વિશ્રામ ૧૨
પૂર્વછાયો
કહું કથા રામાનંદની, વળી તેણે કર્યાં જે કામ;
બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. ૧
ચોપાઇ
ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ;
માણાવદર ને અગત્રાઈ, મેઘપર ને ધોરાજી માંઈ. ૨
ગામ સાંકળી ને પીપલાણું, જામવાળી ને ભાડેર જાણું;
ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. ૩
કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી;
ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. ૪
અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ;
રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. ૫
આપી અન્ન ને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ;
વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન. ૬
સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ;
દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામી પાસ રહે છે. ૭
અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ;
રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. ૮
મુખ્ય શિષ્ય તો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ;
સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. ૯
સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે;
ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. ૧૦
જ્યાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ;
એ છે ઈશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. ૧૧
પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે;
એનો આશ્રય જેને મળે છે, કામવાસના તેની ટળે છે. ૧૨
એનું પૂરણ તેજ પ્રકાશે, ભાળતાં ભલું ઐશ્વર્ય ભાસે;
મહિમા એવો સાંભળ્યો જ્યારે, ઇચ્છા દર્શનની થઈ ત્યારે. ૧૩
પછી તેહનાં દર્શન કાજ, લોજ ગામે ગયો તે સમાજ;
રામાનંદનું દેખી સ્વરૂપ, થયો આધીન વેરાગી ભૂપ. ૧૪
પાંચ દિવસ કર્યો ત્યાં નિવાસ, કથા સાંભળી સ્વામીની પાસ;
ઉરમાં ઉપજ્યો વૈરાગ, થઈ મનથી તો વાસના ત્યાગ. ૧૫
જવા સોબતી આકળા થાય, ચોટ્યું ચિત્ત તે કેમ જવાય;
કહે ચાલશું સાંઝે પ્રભાત, એમ કરતાં વિત્યા દિન સાત. ૧૬
જવા બીજાયે બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર એવો દીધો;
જાઓ જો જવું હોય તમારે, અઠે દ્વારિકા છેજી1 અમારે. ૧૭
ઉપજાતિવૃત્ત (જેનો જીવ જેમાં જોડાયા વિષે)
જોડાય જેનું મન જેની જોડે, છોડાવતાં તે કદીયે ન છોડે;
લે કાષ્ઠ જે હાલર2 હાથમાંય, છોડાવતાં પ્રાણ છુટે જ ત્યાંય. ૧૮
પ્રીતિ કરે દીપકમાં પતંગ,3 બળે તથાપિ અરપે જ અંગ;
જો ચંદ્રમાં પ્રીતિ કરે ચકોર, પ્રીતિ કરે છે ઘન4 માંહિ મોર. ૧૯
વૈરાગ્ય સાચો ઉપજે જ જેને, સંસારનો સંગ ગમે ન તેને;
જો તુંબડીને જળમાં દબાવે, તથાપિ તે ઊપર પાછી આવે. ૨૦
જો વ્યાઘ્ર બચ્ચું ઉછરે અજામાં,5 તે વૃંદ મધ્યે વિચરે મજામાં;
સ્વજાતિની સંગત થાય જ્યારે, જતું રહે જાતિ વિષે જ ત્યારે. ૨૧
જો આસુરીમાં જન દૈવી કોય, મળી રહેલો બહુ કાળ હોય;
જો તેહને સદ્ગુરુ સંગ થાય, ન આસુરી સાથે રહી શકાય. ૨૨
જો યેળ6 પામે ભ્રમરી પ્રસંગ, તો ઉડવા પાંખ પમાય અંગ;
સ્વયં સ્વરૂપે ભ્રમરી જ થાય, તે યેળ મધ્યે વસવા ન જાય. ૨૩
તેવી રીતે જો સતસંગ થાય, કુસંગમાં કેમ રહી શકાય;
સત્સંગીને સત્ય સગાં પ્રમાણે, કુસંગીને નિત્ય વિજાતી જાણે. ૨૪
સ્વજાતિ મધ્યે વસવું ગમે છે, વિજાતિમાંથી ખસવું ગમે છે;
જો શ્વાનને તો ભસવું ગમે છે, મનુષ્યને તો હસવું ગમે છે. ૨૫
ચોપાઇ
જુદી જાતિના જુદા સ્વભાવ, રહી ભેળા ન થાય નિભાવ;
જેને સદ્ગુરુનો રંગ લાગે, તે તો સંસારીનો સંગ ત્યાગે. ૨૬
એવું જાણીને લક્ષ્મણદાસે, કહ્યું પોતાના સોબતી7 પાસે;
હું તો આંહિ રહીશ હંમેશ, તમે જાત્રા કરી જાઓ દેશ. ૨૭
હું તો દ્વારિકા ને હરદ્વાર, ગયો પુષ્કર કાશી કેદાર;
વડાં અડસઠ તીર્થ વખાણું, રામાનંદના ચરણમાં જાણું. ૨૮
બીજાં તીર્થે તો તન ધોવાય, મનનો મળ આ સ્થળે જાય;
એમ કહી શણગાર ઉતાર્યો, ખરા વૈરાગ્યનો વેષ ધાર્યો. ૨૯
હતી કંઠમાં કનકની માળા, કડાં વીંટી ને વેઢ રુપાળા;
લ્યો આ જૈને ગુરુજીને દેજો, મારા છેલ્લા પ્રણામ કહેજો. ૩૦
એવાં વાક્ય વિશેષ સુણાવ્યાં, સુણી સર્વને આંસુડાં આવ્યાં;
હતા દૈવી તે તો ત્યાં જ રહ્યા, બીજા દ્વારિકા તીરથે ગયા. ૩૧
રામાનંદ ગુરુજીની પાસે, લીધી દીક્ષા તે લક્ષ્મણદાસે;
નામ ધાર્યું તે આનંદાનંદ, મહામુક્ત થયા જગવંદ. ૩૨
બીજા પણ જન ઉત્તમ એવા, સ્વામી પાસે રહ્યા આવી કેવા;
તેની વાત કહું છું વિશેષ, સુણો સ્નેહ સહિત નરેશ. ૩૩
ગુજરાતમાં મછિયાવ ગામ, વસે ઔદીચ વિપ્ર તે ઠામ;
નામે તે મધ્ય મૂળજી એક, જેમાં સદ્ગુણ શોભે અનેક. ૩૪
બાળપણથી પ્રભુભક્તિ ગમે, નહિ રમત રમે કોઈ સમે;
જન જોઈને કરતાં વિચાર, આ છે મુક્ત તણો અવતાર. ૩૫
આઠ વરષે તો ઉપવીત દીધું, તાતે પરણાવવાનું મન કીધું;
તાત આગળ બોલ્યા તે આમ, મેં તો સંસાર કીધો હરામ. ૩૬
હું તો નૈષ્ઠિકવ્રત દૃઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી;
મને ક્યાંઈ મળે જગદીશ, ખાંતે ખૂબ તે ખોળ કરીશ. ૩૭
એવું સાંભળીને કહે તાત, સુત સાંભળો સ્નેહની વાત;
જ્યારે જગતમાં કળિજુગ હોય, નહિ રહી શકે નૈષ્ઠિક કોય. ૩૮
જુવાની વયમાં જ્યારે થાશો, પછી પુત્ર પુરા પસતાશો;
માટે આગળથી જ વિચારો, શુભ ધર્મ ગૃહસ્થનો ધારો. ૩૯
કહે મૂળજી સાંભળો તાત, તમે જે કહી તે સત્ય વાત;
પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીયે પડે નહિ કાચો. ૪૦
દૃઢ વૈરાગ્ય એમ દેખાડી, પોતે પરણવાની ના પાડી;
ખરા સદ્ગુરુની ખોળ કરવા, ચાલ્યા દ્વારિકા તીર્થ વિચરવા. ૪૧
સુણ્યું રસ્તે રામાનંદ નામ, ગયા તેથી પોતે લોજ ગામ;
નમ્યા સ્વામીને જૈ સાક્ષાત, વળી સાંભળી જ્ઞાનની વાત. ૪૨
ગળે દૂધમાં સાકર જેમ, ગળ્યું જ્ઞાન વિષે મન તેમ;
કરુણા ઘણી સ્વામીયે કીધી, મહાદીક્ષા તે વૈષ્ણવી દીધી. ૪૩
રાખ્યા વર્ણીરૂપે જગવંદ, નામ ધાર્યુ શ્રીમુકુંદાનંદ;
અંત સુધી રહ્યા ઊર્ધ્વરેતા, વખણાયા વળી બ્રહ્મવેત્તા. ૪૪
એવા કેટલાકની કહું વાત, કે’તા પાર ન પામિયે ભ્રાત;
અતિ એવા સમર્થ તે સ્વામી, જેની કીર્તિ દશે દિશ જામી. ૪૫
દેખી દાઝે અદેખા8 વેરાગી, એના અંતરમાં લાય લાગી;
પછી લાગ્યા તે હરકત કરવા, રામાનંદ તણું માન હરવા. ૪૬
જાણ્યું આ જે સદાવ્રત દે છે, તેનું માન તો તેથી વધે છે;
માટે આપણે સૌ કરો એમ, તેનાં તુટે સદાવ્રત તેમ. ૪૭
એવો નિશ્ચય કરી નિરધાર, પીડા કરવાને માંડી અપાર;
ઝુંડ વેરાગીનાં બહુ આવે, આપનારને તે અકળાવે. ૪૮
રહે સાધુ સદાવ્રત દેવા, તેને લાગે તે તો જમ જેવા;
કોઈ ગાળો ઉચ્ચારે ગમાર, મારે ચીપિયાનો કોઈ માર. ૪૯
કોઈ માંગે તમાકું અફીણ, માંગે ગાંજો કોઈ મતિહીણ;
કોઈ તો માંગે સાકર ખાંડ, ન મળે તો બોલે જેમ ભાંડ.9 ૫૦
કહે કોઈ વળી અહંકારી, એક ગામમાં છે મઠધારી;
તેનો દંડ અમે લીધો જેમ, લેશું દંડ તમારોય તેમ. ૫૧
નહી આપો તો મારશું માર, લૂંટી લેશું ભરેલો ભંડાર;
સંતોયે એવા સંકટ સહી, સ્વામી આગળ જૈ વાત કહી. ૫૨
બાંધ્યો સ્વામીયે એવો પ્રબંધ, કર્યાં સર્વે સદાવ્રત બંધ;
પછી પ્રકરણ તપનું ચલાવ્યું, તેનું કારણ તમને સુણાવું. ૫૩
પૂર્વછાયો
એક સમે યુથ10 સંતનું, આવ્યું ફરીને સોરઠ દેશ;
સ્વામીયે તેમાં એકનું, દીઠું શરીર પુષ્ટ વિશેષ. ૫૪
ચોપાઇ
સ્વામી તેહ પ્રત્યે કહે ત્યાંય, તમે જૈ આવ્યા સોરઠમાંય;
ત્યાંના ભક્ત છે ભાવિક સહુ, લાડુ તમને જમાડિયા બહુ. ૫૫
જમી પુષ્ટ શરીર જણાય, આમ ઇંદ્રિયો કેમ જીતાય;
કામ આદિકનાં બીજ જેહ, સદા દેહ વિષે રહે તેહ. ૫૬
જેમ અવનિ ઉપર ઉષ્ણકાળે,11 બીજ ઘાસનાં કોઈ ન ભાળે;
પણ વૃષ્ટિ ભલી થાય એક, ઉગી નીકળે ઘાસ અનેક. ૫૭
તેમ રસકસ ભોજન થાય, ત્યારે ઇંદ્રિયો પુષ્ટ જણાય;
તેથી ત્યાગીનો નવ રહે ધર્મ, એ તો સમઝો ખરેખરો મર્મ. ૫૮
માટે આજથી સંતો અમારા, થાઓ પાશેર12 અન્ન લેનારા;
એથી કદીયે ન જમવું વિશેષ, રસકસ નવ ચાખવો લેશ. ૫૯
એવું વ્રત જ્યારે સંતોયે ધાર્યું, હરિભક્તોયે એમ વિચાર્યું;
જ્યારે સંતે લીધું વ્રત એવું, ત્યારે આપણે તે વ્રત લેવું. ૬૦
હરિભક્તે લીધું વ્રત જ્યારે, આવી સ્વામીને ઉર દયા ત્યારે;
વ્રત સંતોને તે તો તજાવ્યું, ત્યારે ભક્તોને પણ અન્ન ભાવ્યું. ૬૧
ધન્ય સંત ને હરિજન ધન્ય, એવા હોય નહીં સ્થળ અન્ય;
સુણો ભૂપ ક્ષત્રીકુળચંદ,13 સ્વામી પૂજતા બાળમુકુંદ. ૬૨
મોડા ગામ પાસે એક ગામ, ગંગાજળિયું છે તેહનું નામ;
નાતે રાવળ ત્યાં બાઈ પાલી, તેને મૂર્તિ તે સ્વામીયે આલી. ૬૩
જલો ભક્ત તે પાલીનો પુત્ર, તેના ઘરમાં તે મૂર્તિ છે તત્ર;
પાલીબાઈને તે પછી જ્યારે, મળ્યા શ્રીસહજાનંદ ત્યારે. ૬૪
જલાભક્તને કરવાને ત્યાગી, સોંપ્યા શ્રીહરિને પગે લાગી;
ધન્ય ધન્ય તે ભક્તની માતા, થઈ પુત્રને કલ્યાણદાતા. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
પ્રથમ પ્રગટ સંપ્રદાય કીધો, સદ્ગુરુ થૈ ઉપદેશ શુદ્ધ દીધો;
નહિ કદી વિસરે જ નામ જેનું, નૃપ તુજ પાસ કહ્યું ચરિત્ર તેનું. ૬૬
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
સદ્ગુરુશ્રીરામાનન્દ-સ્વામીઆખ્યાનકથનનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥