કળશ ૪

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ;

ભક્તિ ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. ૧

ચોપાઇ

કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ;

ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. ૨

તેઓ પણ ત્યાં જ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે;

વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. ૩

ઘણાં કરજો વળી અન્નસત્ર,1 આવી મળશે મુમુક્ષુ તે તત્ર;

મારી ભક્તિ કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. ૪

એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન;

પછી આનંદથી એક માસ, વૃંદાવન માંહી કીધો નિવાસ. ૫

આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભક્તિ કરાવે વિશેષ;

જ્યારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. ૬

ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે;

પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિ ઇચ્છાથી તે જાણી વાત. ૭

ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી;

ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશ દેશમાં તે પ્રસરાવ્યો. ૮

પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ2 તહાં સ્થિર થયા;

કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. ૯

ધર્મ ભક્તિ આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય;

રામાનંદ તણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. ૧૦

ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર;

કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભક્તિ કર્યાનું કહેજો. ૧૧

ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ, જવા સોરઠ દેશ સ્વચ્છંદ;

મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. ૧૨

ગામ સારંગની સીમમાંય, હળ હાંકતો કણબી ત્યાંય;

તેને ઉત્તમ ઉપદેશ દીધો, ધણો વૈરાગ્ય ઉત્પન્ન કીધો. ૧૩

વળી કીધો ગુરુયે ઉચ્ચાર, ભાઈ સંસાર જાણો અસાર;

માટે મોક્ષનું સાધન કરવા, ચાલો અમારી સાથે વિચરવા. ૧૪

પછી બળદ ને હળ તજી તેહ, રામાનંદ સાથે ચાલ્યા એહ;

રાખ્યા સાધુ કરી નિજ પાસ, રૂડું નામ ધર્યું રામદાસ. ૧૫

ત્યાંથી આવ્યા તે તળાજે ગામ, થોડા દિવસ કર્યો ત્યાં વિરામ;

રામાનુજ તણી જગ્યા મોઝાર, ઉતર્યા સદગુણ ભંડાર. ૧૬

ત્યાંથી ગામ સત્રાહે તે ગયા, આત્માનંદસ્વામી ભેળા થયા;

કર્યો તે સાથે વાદવિવાદ, સુણી સંતને ઉપજે સ્વાદ. ૧૭

વિશિષ્ટાદ્વૈત મત શુભ જેહ, કર્યું શાસ્ત્રથી સ્થાપન તેહ;

મત અદ્વૈત ખંડન કર્યું, સૌના અંતર માંહિ ઉતર્યું. ૧૮

આત્માનંદે સૌ શિષ્ય તેડાવ્યા, ગુરુઆજ્ઞાથી તત્ક્ષણ આવ્યા;

લખુ ચારણ લોઢવા કેરી, તેની વાત મેં કહી છે ઘણેરી. ૧૯

તેને પણ સતરાહે તેડાવી, અતિ આનંદે એ પણ આવી;

આત્માનંદે કહ્યું સૌને એમ, કરજો રામાનંદ કહે તેમ. ૨૦

એ છે ઈશ્વર કેરો જ અંશ, પાપ પંથનો કરશે વિધ્વંશ;3

તમો સર્વે તણા ગુરુ એ છે, વેદશાસ્ત્રનો સાર જાણે છે. ૨૧

વિશિષ્ટાદ્વૈત માનજો સત્ય, બીજા સર્વ છે વાદ4 અસત્ય;

વાત સૌએ ગણિ સુખદાની,5 લખુ ચારણે પણ નવ માની. ૨૨

આત્માનંદે રામપરે ગામ, જઈ દેહ તજ્યો તેહ ઠામ;

રામાનંદ તો સત્રાહે હતા, કથા વારતા ત્યાં રહી કરતા. ૨૩

બેઠા ગાદિયે શ્રીરામાનંદ, પામ્યા હરિજન સર્વ આનંદ;

વિશિષ્ટાદ્વૈતનો ઉપદેશ, દીધો સ્વામીયે સૌને વિશેષ. ૨૪

પૂર્વછાયો

પછી રામાનંદ સ્વામીયે, ચલાવ્યો ઉદ્ધવી સંપ્રદાય;

કેવો પ્રતાપ પ્રગટ કર્યો, હવે કહું છું તેહ કથાય. ૨૫

ચોપાઇ

આત્માનંદના જ્યાં શિષ્ય હતા, સ્વામી ત્યાં ફરવા સારુ જતા;

કર્યો અદ્વૈત મત ખંડન, કર્યું વિશિષ્ટાદ્વૈત મંડન. ૨૬

વળી દેશ વિદેશ પધાર્યા, ઘણા પોતાના શિષ્ય વધાર્યા;

પણ સોરઠ ને કચ્છ દેશ, વસતા જઈ ત્યાં તો વિશેષ. ૨૭

ગામ લોજ તથા પીપલાણું, મુખ્ય સ્થાનક સ્વામીનાં જાણું;

ફરવાને જતા ગુજરાતે, ઝાલાવાડ વિષે ભલી ભાતે. ૨૮

કાઠિયાવાડમાં એ જ કામે, સ્વામી ફરવા જતા ગામોગામે;

દૈવી જીવ હતા તેહ સ્થાન, તેને ભગવતનું દેતા જ્ઞાન. ૨૯

કરી કૈંકની વાસના નાશ, કરી સાધુ રાખે નિજ પાસ;

મહાદીક્ષા તે વૈષ્ણવી આપે, વળી સંશય સર્વ તે કાપે. ૩૦

જે જે સ્વામીના આશ્રિત થાય, ઘણી તેને કરે કરુણાય;

તેને પ્રૌઢ પ્રતાપ દેખાડી, નાંખે કામાદિ મૂળ ઉખાડી. ૩૧

નિષકામી કર્યા દઈ જ્ઞાન, કહું જો તેહનાં આખ્યાન;

વડો ગ્રંથનો વિસ્તાર થાય, માટે સંક્ષેપમાં કહેવાય. ૩૨

તેમાં પ્રથમ કરું પ્રખ્યાત, ભટજી મયારામની વાત;

ગામ માણાવદર મોઝાર, રામાનંદ હતા એક વાર. ૩૩

ત્યાં તો આવ્યું બળેવનું6 પર્વ, બાંધે રાખડિયો દ્વિજ સર્વ;

મયારામે ૠષીને આરાધી, રામાનંદને રાખડી બાંધી. ૩૪

વાણી બોલ્યા રામાનંદ એવી, આપું દક્ષિણા તમને હું કેવી;

દ્રવ્ય આપું નહિ નાશવંત, આપું જે રહે કાળ અનંત. ૩૫

દીધું એમ કહી વરદાન, કામ શત્રુ મહાબળવાન;

તેનો આજ થકી તજો ત્રાસ, તુજ કામ રિપુ થશે નાશ. ૩૬

જેવા નર ને નારાયણસ્વામી, એવા કોઈ નથી નિષકામી;

તેમ તમને નડે ન અનંગ,7 કદી જો કરો નારી પ્રસંગ. ૩૭

સુણી રાજી થયા મયારામ, કર્યો સ્વામીને સ્નેહે પ્રણામ;

એ જ દિવસ થકી એના મનની, મટી વાસના સર્વે મદનની.8 ૩૮

ફરી પરણવાની રુચિ હતી, તે તો તે દિનથી રહી જતી;

નાની વયમાં નારી થઈ નાશ, તોય પરણવાની તજી આશ. ૩૯

બોલે ચાલે તે નારીયો સંગે, કદી વ્યાપે નહિ કામ અંગે;

એમ અંતરમાં જાણે આપ, રામાનંદનો એ છે પ્રતાપ. ૪૦

રામાનંદનો સુણી મહિમાય, ઘણા લોકોને અચરજ થાય;

સુણો સ્નેહે અભેસિંહ ભ્રાત, વળી એવી કહું એક વાત. ૪૧

હતો વેરાગી મોહનરામ, તે તો જીતવા ઇચ્છતો કામ;

તેણે વાંચિયું ગીતા મોઝાર, કામ ક્રોધ નરકનાં છે દ્વાર. ૪૨

કામવાસના છેક ન ત્રૂટે, જન્મ મૃત્યુ ન ત્યાં સુધિ છૂટે;

ઉપવાસ કરે લુખું ખાય, જાણે તે થકી કામ જીતાય. ૪૩

તપથી કર્યું દુર્બલ તન, તોય મનથી મટ્યો ન મદન;

ઘણાં સેવિયાં તીરથ સ્થાન, ઘણું કીધું ગંગાજળ પાન. ૪૪

ઘણાં વર્ષ કર્યો વનવાસ, તોય નવ થયો કામ વિનાશ;

ત્યારે અંતરે ધારિયું એવું, મોટા સદ્‌ગુરુ શોધીને સેવુ. ૪૫

મળે આ અવનિની મોઝાર, ક્યાંઈ ઇશ્વરનો અવતાર;

રાજી થૈને તે વરદાન આપે, કામ જીતાય તેને પ્રતાપે. ૪૬

પછી સદ્‌ગુરુ શોધવા કામ, બહુ સ્થળ ફર્યો મોહનરામ;

મોટા મોટા તે સિદ્ધને મળ્યો, પણ મનમાંથી કામ ન ટળ્યો. ૪૭

પૂછે પ્રશ્ન કરીને પ્રણામ, મનમાંથી મટે કેમ કામ?

એનો ઉત્તર આપે ન કોઈ, ઘણા દેશ ફરી વળ્યો જોઈ. ૪૮

આવ્યો સોરઠમાં લોજ ગામે, રામાનંદ હતા તેહ ઠામે;

પ્રેમે પ્રણમીને પૂછીયું આમ, કહો સ્વામી ટળે કેમ કામ? ૪૯

કામ ટાળવા હું બહુ ફર્યો, ઘણા સદ્‌ગુરુનો સંગ કર્યો;

પ્રશ્ન પૂછી વળ્યો બહુ ઠાર, એનો ઉત્તર ન મળ્યો લગાર. ૫૦

કૃપાનાથ કરો કરુણાય, કહો કામ મટ્યાનો ઉપાય?

સુણી સ્વામી બોલ્યા તેહ સમે, જીવ દૈવી જણાઓ છો તમે. ૫૧

છોજી કલ્યાણના ખપવાળા, દિસે બુદ્ધિ તમારી વિશાળા;

માટે દઉં તમને વરદાન, નાશ પામશે કામ નિદાન.9 ૫૨

વરદાન સફળ તે થયું, તેની કામનાનું મૂળ ગયું;

થયા બંધ સંકલ્પ વિકલ્પ, પડ્યો તેમાં પ્રયાસ ન અલ્પ. ૫૩

જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેની પાસે લીધું દીક્ષા દાન;

રહ્યા સેવામાં સ્વામીની પાસે, આપ કેરા કલ્યાણની આશે. ૫૪

એવા સ્વામીના પરચા અનેક, કહ્યે પાર ન પામિયે છેક;

કહે સાંભળે જે કોઈ જન, થાય પાવન તેહનું મન. ૫૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ ભજી ભજી સિદ્ધિ એવી પામ્યા, વચન વડે જ વિકાર સર્વ વામ્યા;

અતિ સમરથ કૃષ્ણભક્ત એવા, પ્રભુ હરિકૃષ્ણ કહું સમર્થ કેવા. ૫૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

રામાનંદસ્વામી-પ્રતાપવર્ણનનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે