કળશ ૪

વિશ્રામ ૨૦

પૂર્વછાયો

સ્વામી રામાનંદ વળી કહે, સુણો હરિજન સંત સુજાણ;

પ્રથમ હું કહેતો હતો, તમ આગળ એવી વાણ્ય. ૧

ચોપાઇ

હું તો લાવ્યો ગણેશનો વેષ, ખેલ કરનાર છે જે વિશેષ;

તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મકુમાર. ૨

એ તો પુરુષ છે અકળ અનાદી, માટે એને જ સોંપવી ગાદી;

મુક્તાનંદ આદિક સહુ સંત, સુણી રાજી થયા તે અત્યંત. ૩

વળી બોલ્યા રામાનંદસ્વામી, તમે સાંભળો સૌ નિષ્કામી;

અભિમાની આ રઘુનાથદાસ, ઘણી કરશે ઉપાધિ પ્રકાશ. ૪

અમે જાશું સ્વધામમાં જ્યારે, ઉપદ્રવ કરશે અતિ ત્યારે;

તમે સઉ રહેજો સાવચેત, તેની સાથે ન થાશો ફજેત. ૫

નથી સત્સંગમાં રહેનાર, રાખજો રહે તેટલી વાર;

પછી સાંજ સમો થયો જ્યારે, સભા સંત તણી થઈ ત્યારે. ૬

મળ્યા મોટા મોટા મુનિજન, સભામાં બેઠા ધર્મનંદન;

રામાનંદ બોલ્યા સાક્ષાત, નારાયણમુનિ સાંભળો વાત. ૭

હરિજન જે ગૃહસ્થ કે ત્યાગી, નર નારી દૈવી બડભાગી;

સૌને સદ્ધર્મ નિયમ પળાવા, તમે સમરથ છો ગુરુ થાવા. ૮

માટે માનીને મારું વચન, મારે સ્થાન બેસો ભગવન;

મારી ગાદીલાયક લીધા જોઈ, બીજા તમ વિના દિઠા ન કોઈ. ૯

થયું દર્શન જ્યાંથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું;

વિનંતિ મારી અંતર ધરો, પરિપૂર્ણ ઇચ્છા મારી કરો. ૧૦

સુણી બોલ્યા નારાયણસ્વામી, નિજ શિર ગુરુને પદ નામી;

ધન સ્ત્રીનો પ્રસંગ છે જેહ, અતિ બંધનકારી છે એહ. ૧૧

એમ શાસ્ત્ર સકળ ઉચરે છે, માટે મન મારું તેથી ડરે છે;

રામાનંદ કહે બડભાગી, તમે છો અતિ તીવ્ર વૈરાગી. ૧૨

તે તો હું મારા મનમાં જાણું છું, પણ એવો વિચાર આણું છું;

મારા ધર્મની ધુર શકે રાખી, એવો કોઈ નથી તમ પાખી.1 ૧૩

હોય સુવર્ણના જો અંબાર, હોય નારી હજારો હજાર;

તોયે તમને ન બંધન થાય, તમે તો નિરલેપ સદાય. ૧૪

જેમ છે પંચભૂતનો વાસ, તોય નિર્લેપ છે આકાશ;

જેમ જળધિમાં2 વડવાનળ, નિરલેપ રહે છે સબળ. ૧૫

તમે છો પ્રભુ નિર્લેપ તેવા, તમને અમે જાણીયે એવા;

સર્વે ત્યાગિયોનું હિત ધારી, ધર્યું નૈષ્ઠિક વ્રત બ્રહ્મચારી. ૧૬

નારાયણ તમે છો નિરધાર, તમને તો નડે ન વિકાર;

સ્વામીના શબ્દ સાંભળી એવા, કહી હા હરિયે ધુર લેવા. ૧૭

રામાનંદ સુણી થયા રાજી, બોલાવ્યા મોટા જોશી બાવાજી;

સારું મૂહુર્ત ત્યાં જોવરાવ્યું, પ્રબોધિનીને દિવસે તે આવ્યું. ૧૮

કંકોતરિયો લખી દેશદેશ, તેડાવ્યા હરિજનને અશેષ;3

કેવી રીતે લખ્યું તે લખાણ, કહું સાંભળો સર્વ સુજાણ. ૧૯

કંકોતરીનું ધોળ

કંકુ ઘોળી લખાવી કંકોતરી,

   વસે હરિજન દેશ વિદેશ… અવસર રૂડો આવિયો.

નામ ઠામ ને ગામ લખાવીયાં,

   વળી ઉપમા લખાવી વિશેષ… અવસર꠶ ૨૦

હરિભક્ત ભલાં ભાઈ બાઇયો,

   બાળ તરૂણ વળી વૃદ્ધ જેહ… અવસર꠶

જેની લગની લાગી છે શ્રી કૃષ્ણમાં,

   તમે સહુ જન જાણજો તેહ… અવસર꠶ ૨૧

જેતપરથી લખે રામાનંદજી,

   વાંચો અચળ અમારી આશીષ… અવસર꠶

એક સારા સમાચાર જાણજો,

   આજ ત્રૂઠિયા4 અક્ષર ઈશ… અવસર꠶ ૨૨

નારાયણમુનિ જેહનું નામ છે,

   જેમાં ઉત્તમ ગુણ છે અપાર… અવસર꠶

તેને સત્સંગની શુભ ગાદીનો,

   અમે આપશું સૌ અધિકાર… અવસર꠶ ૨૩

ગયાં વિક્રમ વરસ અઢારસેં,

   અઠ્ઠાવનની છે સાલ વિખ્યાત… અવસર꠶

તિથિ કાર્તિક શુક્લ એકાદશી,

   આવ્યું મુહુરત અતિ અવદાત5… અવસર꠶ ૨૪

સહ કુટુંબ તમે સર્વ આવજો,

   સગા સ્નેહિને લાવજો સંગ… અવસર꠶

એ છે ઉત્સવ ઉત્તમ સર્વથી,

   એ છે ઉત્તમ સૌથી ઉમંગ… અવસર꠶ ૨૫

સ્વર્ગલોકથી સુર સર્વ આવશે,

   વળી ઇંદ્ર ઇંદ્રાણી સહિત… અવસર꠶

બ્રહ્મા સાવિત્રી પણ સત્યલોકથી,

   આવશે ધરી પૂરણ પ્રીત… અવસર꠶ ૨૬

શૈલ6 કૈલાસથી શંભુ આવશે,

   સાથે લાવશે ગૌરી7 ગણેશ… અવસર꠶

નિજ પત્નિયો સહિત પધારશે,

   શશી શેષ ધનેશ8 દિનેશ9… અવસર꠶ ૨૭

સનકાદિક મુનિવર સૌ મળી,

   આવશે ધરી હૈયામાં હેત… અવસર꠶

મહામુક્ત જે અક્ષરધામના,

   આવશે સર્વ શક્તિ સમેત… અવસર꠶ ૨૮

નિધિ નવ અને અષ્ટ મહાસિદ્ધિ,

   તે તો આવશે પ્રગટ પ્રમાણ… અવસર꠶

મૂર્તિમાન ચારે વેદ આવીને,

   અતિ કરશે ઉત્સવનાં વખાણ… અવસર꠶ ૨૯

પત્ર વાંચી તમે તરત આવજો,

   ઘડી એકની કરશો ન વાર… અવસર꠶

તમો આવ્યે મંડપ સારો શોભશે,

   તમો આવ્યે આનંદ અપાર… અવસર꠶ ૩૦

લખ્યું થોડું ઘણું કરી માનજો,

   તમે છો સર્વ બુદ્ધિ વિશાળ… અવસર꠶

તમો ઊપર હૃદયમાં રીઝશે,

   વા’લો વિશ્વવિહારીલાલ… અવસર꠶ ૩૧

ચોપાઇ

લખી કંકોતરી એવી રીતે, શિરનામ10 લખ્યાં પુરી પ્રીતે;

જીવા જોશી રહે જેતપર, બીજા તો ભટ અજરામર;

ત્રીજા વામન ગોર બોલાવી, કંકોતરીયો તો તેને અપાવી. ૩૨

શ્લોક

રામાનંદ કહે વિપ્રો, જરા હામ11 ધરી જજો;

બધે જૈ ઝટ આવ્યાની, હા કહીને પથે થજો. ૩૩

એક વિપ્ર બોલ્યો સર્વતોભદ્ર

ઉત્તર

રા

હા

હા

રા

 

 

રા

શું

શું

રા

 

 

હા

શું

હા

હા

શું

હા

 

 

હા

હા

૩૪

ચોપાઇ

ગયા વિપ્ર કહી મુખે એમ, ચાલ્યા વેગે પવન ચાલે જેમ;

ઘણો પંથ કરી દાડી દાડી, કંકોતરિયો બધે પહોંચાડી. ૩૫

રામાનંદે રુદેમાં વિચાર્યું, મોટા મોટાને પૂછવા ધાર્યું;

પૂછી મોટાને કામ કરાય, તે તો સર્વોપરી શુભ થાય. ૩૬

ઉપજાતિવૃત્ત (પંચને પૂછીને કામ કરવા વિષે)

જો ધારિયે કારજ કોઈ ઊર, ડાહ્યા જનોને પૂછિયે જરૂર;

મળે ઘણાની મતિ જેહ ઠામ, તો થાય છે ઉત્તમ તેહ કામ. ૩૭

વહે જહાં એક જ કોસ પાણી, બે કોસનું તેથી વિશેષ જાણી;

વિશેષ કોસે વધતું જણાય, વારી વધ્યે કામ વિશેષ થાય. ૩૮

વિચાર ઝાઝા જનના જણાય, તે સૌ મળે તો શુભ કામ થાય;

તે રાજનીતિ તણું છે પ્રમાણ, જડો12 ન જાણે સમઝે સુજાણ. ૩૯

વિભીષણાદિક રુડા પ્રધાન, વજ્રાંગ13 ને અંગદ14 બુદ્ધિમાન;

ઇત્યાદિની રામ સલાહ લેતા, પોતે હતા તો બહુ નીતિવેત્તા.15 ૪૦

જે વૃદ્ધ જાતે વળી ધર્મવાળા, જેની વળી બુદ્ધિ બહુ વિશાળા;

સ્વભાવ ગંભીર જણાય જેનો, લૈયે સદા પૂછી વિચાર તેનો. ૪૧

પૂછી કરેલું કદી ખોટું થાય, તો દોષ સૌને શિર તે ગણાય;

તે એકની ભૂલ જનો ન ભાખે, ઇચ્છા હરિની ગણિ શાંતિ રાખે. ૪૨

પોતાની બુદ્ધિનું ધરી ગુમાન, પૂછ્યા વિના કામ કરે નિદાન;

પસ્તાય પૂરો પછી કોઈ કાળે, સમૃદ્ધિ સર્વે નિજ કેરી ટાળે. ૪૩

ડાહ્યા ઘણાના મત પૂછી લીજે, થોડા કહે તે મત છોડી દીજે;

ઘણા કહે તે કરિયે જ કામ, છે રાજનીતિનું પ્રમાણ આમ. ૪૪

જે કામમાં જેહ નહી સુજાણ, તેને પૂછ્યું તે ન પૂછ્યા પ્રમાણ;

ત્યાગી ન જાણે વ્યવહારનીતિ, ગૃહસ્થ જાણે નહિ ત્યાગીરીતિ. ૪૫

જે રાખવા આપણને જ રાજી, કહે સુણીને મુખ હાજી હાજી;

સુજે જ તેવું ઉચરે ન સામું, તેને પૂછ્યું તે સરવે નકામું. ૪૬

નીતિ વિષે નાગર તો પ્રવીણ, સર્વે કળામાં નહિ એક હીણ;

મળે ભલો નાગર જો પ્રધાન, તો કામ તેનું સુધરે નિદાન. ૪૭

ચોપાઇ

એવા નાગર ભટ મયારામ, કરી જાણે મોટાં મોટાં કામ;

કદી હોય ત્રીલોકનું રાજ, કરી જાણે તેનું રાજકાજ. ૪૮

માટે તેને બોલાવું હું પાસ, કરું કારજ સર્વ પ્રકાશ;

ભક્ત પર્વતભાઈ છે એવા, જાતે કણબી છે પૂછવા જેવા. ૪૯

કણબી વડે રાજાનું રાજ, કરી જાણે મોટાં મોટાં કાજ;

કૈંક તો એમાં હોય છે એવા, મોટા ભૂપ ઇચ્છે મત લેવા. ૫૦

આપે મોટા મોટા અધિકાર, કોઈ દેસાઈ કે પાટીદાર;16

કોઈ તો એમાં હોય અમીન,17 રહે અધિપતિ એને આધીન. ૫૧

મોટા મોટા થયા પાદશાહ, તે તો લેતા એવાની સલાહ;

તેડું પર્વતભાઈને આજ, પૂછી જોઉં આ કરવાનું કાજ. ૫૨

ભલા ભક્ત એવા ભીમભાઈ, તેની સમઝણની સરસાઈ;

શેઠ ગોવરધન જે વણીક, માંગરોળના વાસી છે ઠીક. ૫૩

વાત પૂછવા યોગ્ય છે તેહ, તેમાં લેશ નથી જ સંદેહ;

વાણિયામાં વિશેષ વિવેક, કળા વાણિયા માંહી અનેક. ૫૪

વાણિયા વિદ્યા18 જે નવ ભણ્યો, તે તો ભણ્યો તથાપિ ન ગણ્યો;

હોય વણિકમાં આગમ19 બુદ્ધિ, તંત તાણે નહિ20 અંત સુધી. ૫૫

દેશકાળને ઓળખી જાણે, ચાલે સમજીને સમય પ્રમાણે;

એક સમય નીચી મૂછ કરે, દાવ આવ્યે શિરે પગ ધરે. ૫૬

વાણિયે ન કર્યું રાજકાજ, ગયું રાવણનું તેથી રાજ;

હીરજીભાઈ ભુજના સુતાર, એ છે રાજકાજ કરનાર. ૫૭

કળાકુશળ છે સદ્‌ગુણવાન, મોટા ભૂપ કરે સનમાન;

એ છે ડા’પણનો દરિયાવ, એને પૂછે સલાહ શ્રીરાવ. ૫૮

જે જે હરિજનનાં લીધાં નામ, અહીં આવ્યા છે દર્શન કામ;

સાધુમાં રામદાસજીભાઈ, મુક્તાનંદ મુનિ સુખદાઈ. ૫૯

સાતે બુદ્ધિના સાગર કેવા, સાત સાગર જગતમાં જેવા;

સ્વામીયે નિજ પાસે તેડાવ્યા, સુણી આજ્ઞા તે તરત જ આવ્યા. ૬૦

સ્વામી બોલ્યા ધરીને વિવેક, હરિને થશે પટ્ટાભિષેક;

પાંડવે રાજસૂ યજ્ઞ જેવો, કર્યો આ જજ્ઞ પણ થશે એવો. ૬૧

કરવો શતયજ્ઞ21 સમાન, છૂટે ઇંદ્રનું પણ અભિમાન;

આવશે જનસંઘ અથાહ, માટે તમને પૂછું છું સલાહ. ૬૨

શો શો જોશે તે માંહી સામાન? કેમ થાશે બધું સમાધાન?

હવે મુરત ઢુંકડું આવ્યું, નથી સીધું તૈયાર કરાવ્યું. ૬૩

લાખે લેખાં22 તો લોક ભરાશે, સૌની ચાકરી શી રીતે થાશે?

નિરવિઘ્ન પુરૂં કામ થાય, એવા એવા બતાવો ઉપાય. ૬૪

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણી ગુરુમુખ કેરી સારી વાત, ભલી વિધિ તેહ વિચારી ભક્ત સાત;

નિજમુખ ઉચર્યા અહો મહીશ, વિગત સહીત હવે તને કહીશ. ૬૫

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેક-પ્રારંભનામા વિંશતિતમો વિશ્રામઃ ॥૨૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે