વિશ્રામ ૨
પૂર્વછાયો
પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુક્તાનંદ;
તે સરવે સુણી પામિયા, વૃષનંદન1 ઉર આનંદ. ૧
ચોપાઇ
બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી;
ઘણા સંતોની મેં મતિ જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. ૨
તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય;
આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. ૩
ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સુંઘવાની તમાકુ ન જોઈ;
તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. ૪
સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત;
ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઈ ઠામ. ૫
શાણા સદ્ગુરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા;
નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં ક્યાંથી જણાય. ૬
સુણી બોલિયા મુક્તાનંદ, આપ છોજી મુનિવર ચંદ;
આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઈ ઠાર. ૭
ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઈશ્વરનો છે તેહ;
તેને મળશો તમે વળી જ્યારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. ૮
સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ;
એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. ૯
ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ;
બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. ૧૦
મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું;
મુક્તનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. ૧૧
વસો આંહી કરીને વિરામ, ઇચ્છા પૂરશે પૂરણકામ;
સુણી હરિયે વિશ્રામ ઠરાવ્યો, ત્યાં તો જન્માષ્ટમી દિન આવ્યો. ૧૨
દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા;
આવિ અષ્ટમી સૌ જન જાણે, કર્યો ઉત્સવ શાસ્ત્ર પ્રમાણે. ૧૩
શણગારિયું મંદિર સારું, દિસે સૌને આનંદ દેનારું;
ધર્યા કળશ પતાકા તે દ્વાર, બાંધ્યા તોરણ શોભિત સાર. ૧૪
રોપ્યા થંભ તે કદળી કેરા, થાય વાજિંત્રનાદ ઘણેરા;
વાજે વીણા ને તાલ મૃદંગ, વાજે ઢોલ ને ચંગ2 ઉપંગ.3 ૧૫
વાજે ત્રાંસાં ત્રુઈ શરણાઈ, શોભા નિરખતાં લાગે નવાઈ;
તાળી પાડીને હરિજન ગાય, સૌના હૈયામાં હરખ ન માય. ૧૬
જેમ આવે પ્રજાપતિપાળ,4 ત્યારે પ્રથમ જણાય મશાલ;
તેમ અરધી નિશાયે આકાશ, પૂર્વે ચંદ્રનો પ્રગટ્યો પ્રકાશ. ૧૭
રાશિ વૃષભ આકાર જણાયો, જાણે બળદ તે રથનો દેખાયો;
ચંદ્ર સાથે છે રોહિણી રાણી, જાણે આવ્યાં હરિજન્મ જાણી. ૧૮
મળી હરિજન સૌ નરનારી, કર્યો જન્મનો ઉત્સવ ભારી;
પારણામાં ઝૂલે પરમેશ, ખામી શોભા વિષે નથી લેશ. ૧૯
એવામાં થઈ અદ્ભુત વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
પારણામાં જુવે નરનારી, દીઠા નીલકંઠ બ્રહ્મચારી. ૨૦
નવ દેખાય બાળમુકુંદ, થાય વિસ્મિત સૌ જનવૃંદ;
વળી જોવા સભા માંહી જાય, વર્ણી ત્યાં પણ બેઠા જણાય. ૨૧
એવો મોટો ચમત્કાર જોઈ, જાણ્યા વર્ણી છે ઈશ્વર કોઈ;
સારો એમ સમૈયો તે કરી, નિજ ઘેર ગયા જન ફરી. ૨૨
જીવરાજજી શેઠનો ડેલો, હતો મંદિર પાસ ચણેલો;
મુક્તાનંદ મુનિ તહાં જઈ, કથા કરતા હતા રાજી થઈ. ૨૩
સુણતાં મળીને બાઈ ભાઈ, સભા ત્યાગી ગૃહસ્થ ભરાઈ;
દીઠી તે રીત શ્રીજીયે જ્યારે, બોલ્યા ઊંચે સ્વરે કરી ત્યારે. ૨૪
સંતો ચાલો મંદિર માંહી ફરી, સંભળાવીશ હું કથા કરી;
બાઈ ભાઈ મળે એક ઠાર, નહિ ત્યાગીનો ધર્મ લગાર. ૨૫
એમ કહી ગયા મંદિરમાંય, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાંય;
મુક્તાનંદ બોલ્યા તેહ ઠામ, બાઇયો છેલા હવે રામ રામ. ૨૬
એ જ વરણી કહેશે જેમ, કરવું પડશે હવે તેમ;
ગયા મંદિરમાં એમ કહી, વર્ણિરાજ બોલ્યા વેણ તહીં. ૨૭
ઉપજાતિવૃત્ત (ત્યાગીએ સ્ત્રીનો પ્રસંગ તજવા વિષે)
સંતો કરો ચિત્ત વિષે વિચાર, આ રીત સારી નથી રે લગાર;
સ્ત્રીયો તણો કાંઈ પ્રસંગ જે છે, ત્યાગીજનોને ભયકારી તે છે. ૨૮
જે સ્કંધ એકાદશમાં કહ્યું છે, તેમાં ખરું તત્ત્વ ઘણું રહ્યું છે;
ત્યાગી કરે નારી તણો પ્રસંગ, જરૂર તેનું વ્રત થાય ભંગ. ૨૯
પ્રત્યક્ષ છે કામિની દેવમાયા, જોનાર તો વશ્ય થયા જણાયા;
દીવે પડે અંધ પતંગ જેમ, સ્ત્રીમાં નરોની મનવૃત્તિ તેમ. ૩૦
સુરા પિવાથી મદ થાય ચિત્તે, સ્ત્રીને નિહાળ્યા થકી એ જ રીતે;
તે માટે નારી થકી દૂર થાવું, સ્ત્રી પાસ ત્યાગીજનને ન જાવું. ૩૧
જુવે નહી ચિત્રની કામિનીને, અડે નહી પૂતલી કાષ્ઠનીને;
ત્યાગી તણો છે શુભ એ જ ધર્મ, સંતો વિચારો સુણી શાસ્ત્રમર્મ. ૩૨
છે અષ્ટધા ઉત્તમ બ્રહ્મચર્ય, જાણો તમે તે સહુ સાધુવર્ય;
નારીની સાથે સુણતાં કથાય, તે બ્રહ્મચર્યવ્રત ભંગ થાય. ૩૩
સ્ત્રીદેહ છે પાવક5 હોય જેવો, ઘીનો ઘડો છે નરદેહ એવો;
પાસે રહ્યાથી પિગળી જ જાય, ત્યાગી તણો ધર્મ વિનાશ થાય. ૩૪
રહે મળીને દવ6 દારુ7 કેમ? રહે ન નારી નર ધર્મ તેમ;
લોઢું ચળે ચુંબક લોહ સંગે, ત્યાગી ચળે નારી તણે પ્રસંગે. ૩૫
મયૂર જાગે સુણી મેઘનાદ, મનોજ8 જાગે સુણી નારી સાદ;
ભીત્યંતરે9 નારી તણો નિવાસ, ત્યાગી વસે તો વ્રતનો વિનાશ. ૩૬
નારી તણો દેહ અરણ્ય જાણો, મનોજ ત્યાં સિંહ સમ પ્રમાણે;
તે તો નરોને મૃગ તુલ્ય જાણે, જરૂર મારે નિજ નેત્ર બાણે. ૩૭
વિશ્વાસ નારી તનનો ન થાય, ખત્તા10 ઘણા તે કરનાર ખાય;
જેણે વગોવ્યા અજ ચંદ્ર ઇંદ્ર, નચાવિયા નારદજી મુનીંદ્ર. ૩૮
જીત્યા નહીં જો ત્રિપુરારિ જેવા, જીતું કહે તે જન મૂર્ખ કેવા;
દારા થકી દૂર રહે ડરીને, તે ઊગરે જૈ શરણે હરીને. ૩૯
તપસ્વિને તે તપમાંથી પાડે, સમાધિમાંથી સિદ્ધને જગાડે;
છે કામિની તો અતિ કષ્ટકારી, શરીરનું શોણિત11 શોષનારી. ૪૦
છે નારી તો નિર્લજ એમ જાણો, તે પાપમૂર્તિ પ્રગટ પ્રમાણો;
છેદાવિયું નાક સુવર્ણ કાજ, તેને પછી શી રહી લોકલાજ. ૪૧
છે ચોટલો કે શિર સાપ કાળો, છે રાક્ષસીના સમ નેત્રચાળો;
જો જીવવાની ઉર આશ હોય, તો કામિની પાસ જશો ન કોય. ૪૨
જેને પગે નેવળ12 નાખિયાં છે, બે હાથમાં બંધન રાખિયાં છે;
છે નાકમાં તો દૃઢ નાથ ઘાલી, તથાપિ તે જાય સ્વતંત્ર ચાલી. ૪૩
જ્યાં સુંદરીના શબને બળાવ્યું, તે સ્થાનમાં ત્યાગિજને ન જાવું;
જો રાખ ઊડી નિજ અંગ લાગે, તેથી કદી મન્મથ13 ઝાળ જાગે. ૪૪
હાથી જતાં ઘંટધ્વની સુણાય, નારી જતાં નેપુર14 નાદ થાય;
ચેતાવવાની જુગતી પ્રકાશી, અરે જજો સૌ જન દૂર નાશી. ૪૫
સમુદ્રમાં ચુંબકશૈલ15 જ્યાં છે, સિકંદરે પૂતળી રાખી ત્યાં છે;
તેના થકી દૂર જવું ડરીને, શ્યામા16 થકી તેમ જ સંચરીને.17 ૪૬
બલિષ્ઠ છે ને અબળા ગણાય, જેના કટાક્ષે નર વશ્ય થાય;
છે લાજહીણી પણ લાજ તાણે, જો થાય ભૂંડી હરી જાય પ્રાણે. ૪૭
જે ઊંદરોથી ડરી દૂર ચાલે, તે કેસરીના પણ કાન ઝાલે;
જે દોરડો દેખી દિલે ડરે છે, ભોરીંગ18 માથે પગ તે ધરે છે. ૪૮
કોદાળિ ઝાલી કદી ના જણાય, તે છાટ19 તોડી ધન ચોરી જાય;
દીઠું નહીં ભોંયરું કોઈ દા’ડે, પાતાળમાં એ જ સળંગ20 પાડે. ૪૯
જીવે કદી જે સરપે ડસેલા, જીવે કદી જે દવમાં ધસેલા;
જેને સ્ત્રીયે અંતર ડંશ દીધા, તેને કરી ચર્વણ21 ચૂર્ણ22 કીધા. ૫૦
જે બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પાળે, તે શાસ્ત્રનો માર્ગ સદૈવ ઝાલે;
હરિકથા કીર્તન થાતું હોય, સ્ત્રીની સભામાં નવ જાય તોય. ૫૧
હરિકથા કીર્તન ગાય બાવા, જો ચાહીને સુંદરીને સુણાવા;
તો ત્યાગીનો તત્ક્ષણ ધર્મ જાય, તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય. ૫૨
ચોપાઇ
એવી વાત બહુવિધિ કરી, સંતે સર્વે લીધી મન ધરી;
કહ્યું બેઠી હશે સ્ત્રીયો જ્યાંય, નહિ સુણીયે કથા જઈ ત્યાંય. ૫૩
એવા માંહી બની બીજી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;
દીઠો ગોખલો ત્યાં એક ઠામ, રહે પાછળ ગૃહસ્થ હજામ. ૫૪
દીવો દેવતા લેવા ને દેવા, રાખ્યો ગોખલો કારણે એવા;
જોઈ શ્રીહરિયે કહ્યો મર્મ, આથી ત્યાગીનો નવ રહે ધર્મ. ૫૫
વળી એમ બોલ્યા વરણીંદ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર;
સુણ્યો મિયાંનો ગોખલો જેવો, જાણો આ પણ ગોખલો એવો. ૫૬
એમ ભેદ શ્રીહરિયે ભાખ્યો, ગોખલાને પુરાવી જ નાંખ્યો;
જુવો કૃષ્ણ તણી રીત કેવી, સાધુજન સહુયે જાણી લેવી. ૫૭
હોય ધર્મમાં છિદ્ર જણાતું, તે તો દેખી સહન નથી થાતું;
વળી દીઠો તે જગ્યાની માંય, એક રસ્તો જ્યાં જુવતીયો જાય. ૫૮
પછી તે પણ બંધ કરાવ્યો, સ્ત્રીનો મારગ જુદો ઠરાવ્યો;
કહે સાધુઓ પ્રત્યે શ્રીહરિ, કહું વાત તે લ્યો મન ધરી. ૫૯
સંતે એકલા ક્યાંઈ ન જાવું, ફાટી આંખ્યવાળા નવ થાવું;
સભા ભિક્ષા વિના કોઈ પેર, નવ જાવું ગૃહસ્થને ઘેર. ૬૦
દ્રવ્ય નારીથી દૂર રહેશો, તો જ સાધનની સિદ્ધિ લેશો;
એવો દીધો ઘણો ઉપદેશ, કહ્યો તેમાં થકી કાંઈ લેશ. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર ઉપદેશ એમ દે છે, સુણી સહુ સંત દિલે ઉતારી લે છે;
પ્રતિદિન ઉપજે વિશેષ પ્રેમ, પ્રગટ કર્યો પ્રભુયે પ્રતાપ તેમ. ૬૨
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે
શ્રીહરિશ્રીમુખેસ્ત્રીનિંદાકથનનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥