કળશ ૪

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

ભૂપ કહે બ્રહ્મચારીને, આત્માનંદનું કહો આખ્યાન;

દેહ ધર્યો કિયા દેશમાં, કેણે દીક્ષાનું દીધું દાન. ૧

ચોપાઇ

સુણી બોલ્યા અચિંત્યાનંદ, સુણ ભૂપ ધરીને આનંદ;

આત્માનંદનું કહું આખ્યાન, સુણતાં થાય પાવન કાન. ૨

ગોપનાથ મહાદેવ જે છે, મૂળ સ્થાનક તેમનું એ છે;

માટે ઉત્પત્તિ એની બતાવું, સારો મહિમા કહી સંભાળાવું. ૩

શહેર સૂરતમાં શેઠ એક, હતો ધર્મી ને પરમ વિવેક;

સંત વિપ્રની સેવા તે કરતો, મહિમા મનમાં ઘણો ધરતો. ૪

એક દિવસ તેને ઘેર ધારી, આવ્યા તૈલંગના બ્રહ્મચારી;

તેનું નામ તે ગોવિદાનંદ, દેવઅંશી તે વિચરે સ્વચ્છંદ. ૫

શેઠે તેની સજી સારી સેવા, જાણ્યું અન્ય જોગી નથી એવા;

તેને ઘેર હતી એક ગાય, નિત્ય ધણમાં1 તે ચરવાને જાય. ૬

હતી પુષ્ટ તને રુડી પેર, દેતી દૂધ પ્રથમ દશ શેર;

પછી તો ઓછું કાઢવા લાગી, દો’વા જાય ત્યાં તો જાય ભાગી. ૭

પૂછ્યું ગોવાળને શેઠે એમ, હવે દો’વા દેતી નથી કેમ?

કાં તો કોઈ તેને દોહી લે છે, એવો સંશય અમને રહે છે. ૮

પાકી સંભાળ રાખજો ભાઈ, નહીં તો નહીં દૈયે ચરાઈ;2

સુણી બોલિયો તેહ ગોવાળ, હવે રાખીશ હું એ સંભાળ. ૯

પછી ગોવાળે રાખી તપાસ, જતી દીઠી તે સાગર પાસ;

ઉંડાં જળમાં ઘણે દૂર જઈ, પાછી ધણમાં આવી મળી ગઈ. ૧૦

ગોવાળે કહી શેઠને વાત, એ તો અચરજ લાગ્યું અઘાત;3

શેઠે ગોવિંદવરણી પાસ, કર્યું વૃત્તાંત તેહ પ્રકાશ. ૧૧

કાંઈ તેનું અજાણ્યું તો નથી, તોય બોલિયા પોતે મુખથી;

ચાલો આપણે જોઇયે જઈ, ગાય જાય આવે કિયાં થઈ. ૧૨

બન્ને મછવામાં4 બેસીને ગયા, ગાય ચાલી તેને કેડે થયા;

હોય છબછબિયાં5 જળ જેમ, ગાય ચાલે સમુદ્રમાં તેમ. ૧૩

આવિ ટેકરી વેગળે તહીં, તેના ઊપર જૈ ઉભી રહી;

ચારે સ્તનમાંથી દૂધની ધાર, તે ઠેકાણે વહી તેહ વાર. ૧૪

દૂધ સર્વ શ્રવી રહ્યું જ્યારે, ગાય પાછી વળી ઘેર ત્યારે;

વણિકે કહ્યું મસ્તક નામી, આનું કારણ શું હશે સ્વામી? ૧૫

સુણી બોલ્યા ગોવિંદ સુજાણ, આંહી શંકરનું હશે બાણ;6

પછી ખોદીને જોઇયું જ્યારે, દીઠું શંકરનું બાણ ત્યારે. ૧૬

કહે વર્ણી ભલો ધરી ભાવ, રુડું મંદિર આંહી ચણાવ્ય;

શેઠે આજ્ઞા કરી અંગિકાર, ગયા બન્ને તે સુરત મોઝાર. ૧૭

પછી શેઠે શિવાલય કીધું, એ જ વર્ણીના તાબામાં દીધું;

ગોપનાથ ધર્યું શિવનામ, ઘણો મહિમા વધ્યો તેહ ઠામ. ૧૮

શિષ્ય ગોવિંદ જોગિના જાણો, એક આનંદાનંદ પ્રમાણો;

બીજા શિષ્ય જૂનેગઢ રહેતા, નાતે નાગર નરસિંહમેતા. ૧૯

આનંદાનંદના શિષ્ય જેહ, ગોપાળાનંદજી થયા તેહ;

ગોપાળાનંદના આત્માનંદ, થયા વેદાંતવાદિ સ્વચ્છંદ. ૨૦

કહું તેનું જનમ વૃતાંત, સુણો ભૂપ ધરી ખૂબ ખાંત;

કથા તે છે સાંભળવા જેવી, સર્વ સાંભળી સમઝી લેવી. ૨૧

પૂર્વછાયો

દેશ ભલા હાલારમાં, ધૂંવાવ નામે શુભ ગામ;

રૂપારેલ નદી વહે છે, નિર્મળ જળ તે ઠામ. ૨૨

ચાતુરવેદી મોઢ ત્યાં, એક વિપ્ર વસે વિદવાન;

નામ તેનું કલ્યાણજી, જગજીવન સુત સુખદાન. ૨૩

નારી જગજીવન તણી, તેનું નામ કહું નાનબાઈ;

વિશ્વંભર ભટ સુત થયા, તેની પ્રૌઢ દિસે પ્રભુતાઈ.7 ૨૪

સંવત્ સત્તરસેં પછી, જ્યારે ત્રિશ તણી થઈ સાલ;

દસરાને દિન જનમિયા, ગુરુવારે તે સાયંકાળ. ૨૫

કાંઈક સમય ગયા પછી, તેના તાતનું થયું તન નાશ;

મા દિકરે કંક દેશમાં, કર્યો ગારિયાધાર નિવાસ. ૨૬

આઠમે વરસે આપિયું, વિશ્વંભરને ત્યાં ઉપવીત;8

દ્વિજ આત્મારામ આગળે, ભણ્યા વેદ તે અર્થસહિત. ૨૭

વીશ વરસનું વય થતાં, ગૃહસ્થાશ્રમ ચાહી ચિત્ત;

એક આણંદજી વિપ્ર કેરી, પરણ્યા પુત્રી પુનીત. ૨૮

વળી રુડા કંક દેશમાં, શુભ આંસોદર એક ગામ;

વશ્યા વિશ્વંભર ત્યાં જઈ, ઘણા શિષ્ય કર્યા તે ઠામ. ૨૯

ગોપીભટ ભાનુભટ તથા, જયદેવ ને આત્મારામ;

સદ્‌ગુણી ચારે સુત થયા, એક સુતા આણદી નામ. ૩૦

ચોપાઇ

વળી પાલીતાણામાં રહ્યા’તા, ગોપનાથને પૂજવા જાતા;

વર્ણી ગોપાળનો ઉપદેશ, સ્નેહે સાંભળ્યો ત્યાં તો વિશેષ. ૩૧

તેથી તેહ તણા શિષ્ય થયા, તોય વિપ્રને વેષે તે રહ્યાં;

આંસોદરમાં હતા જજમાન,9 તેણે તેડાવ્યા દઈને માન. ૩૨

તેથી ત્યાં જઈ કીધો નિવાસ, રહે સંસારથી તો ઉદાસ;

દૈવી જીવને દે ઉપદેશ, હરિભક્તિ કરાવે હંમેશ. ૩૩

કોઈ ગામ જતાં એક વાર, રસ્તે કાઠી મળ્યા ત્રણ ચાર;

મુખ્ય તેમાં તો ઓઢો ખુમાણ, શૂરવીર ને પરમ સુજાણ. ૩૪

સાથે સાથે તે ચાલિયા સહુ, જતાં દીઠા ત્યાં વીંછિયો બહુ;

ત્યારે કાઠી કહે મહારાજ, આ શું દેખાય છે કહો આજ? ૩૫

બોલ્યા વિશ્વંભર દ્વિજજન, એક શેઠનું જાય છે ધન;

ખપ હોય તો ગાંઠે તે બાંધો, એમાં કાંઈ નહીં પડે વાંધો. ૩૬

હસી બોલિયા કાઠીયો એહ, તમે રાખો મહારાજ તેહ;

ભટે પાવરામાં10 ભરી લીધા, પછી પંથે સિધાવિયા સીધા. ૩૭

વળી જ્યાં જઈ કીધો વિરામ, ઠલવ્યો પાવરો તેહ ઠામ;

સોનામોરનો11 ઢગલો થયો, ત્યારે સંશય કાઠીનો ગયો. ૩૮

કરી વહેંચી લેવા તકરાર, ત્યારે ચાલી વિંછી તણી હાર;

મહાપુરુષ તે વિપ્રને જાણ્યા, શિષ્ય થઈને ગુરુજી પ્રમાણ્યા. ૩૯

વળી ત્યાંથી આંસોદર આવ્યા, હરિભક્તના મનમાં ભાવ્યા;

તેના જજમાનની સુતા એક, વાલબાઈ જે જાણે વિવેક. ૪૦

તેની જાણજો કણબી જાત, ખોળતી હરિને સાક્ષાત;

ભેખમાં મળશે ભગવાન, એમ જાણતી તે અનુમાન. ૪૧

માનગર એક ગોસાંઈ જેહ, હતો શિષ્ય તે ભટનો તેહ;

તેને સાધુ જાણી સુખદાઈ, કોઈ દિવસ જમાડતી બાઈ. ૪૨

એક દિવસ તે બાઈ કહે છે, ભેખમાં ભગવાન રહે છે;

એવું જાણી જમાડું છું તમને, કહો ક્યાં મળશે હરિ અમને? ૪૩

સુણી બોલિયા તેહ ગોસાંઈ, કહું સત્ય તે સાંભળો બાઈ;

વિશ્વંભર ભટ ગોર તમારા, એ જ ઈશ્વરઅંશ છે સારા. ૪૪

વાત બાઇયે માની તે સાચી, તલમાત્ર તેમાં નહીં કાચી;

માનગરજીનો વિશ્વાસ આવ્યો, ભટ ઊપર ભાવ ધરાવ્યો. ૪૫

પુષ્પિતાગ્રાવૃત્ત

જનમથી જન દૈવી જે જણાય, ધરમની વાત સુ તેહથી મનાય;

પણ જન અતિ આસુરી જ જેહ, પ્રતિત ધરે નહિ સંત કેરી તેહ. ૪૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વિશ્વંભરભટ્ટ-જન્મકથનનામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે