે કહે, કેમ આવ્યો તમારો કાળ. ૪૨
કેદ કર્યા છે કૈકને, કેદ કરશે તમને રાય;
મોતના મુખમાં જાઓ છો, તેનું કારણ શું કહેવાય? ૪૩
એવું સુણી સૌ ખાખિયો, રાખે મહાંતનો વિશ્ચાસ;
મહાંત રાખે હરિ તણો, તેથી તેને ન લાગ્યો ત્રાસ. ૪૪
શહેરમાં તે સૌ ગયા, રાયે જાણ્યું જે આવી જમાત;
સારો ઉતારો આપિયો, દીધાં ભોજન તે ભલી ભાત. ૪૫
રાયે છડીદાર મોકલ્યો, મુખ્ય ખાખીને તેડવા કાજ;
પછી ગયા દરબારમાં, મળી મહાંત ને મહારાજ. ૪૬
આસન આપ્યાં બેસવા, ભૂપ નમ્યો કરી સનમાન;
પછી કહ્યું કર જોડીને, હોય ભેખ વિષે ભગવાન. ૪૭
માટે દરદ મારું હરો, નહિ હરો તો કેદ કરીશ;
પુર્યા છે બહુ ભેખધારિયો, અંતે સર્વના પ્રાણ હરીશ. ૪૮
સુણી બોલ્યા ઘનશામજી, રાય હઠ ન કરીએ એમ;
નિયમ બાંધ્યા ઈશ્વરે, તે કહો મટાડે કેમ? ૪૯
ઉપજાતિવૃત્ત (કર્મફળ વિષે)
જે કર્મ તો પૂર્વભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે;
અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. ૫૦
ભક્તિ કર્યે કષ્ટ હરિ ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે;
હઠે કરી જે પ્રભુ પાસ માંગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે. ૫૧
ત્રાગું15 કર્યાથી નહિ તેહ આવે, ડરે નહીં તે જન જો ડરાવે;
પોતે મરે કે પરને વિદારે,16 હરિ ન તેથી દુઃખથી ઉગારે. ૫૨
જો આત્મહત્યા કરી કાંઈ માંગે, કે સંતને સંકટ દેણ લાગે;
તેથી હરિ સંકટ જો હરે જ, કરે જનો સર્વ ઉપાય એ જ. ૫૩
હરિ સમીપે છરી કંઠ ઘાલે, હરિ કદાપી નહિ હાથ ઝાલે;
નથી બીતો તે કદી બીવરાવ્યે, નથી બીતો તે અપકીર્તિ આવ્યે. ૫૪
તથાપિ જે હું કહું તે પ્રમાણો, સ્વતંત્ર છે ઈશ્વર એમ જાણો;
કરે કર્યાનું ન કર્યાનું કામ, સ્વેચ્છા થકી તે કદી કોઈ ઠામ. ૫૫
એવું કહીને જળ ત્યાં મગાવ્યુ, સ્પર્શે પ્રસાદી કરી પીવરાવ્યું;
રાજા તણું કષ્ટ ગયું કપાઈ, તે વર્ણીની જાણી ઘણી વડાઈ. ૫૬
તેડ્યા હતા વૈદ્ય વિદેશી દેશી, રહ્યા હતા સર્વ ઉદાસી બેસી;
વિપ્રે અનુષ્ઠાન કર્યાં વિશેષ, કોઈ થકી રોગ ટળ્યો ન લેશ. ૫૭
જોગી જતીથી ન મટ્યો જ જેહ, કૃષ્ણે મટાડ્યો ઝટ રોગ તેહ;
રાજા સ્વચિત્તે અતિ હર્ષ લાવ્યો, જાણે નવે હું અવતાર આવ્યો. ૫૮
જીવ્યાની આશા ન હતી જ લેશ, એવો હતો રોગ વડો વિશેષ;
તે રોગ કૃષ્ણે પળમાં નિવાર્યો, રાયે મહિમા અતિ ચિત્ત ધાર્યો. ૫૯
રાજા કહે બોલ નહી ઉથાપું, માગો મુખે તે ધન આદિ આપું;
દીધું તમે જીવન વર્ણિરાય, તેનો નહી મેં17 બદલો વળાય. ૬૦
બોલ્યા વિચારી વર્ણીન્દ્ર ત્યારે, ધનાદિ કાંઈ ન ખપે અમારે;
જે કેદ કીધા બહુ ભેખધારી, છોડી મૂકો એ જ રુચી અમારી. ૬૧
એવું સુણી ભૂપ પ્રસન્ન થૈને, છોડી મુક્યા ભેખ સુમાન દૈને;
પૂજા કરી વર્ણી મહાંત કેરી, વળી ઉચારી વિનતિ ઘણેરી. ૬૨
ભૂપાળને શ્રીહરિ શિષ્ય કીધો, સુજ્ઞાન દૈ વૈષ્ણવમંત્ર દીધો;
રાયે કહ્યું આંહિ કરો નિવાસ, કહે પ્રભુજી કરશું પ્રવાસ. ૬૩
રાજા કહે છો સુકુમાર દેહ, તે માટ આપું સુખપાલ એહ;
વર્ણી કહે મેં વ્રત લીધું આવું, જે તીર્થજાત્રા પગ ચાલી જાવું. ૬૪
પુષ્પિતાગ્રાવૃત્ત
પછી હરિવર ગુપ્ત ત્યાંથી ચાલ્યા, વન નગ18 વાટ વિષે વળી મહાલ્યા;19
બહુ દિન ગત20 બંગદેશ આવ્યો, સિરપુર માંહિ મુકામ જૈ ઠરાવ્યો. ૬૫
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-બંગદેશે સિરપુરગમનનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥