વિશ્રામ ૧૧
પૂર્વછાયો
રામાનંદ પ્રતાપથી, મુક્તાનંદમુનિ ગુણવાન;
નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન. ૧
ચોપાઇ
અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ;
વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતા ગુણ શુભ જેની પાસ. ૨
તેની બાળકી જે રાધાબાઈ, બહુ રૂપે ગુણે વખણાઈ;
પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. ૩
એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ;
જોઈ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. ૪
પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર;1
બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. ૫
મહામુક્ત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન;
તેર વર્ષના તે થયા જ્યારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. ૬
ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજ્યો ખચીત;2
ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત. ૭
તેનો કરવાને ઉપાય કાંઈ, ફર્યા ગાંડા થઈ ગામમાંઈ;
જાણી જોઈ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. ૮
જ્યાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત;
રાતે શેરીયે શેરીયે જાય, જઈ કોઈના આંગણમાંય. ૯
ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય;
તે તો ત્યાંથી ઉપાડી લઈને, મુકે અન્યને આંગણે જૈને. ૧૦
કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ;3
વસ્તુ નિજ ઘરની લેઈ કાંઈ, નાંખી આવે જઈ ગામમાંઈ. ૧૧
માત તાતને કાયર કીધાં,4 મેણાં નારીને લોકોયે દીધાં;
ત્યારે સૌયે એવું મન ધાર્યું, જાય પરદેશ તો ઘણું સારું. ૧૨
જાણ્યું હેત ગયું મનમાંથી, ત્યારે ચાલીને નિકળ્યા ત્યાંથી;
પણ સંકલ્પ વિકલ્પ થાય, કામવાસના તે ન જીતાય. ૧૩
જાણ્યું જો મોટા સદ્ગુરુ મળે, કામવાસના તો સર્વ ટળે;
મળે તેને પૂછે પ્રશ્ન આવો, તમે સદ્ગુરુ ક્યાંઈ બતાવો. ૧૪
દીધો કોઇયે ઉત્તર ત્યારે, જાવું ધ્રાંગધરામાં તમારે;
ત્યાં છે વેરાગી દ્વારકાદાસ, કામવાસના કરશે વિનાશ. ૧૫
એવું સાંભળી દાસ મુકુંદ, ગયા ત્યાં ઉર ધારી આનંદ;
કીધો વેરાગી ને તે પ્રણામ, પૂછ્યું કેમ ટળે કહો કામ? ૧૬
બોલ્યો વેરાગી તે એવી પેર, મચ્છુકાંઠે જે છે વાંકાનેર;
ત્યાં છે વૈરાગી કલ્યાણદાસ, તમે જૈને નમો તેની પાસ. ૧૭
જો તે દિલમાં દયા કાંઈ ધરશે, કામવાસનાનો નાશ કરશે;
ગયા ત્યાંથી તે મુકુંદદાસ, વાંકાનેરના વૈરાગી પાસ. ૧૮
પૂર્વછાયો
મુકુંદદાસે ત્યાં જઈ, કેવો દીઠો વૈરાગીનો વેષ;
કાંઈક તે તમને કહું, સુણો નિર્મળચિત્ત નરેશ. ૧૯
ચોપાઇ
કેડે પીતળ સાંકળ પેહેરી, કીધી લંગોટી પીતળ કેરી;
ત્યાં તો વાશેલું લોઢાનું તાળું, દિસે પુષ્ટ શરીર રુપાળું. ૨૦
આખે અંગે ભભુત લગાવી, જટા બાંધેલી માથે બનાવી;
મોટા મણિકાની માળા ધરેલી, હતી પાવડી5 પાસે પડેલી. ૨૧
ગોપીચંદને તિલક કરેલું, માથે મોરનું પીછું ધરેલું;
હાથે ચીપીયો લૈને હલાવે, બેઠો બેઠો હોકા ગગડાવે. ૨૨
ઉડે ધૂમાડાના ગોટેગોટા, દિસે બાવાના નિતંબ મોટા;
વાઘમર્ચનું આસન કર્યું, દિસે ક્યારેક તો ધ્યાન ધર્યું. ૨૩
બાવો દેખાડે બહુ સિદ્ધાઈ, વધી લોકમાં તેથી વડાઈ;
ચાલી વાત એવી ઠામ ઠામ, બાવે કબજે કરેલો છે કામ. ૨૪
દાસ મુકુંદે કીધો પ્રણામ, પૂછ્યું જે કેમ જીતાય કામ?
પછી બાવે બોલાવી એકાંત, ભાંગી તેહના મનની ભ્રાંત. ૨૫
કળિજુગ માંહિ કામ જીતાય, એવી વાત કદી ન મનાય;
કાશિ જાત્રાનો કરવા પ્રવાસ, ગયો હું જ્યારે ઉજ્જૈન પાસ. ૨૬
એક બાઈને રસ્તો પૂછાવ્યો, કર લટકું કરીને બતાવ્યો;
પેઠું લટકું તે અંતરમાંઈ, હજી વીસરતું નથી ભાઈ. ૨૭
વર્ષ પાંત્રિશ પાંચ વિશેષ, વીત્યાં તોય ન વીસરે લેશ;
વર્ષ એંશીની ઉંમર થાય, કામવાસના તોય ન જાય. ૨૮
મળે ભગવાનનો અવતાર, કાં તો તેની પાસે રહેનાર;
એવા સદ્ગુરુ સાંપડે જ્યારે, કામવાસના તો ટળે ત્યારે. ૨૯
ગામ સરધારમાં તમે જાઓ, એક સાધુ છે તે ભેળા થાઓ;
તેનું નામ છે તુળસીદાસ, કામવાસના કીધી છે નાશ. ૩૦
એવા સાંભળી તેના ઉચ્ચાર, ગયા ત્યાંથી પછી સરધાર;
ગયા તુળસીદાસની પાસ, સારા જાણીને ત્યાં કર્યો વાસ. ૩૧
ગુણ રૂપ અલૌકિક દેખી, બાવો વશ્ય થયો મુક્ત લેખી;
નિજ જગ્યાના કીધા મહાંત, સોંપ્યું સર્વ રહી નહીં ભ્રાંત. ૩૨
હતા ત્યાં જ સ્વામી રામાનંદ, તથા તેમના સાધુનું વૃંદ;
જગ્યા બાંધી રુડી ત્યાં રહેતા, અન્ન કેરું સદાવ્રત દેતા. ૩૩
કથા વારતા ત્યાં નિત્ય થાય, જન સર્વના સંશય જાય;
વાત સાંભળી મુકુંદદાસે, બેસે નિત્ય જઈ સ્વામી પાસે. ૩૪
ચિત્તે વિચારે દાસ મુકુંદ, સાચા સદ્ગુરુ છે રામાનંદ;
જેવા સદ્ગુરુ શોધવા માટે, ફર્યો હું બહુ વાટે ને ઘાટે. ૩૫
એવા તો મોટા સદ્ગુરુ એ છે, જ્ઞાનદાન તે ઉત્તમ દે છે;
માટે રાખે જો મુજને પાસ, રહું થૈ એનો દાસાનુદાસ. ૩૬
સ્વામી આગળ વિનંતિ ઉચારી, મને સેવામાં રાખો તમારી;
કહે સ્વામી સુણો સંત તમે, પાસે રાખિયે તમને જો અમે. ૩૭
તુલસીદાસને દુઃખ લાગે, તેથી દ્વેષ કદી નહિ ત્યાગે;
કથા સાંભળવા તણી આશે, કદી આવશો નહિ અમ પાસે. ૩૮
એમ કહી કર્યા ત્યાંથી વિદાય, તોય ગુપ્ત રીતે નિત્ય જાય;
બેસે વાડા વિષે તે સંતાઈ, કથા વાત સુણે હરખાઈ. ૩૯
મધ્યરાત સુધી કથા થાય, રહી ત્યાં સુધી જગ્યાયે જાય;
દીઠા એક સમે ચોકીવાળે, ચોર જાણીને પકડ્યા તે કાળે. ૪૦
તેનો શોર6 સુણી ગયા સ્વામી, જાણ્યું કારણ અંતરજામી;
પછી સ્વામીયે કીધો વિચાર, બાવો ઇરષા કરશે અપાર. ૪૧
માટે તરત તજીને આ ઠામ, જાવું આપણે બંધિયે ગામ;
એવો નિશ્ચય અંતર ધારી, જવા કીધી પ્રભાતે તૈયારી. ૪૨
વાત જાણી તે મુકુંદદાસે, પોતે આવિયા સ્વામીની પાસે;
હેતે વિનતિ કરી જોડી હાથ, હું તો આવીશ આપની સાથ. ૪૩
કહે સ્વામી સિધાવશું અમે, ગામ બંધિયે આવજો તમે;
રજા આપે જો ગુરૂ તમારો, કોઈ વાંક ન કાઢે અમારો. ૪૪
તેનો પત્ર લખાવી લવાય, તો ત્યાં રાખિયે તમને સદાય;
એમ કહીને ગયા રામાનંદ, ગયા સ્વસ્થાન દાસ મુકુંદ. ૪૫
દાસ તુળસીને કાયર કરવા, માંડ્યું દ્રવ્ય વિશેષ વાવરવા;
ઝુંડ7 વેરાગીનું કોઈ આવે, તેને શીધાં તો પાકાં8 અપાવે. ૪૬
કોઈ આવે ભિક્ષા માંગનાર, તેને દેતાં ન રાખે વિચાર;
કહ્યું ત્યારે તો તુળસીદાસે, આવી રીતે પુરું કેમ થાશે? ૪૭
કહે દાસ મુકુંદ થશે શું? દાન દેવાશે ત્યાં સુધી દેશું;
જ્યારે ભંડાર થૈ જાશે નરવા,9 ત્યારે તો જશું તીરથ કરવા. ૪૮
બોલ્યા ત્યાં તુળસીદાસ બાવો, એવું ધારો તો આજ સિધાવો;10
ત્યારે બોલ્યા મુકુંદ તે તત્ર, લખી આપો મને એક પત્ર. ૪૯
મળે કોઈ મને રાખનાર, તે ઉપર નહિ દાવો લગાર;
પછી પત્ર એવો લખી દીધો, લૈને બંધિયાનો પંથ લીધો. ૫૦
રામાનંદજી આગળ જૈને, કર્યું વંદન કાગળ દૈને;
પત્ર વાંચીને આનંદ પામી, બોલ્યા એમ રામાનંદસ્વામી. ૫૧
મારી આજ્ઞા જો અંતરે ધારો, ખરો જાણું વૈરાગ્ય તમારો;
વેષ કણબીનો કાયાયે11 લઈ, હાંકો હળ મુળુભાઈનું જઈ. ૫૨
સુણી બોલ્યા પદે શિર નામી, કહો તેમ કરીશ હું સ્વામી;
પછી ખેડુનાં વસ્ત્ર મંગાવ્યાં, દાસ મુકુંદને પહેરાવ્યાં. ૫૩
હળ આપ્યું તે લૈ જ્યારે ચાલ્યા, પાછા સ્વામીયે તરત જ વાળ્યા;
જાણ્યું આ તો અનન્ય છે દાસ, પછી રાખ્યા પોતા તણી પાસ. ૫૪
દીક્ષા વૈષ્ણવી દીધી તે ઠામ, મુક્તાનંદજી ધારિયું નામ;
નિત્યે સ્વામીની વાત સાંભળી, કામવાસના તે ગઈ ટળી. ૫૫
જાણ્યા સ્વામીને શ્રીભગવાન, તેને પૂજે તેનું ધરે ધ્યાન;
એમ કૈંકને નિષ્કામી કર્યા, એવા સ્વામી તે સમરથ ખરા. ૫૬
વધ્યો દિન દિન પ્રબળ પ્રતાપ, તોય ઈશ્વરને ભજે આપ;
જે છે અક્ષરધામના ધામી, તેનું ધ્યાન ધરે મુદ પામી. ૫૭
ઘડે અંતરમાં શુભ ઘાટ, પ્રભુ આવવાની જુવે વાટ;
આવશે તીર્થવાસીને રૂપે, એવું જાણિયું તે મુનિભૂપે.12 ૫૮
તે માટે કેવાં સાધન સાધ્યાં, ઠામ ઠામ સદાવ્રત બાંધ્યાં;
કર્યું કામ એવું જે જે ગામ, તેનાં તમને કહીશ હું નામ. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
કહી શુભ મુનિ મુક્ત કેરી વાત, સુણી મન શુદ્ધ થશે મનુષ્ય જાત;
અતી મતિ ધરી ચિત્તમાં વિચારે, વિવિધ પ્રકાર કુવાસના વિદારે.13 ૬૦
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
મુક્તાનંદાખ્યાન-કથનનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥