કળશ ૩

વિશ્રામ ૮

પૂર્વછાયો

હે નરપતિ સુણ સ્નેહથી, જેથી ઉપજે અંતર જ્ઞાન;

જન જિજ્ઞાસાનંદનું, એક કહું ભલું આખ્યાન. ૧

પછી કપિલાશ્રમ થકી, જ્યારે ચાલિયા સુંદરશામ;

ઝાડીમાંથી નીસર્યા, ત્યાં તો આવ્યું વળી એક ગામ. ૨

ચોપાઈ

રહે તે ગામમાં બે વેરાગી, એક સંજોગી1 ને એક ત્યાગી;

તેમાં ત્યાગીનું મંદિર જાણી, જઈ ઊતર્યા ત્યાં પદ્મપાણિ. ૩

હતો જેહ મહાંત તે ઠામ, તેણે નિર્ખિયા શ્રીઘનશામ;

જોઈ મૂર્તિ મનોહર સારી, જાણ્યું જે કોઈ છે અવતારી. ૪

માટે સ્નેહથી વિનય કરીને, રાખ્યા પોતાની પાસ હરીને;

બીજો વેરાગી જે ઘરબારી,2 તેને પુત્રિયો બેય કુંવારી. ૫

તુલસીકૃત રામચરિત્ર, કરે અભ્યાસ તેનો પવિત્ર;

નિત્ય ત્યાગીને મંદિર આવે, તેને મોટો મહાંત ભણાવે. ૬

એમાં આવે જે દુર્ઘટ3 અર્થ, નહિ જાણવા બાવો સમર્થ;

તેથી ઉલટો અરથ સમઝાવે, ત્યારે કૃષ્ણને ઉર દયા આવે. ૭

પછી આજ્ઞા બાવા તણી માંગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી;

જઈ બાઇયો માબાપ પાસ, સર્વ વાત કરી તે પ્રકાશ. ૮

એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિસે દેવ તણા અવતારી;

તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એનાં શાં ઘણાં કરીયે વખાણ. ૯

અર્થ રામકથાના બતાવ્યા, સુણી મહાંતને મન ભાવ્યા;

એવું સાંભળીને તેનો બાપ, ગયો તેડવા કૃષ્ણને આપ. ૧૦

ઘણી વિનતિ કરી પગે લાગી, વળી આજ્ઞા મહાંતની માગી;

નિજમંદિરે કૃષ્ણને લાવ્યો, કરી વિપ્રે ત્યાં થાળ ધરાવ્યો. ૧૧

પુત્ર બાવાનો જયરામદાસ, તેને સોંપ્યો મહાપ્રભુ પાસ;

કહ્યું હે પ્રભુ કરુણા લાવો, મારા પુત્રને શાસ્ત્ર ભણાવો. ૧૨

કાંઈ દિવસ વસ્યા હરિ વાસ, વિદ્યા ભણતો તે જયરામદાસ;

એક અવસરે રજની મોઝાર, પ્રભુ દેખાડ્યું તેજ અપાર. ૧૩

પુત્ર પુત્રિયો માત પિતાય, તેજ દેખીને વિસ્મિત થાય;

તેમાં મૂર્તિ દીઠી હરિ તણી, કોટિ સૂર્યથી શોભિત ઘણી. ૧૪

ઘણું તેજ જે પ્રથમ જણાયું, તે તો મૂર્તિમાં સર્વે સમાયું;

પ્રભુનો દેખી પૂર્ણ પ્રતાપ, જાણ્યા એ જ શ્રીકૃષ્ણ છે આપ. ૧૫

તેથી નિત્ય પ્રત્યે ધરી પ્રીત, પૂજે પ્રત્યક્ષ ઇષ્ટની રીત;

જમાડીને રસોઈ રસાળ, પછી ઠાકોરને ધરે થાળ. ૧૬

ગામ પાસે સરોવર એક, તેમાં ઊપજે કમળ અનેક;

એક જયરામદાસનો મિત્ર, નામ કૃષ્ણતંબોળી પવિત્ર. ૧૭

બંને નિત્ય સરોવરે જઈ, આવે અધિક કમળ-ફળ લઈ;

લાવી શ્રીહરિ આગળ ધરે, પ્રભુ ભાવથી ભક્ષણ કરે. ૧૮

પૂર્વછાયો

એક સમે ઘનશ્યામજી, એમ ઉચર્યા ધરીને ઉમંગ;

કમળ કાકડી કારણે, અમે આવશું ત્યાં તમ સંગ. ૧૯

ત્રણે મળીને ત્યાં ગયા, મહા મોટું સરોવર જ્યાંય;

ફરવા લાગ્યા નીરમાં, એક ત્રાપા4 ઉપર ચડી ત્યાંય. ૨૦

શોભે કેવા હરિ તે સમે, જેમ ક્ષીરોદધી5 મોઝાર;

શેષ ઉપર આસન કર્યું, અજ હર સમીપ ઉદાર. ૨૧

કમળકાકડી કોડથી, લઈ લઈ જમે જગવંદ;

વિનોદ કરતા વિધવિધે, અતિ ઉર ધરે આનંદ. ૨૨

સામો તટ બહુ દૂર છે, અતિ અગમ્ય છે વળી એહ;

શ્રીહરિયે તે તટ ભણી, સદ્ય ત્રાપો ચલાવ્યો તેહ. ૨૩

પાછા વળો હવે મહાપ્રભુ, એમ મુખે કહે બે મિત્ર;

વાત ન માની વીઠલે, એક કરવા દિવ્ય ચરિત્ર. ૨૪

શ્રીહરિએ શું ધાર્યું છે, તેનો જન શું જાણે મર્મ;

બ્રહ્માદિક નવ કળિ શકે, એવું અકળ કૃષ્ણનું કર્મ. ૨૫

ત્રાપો તે સામે તટ ગયો, ત્યાં ઉતરિયા ત્રણ વીર;

ચાલો વિચરિયે વન વિષે, એમ બોલ્યા શામશરીર. ૨૬

મિત્ર કહે હે મહાપ્રભુ! ત્યાં છે ભારી ભયંકર રાન;6

રીંછ ને વાઘ વરુ વસે, જન જાય નહિ તેહ સ્થાન. ૨૭

તે સુણીને કહે શ્રીહરિ, તમે તજોને મનથી ત્રાસ;

આપણને તે શું કરે? જેઓ વસે સદા વનવાસ. ૨૮

ઉપજાતિવૃત્ત

શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ;

જો સિંહ સર્પો કપિ7 રીંછ હાથી, નાચે બિચારા જનના કહ્યાથી. ૨૯

બળિષ્ટ ઝાઝું બળ જો કરે છે, તો એકના પ્રાણ કદી હરે છે;

જો બુદ્ધિ પ્રેરે8 જન બુદ્ધિમાન, ઉજાડી9 દે ઇન્દ્રપુરી સમાન. ૩૦

એવું સુણીને મળી મિત્ર ચાલ્યા, અઘોર10 વાટે વનમાં મહાલ્યા;

નિશ્ચિંત ચાલે મૃગરાજ11 જેમ, ત્રણે ફરે છે વનમધ્ય તેમ. ૩૧

ત્યાં એક જોરાવર રીંછ જોઈ, તે બે જણે ધીરજ દીધી ખોઈ;

પોકાર કીધો ચિત્ત માંહિ ચેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.12 ૩૨

આવી પડ્યું સંકટ આજ ભારી, સહાયતા શ્યામ કરો અમારી;

ફેડો13 પ્રભુ ફોગટની ફજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ. ૩૩

સદા કરો ભક્ત તણી સહાય, કળા તમારી ન કદી કળાય;

વેદો કહે વર્ણન નેતિ નેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ. ૩૪

તજી તમોને પરને ભજે છે, તે કાચ લે કાંચનને તજે છે;

ન તેલ પામે પિલવાથી રેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ. ૩૫

આ રીંછ તો જીવ જરૂર લેશે, ઝાડે ચડ્યાથી નહિ છોડી દેશે;

નથી હવે ધીરજતા રહેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ. ૩૬

કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉરમાં અમારો;

તે રીંછ છે દૈવિક દેહધારી, નથી જનોને કદી કષ્ટકારી. ૩૭

પછી પ્રભુએ કર જ્યાં હલાવ્યો, તે રીંછ તેથી હરિપાસ આવ્યો;

ઉભો રહ્યો આગળ છેક આવી, આંસુની ધારા દ્રગથી ચલાવી. ૩૮

જ્યાં સામસામી શુભ દૃષ્ટિ સાંધી, પરસ્પરે પ્રીતિ વિશેષ વાધી;

દયા ધરી એમ કહ્યું દયાળે, થશે તમારું શુભ અલ્પ કાળે. ૩૯

આજ્ઞા હરિયે કહી એમ દીધી, રીંછે સુણીને વનવાટ લીધી;

મિત્રો ત્રણે તે પુર મધ્ય આવ્યા, સૌને દિલે શ્રીઘનશામ ભાવ્યા. ૪૦

પૂરી વિષે વાત થઈ પ્રકાશ, તે વાત ચાલી પુર આસપાસ;

વ્યાપી રહે સૂર્ય પ્રકાશ જેમ, તે વાત સર્વત્ર જણાઈ તેમ. ૪૧

વધ્યો પ્રભુનો મહિમા વધારે, આવે જનો દર્શન કાજ દ્વારે;

ત્યાં એક ટાણે જયરામદાસ, પૂછે નમીને ઘનશામ પાસ. ૪૨

કહો હતો કોણ સુરીંછ એહ? શાથી જણાયો દિલગીર તેહ?

કહે હરિ જે રીંછ જાંબુવાન, તે મિત્ર તેનો સદબુદ્ધિમાન. ૪૩

કૃષ્ણાવતારે મુજને મળેલો, તથાપિ સૌ સંશય ના ટળેલો;

પછીથી પામ્યો પરિતાપ ભારી, ન ઓળખ્યા મેં હરિ દેહધારી. ૪૪

આકાશવાણી થઈ તેહ કાળ, થશે પ્રભુજી વૃષભક્તિબાળ;

તેનાં વળી દર્શન તું કરીશ, તેને પ્રતાપે ભવને તરીશ. ૪૫

હવે તજીને તનુ રીંછ તેહ, લેશે રુડે ઘેર મનુષ્ય દેહ;

ભલી રીતે તે મુજ ભક્ત થૈને, અંતે રહેશે મુજ ધામ જૈને. ૪૬

વસંતતિલકાવૃત્ત

વર્ણી કહે અભયસિંહ સુણો નરેશ,

વૈરાગ્યવંત જગથી હરિ છે હમેશ;

આ સ્નેહપાશ તજીને વિચરું વિદેશ,

એવું વિચારી નિશિમાં નિસર્યા જનેશ. ૪૭

ચોપાઈ

રાતે છાના ઊઠ્યા હરિરાય, પૂછ્યા વગર થયા તે વિદાયઃ

પુરુષોત્તમપુરી મન ધારી, ચાલ્યા મારગે દેવ મુરારી. ૪૮

જન જાગ્યા પ્રભાતમાં જ્યારે, ઘનશ્યામ દીઠા નહિ ત્યારે;

પત્તો લાગ્યો ન કરતાં તપાસ, ત્યારે ઉર થયાં સર્વે ઉદાસ. ૪૯

જેમ સર્વસ્વ કોઈનું જાય, તેનું અંતર અતિ અકળાય;

થયા દિલગિર જયરામદાસ, માત તાત તેનાં ધરે ત્રાસ. ૫૦

જેમ ચિંતામણી પ્રાપ્ત થાય, પછી ખોવાથી ખેદ પમાય;

હરિ વિચર્યે અયોધ્યાનિવાસી, જેમ દિલમાં થયાં’તાં ઉદાસી. ૫૧

તેમ વિરહ વ્યાકુળ જન સહુ, ગુણ સમરી રુદન કરે બહુ;

ત્યારે જયરામદાસની માય, પાણી ન પીએ અન્ન ન ખાય. ૫૨

કહે શોધવા હરિને સિધાવો, હોય જ્યાં ત્યાંથી તેડીને લાવો;

ગયા બહુ જન ગોતવા કાજ, ક્યાંઈ ન મળ્યા શ્રીમહારાજ. ૫૩

બોલ્યો બાવો મહાંત તે ત્યારે, હરિ પ્રથમ આવ્યા હતા જ્યારે;

અમે પૂછ્યું હતું શિર નામી, ક્યાંથી આવ્યા ને ક્યાં જશો સ્વામી? ૫૪

ત્યારે બોલ્યા હતા ઘનશામ, જાશું પુરુષોત્તમપુરી ધામ;

માટે તે દિશે કરશો તપાસ, ત્યારે મળશે નક્કી અવિનાશ. ૫૫

પછી જયરામદાસની માત, કહે પુત્રને પ્રેમથી વાત;

પુરુષોત્તમપુરી ભણી જાઓ, ખર્ચી14 આપું તે વાટમાં ખાઓ. ૫૬

આજ્ઞા માતની મસ્તક ધરી, ચાલ્યો પુત્ર તે શોધવા હરિ;

એક ગામમાં સાંભળી વાત, હરિ આંહિ રહ્યા હતા રાત. ૫૭

વીશ વાસર15 કીધો પ્રવાસ, ત્યારે ભેટિયા શ્રીઅવિનાશ;

કર જોડીને વિનતિ ઉચારી, કહ્યું પાછા વળો સુખકારી. ૫૮

મારાં માતપિતા રોઈ મરે, ઇચ્છા આપને મળવાની ધરે;

ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ મળ્યા છો અંતરજામી. ૫૯

સુણી બોલિયા શ્રીઘનશામ, ચાલો પુરુષોત્તમપુરી ધામ;

જઈને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પરહરિયે.16 ૬૦

છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એક વાત;

ઝાઝો સંબંધિયોમાં સનેહ, નવ રાખવો અવિચળ એહ. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણી હરિ મુખ કેરી વાત એહ, સમીપ રહ્યો જયરામદાસ તેહ;

નિજજન ગણી નાથ એમ ધાર્યું, નિજ પ્રભુતાઈ જણાવવા વિચાર્યું. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિજયરામદાસ-પુરુષોત્તમપુરીપ્રતિગમનનામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે