કળશ ૩

વિશ્રામ ૯

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું હરિનાં ચરિત્ર અનૂપ;

જાણ્યો મુક્ત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ. ૧

એહ દ્વારાયે જીવ અપાર, તારવાનો છે હરિનો વિચાર;

નિજ મહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે. ૨

ચાલ્યા કૃષ્ણ ને જયરામદાસ, તીર્થભૂમિમાં કરતા પ્રવાસ;

એક ઝાડી માંહિ દીઠો કૂપ, તેનું નીર વખાણ્યું અનૂપ. ૩

જયરામને કહે નરવીર, ભરો એહ અવાડીમાં1 નીર;

પછી ભરિયું અવાડીમાં પાણી, બોળ્યો હરિએ ચરણ દયા આણી. ૪

આવ્યાં સસલાં હરણ ને શિયાળ, આવ્યાં વાઘ ને સિંહના બાળ;

પાણી સૌએ મળી સાથે પીધું, જાતિવૈર વિસારી જ દીધું. ૫

જુએ શ્રીહરિને દૃષ્ટિ સાંધી, સર્વે પ્રાણીને થઈ ત્યાં સમાધી;

સૌને જગાડીને અવિનાશી, કહે જાઓ ચાલ્યાં વનવાસી. ૬

ગયાં પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે;

દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચે થયો નિરધાર. ૭

તોય માત પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિષે પ્રીત આણી;

જાણ્યું તેઓ જશે મોક્ષ જ્યારે, સ્વામી સંગે રહીશ હું ત્યારે. ૮

ત્યાંથી ચાલિયા પોતે બે મિત્ર, શિવમંદિર આવ્યું પવિત્ર;

ત્યાં છે ધર્મશાળા અને ઝાડી, તોય ત્યાં રહી રાત્રી વિતાડી. ૯

ઇચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી;

એને દેખાડ્યું અક્ષરધામ, પૂજે પ્રભુજીને મુક્ત તમામ. ૧૦

મળી મૂરતિ પોતાને જેહ, દીઠી અક્ષરધામમાં તેહ;

બ્રહ્મા વિષ્ણુ ને શંભુ અપાર, ઊભા સ્તવન કરે છે ઉચ્ચાર. ૧૧

પછી જાગ્યા સમાધિથી જ્યારે, કર્યા દંડપ્રણામ તે ત્યારે;

સ્તુતિ હાથ જોડીને ઉચ્ચારી, તમે અક્ષરાતીત મુરારી. ૧૨

મને આજ કૃતારથ કીધો, મારો સંશય સૌ હરી લીધો;

પછી ત્યાંથી વિચરિયા બે વીર, ગયા મોટી ખાડી તણે તીર. ૧૩

જયરામને કહે જગદેવ, નાવે ભાડું કરો2 તતખેવ;

ગયો જયરામ ભાડું તે કરવા, લાગ્યું ખાડીનું પાણી ઊતરવા. ૧૪

પૂર્વછાયો

વાર લાગી જયરામને, એક નાવે બેઠા ઘનશામ;

નાવ બધાં ઉપડી ગયાં, જયરામ રહ્યો તેહ ઠામ. ૧૫

ઉપજાતિવૃત્ત (વસ્તુના મૂલ્ય વિષે)

સુણો અભેસિંહ નરેશ એહ, પસ્તાય પૂરો જયરામ તેહ;

હું કેમ ભાડું ખરચું વિશેષ, એવું ગણ્યાથી ઉપજ્યો ક્લેશ. ૧૬

વિશેષ કે કિંચિત મૂલ્ય થાય, સમા પ્રમાણે સમજો સદાય;

જે વસ્તુ કેરો ખપ જેહ ટાણે, તે વસ્તુનું મૂલ મળ્યા પ્રમાણે. ૧૭

ગંગાકિનારે જળનું ન મૂલ્ય, ખારાં રણોમાં પણ તે અમૂલ્ય;

જ્યાં પ્રાણ જાતાં જળ કોઈ પાય, સહસ્ર મ્હોરો3 પણ સ્વલ્પ4 ત્યાંય. ૧૮

જેને ન જેનો ખપ હોય જ્યારે, અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ ત્યારે;

હાથી મળે એક ટકે5 કદાપી, ગરીબ લૈને શું કરે તથાપી. ૧૯

નાવે જનારા જન જેમ લાગે, નાવિક ન્યૂનાધિક ભાડું માગે;

જાણ્યું નહીં તે જયરામદાસે, તેથી રહ્યો સાગરતીર પાસે. ૨૦

ચોપાઈ

નાવે બેસીને નાથ સિધાવ્યા, પુરુષોત્તમપુરીમાં આવ્યા;

ઇન્દ્રદ્યુમ્ન સરોવર નામ, કર્યો ત્યાં જઈને વિશરામ. ૨૧

પુરુષોત્તમ પ્રભુ કહેવાય, પુરુષોત્તમપુરીમાં રહ્યાય;

પુરુષોત્તમ6 હોય તે જાણે, પુરુષોત્તમ વીણ ન પિછાણે. ૨૨

વિત્યા વાસર ત્રણ ચાર જ્યારે, આવ્યો જયરામદાસ તે ત્યારે;

રહ્યો સેવામાં શ્રીહરિપાસ, કર્યો ત્યાં દશ માસ નિવાસ. ૨૩

પુરુષોત્તમપુરી મોઝાર, આવી અસુર રહેલા અપાર;

દિસે સર્વ વેરાગીને રૂપે, તેનો નાશ કર્યો જગભૂપે. ૨૪

એવી બુદ્ધિ પ્રભુજીએ આપી, લડી મૂઆ પરસ્પર પાપી;

એક અવસરે જયરામદાસ, બેઠા મહાપ્રભુજીને પાસ. ૨૫

કહે જયરામને હરિ આપ, મુનિ સુવ્રત ભૂપ પ્રતાપ;

તેનો સંવાદ આ ઠાર થાશે, મારા ચરિત્રનો ગ્રંથ7 રચાશે. ૨૬

પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, એક રાજાના રાજમાં આવ્યા;

પ્રભુ સાથે છે જયરામદાસ, ગયા એક મોટા વડ પાસ. ૨૭

ઘણા વેરાગી ત્યાં ઊતરેલા, દીઠા પ્રભુ પર દ્વેષે ભરેલા;

ગયા હરિ નૃપના બાગમાંય, પૂછી માળીને ઊતર્યા ત્યાંય. ૨૮

મહાજોગી જાણી સાક્ષાત, કહી માળીએ ભૂપને વાત;

રાજા આવિયો દર્શન કાજે, તેને વાત કહી મહારાજે. ૨૯

રથોદ્ધતાવૃત્ત (દૈવી આસુરી જીવ વિષે)

હે નૃપાળ સુણ ચિત્ત તું ધરી, બે પ્રકાર જન દૈવી આસુરી;

તે તણાં અલપ લક્ષણો કહું, ઓળખાય નિજ લક્ષણે સહુ. ૩૦

દૈવી જીવ દિલમાં દયા ધરે, ક્રૂર કર્મ કદી તે નહીં કરે;

જન્મથી જ શુભ લક્ષણો દિસે, પાપબુદ્ધિ નહિ લેશ તે વિષે. ૩૧

દોષ દેખી દિલમાં સદા ડરે, ધર્મ કર્મ નિજ ચિત્તમાં ધરે;

તે કદાપિ રહી દુષ્ટ સંગમાં, રંગી થાય નહિ દુષ્ટ રંગમાં. ૩૨

ક્રોધ લોભ નહિ ઝાઝી કામના, તે તજે ન કદી શાસ્ત્ર આમના;8

પુણ્યવાન મનમાં પવિત્રતા, સાધુસંગ અતિ નિત્ય મિત્રતા. ૩૩

જેમ જાય ધ્રુવમત્સ ધ્રુભણી,9 દૈવિ ચાય10 દિલ સત્યતા ઘણી;

દુઃખી થાય પરદુઃખ દેખતાં, નાશી જાય લવ પાપ પેખતાં. ૩૪

લાજ શર્મ અતિ લોકની ધરે, માન પામી અભિમાન ના કરે;

હોય શ્રેષ્ઠ પણ સર્વને નમે, નિત્ય કર્મ પરમાર્થનું ગમે. ૩૫

સૌખ્યસાજ11 પરલોકનો સજે, ભાવ રાખી ભગવાનને ભજે;

ક્લેશ વૈર વ્યસનાદિથી ડરે, સર્વ કાળ મન શાંતતા ધરે. ૩૬

કષ્ટકાળ ઉર ધૈર્ય આદરે, દોષ દેખી પરના ક્ષમા કરે;

ગંભિરાઈ ગુણ હોય જેહને, દૈવી જીવ કહિયે જ તેહને. ૩૭

જીવ હોય જગમધ્ય આસુરી, રાજી થાય પરનું બુરું12 કરી;

કામ ક્રોધ મદ લોભ માનમાં, થૈ નિમગ્ન ખુશી ખાન પાનમાં. ૩૮

લેશમાત્ર દિલમાં નહીં દયા, લાજ શર્મ નહિ મિત્રતા મયા;13

સ્વાર્થ કાજ પરપ્રાણને હરે, ધર્મકર્મ પણ દંભથી ધરે. ૩૯

આસુરી કદી વસે સુસંગમાં, તોય હોય ખળતાઈ અંગમાં;

જેમ તામ્રઘટ હેમથી રસે, અંત તામ્રપણું ખુલું તે થશે.14 ૪૦

વ્યાળ15 વાઘ વરુ તુલ્ય આસુરી, તે તણી બહુ જ રીત છે બુરી;

તે કૃતઘ્નિ ગુણ દોષ ના ગણે, પાળનાર પતિને ખીજ્યો હણે. ૪૧

હે નરેશ ઉપદેશ આ ધરી, જાણજોજી જન દૈવી આસુરી;

દૈવીસંગ પ્રભુ પાસ માંગજો, આસુરી જન કુસંગ ત્યાગજો. ૪૨

એમ વાત કહીને વળી કહી, આત્મજ્ઞાન પરમાત્મની સહી;

જ્ઞાનવાત હરિની ઘણી ગમે, નિત્ય ભૂપ પ્રભુને પગે નમે. ૪૩

ચોપાઈ

કહે વર્ણી અભેસિંહ ભૂપ, કથા એક કહું છું અનૂપ;

કીધું અદભુત હરિયે ચરિત્ર, સુણો વર્ણન તેનું પવિત્ર. ૪૪

વડે ઊતર્યા વેરાગી જેહ, તેમાં એક મહાંત છે તેહ;

ઘણા રાખતો શાલગરામ, તેની પૂજા કરે તેહ ઠામ. ૪૫

એક અવસરે આવ્યો નરેશ, દીઠા શાલગ્રામ વિશેષ;

કરી વિનતિ શાલગ્રામ માગ્યા, સુણી મહાંત ના કેવા લાગ્યા. ૪૬

ગયો રાજા નિરાશ તે કાળે, એવી વાત સુણી વૃષલાલે;

કહે જયરામદાસને શ્યામ, માગો જઈ તમે શાલગરામ. ૪૭

સુણી જયરામદાસ સિધાવ્યો, વડા વેરાગી આગળ આવ્યો;

કર જોડી કરીને પ્રણામ, એક માગીયા શાલગરામ. ૪૮

કરી ક્રોધને તેણે ના પાડી, વળી ત્યાં થકી મૂક્યો ઉઠાડી;

પ્રભુ આગળ જઈ કહી વાત, પછી જ્યારે ગઈ મધ્ય રાત. ૪૯

એવી ઇચ્છા કરી ઘનશામ, તેથી તે સર્વ શાલગ્રામ;

વડ આગળથી ઝટ ઊડ્યા, નદી ગંડકીમાં જઈ બૂડ્યા. ૫૦

પછી જાગ્યા વેરાગિયો જ્યારે, નવ દીઠા શાલગ્રામ ત્યારે;

જાણ્યું રાજાએ ચોરી કરાવી, લીધા શાલગ્રામ ચોરાવી. ૫૧

પૂર્વછાયો

રાજા તથા રૈયત ઘણી, કરે શ્રીહરિનો સતસંગ;

દેખી શ્રીહરિની સમર્થતા, થયા આશ્રિત ધરીને ઉમંગ. ૫૨

તેહ થકી શ્રીહરિ તણો, કરે વેરાગી દ્વેષ અપાર;

રાતે હરિને મારવા, મળી આવ્યા તે જુગલ16 હજાર. ૫૩

ઓટા ઉપર જે બાગમાં, પોઢ્યા હતા શ્રીધર્મકુમાર;

પથરા ફેંક્યા પાપીએ, તેનો ગંજ17 થયો તે ઠામ. ૫૪

પાપી થાકી પાછા ગયા, રહ્યા કુશળ શ્રીજગદીશ;

જાણી તે વાત પ્રભાતમાં, ચડી રાય રૈયતને18 રીસ. ૫૫

વેરાગી અતિ ઉનમત્ત છે, ઘણાં શસ્ત્ર અસ્ત્ર ધરનાર;

શાલગરામને કારણે, ચાલ્યા લૂંટવા નૃપ દરબાર. ૫૬

જુદ્ધ થશે એમ જાણીને, કર્યું પ્રભુએ ત્યાંથી પ્રયાણ;

વેરાગી બેય હજારનો, વાળ્યો નૃપસેનાએ ઘાણ. ૫૭

શ્રીહરિને જયરામ તે, ગયા ઉભાંગડ19 વનમાંય;

જળ તરસ લાગી ઘણી, જયરામદાસને ત્યાંય. ૫૮

ઝાડ ઉપર ચડી જોઇયું, એક દીઠું સરોવર દૂર;

પાણી લેવાને પરવર્યો, જયરામદાસ જરૂર. ૫૯

સર્પ અનેક સરોવરે, જોઈ પાછો વળ્યો જયરામ;

જળસરપમાં વિષ20 નહિ, એમ બાલ્યા શ્રીઘનશામ. ૬૦

જેષ્ટિકાએ21 કરી વેગળા, જળ ભરી લાવ્યો જઈ તેહ;

પાન કર્યું પુરુષોત્તમે, અતિ ભાવ જાણીને એહ. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

પછી ગતિ કરી કોશ પાંચ જ્યારે, નજર પડ્યું શુભ ગામ એક ત્યારે;

જઈ તહી રજની નિવાસ કીધો, વળી જયરામજીને સુબોધ દીધો. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ પુરુષોત્તમપુરીપ્રાન્તવિચરણનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે