વિશ્રામ ૧૯
પૂર્વછાયો
વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ;
સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. ૧
ચોપાઇ
રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઈ હૈયામાં ઠરવા;
આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. ૨
રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ;
વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. ૩
બેઠો હતો ત્યાં રઘુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ;
રામજશ સુણી રાવણ જેમ, દાઝતો હતો તે દાઝ્યો તેમ. ૪
કાંઈ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો;
કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. ૫
ઉપજાતિવૃત્ત (સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે)
કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય;
અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય. ૬
જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય;
જોતાં જવાસા પ્રજળી1 જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય. ૭
જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે;
મનુષ્ય કોઈ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. ૮
દેખી રવી2 થાય ઉલૂક3 અંધ, ભાવે નહીં ભાનુ4 તણો સબંધ;
નિંદે રવીને થઈ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. ૯
જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે;
છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. ૧૦
જો રામ ને કૃષ્ણ પ્રભુ હતા તો, ઐશ્વર્યથી આપ થયા છતા5 તો;
વળી મુવા રાવણ કંસ જેવા, ઘટ્યા ન તેનાથી પ્રતાપ તેવા. ૧૧
સાચો રુપૈયો જગમધ્ય ચાલે, જૂઠો કહેવા જન હામ ઘાલે;
તે મૂર્ખ મોટો જગમાં જણાય, જે સત્ય તે સત્ય સદા ગણાય. ૧૨
જો કોઈને પારસ6 પ્રાપ્ત થાય, તેને તજીને અવગુણ ગાય;
અકર્મિ તે હોય મનુષ્ય માંઈ, તે પાર્શ્વનું7 મૂલ ઘટે ન કાંઈ. ૧૩
જો દુષ્ટમાં લક્ષણ શુદ્ધ દીસે, ભણી ગણી વાદ વદે અતીશે;
તથાપિ તેથી નહિ મોક્ષ થાય, પાષાણને નાવ નહીં તરાય. ૧૪
સુલક્ષણો જે જન ધૂર્ત હોય, વેશ્યા ધરે લાજ વિશેષ કોય;
દિસે ભલાં નિર્મળ નીર ખારાં, તથાપિ જાણો ત્રણ તે નઠારાં. ૧૫
પૂર્વછાયો
એ રીત્યે રઘુનાથદાસને, દીધો ઠપકો રામાનંદ;
પથ્થર પર પાણી પડ્યું, પલળ્યો ન તે મતિમંદ. ૧૬
શરદ પુનમ બીજે દિન થઈ, ત્યારે પોઢી ઉઠીને પ્રભાત;
ભાદરમાં નાવા ગયા, સંતમંડળ લઈ સંઘાત. ૧૭
વાજિંત્ર વાજે વિધવિધે, સંતમંડળ કીર્તન ગાય;
નાવા જતાં રસ્તા વિષે, અતિ આનંદ ઉત્સવ થાય. ૧૮
ઉત્તરમાં ઉંડો ધરો, તેમાં નિર્મળ સુંદર નીર;
સ્નાન કર્યું જનસાથ જઈ, રામાનંદ ને શામશરીર. ૧૯
ત્યાંના ઉન્નડ રાયને, સ્નાન કરતાં જળમો ઝાર;
દર્શન શ્રીશેષશાયીનાં, દીધાં દયા કરી તે વાર. ૨૦
જેવી છબી જોઈ જળ વિષે, તેવું દીઠું શ્રીહરિનું રૂપ;
તેથી હરિને જાણિયા, કોટિ બ્રહ્માંડ કેરા ભૂપ. ૨૧
તે પછી વાજતે ગાજતે, આવ્યો ગામમાં સર્વ સમાજ;
પોતાના દરબારમાં, તેડી ગયા ઉન્નડરાજ. ૨૨
વિપ્ર પાસે રંધાવીને, સૌને કરાવિયાં ભોજન;
સાંજે શરદ પૂનમ તણો, કર્યો ઉત્સવ મળી સૌ જન. ૨૩
ચોપાઇ
બીજે દિવસે રામાનંદસ્વામી, પોતાને મન આનંદ પામી;
સંત હરિજન મુખ્ય બોલાવ્યા, મુક્તાનંદ આદિક સૌ આવ્યા. ૨૪
રામદાસજીભાઈ વિરક્ત, કારિયાણી તણા માંચો ભક્ત;
ભીમભાઈ ને પરવતભાઈ, આવ્યા ભટ મયારામ ત્યાંઈ. ૨૫
મે’તા નરસિંહ જે હરિજન, માંગરોળના ગોવરધન;
ઇત્યાદિકને કહે ગુરુ એહ, હવે વૃદ્ધ થયો મુજ દેહ. ૨૬
માટે સતસંગની ધુર સારી, કેને સોંપું કહો તે વિચારી;
બોલ્યા સૌ તે કરીને વિચાર, ધુર યોગ્ય છે ધર્મકુમાર. ૨૭
રામાનંદ બોલ્યા ગુરુરાય, મારો પણ એ જ છે અભિપ્રાય;
મારા હૃદય વિષે જે રહ્યું, તમો સર્વેયે પણ તે કહ્યું. ૨૮
પંચાવન ગુણ હરિના જે છે, સહજાનંદસ્વામીમાં તે છે;
તેની વિગત સુણાવું તમને, જેમ અંતર ભાસે છે અમને. ૨૯
સર્વ પ્રાણિ તણું હિત થાય, એવું ૧સત્ય સદા ઉચરાય;
ગુણ સત્ય છે જેહનું નામ, તે તો હરિમાં રહે કરી ધામ. ૩૦
૨શૌચ ગુણ તે બીજો ગણાય, એનો અર્થ એવો સમઝાય;
રાખે અંતઃકરણને શુદ્ધ, દેહાદિકને રાખે શુદ્ધ બુદ્ધ. ૩૧
પારકું દુઃખ સહન ન થાય, તેનું નામ ૩દયા કહેવાય;
દુઃખ ટાળવાને દિલ ધરે, તન મન ધનથી દુઃખ હરે. ૩૨
ક્રોધ ચડવાનું કારણ હોય, ચિત્ત ક્રોધ ચડે નહિ તોય;
૪ક્ષાંતિ નામતો તેનું લખાય, ભગવાનમાં તે તો જણાય. ૩૩
વસ્તુ માયિકનો અનાદર, પૂરણકામપણું અંતર;
તેનું નામ તો કહિયે ૫ત્યાગ, રાખે ભાવિક જન બડભાગ. ૩૪
નિજ આનંદે પૂર્ણતા રાખે, તેનું નામ તો ૬સંતોષ દાખે;
તન મન વાણી પરને નમે, ગુણ ૭આર્જવ સંતને ગમે. ૩૫
મન પ્રાકૃત વિષયથી વાળે, એ તો ૮શમ ગુણ સંત સંભાળે;
દેહે પ્રાકૃત વિષય ન ઇચ્છે, ૯દમ ગુણ પ્રભુના જન પ્રીછે. ૩૬
કૃચ્છ્ર વ્રત આદિ સહેજે કરે, તેનું નામ તો ૧૦તપ ઉચ્ચરે;
હોય વિષય જે સાર અસાર, પણ માયિકનો તિરસ્કાર. ૩૭
ગુણ ૧૧સામ્ય તેને કહે સંત, એને ઇચ્છે છે મોટા મહંત;
સુખ દુઃખ સહન જો થાય, ૧૨તિતિક્ષા ગુણ તે કહેવાય. ૩૮
પ્રયોજન વિના કાંઈ ન કરે, નામ ૧૩ઉપરતિ તેનું ધરે;
સર્વ શાસ્ત્રનું જ્ઞાન યથાર્થ, ૧૪શ્રુત ગુણ તણો એ જ છે અર્થ. ૩૯
જીવ ઈશ્વરનાં રૂપ જાણે, ૧૫જ્ઞાન નામ તો તેનું પ્રમાણે;
વિના કૃષ્ણ ન ક્યાંઈ આસક્તિ, તેને વેદ વદે છે ૧૬વિરક્તિ. ૪૦
જેને વશ સઉ લોક રહે છે, ગુણ ૧૭ઐશ્વર્ય એ જ કહે છે;
નિજ કેરા સ્વભાવને જીતે, ગુણ ૧૮શૌર્ય કહો રુડી રીતે. ૪૧
કોઈથી ન પરાભવ પામે, ગુણ તે તો કહું ૧૯તેજ નામે;
સર્વ પ્રાણીને નિયમમાં રાખે, ડાહ્યા પુરુષો તેને ૨૦બળ દાખે. ૪૨
યોગ્ય કામનું અનુસંધાન, ૨૧સ્મૃતિ નામ કહે વિદવાન;
જેને કોઈની ગરજ ન હોય, ગુણ કહિયે ૨૨સ્વતંત્રતા સોય. ૪૩
કોઈ સર્વ ક્રિયા કરી જાણે, નામ ૨૩કૌશલ્ય તેનું પ્રમાણે;
સૌના મન હરે એવું સ્વરૂપ, તેને ૨૪કાંતિ કહે કવિભૂપ. ૪૪
વેળા વિષમમાં પણ દૃઢ રહે, ૨૫ધૈર્ય નામ તેનું કવિ કહે;
જેનું કોમળ ચિત્ત જણાય, ગુણ ૨૬માર્દવ તે મુનિ ગાય. ૪૫
દિસે સારી વચન ચતુરાઈ, ગુણ ૨૭પ્રાગલ્ભ્ય તે કહે ભાઈ;
મોટા આગળ વિનયતા રાખે, ગુણ ૨૮પ્રશ્રય પંડિત ભાખે. ૪૬
સદા દિસે સ્વભાવ જે સારો, ૨૯શીલ ગુણ એનું નામ ઉચારો;
જુવો મન તણું ડહાપણ જેહ, ૩૦સહ ગુણ કહે છે સઉ તેહ. ૪૭
જ્ઞાન ઇંદ્રિયોનું ડહાપણ, એને ૩૧ઓજ કહો તે આપણ;
કર્મ ઇંદ્રિયોની ચતુરાઈ, ૩૨બલ ગુણ કહિયે તેને ભાઈ. ૪૮
જ્ઞાનાદિકથી અધિકપણું જેહ, ૩૨ભગ ગુણ કહે છે મુનિ તેહ;
જેનો મરમ ન જાણે કોય, ગુણ ૩૪ગાંભીર્યતા તે તો હોય. ૪૯
જેમાં ચંચળતા ન જણાય, ગુણ ૩૫સ્થૈર્ય એ તો વખણાય;
સતશાસ્ત્ર તણો વિશ્વાસ, એ તો ૩૬આસ્તિક ગુણનો પ્રકાશ. ૫૦
જેનો જશ જગમાં વિખ્યાત, ગુણ ૩૭કીર્તિ એ તો સાક્ષાત;
હરિ વિના વદે નહિ વાણી, ગુણ ૩૮મૌન લેજો એ તો જાણી. ૫૧
ગુણનું અભિમાન ન આણે, ગુણ એ તો ૩૯અગર્વતા જાણે;
દુરહંકાર નહિ એકે આની,8 એ તો ગુણ કહિયે ૪૦નિરમાની. ૫૨
કોઈને કદી નહિ ઠગનાર, ૪૧નિરદંભી તે તો નરનાર;
૪૨મિતાહાર તે અલ્પ આહાર, ૪૩દક્ષ9 હિત ઉપદેશ દેનાર. ૫૩
સૌને વિશ્વાસલાયક થાય, એ તો ૪૪મૈત્રી સુગુણ કહેવાય;
જેહ સર્વનો ઉપકાર કરે, તે તો ૪૫સર્વોપકારી જ ઠરે. ૫૪
અનાયાસે10 વિષય પ્રાપ્ત થાય, તોય તેમાં તે નહિ બંધાય;
૪૬અક્ષોભિતતા કહે છે તેને, ધન્ય ધન્ય એવા ગુણ જેને. ૫૫
તન મનથી કે વાણીએ કરી, કોઈને પીડા નવ કરે જરી;
એનું નામ તો ૪૭અદ્રોહ જાણો, ગુણ ઉત્તમ તે ઉર આણો. ૫૬
યથાયોગ્ય જે સન્માન દેય, ૪૮માનદત્વ એ તો ગુણ છેય;
૪૯ષટઊર્મિ વિજય ગુણ સારો, તેની વિગત કહું તે વિચારો. ૫૭
ખાન પાન શોક મોહ થાય, જરા મૃત્યુ છ ઊર્મી ગણાય;
દેવની પેઠે વિપ્રને જાણે, ગુણ ૫૦બ્રહ્મણ્ય એ તો પ્રમાણે. ૫૮
આવે શરણ તેને સુખ દે છે, ૫૧શરણત્વ તો તેને કહે છે;
કશા ફળની ન ઇચ્છા જેને, ગુણ કહિયે ૫૨અનીહ તો તેને. ૫૯
ધનાદિકનો ન સંગ્રહ કરે, ૫૩અપરિગ્રહ એને ઉચ્ચરે;
નવધા હરિભક્ત છે જેહ, ૫૪ભક્તિ નામે ભલો ગુણ તેહ. ૬૦
છેલ્લો ગુણ છે ૫૫ગુરૂની સેવા, ગુણ જાણો પંચાવન એવા;
બીજા છે ગુણ અપરમપાર, સહજાનંદસ્વામી મોઝાર. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
સકળ સુગુણવંત સંત એવા, નથી જગમાં નિલકંઠવર્ણી જેવા;
પરમ ધરમ ધુર્ધરે11 સદાય, ગુણ ગુણતાં અતિ યોગ્ય એ જણાય. ૬૨
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરેઃપંચપંચાશદ્ગુણ-વર્ણનનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥