વિશ્રામ ૧૫
પૂર્વછાયો
ભૂપ અભેસિંહ સાંભળો, ચારુ1 કથા ધરીને ચિત્ત;
ઐશ્વર્ય આત્માનંદનું, સંભળાવું સ્નેહ સહિત. ૧
ચોપાઇ
ગામ મેખાટીંબી મોઝાર, આત્માનંદ રહે કરી પ્યાર;
થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિષે ધરી ટેક. ૨
ગામ ધ્રાફા વિષે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાળે;2
લખી કંકોતરી ગામોગામ, તેમાં આહિર તેડ્યા તમામ. ૩
વળી એમ લખ્યું તેહમાંય, સગા સ્નેહીને લાવજો ત્યાંય;
ત્યારે આહિરોયે મળી આવી, આત્માનંદને વાત સુણાવી. ૪
સ્નેહી સહિત તેડાવ્યા છે અમને, સાચા સ્નેહી તો ગણિયે તમને;
તમે આવશો સહિત સમાજ, મેળે તો જ જશું અમે આજ. ૫
ગુરુજી કહે આવશું અમે, જવા તત્પર થાઓજી તમે;
સુણી આહિર સર્વ સિધાવ્યા, આત્માનંદજીને સાથે લાવ્યા. ૬
વાલબાઈ અને હરબાઈ, મેળો જોવા ચાલ્યાં હરખાઈ;
મુક્તાનંદ અને જુક્તાનંદ, બેયને કહે આત્માનંદ. ૭
મતવાદી જગતમાં જેહ, કરે છે દ્વેષ આપણો એહ;
મેળામાં જાશું આપણે જ્યારે, અતિ કરશે અવિદ્યા3 તે ત્યારે. ૮
માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિનો વેશ બનાવો;
કોઈ ઓળખે નહિ એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. ૯
એવાં વચન કહી મરમાળાં, પે’ર્યાં ધોતિયાં લાંબાં પનાળાં;
રુડી રેશમની કોર રાજે, અંગે અંગરખાં મોટાં છાજે. ૧૦
જામનગરનાં જરિયાનવાળાં, માથે ધોતિયાં બાંધ્યાં રુપાળાં;
ઢાલો તલવારો પણ ધરી લીધિ, ધારી બરછિયો પણ ભલી વીધિ. ૧૧
જુગતાનંદ ને મુક્તાનંદ, આતમાનંદ સ્વામી સ્વછંદ;
થયા ઘોડલે તે અસવાર, મળી ચાલ્યા આહિર મોઝાર. ૧૨
આવ્યા એવી રીતે ધ્રાફા ગામ, દીઠી મંડળિયો ઠામેઠામ;
ખડતાળ મૃદંગ બજાવે, નરનારી મળીને ત્યાં ગાવે. ૧૩
કોઈ તો સખી થઈને નાચે, નરનારિયો નિર્ખીને રાચે;
કોઈ તો એકતારો બજાવે, સ્વર ઉંચેથી સાવળ્યો4 ગાવે. ૧૪
જનમાં જન્મ સાહેબ લેશે, બાવો કાંકરિયે દેરા દેશે;
એવી વાત ભવિષ્યની ગાય, તેનો મર્મ નહીં સમઝાય. ૧૫
ગામ પાદર તંબુ છે તાણ્યા, મળ્યા લોક હજારો અજાણ્યા;
કોઈ પાઠ પૂજા આદરે છે, કોઈ તો જ્યોત પ્રગટ કરે છે. ૧૬
એક પંગતે બેસીને ખાય, જાતિભેદ જુદો ન જણાય;
નર નારીની ભીડ ભરાય, કૈંકનાં અંગ તો કચરાય. ૧૭
અડકે પરપુરુષનાં અંગ, તેથી થાય પતિવ્રત ભંગ;
દિસે બાવાના ક્યાંઈ અખાડા, ગાંજા ભાંગ્યના ઊડે ધુમાડા. ૧૮
તેના જેવા તે તો ભળી જાય, ધર્મવાળાથી તો ન ભળાય;
સ્વામી ઉતર્યા જોઈ એકાંત, પડી તે થકી લોકોને ભ્રાંત. ૧૯
કહે કોઈ આવ્યો બ્રહ્મી બાવો,5 નોય તેહ વિના ધર્મ આવો;
બોલી ચાલી અને રીત ભાત, બ્રહ્મી બાવાની છે સાક્ષાત. ૨૦
ગાંજો ભાંગ્ય કશું નથી પીતા, રહે નારીના તન થકી બીતા;
આખા વિશ્વ વિષે એવો કોય, બ્રહ્મી બાવા વિના નવ હોય. ૨૧
માટે કાંઈ ઉપાય કરાવો, એને આંહિથી કાઢી મુકાવો;
નાખશે ભૂરકી એ જરૂર, કૈંકને કરશે ગાંડાતૂર. ૨૨
ઉપજાતિવૃત્ત (અસંતમાં સંત છાના ન રહે તે વિષે)
જો હંસ બેઠા બગમધ્ય હોય, છુપાવતાં છુપી રહે ન તોય;
આહાર જુદા થકી ઓળખાય, મોતી મરાળો6 બગ મત્સ ખાય. ૨૩
બેસે કદી કોકિલ7 કાગ સંગે, જણાય જોતાં સરખાં જ અંગે;
ઉચ્ચાર જ્યારે મુખથી કરાય, કોકીલ ને કાગ જુદાં જણાય. ૨૪
જો કાચ કેરા કડકા અનેક, તે માંહી હીરો કદી હોય એક;
પડે પછી તે નજરે ઘણાની, હીરા તણી જોત8 રહે ન છાની. ૨૫
તપસ્વિનો વેષ નરેશ ધારે, જો ચોળીને ખાખ9 જટા વધારે;
ભલે કદી કોપિન હોય વાળી, જણાય તોયે જન ભાગ્યશાળી. ૨૬
અસંતના મંડળ માંહી સંત, બેસે જઈને કદી જ્ઞાનવંત;
જુદા જ તે આચરણે જણાય, છાના રહે તો પણ ઓળખાય. ૨૭
ચોપાઇ
આત્માનંદે છુપાવ્યો છે વેશ, પણ ધર્મ છુપે કેમ લેશ;
આચરણ જુદાં જોઈને એહ, લોકે જાણ્યા બ્રહ્મી બાવો તેહ. ૨૮
ગભરાટ ઉઠ્યો મેળે આખે, રખે નરને ગાંડા કરી નાંખે;
પછી મેળાના ધણિયે વિચારી, આત્માનંદને વાત ઉચ્ચારી. ૨૯
સંપ્રદાયથી છો તમે ન્યારા, તમે સૌની નિંદા કરનારા;
ગાંજો ભાંગ્ય પિતા નથી તમે, વળી રીત અમારી ન ગમે. ૩૦
અમે તમને નથી જ તેડાવ્યા, વણ તેડ્યા તમે કેમ આવ્યા?
હવે સામે મોઢે પાછા જાઓ, વણઅર્થે10 ફજેત ન થાઓ. ૩૧
આત્માનંદ કહે સુણો તમે, વણ તેડ્યા આવ્યા નથી અમે;
આ છે આહિર શિષ્ય અમારા, આવ્યા તે પર પત્ર તમારા. ૩૨
સગા સ્નેહિને લાવજો સાથે, તમે એવું લખ્યું હતું હાથે;
સાચા સ્નેહિ તો અમને ઠરાવ્યા, તેથી સાથે તેઓ તેડી લાવ્યા. ૩૩
મેળો વેરાશે11 ત્યારે જ જાશું, શીધું નહિ દ્યો તો ગાંઠનું ખાશું;
હવે ઝાઝું ન બોલશો તમે, નહિ માનિયે કાંઇયે અમે. ૩૪
એવું સાંભળીને ઉઠી ગયા, ગુરુ શિષ્ય ઘણા ભેળા થયા;
ઘણી ધૂળની ફાંટો ભરાવી, સ્વામી ઊપર આવી નંખાવી. ૩૫
કોઈ દૂરથી કાંકરા મારે, કોઈ તો હુરેહુરે ઉચ્ચારે;
આહિરોયે ત્યાં તરવારો તાણી, બોલ્યા આતમાનંદજી વાણી. ૩૬
કોઈ ઉપર ઘાવ જે કરશે, ગુરુદ્રોહી વચનદ્રોહી ઠરશે;
આપણે સહેવું અપમાન, ભાળી રીઝે તેથી ભગવાન. ૩૭
કહે વર્ણી અભેસિંહ રાવ, હતો આહિરોને ઉર ભાવ;
મોટા પંથિને જાણતા સારા, તેને દેખાડવાને નઠારા. ૩૮
મેળે આવ્યા હતા મહારાજ, ગુણ દોષ દેખાડવા કાજ;
ચાલ્યા આહિરો રીસાઈ જ્યારે, આત્માનંદ ચાલ્યા સંગ ત્યારે. ૩૯
અધ ગાઉ ગયો તેહ વ્રાત,12 થયો મેળા વિષે ઉતપાત;
આવ્યો વંટોળિયો ચડી એક, ઉડે ધૂળ ને પથરા અનેક. ૪૦
વાય વાયુ મહા વિકરાળ, જાણે આવ્યો પ્રલયનો કાળ;
દેરા તંબુ તે ઉડ્યા આકાશ, જાણે ઉડી પડાઈ13 ચોપાસ.14 ૪૧
ઘણા પથરા આકાશથી પડે, ભાંગ્યાં કૈંકનાં માથાં તે વડે;
વળી ભાંગિયાં કૈંકનાં અંગ, ખડતાળ ને ભાંગ્યાં મૃદંગ. ૪૨
ભાગ્યાં મંજિરા ને એકતારા, બુમો પાડે ત્યાં બાવા બિચારા;
કૈંક બાવાના ભાંગિયા કૂલા, પગ ભાંગ્યાથી કૈં થયા લૂલા. ૪૩
કૈની આંખ્યમાં ધૂળ ભરાઈ, રામકીને કે’ કહાં ગઈ માઈ?
હિંદુસ્તાની બોલે કોઈ આમ, એસા કયા હુવા ઓ મેરે રામ? ૪૪
કૈંક રામકિયો રડવડે, કૈંક બાવાનાં છોકરાં રડે;
નરનારી કરે નાસાનાસ, સૌને અંતરે ઉપજ્યો ત્રાસ. ૪૫
જ્યોત જ્યોતને ઠેકાણે રહી, પાઠપૂજા પૂરી થઈ નહી;
રાંધ્યાં ધાન થયાં ધૂળધાણી, પીવા નવ મળ્યું કૈંકને પાણી. ૪૬
ભૂખ્યા તરસ્યા ગયા લોક ભાગી, વળી બોલિયા કૈંક વૈરાગી;
બ્રહ્મી બાવો જાણે જાદુ વિદ્યા, માટે એણે કરી આ અવિદ્યા. ૪૭
આત્માનંદજી ત્યાંથી સિધાવ્યા, દેશ બાબરિયાવાડે15 આવ્યા;
કર્યો રામપરામાં વિરામ, ઘણા શિષ્ય કર્યા તેહ ઠામ. ૪૮
પૂર્વછાયો
વિચરી નાઘેર દેશમાં, આતમાનંદે ઠામોઠામ;
પોતાના શિષ્ય ઘણા કર્યા, જઈ જઈને ગામોગામ. ૪૯
રહેવાસી રાજકોટના, શેઠ માવજી ડોસો કુંભાર;
આત્માનંદને તેડવા, ગયા નાઘેર દેશ મોઝાર. ૫૦
તેડીને વળતા આવિયા, નાના મોટા માંડવા ગામ;
સાથે હરબાઈ વાલબાઈ, જુક્તાનંદ મુક્તાનંદ નામ. ૫૧
શેલડીના એક વાઢમાં, જઈ બેઠો સર્વ સમાજ;
વાઢના ધણિયે જાણિયું, આ તો બ્રહ્મી બાવો આવ્યો આજ. ૫૨
બીક લાગી એને બહુ, નાંખી ભૂરકી હરશે ભાન;
જાઓ અમારા વાઢથી, એમ કહી કર્યું અપમાન. ૫૩
આત્માનંદજી ઉચ્ચર્યા, આ છે વિશ્વપતિનો વાઢ;
બેઠા મુસાફર છે બીજા, કેમ અમને અહીંથી કાઢ્ય? ૫૪
વળી વદે ધણી વાઢનો, તમે જાદુગરા છો જરુર;
ગાંડા કરો છો લોકને, માટે આંહિ થકી જાઓ દૂર. ૫૫
આત્માનંદ ઉઠી ચાલિયા, સાથે લઈ પોતાના જન;
નીરનું નેહેરું16 આવિયું, ત્યાં કરવા રહ્યા મજ્જન.17 ૫૬
જે વાઢમાંથી નીસર્યા, તેમાં ફરતો હતો એક કો’લ;
વાઢધણી જાણતો હતો જે, સારો ઉતરશે ગોળ. ૫૭
રસ રેલાઈ ચાલિયો, જેમ કોસનો ચાલે પ્રવાહ;
કાંઈ ન ઉતરે કુંડીમાં, કરી જોયા ઉપાય અથાહ.18 ૫૮
આવિયો એક અતીત ત્યાં, જંત્રમંત્ર તણો જાણનાર;
જીભનું શોણિત19 છાંટિયું, કર્યાં ધૂપ ને ધ્યાન અપાર. ૫૯
તો પણ અર્થ સર્યો નહીં, ત્યારે અતીત બોલ્યો એહ;
જેનો તમે અપરાધ કર્યો, કોઈ મોટા પુરુષ તો તેહ. ૬૦
માંગો અનુગ્રહ એહનો, જઈ પ્રેમે કરીને પ્રણામ;
તે કરશે કરુણા ઘણી, તો જ થશે તમારું કામ. ૬૧
વાઢ તણા તે કણબિયે, પછી જઈ આત્માનંદ પાસ;
કર જોડી વિનતિ કરી, કહ્યું ટાળો અમારો ત્રાસ. ૬૨
અમે ન તમને ઓળખ્યા, આપ મોટા પુરુષ છો આજ;
જે અપરાધ અમે કર્યો, તે માફ કરો મહારાજ. ૬૩
કુંડીમાં રસ પડતો નથી, કરી જોતાં કોટિ ઉપાય;
કૃપા કરો કરુણાનિધિ, રસ કુંડી વિષે તો ભરાય. ૬૪
અવર20 માંગું એટલું, મારે ઘેર રહો ચાર માસ;
કલ્યાણ કરવા આવિયા, અને હું છું તમારો દાસ. ૬૫
આગ્રહ અતિ જોઈ એહનો, એક માસ વસ્યા તેને ઘેર;
રસ કુંડીમાં ઉતર્યો, થઈ અધિક લીલા લેર. ૬૬
આતમાનંદને ઉતરવા, તેણે જગ્યા કરાવી ત્યાંય;
કોઈક અવસરે આવીને, સ્વામી ઉતરતા તેમાંય. ૬૭
પુષ્પિતાગ્રાવૃત્ત
મહતપુરુષ અત્ર દેહધારી, વિવિધ પ્રકાર વિવેકથી વિચારી;
દુરમતિ હરિ21 આત્મજ્ઞાન દે છે, ભવજળ પાર મુમુક્ષુને કરે છે. ૬૮
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
આત્માનંદસ્વામી-ઐશ્વર્યકથનનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥