કળશ ૪

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર;

હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. ૧

સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ;

ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. ૨

વસંતતિલકાવૃત્ત

વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય,

શ્રીધર્મનંદન તણી કહું છું કથાય;

દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે,

સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. ૩

   આવ્યા હતા દરશને જનસંઘ જેહ,

   સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ;

   આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય,

   વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. ૪

મૂર્તિ વિષે નિરખી અદ્‌ભુતતા અપાર,

દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર;

જાણે ઘણાક જન અક્ષરધામવાસી,

પ્રત્યક્ષ એ જ પુરુષોત્તમ સુપ્રકાશી. ૫

   કોઈકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં,

   કોઈકને સહજ દર્શન દિવ્ય દીધાં;

   દેખાડયું કંઈકને નિજ કેરું ધામ,

   વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ. ૬

વીતી ગઈ પુનિત પૂનમ એહ જ્યારે,

પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે;

વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને,

કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. ૭

   બેઠા રથે વૃષજ1 ઉદ્ધવ2 ધર્મવંત,

   ગાડી વિષે વિદિત3 મુક્ત મુનીશ સંત;

   ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી,

   પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. ૮

વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ,

ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ;

નારી નરો મળી ઘણાં વિચર્યાં વળાવા,

નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. ૯

   તે માંહી મુખ્યજન તો નરસિંહ મે’તા,

   કલ્યાણજી તનુજ4 તે પણ બ્રહ્મવેત્તા;

   જૈ ગામ બાર ગુરુયે કરિયો ઉચાર,

   પાછા વળો પુરજનો કરશો ન વાર. ૧૦

ચોપાઇ

પછી પાછા વળ્યા પુરવાશી, આખા ગામે ગયા સુખરાશી;

ગંગાધર વિપ્રનું ત્યાં ઘર, પશ્ચિમાભિમુખે તે સુંદર. ૧૧

ફળિયા માંહી પીપળો સારો, રામાનંદે કર્યો ત્યાં ઉતારો;

સજી ત્યાં સભા સંતસમાજે, આવ્યા હરિજન દર્શન કાજે. ૧૨

રામાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, મહાપુરુષ છે આ બ્રહ્મચારી;

એવે અવસરે જાસુલ નામ, આવ્યો મેમણ5 એક તે ઠામ. ૧૩

તેણે જોયા શ્રીહરિને જ્યારે, થઈ તરત સમાધિ ત્યારે;

જોઈ મૂરતિને ધામમાં જેવી, જોઈ જાગીને એવી ને એવી. ૧૪

જોયું શ્રીવત્સનું ચિન્હ જેવું, દીઠું પ્રત્યક્ષ તે પણ તેવું;

કર જોડી બોલ્યો ગુણવાન, સહજાનંદ છો ભગવાન. ૧૫

એમ કહીને તે ચાલ્યો ગયો, સૌના મનમાં અચંબો થયો;

ગંગાધર નામે વિપ્રને ઘેર, જમ્યા સર્વે તહાં સારી પેર. ૧૬

અગત્રાઈના હરિજન જેહ, આવ્યા સ્વામીને તેડવા તેહ;

સ્વામીયે વિનતિ સુણી લીધી, મુક્તાનંદજીને આજ્ઞા દીધી. ૧૭

આજ જાઓ અગત્રાઈ તમે, કાલે આવશું ત્યાં પછી અમે;

સાથે લઈને શ્રીહરિ સુખદાઈ, મુક્તાનંદ ચાલ્યા અગત્રાઈ. ૧૮

હરિભક્તો વળાવવા ગયા, હરિને જોઈ વિસ્મિત થયા;

દીઠું અકળ ને અદ્‌ભુત તેજ, મૂરતિ માંહિ સમાયું એ જ. ૧૯

તેથી મૂર્તિમાં ચોટિયું ચિત્ત, કોઈ પાછા વળે ન ખચીત;

મુક્તાનંદ કહે હરિદાસ, તમે શા માટે થાઓ ઉદાસ? ૨૦

રામાનંદ છે ઈશ્વરમૂરતિ, જઈ જોડો તેને વિષે સુરતી;

ઘણા આગ્રહથી પાછા વાળ્યા, પ્રભુ સંતો તણી સાથે ચાલ્યા. ૨૧

ભક્ત આવ્યા રામાનંદ પાસ, કરી પરચાની વાત પ્રકાશ;

સ્વામી બોલિયા વાત વિચારી, મહાપુરુષ છે એ અવતારી. ૨૨

બીજે દિવસે તો તત્પર થયા, રામાનંદ અગત્રાઈ ગયા;

રહે પટેલ ત્યાં ભીમભાઈ, તેને ઘેર રહ્યા સુખદાઈ. ૨૩

મળ્યા ત્યાં મુનિ મુક્તાનંદ, મળ્યા શ્રીહરિ આનંદકંદ;

ભીમભાઈ ને પર્વતભાઈ, પાસે બોલ્યા ગુરુ સુખદાઈ. ૨૪

આ છે વર્ણીને વેષે સુજાણ, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ;

સુણી વાત તે પર્વતભાઈ, કર્યો નિશ્ચય મન હરખાઈ. ૨૫

સ્વામી ધોળિયે આંબે તે જઈ, બેસતા સભામાં સજ્જ થઈ;

રામાનંદ ગુરુ તો ગણાતા, સૌનાં મન તો હરિમાં તણાતાં. ૨૬

કૈક જીવના અર્થ સુધાર્યા, પછી ત્યાં થકી મઢડે પધાર્યા;

ઉતર્યા જેઠામેરને ઘેર, તેને વાત કહી રુડી પેર. ૨૭

વળી હરિયે અનુગ્રહ કર્યો, ચમત્કાર દેખાડિયો ખરો;

તેથી નિશ્ચય તેહને થયો, સર્વ સંશય મન તણો ગયો. ૨૮

રામાનંદ ને શામશરીર, નાવા જાય નદી તણે તીર;

યોગ અષ્ટાંગ ત્યાં તે આચરે, ધ્યાન ધારણા સમાધિ કરે. ૨૯

ત્યાંથી પરવર્યા જનપ્રતિપાળ, કાળવાણીયે આવ્યા કૃપાળ;

ત્યાં તો ધર્મશાળા શુભ અતી, રામાનંદે કરાવેલી હતી. ૩૦

કર્યો બે માસ તેમાં નિવાસ, નિજજનની પુરી કરી આશ;

શામને તન સ્વેદ6 વળાવા, પાટા આવળ7 કેરા બંધાવ્યા. ૩૧

પૂર્વછાયો

સત્તાવન તણી સાલની, શુભ વસંતપંચમી જેહ;

કર્યો ઉત્સવ કાલવાણિયે, થયો સારો સમૈયો તેહ. ૩૨

તાલ મૃદંગ વજાવીને, રામાનંદસ્વામી પદ ગાય;

રચેલ મુક્તાનંદનાં, સુણી સૌ જન રાજી થાય. ૩૩

કેસર કેસુ પતંગના, રુડા રચાવી જુદા રંગ;

રામાનંદે છાંટિયાં, તે રંગ હરિજન અંગ. ૩૪

તે ઉપર વળી તે સમે, મુઠી મુઠીયે નાખ્યો ગુલાલ;

સુંદર શોભે તે થકી, આકાશ અવની લાલ. ૩૫

સુંદર છબી ઘનશામની, જન નિરખીને હરખાય;

જોઈ રહે દિન જામની, પણ લોચન તૃપ્ત ન થાય. ૩૬

એ છબી અંતરમાં ધરી, જન ગયા નિજ નિજ દેશ;

કૃષ્ણસહિત કાલવાણીમાં, રહ્યા રામાનંદ વિશેષ. ૩૭

તપે કરી તન હરિ તણું, હતું કાંઈક વક્ર વળેલ;

માટે ગુરુ ચોળાવતા, તન ઉપર મીણનું તેલ. ૩૮

કસ્તુરી પણ ખવરાવતા, વળી કરતા અનેક ઉપાય;

પૌષ્ટિક પાક કરાવતા, જેથી શરીરે પુષ્ટી થાય. ૩૯

કરી અનાદર દેહનો, સોનામુખી8 પીયે હરિરાય;

બહુ મરચાં ને રોટલો, લઈ ખુશી થઈ હરિ ખાય. ૪૦

વિચરીને કાલવાણીથી, ગયું મંડળ તે માંગરોળ;

આણંદજી સંઘાડિયાને, ઘેર કર્યો કલ્લોલ. ૪૧

ત્યાં ગોવરધન ભક્તજન, સહુ જાણે સમાધિવાન;

ધ્યાન ધરે ધર્મપુત્રનું, નિશ્ચે જાણી તેને ભગવાન. ૪૨

આણંદજી સંઘાડિયે, કહ્યું રામાનંદની પાસ;

તમને તજી ધર્મપુત્રનું, ધરે ધ્યાન ગોવરધનદાસ. ૪૩

સુણી રામાનંદ બોલિયા, ધ્યાન યોગ્ય છે ધર્મકુમાર;

તે તમે જન સૌ જાણશો, જ્યારે જોશો પ્રતાપ અપાર. ૪૪

એવી રીતે માંગરોળમાં, વસ્યા પંદર દિવસ નિવાસ;

સ્નાન કર્યું સાગર વિષે, સાથે લઈ સકળ નિજદાસ. ૪૫

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

પેઠા શ્રીવૃષપુત્ર પ્રેમ ધરિને ના’વા ‍નિધિને9 જળે,

આવે નીરતરંગ અંગ ઉપરે છોળ્યો ઘણી ઉછળે;

એ આકાર દિસે ફણી10 તણી ફણા વારિધિ11 વારી વિષે,

સૂતા ક્ષીરસમુદ્રમાં સુખ ધરી શું શેષશાયી દિસે. ૪૬

ચોપાઇ

પછી ત્યાં થકી સર્વ સિધાવ્યા, અતિ આનંદે લોજમાં આવ્યા;

આસપાસના ગામમાં વાસ, એ તો દર્શને આવિયા દાસ. ૪૭

રામાનંદ હરખ મન ધરે, કથા વારતા તે નિત્ય કરે;

બહુ આવળપાન મંગાવે, વરણીને શરીરે બંધાવે. ૪૮

જીવ આસુરી રઘુનાથદાસ, બોલ્યો તે સહુ હરિજન પાસ;

સ્વામી કર્મ ખોટું આચરે છે, લીલાં ઝાડનો નાશ કરે છે. ૪૯

માંદો વર્ણી છે તે મરી જાશે, સાજો થાશે તો ક્યાંઈ પળાશે;12

ત્યારે પાપ આ શા માટે કરવું? ઝાડ કાપતાં દોષથી ડરવું. ૫૦

સ્વામી વર્ણીને વશ્ય થયા છે, દયાધર્મ તો ભૂલી ગયા છે;

રામાનંદે તે સાંભળી વાત, દુઃખ પામ્યા પોતે સાક્ષાત. ૫૧

પછી હરિજન સૌને બોલાવી, સ્વામીયે મુખવાત સુણાવી;

એ તો વર્ણી છે અક્ષરાતીત, એનો મહિમા છે અકળ અમીત. ૫૨

કોટિ બ્રહ્માંડના પ્રાણ હરિયે, એને અર્થે જો લોપરી કરીયે;13

તોય પાપ ન લાગે લગાર, ઉલટું થાય પુણ્ય અપાર. ૫૩

દૈત્ય અંશ છે રઘુનાથદાસ, એના અવગુણ થાશે પ્રકાશ;

વરણીમાં છે ઐશ્વર્ય કેવું, તમે જાણશો આગળ એવું. ૫૪

સુણી સૌ જને તે સાચું માન્યું, સાચ જૂઠ રહે નહિ છાનું;

એક અવસરે ધર્મકુમાર, સાથે સાધુ લઈ ત્રણ ચાર. ૫૫

નદી છે ગામથી પૂર્વ દીશ, ગયા ના’વાને ત્યાં જગદીશ;

યોગસાધન ત્યાં બહુ કરી, પાછા મંદિરમાં આવ્યા હરિ. ૫૬

જમવા સંત પંગતી થઈ, રામાનંદ બેઠા તેમાં જઈ;

ચણા પીરસવા રહ્યા હરી, રામાનંદે ત્યાં વારતા કરી. ૫૭

આજ પીરસે છે ભગવાન, જમો સંતો થઈ સાવધાન;

એમ કરતા વિનોદ વિલાસ,14 કર્યો પંદર દિન ત્યાં નિવાસ. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

મનુષ્યસ્વરૂપ શ્રીહરિ જણાય, તરત ન વાત મનુષ્યથી મનાય;

ગુરુ નિજમન એ રીતે વિચારી, મરમ વિષે સમજાવવાની ધારી. ૫૯

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરામાનંદસ્વામી-લોજપુરવિચરણનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે