કળશ ૪

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ;

ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. ૧

સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ;

હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. ૨

માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન;

બાંટવામાં રહેતા હતા, ગુણજાણ1 હતા ગુણવાન. ૩

કોઈ જને જઈને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત;

પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. ૪

નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન;

આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખ વચન. ૫

ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત;

સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર2 છૈયે ભ્રાત. ૬

ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય;

ખાલી ગાદી ખુદા તણી, જોઈ અમે થયા અલ્લાય. ૭

અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર;

એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. ૮

એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઈ;

અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઈ. ૯

નવાબસાહેબ પાસ જઈ, કહી વાત હૈયે હરખાઈ;

આવિયા છે જે પુરુષ તે, ખરેખાત3 છે જ ખુદાઈ. ૧૦

ચોપાઇ

કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ;

હરિભક્ત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. ૧૧

ચોથા ભક્ત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ;

એ જ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. ૧૨

રંગપંચમીનો4 દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો;

હરિભક્ત મળેલા અપાર, રામાનંદે કર્યો ત્યાં ઉચ્ચાર. ૧૩

જુઓ આ વરણી અતિ મોટા, એની આગળ છે સહુ છોટા;

એમ કહીને પ્રશંસા કરી, હરિભક્તે સુણી મન ધરી. ૧૪

રહે ત્યાં બેય લાડકીબાઈ, સમાધિનિષ્ઠ બેય ગણાઈ;

એક ભાટ ને બ્રાહ્મણી એક, ધરે સત્સંગની ઘણી ટેક. ૧૫

બંને બાઈ તે સમાધિનિષ્ઠ, જ્ઞાન વૈરાગ્યવાળી વરિષ્ઠ;

રામાનંદ ને શ્રીહરિરાય, જમવા તેઓને ઘેર જાય. ૧૬

જમે ભાટને ઘેર તે જ્યારે, કરે હાથે રસોઈ તે ત્યારે;

કાં તો બ્રાહ્મણ પાસે કરાવે, થાળ ઠાકોરજીને ધરાવે. ૧૭

નારાણજીની સ્ત્રી રુકમાઈ, જેની માતા છે લાડકીબાઈ;

તેણે કહી નિજ માતને વાત, જે આ વર્ણીરૂપે સાક્ષાત. ૧૮

જ્યારે હું જ સમાધિમાં જતી, આને વન માંહી દેખતી હતી;

એમ કહેતાં સમાધિ થઈ, રુકમાઈ ગોલોકમાં ગઈ. ૧૯

રાધાકૃષ્ણનાં દર્શન કરી, આવી દેહમાં તે પાછી ફરી;

નિજ માતને તે કહી વાત, જાણ્યા વર્ણી પ્રભુ સાક્ષાત. ૨૦

સ્વામી ત્યાંથી ચાલ્યા શુભપેર, ભલી રીતે ગયા તે ભાડેર;

જમનાવડ ત્યાંથી સિધાવ્યા, ત્યાંથી ધોરાજીયે હરિ આવ્યા. ૨૧

રાજા ગોંડળના ભાયાત,5 હઠીભાઈ ભલા પ્રખ્યાત;

તેણે હરિને જથારથ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. ૨૨

સનમાન કર્યું ઘણું સારું, જાણ્યું કલ્યાણ થાશે અમારું;

મતવાદી ઘણા મળી આવ્યા, તેને વાદમાં હરિયે હરાવ્યા. ૨૩

રામાનંદની આજ્ઞા ધરી, નાવા નદિયે પધારિયા હરી;

આવ્યા સાધુ કબિરિયા બેય, છરા હાથમાં લીધેલા છેય. ૨૪

મારવાને હરિને તે ધાયા, ત્યારે શ્રીહરિયે રચી માયા;

રૂપ દેખાડિયું વિકરાળ, કોપવાન6 જેવો હોય કાળ. ૨૫

દેખી થરથર ધ્રુજિયાં અંગ, ભયથી થઈ ધીરજ ભંગ;

છરા હાથમાંથી છૂટી પડિયા, ગયા નાશીને ક્યાંઈ રખડિયા. ૨૬

હરિ આવ્યા રામાનંદ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;

સ્વામી સાંભળી દિલગીર થયા, ચાલી કબિરને મંદિર ગયા. ૨૭

કહ્યું આ તો ખોટું કર્યું કામ, મહાપુરુષને દુઃખવ્યા આમ;

એ તો વર્ણી સમર્થ છે કેવા, તમે આગળ જાણશો એવા. ૨૮

ખરી લેશે ખબર તમ કેરી, લેશે ઘોડાંની ઘુમરે ઘેરી;

એમ કહી નિજ આશ્રમે આવ્યા, સમાચાર તે સૌને સુણાવ્યા. ૨૯

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, સત્ય કરવાને સ્વામીની વાત;

બેઠા ગાદિયે શ્રીહરિ જ્યારે, શત અસ્વાર લૈ સંગ ત્યારે. ૩૦

ગઢડાથી કરીને વિહાર, ધોરાજી ગયા ધર્મકુમાર;

સુરાખાચર આદિક જેહ, ગયા ધામ કબીરને તેહ. ૩૧

કહ્યું ચર્ચા ચલાવા તો આવો, જોર હોય તો આજ બતાવો;

રામાનંદે કહ્યું હતું જેહ, સાચું કરવા આવ્યા અમે એહ. ૩૨

નવ ઉત્તર આપ્યો લગાર, ત્યારે ચાલ્યા ગયા અસવાર;

કહે વર્ણી અભેસિંહ રાય, રામાનંદની કહું છું કથાય. ૩૩

ધોરાજી થકી સ્વામી સિધાવ્યા, ફણેણી દુધિવદર આવ્યા;

ગયા ત્યાંથી કંડોરડે ગામ, ત્યાંથી ગોંડળ સુંદરશામ. ૩૪

બંધિયે થઈ ખોખરી આવ્યા, સાંકળિ જેતપર સિધાવ્યા;

ભીમ એકાદશી કરી ત્યાંય, રીઝ્યા હરિજન સૌ મનમાંય. ૩૫

જેઠી પૂનમ જે કહેવાય, જળયાત્રાનો ઉત્સવ થાય;

કર્યો ઉત્સવ તે તહાં ઠરી, સત્તાવન તણી સાલ ઉતરી. ૩૬

અઠ્ઠાવનની લીલા ઉચ્ચારૂં, ધર્મપુત્રને ધ્યાનમાં ધારું;

હરિ સહિત રામાનંદસ્વામી, ગામોગામ ફરે બહુનામી. ૩૭

દેવ પોઢણી જે એકાદશી, કરી તે તો ભાડેરમાં વસી;

પાછાં ત્યાંથી ધોરાજીયે આવ્યા, થોડા દિવસ રહીને સિધાવ્યા. ૩૮

ગયા ગિરધર ગામ ફણેણી, તહાં વસીયા દિવસ અને રેણી;7

જેતપુર થઈ સાંકળી ગામ, ગયા ભાડેર શ્રીઘનશ્યામ. ૩૯

પીપળાણે થઈ આખે આવ્યા, અગત્રાઇયે શામ સિધાવ્યા;

કાલવાણી થઈ માંગરોળ, આવ્યા આનંદ ધારી અતોળ. ૪૦

જન્માષ્ટમી ઉત્સવ જેહ, અઠ્ઠાવનની સાલનો એહ;

માંગરોળમાં એ તો આદર્યો, ત્યાં જ ગણપતિ ઉત્સવ કર્યો. ૪૧

પછી ત્યાં થકી લોજમાં ગયા, શ્રાદ્ધપક્ષ8 સુધી તહાં રહ્યા;

રામાનંદજી બોલતા આપ, ભક્તો છે આ તો છેલ્લો મેળાપ. ૪૨

તેનો મર્મ ન ઉર કોઈ આણે, એક પર્વતભાઈ જ જાણે;

તેઓ જો કોઈ આગળ કહે, કોઈ માને ન સંશય રહે. ૪૩

સ્વામી ત્યાં થકી આવ્યા પંચાળે, છબી શ્યામની લોકો નિહાળે;

ગામથી પૂર્વ માંહિ છે વાવ્ય, બેઠા ત્યાં જ કરીને ટકાવ. ૪૪

પૂર્વછાયો

રાજા મનુભા ત્યાં રહે, ભલા કુંવર ઝીણાભાઈ;

બીજા કુંવર ગગાભાઈ તે, પણ સામા આવ્યા હરખાઈ. ૪૫

સારી રીતે સનમાનથી, તેડી ગયા ગામ મોઝાર;

આપ્યો ઉતારો અતિ ભલો, હૈયે ધારીને હેત અપાર. ૪૬

પૂજા કરી રામાનંદની, તથા શ્રીહરિની શુભ રીત;

ભોજન દઈ ભાતભાતનાં, પરિપૂર્ણ જણાવી પ્રીત. ૪૭

રામાનંદે નૃપને કહ્યું, બેય કુંવર તમારા જેહ;

અતિ ચમતકારી થશે, કામ ઉત્તમ કરશે તેહ. ૪૮

એમ કહિને મૂકિયા, બેય કુંવરને શિર હાથ;

શ્રીહરિ કહે સાચું કહો છો, સંતમંડળના નાથ. ૪૯

શ્રીહરિયે ઝીણાભાઈનાં, વળી કીધાં વખાણ અત્યંત;

થાશે એમના હાથથી, સતસંગમાં કામ અનંત. ૫૦

રામાનંદ નૃપને કહે, મેં તમને કહ્યું હતું જેહ;

સર્વોપરી પ્રભુ આવશે, આજ આવ્યા છે વરણી એહ. ૫૧

તે સુણીને શ્રીહરિ તણી, ધરી મૂરતિ જન મન માંય;

રટણ રાત દિવસ કરે, પળ એક વ્યરથ નવ જાય. ૫૨

બે દિન રહીને ત્યાં થકી, રામાનંદ સમાજ સહીત;

માણાવદર માંહી ગયા, રહ્યા ભટને ઘેર રુડી રીત. ૫૩

ત્યાંથી ચાલ્યા ત્યારે હરિજને, કહ્યું વેલા આવજો સંતસાથ;

સ્વામી કહે ફરી આવવું, હવે તે તો છે હરિને હાથ. ૫૪

ઉપજાતિવૃત્ત (દેહનો નિરાધાર નહીં તે વિષે)

લાંબા વિચારો મનુષ્યો કરે છે, તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે;

તે જોઈને કાળ હસ્યો રહે છે, આવી અજાણ્યો જીવને ગ્રહે છે. ૫૫

જાણે બીજું કામ કરીશ કાલ, જોતો નથી જે શિર કાળઝાળ;

મનોરથો સૌ મનમાં રહે છે, આ દેહ છોડી રસતો લહે છે. ૫૬

પંખી તણો જેમ ભરાય મેળો, સૂર્યાસ્તકાળે સઉ થાય ભેળો;

જુદાં જુદાં તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય. ૫૭

કાલે કર્યાનું શુભ જેહ કાજ, તે તો ત્વરાથી કરવું જ આજ;

આ દેહ કેરો નહિ નીરધાર, ન થાય પૂરા મનના વિચાર. ૫૮

ગયા બધા પાંડવ કૌરવોયે, જો જાદવો શ્રેષ્ઠ રહ્યા ન કોયે;

આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય, કોઈ ચિરંજીવી નહિ જણાય. ૫૯

શ્રીરામકૃષ્ણાદિક દેહ ધારે, સ્વધામમાં તે પણ સૌ પધારે;

કર્યો પ્રભુયે જ ઠરાવ એવો, દેખાય તે દૃશ્ય નહીં રહેવો. ૬૦

નહીં રહે સાગર શૈલ કોય, ધરા ચળા9 છે અચળા ન હોય;

નહીં રહે સૂર્ય શશાંક તારા, અંતે સહુ નાશ નકી થનારા. ૬૧

સદા ન જીવે સુર કે સુરેશ, હૈયાત10 બ્રહ્મા ન રહે હંમેશ;

ઘણું જીવ્યાનાં વરદાન હોય, તે જાય અંતે તન ત્યાગી તોય. ૬૨

પૂર્વછાયો

દર્શન કરી લ્યો દૃષ્ટિયે, લેવો હોય તે લઈ લો લાવ;

ગયો દિવસ આવે નહિ, કોણ જાણે ભવિષ્ય બનાવ. ૬૩

માણાવદરથી ચાલિયા, ગયા પીપલાણે તે ગામ;

નાવડે થઈ મેઘપુર જઈ, પછી ભાડેર કીધો વિરામ. ૬૪

દસરાનો ઉચ્છવ કરી, ગયા ધોરાજીયે ગુરુ ધીર;

ત્યાંથી ગયા કંડોરડે, પછી બંધિયે ગુણગંભીર.11 ૬૫

રાજા ઉન્નડ જેતપુર તણા, તેણે પત્ર લખી રુડી પેર;

રામાનંદને તેડાવિયા, અતિ આગ્રહથી નિજઘેર. ૬૬

મોવઇયે થઈ જેતપુર, ગયા રામાનંદ ગુરુરાય;

આશ્વિન12 શુક્લ ચતુર્દશી, અઠાવનની તે કહેવાય. ૬૭

ભાણા કાપડિયા કણબીને, ઘેર રહ્યા તે રુડી પેર;

ઉગમણે બાર ઓરડામાં, ઉતર્યા કરીને મહેર. ૬૮

આથમણી બારી પડે છે, ઓરડામાં જે ઠામ;

ત્યાં બેસીને ભોજન કર્યું, રામાનંદ ને શ્રીઘનશામ. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

નિશ દિન હરિને ન દૂર રાખે, સદગુરુ એમ ઘણો સનેહ દાખે;

હરિજન સમિપે સદા વખાણે, નિજજન જેમ જથાર્થ વાત જાણે. ૭૦

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરામાનંદસ્વામી-સહવિચરણનામા અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે