કળશ ૪

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિત સમાજ;

રહ્યા જઈ રાજકોટમાં, નિજ આશ્રિતના હિત કાજ. ૧

ચોપાઇ

પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા;

ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભક્ત વસે ત્યાં નિવાસે. ૨

રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા;

વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. ૩

બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય;

રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ1 લહું છું. ૪

આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ!

મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈશ હું તેહ. ૫

રામાનુજ ગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા;

વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. ૬

વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન;

મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. ૭

રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા;

તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. ૮

હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ;

જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. ૯

બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ;

કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય. ૧૦

પછી હરબાઈ ને વાલબાઈ, તેને ગુરુયે કહ્યું હરખાઈ;

રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. ૧૧

જુક્તાનંદ મુક્તાનંદ જેહ, હવે હું સૂધાં2 ત્રણ જણ તેહ;

જશું નાઘેર દેશ મોઝાર, તન ત્યાગશું જૈ તેહ ઠાર. ૧૨

રહે કે પડે જો તનુ ત્યાંય, તોય ખોળ ન કરશો ક્યાંય;

ખોળશે તે ગુરુદ્રોહી થાશે, અંતે ઘોર નરકમાં જાશે. ૧૩

એમ કહી જણ ત્રણ સિધાવ્યા, લોઢવે લખુને ઘેર આવ્યા;

ત્યાંથી પચીશ ગાઉ ઊપર, ગામ નામ રુડું રામપર. ૧૪

ઘણા શિષ્ય રહે નિજ ત્યાંય, કહ્યું એકને સ્વપનામાંય;

ગાડું લઈ તેડવા આવ્ય તુંય, તારી સાથે ત્યાં આવિશ હુંય. ૧૫

રાણો વણઝર શિષ્યનું નામ, જાતે આહિર સદ્‌ગુણધામ;

હતો તે તો સમાધિનિષ્ઠ, વળી શિષ્ય ગણાતો વરિષ્ઠ.3 ૧૬

કહે વર્ણી સુણો હે નરેશ! એની વરણવું વાત વિશેષ;

આત્માનંદે તજ્યો જ્યારે દેહ, રામાનંદે કર્યો શિષ્ય તેહ. ૧૭

મેલ્યો અદ્વૈતમતને વિસારી, વિશિષ્ટાદ્વૈતની ટેક ધારી;

નામે કુંભો તેનો સુત થયો, તાતના મતમાં તેહ રહ્યો. ૧૮

કર્યું એવું તો ભક્તિનું કાજ, તેને રીઝ્યા શ્રીજી મહારાજ;

ભોજો પુત્ર ભલો થયો તેનો, અતિ ઉત્તમ સત્સંગ એનો. ૧૯

કાંઈ કારણથી રામપર, તજી કીધું સમઢિયાળે ઘર;

ભોજા ભક્તનું સમઢિયાળું, પડ્યું નામ તો તેથી રુપાળું. ૨૦

ભોજો ભક્ત ભારે સતસંગી, એની પ્રભુપદ પ્રીત અભંગી;

રઘુવીરજીને રુડી પેર, ઘણીવાર તેડ્યા નિજ ઘેર. ૨૧

ભાળી ભક્તિ ભલી તેહ તણી, આચારજની કૃપા થઈ ઘણી;

નિત્યાનંદ ને ગોપાળાનંદ, તેને ઘેર પધાર્યા સ્વછંદ. ૨૨

ગુણાતીત મુનિ કેહવાય, તેના તો મુખ્ય શિષ્ય ગણાય;

ઘણાં રાખતા નિજ ઘેર ઘોડાં, બીજાં વાહન પણ નહિ થોડા. ૨૩

ઘણાં ઘોડાં તો દેવને દીધાં, આચારજજીને અર્પણ કીધાં;

ઘરે ભેંશો રાખે ઘણી એવી, ભલી હોય હાથણિયો જેવી. ૨૪

જુનાગઢના મંદિરમાંય, દેવ રાધારમણ છે ત્યાંય;

ભારે ભેંશો તહાં ભેટ ધરી, સાજી તાજી તને પુષ્ટ કરી. ૨૫

દેવને દહીં દૂધ ધરાય, તેનું પુણ્ય ગણ્યું ન ગણાય;

ધાતુપાત્ર ને પ્રૌઢ પલંગ, કરી વસ્તુઓ ભેટ અભંગ. ૨૬

કરી ઈશ્વરે લીલા લહેર, ઘણી રિદ્ધિસિદ્ધિ દીધી ઘેર;

પામ્યા સતસંગ માંહિ પ્રખ્યાતી, ધન્ય ધન્ય કહે જનજાતી. ૨૭

એ તો વંશ કહ્યો જ વિસ્તાર, એનો જાણી પ્રસંગ આ ઠાર;

રાણા વણઝરની કહું વાત, સુણો ભૂપ થઈ રળિયાત. ૨૮

ગાડું લૈ રાણો લોઢવે આવ્યા, આત્માનંદને અંતરે ભાવ્યા;

જુક્તાનંદ મુક્તાનંદ પાસ, ગુરુયે કર્યું વચન પ્રકાશ. ૨૯

લખુબાઈ પાસે તમે રહો, થોડા દિન પછી સદગતિ લહો;

એમ કહિને રામપરે આવ્યા, આસપાસના શિષ્યો તેડાવ્યા. ૩૦

પછી વીતી ગઈ જ્યારે રાત, બીજા દિવસનું પ્રગટ્યું પ્રભાત;

નદી ધાતરવડીયે ના’વા, સર્વ શિષ્ય સમેત સિધાવ્યા. ૩૧

હતું તમરતરૂ4 પાવન, બેઠા નાહીને ત્યાં સઉ જન;

આતમાનંદ ઉચર્યા ત્યારે, મારો દેહ છુટી જાય જ્યારે. ૩૨

લાવી મૂકજો આ સ્થળ એહ, નવ બાળશો દાટશો તેહ;

એમ કહી નિજચરણ ઝલાવ્યા, પછી સૌ મળી ગામમાં આવ્યા. ૩૩

પૂર્વછાયો

પછી આત્માનંદસ્વામીયે, જ્યારે ત્યાગ કર્યો નિજદેહ;

કહ્યા પ્રમાણે મૂકિયા, જઈ તમરતરૂ તળ તેહ. ૩૪

જુક્તા ને મુક્તાનંદ જે, રહ્યા હતા લોઢવે ગામ;

તેમણે પણ સૌ શિષ્યને, તહાં આપી પ્રતિજ્ઞા આમ. ૩૫

તજીયે તન અમે જે સમે, ત્યારે તમે અમારા દેહ;

વન વિષે જૈ મૂકજો, નવ બાળશો દાટશો તેહ. ૩૬

આતમાનંદને વીતિયા, જ્યારે મરણ પછી દિન સાત;

તારે તે બેય સાધુઓના, પિંડ5 તણો થયો પાત.6 ૩૭

શિષ્ય મળી તે શરીરને, મુકી આવ્યા વન મોઝાર;

વર્ણી અચિંત્યાનંદ કહે, સુણો ભાવિક ભૂભરતાર.7 ૩૮

આત્માનંદ તણી કથા, તમને સુણાવી જેહ;

સદ્‌ગુરુ પરમાનંદ મુખ, મેં સાંભળી હતી તેહ. ૩૯

પુષ્પિતાગ્રાવૃત્ત

નૃપતિ સમીપ સર્વ સૌખ્યદાની, કહી શુભ વાત ગુરુપરંપરાની;

દૃઢ મન ધરી જે સુણે સુણાવે, થઈ હરિભક્ત વિરાગ જ્ઞાન લાવે. ૪૦

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આત્માનંદસ્વામી-દેહત્યાગકરણનામા ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે