કળશ ૪

વિશ્રામ ૧૪

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન;

વિશ્વંભર ભટ નામ છે, કરે પ્રભુ તણાં ગુણગાન. ૧

ચોપાઇ

વાલબાઇયે તે ઘણા વહાલે, વિશ્વંભર ભટને એક કાળે,

નોતરું દેઈ જમવા તેડાવ્યા, પછી તે જ્યારે જમવા આવ્યા. ૨

તમે ઈશ્વર છો એમ કહી, બાઈ ગુરુપદ પકડી રહી;

બોલ્યા વિશ્વંભર ભટ તૈયે, અમે વિપ્ર તે ઈશ્વર છૈયે. ૩

નથી એમાં તો કાંઈ નવાઈ, મૂકો મૂકો મારા પગ બાઈ;

તોયે પગ નવ મૂકિયા જ્યારે, ભટે ચરણ ઉંચો કર્યો ત્યારે. ૪

ચાંપ્યો અંગુઠો એને કપાળે, થઈ તેને સમાધિ તે કાળે;

ખટ ચક્ર ભેદી જીવ ચડિયો, બ્રહ્મરંધ્ર1 ઉપર જઈ અડિયો. ૫

ભુલી ગઈ નિજ દેહનું ભાન, સૂતિ થૈને તે શબની સમાન;

ભટે પૂછી જોયું તેની માને, આવું થાય છે કે કદી આને. ૬

ત્યારે માતાયે જોઈને કહ્યું, આવું તો આને આજ જ થયું;

કહે ભટ એની ચિંતા વિસારી, એને એકાંતે મૂકો સુવારી. ૭

પછી માતાયે એકાંતે ધરી, ગયા ભટજી તો ભોજન કરી;

ગયા વાસર2 બે એમ વહી, સમાધિ તોય ઊતરી નહીં. ૮

માયે ભટજીને જમવા તેડાવ્યા, જ્યારે તે વળી જમવાને આવ્યા;

માયે આંખમાંથી આંસુ પાડી, સ્થિતિ પુત્રીની તેને દેખાડી. ૯

ચાંપી ચરણનો અંગુઠો ભાલે, તેને તરત જગાડી તે કાળે;

અતિ જોઈ ચમત્કાર એવા, જાણ્યા ભટજીને ઈશ્વર જેવા. ૧૦

વાલબાઈ તે વૈરાગ્યવાળી, તેણે તૃષ્ણા સંસારની ટાળી;

દિન દિન નિજ દેહને દમે, રસકસ વિણ ભોજન જમે. ૧૧

બાળાપણમાં હતી પરણેલી, પાછી સાસરે તો ન ગયેલી;

તેડું આવશે સાસરા તણું, સુણી એવું દાઝે દિલ ઘણું. ૧૨

કરી એવી પ્રતિજ્ઞા આપ, નર સર્વે મારે ભાઈબાપ;

વિશ્વંભર ભટને કહી વાત, ગોર છો જી તમે મારા તાત. ૧૩

દીલમાં દયા મુજ પર લાવો, મને કાશીની જાત્રા કરાવો;

ગોરે આપ્યું એને વાક્યદાન,3 કરાવીશ તને ગંગાસ્નાન. ૧૪

ગોપનાથ પછી ગોર ગયા, મંત્ર લૈ મહાદીક્ષિત થયા;

દીક્ષા ગોપાળજોગિયે દીધી, આતમાનંદ સંજ્ઞા કીધી. ૧૫

ભેખ ભગવો ધરી તેહ ઠામ, પાછા આવ્યા આંસોદર ગામ;

ચાલ્યા કાશિયે ધારી ઉમંગ, વાલબાઈ એ ચાલિયાં સંગ. ૧૬

માત તાતની આજ્ઞા લઈને, શાણી બાઈ ચાલ્યાં સજ્જ થઈને;

લાઠી ગામમાં આવિયાં જ્યારે, ભગવાં કર્યાં બાઇયે ત્યારે. ૧૭

ધીમે ધીમે તે કાશિયે ગયાં, ધર્મશાળા વિષે જઈ રહ્યાં;

મળી ત્યાં તો બીજી એક બાઈ, નામ ઠામ તેનું કહું ભાઈ. ૧૮

દેશ નાઘેરની4 હતી નારી, તેનો ત્યાગ વૈરાગ્ય છે ભારી;

હરબાઈ છે તેહનું નામ, જાતે કુંભાર પણ ગુણધામ. ૧૯

મળી બે બાઇયો તેહ જ્યારે, નામ ઠામ પૂછી લીધાં ત્યારે;

ગિરનારની છાયામાં ગામ, જાણ્યાં બેય તણાં તેહ ઠામ. ૨૦

થયો સ્નેહ તે સ્વદેશી જાણી, વાલબાઈ બોલ્યાં મુખ વાણી;

કેમ આવ્યાં તમે તજી દેશ? તેનું કારણ તો કહો લેશ. ૨૧

ત્યારે બોલિયાં તે હરબાઈ, હરિ મળવાની ઇચ્છાયે ધાઈ;

જાણ્યું ભેખમાં છે ભગવાન, કાં તો છે જહાં તીરથ સ્થાન. ૨૨

પણ જોયા કાશીના નિવાસી, દીઠા ભ્રષ્ટ ઘણાક સંન્યાસી;

કામી ક્રોધી લોભી થયા સંત, દેખી ઉપજે છે દુઃખ અત્યંત. ૨૩

ઘણાં તીર્થ વિષે જ હું ફરી, મનવૃત્તિ તો ક્યાંઈ ન ઠરી;

મને ઈશ્વર પ્રાપ્ત ન થયા, દીનબંધુયે નવ કરી દયા. ૨૪

વાલબાઈ બોલ્યાં ધરી નેહ, આતમાનંદસ્વામી છે જેહ;

એ છે ઈશ્વરનો અવતાર, નથી સંશય એમાં લગાર. ૨૫

જ્યારે તેનો સમાગમ કરશો, ત્યારે શાંતિ અંતરમાં ધરશો;

પછી તેણે સમાગમ કર્યો, થઈ ધારણા ને જીવ ઠર્યો. ૨૬

વળી પેખિને પ્રૌઢ પ્રતાપ, એને જાણિયા ઈશ્વર આપ;

તેની પાસે લીધો ઉપદેશ, ધર્યો તન પર ભગવો વેશ. ૨૭

પૂર્વછાયો

ત્રણ્યે મળી ત્યાંથી ચાલિયાં, આવ્યાં વ્રજમાં ગોકુળ ગામ;

અભ્યાગતની જાયગા, હતી તેમાં કર્યો વિશ્રામ. ૨૮

વેરાગી બહુ ત્યાં વસે, સૌનો ઉપરી એક મહંત;

જાત્રાળુ જન આવે ઘણા, આપે રસોઈ જમે સૌ સંત. ૨૯

વારો રસોઈ દીધા તણો, મળે નહિ દિવસ બહુ જાય;

ત્યારે સામાન રસોઈનો, દઈ પોતાને પંથ પળાય.5 ૩૦

સીધાં લઈ સાકર તણાં, ભરે કોઠારી કોઠાર માંય;

ભેખને પિરસે ભાખરા, પુણ્ય પાપ ગણે નહિ કાંય. ૩૧

સારું સારું પોતે જમે, નિજ સેવકને પણ દેય;

હોય ગવાન્નીક6 ગાયનું, જેમ પાડા ભક્ષ કરેય. ૩૨

તે થકી તે કોઠારીની, બહુ નિંદા જગતમાં થાય;

મુખોમુખ નહિ કહી શકે, પણ પાછળ અપજશ ગાય. ૩૩

ઘરડા માંદા સંતને, જેની પાસે ન દેખે દામ;

કાઢી મૂકે જગ્યા થકી, કહે રહો બીજે જૈ ઠામ. ૩૪

કરવા પરીક્ષા તેહની, આત્માનંદે કીધો વિચાર;

બેય પગે પાટા બાંધિયા, મધ ચોપડી તેહ ઠાર. ૩૫

માખિયો બહુ બહુ બણબણે, કોઈ ઉભું રહે નહિ પાસ;

સૂગ ચડે જન સર્વને, વસવા ન દે કોઈ વાસ. ૩૬

કાચું સિધું કોઠારિયે, આપી કહ્યું તજો આ સ્થાન;

વળી બીજા વેરાગીયે, આવી કર્યું ઘણું અપમાન. ૩૭

ધમકી દઈ ધકા મારિયા, કાઢી મુકવા કીધો ઉપાય;

આત્માનંદ કહે આજ તો, મુજ માંદા થકી ન જવાય. ૩૮

મહાંતનાં મનમાં દયા, કાંઈ ઉપજી એણી વાર;

આજની રાત રહો ભલે, એવો એણે કર્યો ઉચ્ચાર. ૩૯

મંદિરના જન કારણે, કર્યા માલપુવા દૂધપાક;

ભજીયાં પણ ભાતભાતનાં, ઘણાં સુંદર સ્વાદુ શાક. ૪૦

પંગતે પીરશું જે સમે, ત્યારે પાત્ર પુરાવી મહંત;

અરપ્યું આત્માનંદને, કહ્યું જમો તમે શુચિ7 સંત. ૪૧

દૃષ્ટિ કરી દૂધપાકમાં, બોલ્યાં આત્માનંદજી એમ;

આમાં તો જીવ અસંખ્ય છે, કહો કરાય ભોજન કેમ? ૪૨

પછી દીઠા સૌ સાધુયે, બધા ભોજનમાં બહુ જંત;

ખાડો ખોદાવીને દાટિયું, રહ્યા ભૂખ્યા નિશા પર્યંત. ૪૩

ચોપાઇ

આતમાનંદ ત્યાં રહિ રાત, ચાલ્યા મારગે ઉઠી પ્રભાત;

સર્વે સાધુયે કીધો વિચાર, એ તો ઈશ્વરનો અવતાર. ૪૪

સાધુઓને શિખામણ દેવા, એ તો આવ્યા હતા થઈ એવા;

હોય ભોજનમાં ક્યાંથી જંત, એનું ઐશ્વર્ય એ તો અનંત. ૪૫

પછી ખોળવા તેને નિકળીયા, પણ કોઈને તે નવ મળિયા;

આત્માનંદ આવ્યા ગુજરાત, અમદાવાદ છે જ્યાં વિખ્યાત. ૪૬

શિષ્ય નાગર દશ બાર થયા, પછી વિસનગરમાં ગયા;

વડનગર ગયા એહ વાર, ઘણા શિષ્ય કર્યા બેય ઠાર. ૪૭

વળતાં આવિયા મછિયાવ, રાણી ફઈબાનો ભાળ્યો ભાવ;

બાપુસિંહજી ઠાકોર તણી, એહ માતા વિવેકી ઘણી. ૪૮

તેને પોતાની આશ્રિત કરી, કૈંક ભરવાડે શિષ્યતા ધરી;

રાજકોટ ગયા મહારાજ, કૈંક જીવનાં ત્યાં કર્યાં કાજ. ૪૯

દૈવી જીવ જે ડોસો કુંભાર, વૈશ્ય માવજી સમઝે સાર;

તેઓને ભલા ઉપદેશ દીધા, સારા શિષ્ય તે પોતાના કીધા. ૫૦

આસપાસના ગામોમાં ફર્યા, ઘણા દૈવીને આશ્રિત કર્યા;

આત્માનંદે કર્યું એવું કામ, કીધું શિષ્ય કોઠારિયું ગામ. ૫૧

ત્રંબાગામ બધું શિષ્ય થયું, તેમા કોઈ અશિષ્ય ન રહ્યું;

જુગતાનંદ મુક્તાનંદ, બેય સાધુ કર્યા જગવંદ. ૫૨

જુગતાનંદ સમાધિ કરે, અનુવૃત્તિ મુક્તાનંદ ધરે;

નિજમત પ્રસરાવવા કાજ, ચાલ્યો પાંચે જણાનો સમાજ. ૫૩

સરધારમાં જૈ શિષ્યો કર્યા, કોટડામાં પછી પરવર્યા;

નામે ઉકરડો રાજગર, થયો શિષ્ય તે એ અવસર. ૫૪

ગામ છત્રાસાના સર્વ જન, શિષ્ય થૈ કરે નિત્યે ભજન;

પછી ત્યાંથી આવ્યા પીપલાણે, મે’તા નરસી રહે તે ઠેકાણે. ૫૫

તેને શિષ્ય કર્યા તેહ ઠામ, કર્યું શિષ્ય આખા આખું ગામ;

લોઢવામાં થઈ શિષ્ય બાઈ, લખુ ચારણ નામે ગણાઈ. ૫૬

મેખાટીંબી નામે એક ગામ, રહે આહિર બહુ તેહ ઠામ;

આત્માનંદ તહાં પરવર્યા, ઘણા આહિરને શિષ્ય કર્યા. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

નરતનું ધરી ઈશ્વરાંશ8 આપ, સદ ઉપદેશ દઈ હર્યા ત્રિતાપ;

પરમત કરી વાદ જીતિ લીધા, બહુ જનને સમઝાવી શિષ્ય કીધા. ૫૮

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આત્માનંદસ્વામી-પ્રવાસવિચરણનામા ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે