કળશ ૪

વિશ્રામ ૨૧

પૂર્વછાયો

સાત શાણા સતસંગીને, રામાનંદે પૂછી જે વાત;

ઉત્તર આપ્યા અનુક્રમે, તે સુણો અભેસિંહ ભ્રાત. ૧

ચોપાઇ

બોલ્યા પ્રથમ તો ભટ મયારામ, જહાં આદરિયે મોટું કામ;

ત્યાંના રાજાની લઇયે સહાય, સારો પ્રથમ તો એ જ ઉપાય. ૨

નૃપનું મન હોય જો ખોટું, તો ત્યાં કામ આદરિયે ન મોટું;

ચોકીપેરા1 તણો બંદોબસ્ત,2 તે તો રાજાનું કામ સમસ્ત. ૩

જગ્યા જોઈએ વાવરવાને ઘણી, તે તો આપે તે ગામનો ધણી;

તંબુ રાવટિયો3 અને દેરા, આપે એવા એ બાબ4 ઘણેરા. ૪

હોય અધિપતિ જો અનુકૂળ, મહાસુખનું તે જાણવું મૂળ;

પુરપાળને પ્રથમ બોલાવો, આગેવાન તો એને ઠરાવો. ૫

કર્મકાંડી દ્વિજોને તેડાવો, માંડવાનું મુહૂર્ત કરાવો;

વિપ્ર વરુણ કરીને બેસારો, જપે જપ જેમ શાસ્ત્રનો ધારો. ૬

સતસંગી સારા સારા જેહ, તેડાવો ને આગળથી જ તેહ;

તેને માટે કરાવા રસોઈ, તેડાવો વળી બાઇયો કોઈ. ૭

મને જે જે ભળાવશો કાજ, તે હું તરત કરું મહારાજ;

તન તમ અરથે જ છે ધર્યું, કદી આળસ અલ્પે ન કરું. ૮

મયારામજીની સુણી વાત, રામાનંદ થયા રળિયાત;

કહ્યું ભટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સતસંગી અનન્ય. ૯

પછી બોલિયા પર્વતભાઈ, સુણો વાત અહો સુખદાઈ;

ઘણા સામાનના ગંજ હોશે,5 ઘણાં ગાડાં ને બુંગણ જોશે. ૧૦

આસપાસના ગામમાં જૈને, કહો તો લાવું તત્પર થૈને;

બધા સંઘ જમાડવા સારુ, ઘૃત લાવિયે જઈને ઘરારુ.6 ૧૧

મારું તન મન ધન છે જેહ, તમને અરપણ કર્યું તેહ;

સ્વામી ચિંતા ન ધરશો ચિત્ત, ખરી વાત કહું છું ખચીત. ૧૨

રામાનંદ કહે હરખાઈ, ધન્ય ધન્ય છો પર્વતભાઈ;

જેમ પર્વત અચળ ગણાય, તેમ અચળ તમે ભક્તરાય. ૧૩

ભીમભાઈ બોલ્યા ધરી ભાવ, કરો આપણે એવો ઠરાવ;

હરિજન જે રહે છે આ ગામ, તેને સોંપો જુદાં જુદાં કામ. ૧૪

પોતપોતાના કામમાં ચિત્ત, તેથી રાખશે સર્વ ખચીત;

ગાદલાં ગોદડાં ને પલંગ, જોશે એવાં તો અગણિત નંગ. ૧૫

ગામોગામથી લાવવાં પડશે, જઈ લાવિયે તો ઘણાં જડશે;

સતસંગી સરવ છે એવા, અતિશે જ વખાણવા જેવા. ૧૬

આપ જે જે બતાવશો કામ, તે તો કરશે તરત તે ઠામ;

અમે પણ રહી આપની પાસ, કામમાં નહિ કરિયે કચાશ. ૧૭

તમ અર્થે ધર્યો છે આ દેહ, એમાં લેશ નથી જ સંદેહ;

સુણી સ્વામી બોલ્યા કરી હાસ, ભીમભાઈ તમોને સાબાશ. ૧૮

તમે છો અતિ ઉત્તમ ભક્ત, દેહ ગેહ7 થકી છો વિરક્ત;

આવા ઉત્સવમાં ઠામ ઠામ, તમ જેવાનું પડશે જ કામ. ૧૯

બોલ્યા શેઠ ત્યાં ગોવરધન, ભાત ભાતનાં લાવિયે અન્ન;

લાવી ભરિયે મોટા કોઠાર, નવ ખરચતાં ખૂટે લગાર. ૨૦

ખાંડ સાકર ને ઘૃત ગોળ, ખૂબ લાવિયે તે કરી ખોળ;

આપ મોકલો ત્યાં મારે જાવું, જૈને લંકા થકી માલ લાવું. ૨૧

સસ્તો ને સારો લાવીશ માલ, નહીં કરું કોઈને દલાલ;

માલ વધશે તે તો વેચી દેશું, ઘણો લાભ તેમાંથીયે લેશું. ૨૨

અમે વાણિયા એવું આદરિયે, મળે લાભ તેવું કામ કરિયે;

કરકસરથી કરિયે કામ, સારું દિસે ને ઉગરે8 દામ.9 ૨૩

માલ બગડે નહીં તલભાર, એવી રાખીશ ખબર અપાર;

લખી રાખવા ખર્ચ પેદાશ, લખનારા રાખીશ મુજ પાસ. ૨૪

રામાનંદજી બોલ્યા વચન, શેઠ ગોવરધન તમે ધન્ય;

ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, તમે આપી સલાહ છે સારી. ૨૫

પછી બોલિયા હીરજીભાઈ, સુણો સદ્‌ગુરુજી સુખદાઈ;

રાજરીતિ તો હું કાંઈ જાણું, આવ્યું ઉપયોગ કરવાનું ટાણું. ૨૬

જન આવશે આબરુદાર, તેની સરભરા હું કરનાર;

સારા સારા ઉતારા શોધાવો, કેને ક્યાં દેવો તેહ ઠરાવો. ૨૭

કેમ કરવું કેનું સનમાન, તેનું છે મને પૂરણ જ્ઞાન;

રાખી જાણું છું હું સૌને રાજી, તજો ચિંતા તે માતપિતાજી. ૨૮

ભૂખ તરશનું ભૂલીને ભાન, એ જ કામમાં રાખીશ ધ્યાન;

સુણી બોલ્યા ગુરુ સુખદાઈ, ધન્ય ધન્ય છો હીરજીભાઈ. ૨૯

ભલે બુદ્ધિ દયાળુયે દીધી, તમે આજ સુફળ સર્વ કીધી;

રામદાસજી બોલિયા વાણી, મારી વાત સુણો સ્નેહ આણી. ૩૦

ઘણો આવશે સંત સમાજ, કૈંક કરશે તે મન ધરી કાજ;

સદગુરુઓ દેશે ઉપદેશ, તેથી સતસંગ વધશે વિશેષ. ૩૧

થશે આસન તે કિયે ઠાર, કરી રાખવો તે નિરધાર;

કહો ભંડાર તે ક્યાં કરાશે? મોટી પંગતો તે ક્યાં સમાશે? ૩૨

દિસે શ્રદ્ધા જે સાધુની સારી, કરો એવા ભલાને ભંડારી;

મતવાદીયો પૂછશે આવી, દેશું તેને અમે સમજાવી. ૩૩

વળી આપની આજ્ઞા પ્રમાણે, કરશું અમે કામ તે ટાણે;

તજ્યો છે અમે સંસાર જેહ, તમને રાજી કરવાને તેહ. ૩૪

રામાનંદ બોલ્યા કરી હાસ, ધન્ય ધન્ય તમે રામદાસ;

તમે અક્ષરધામના મુક્ત, તમે છો મહા ઐશ્વર્ય યુક્ત. ૩૫

મુક્તાનંદ કહે મહારાજ, મારી વાત સુણો હવે આજ;

મોટા મોટા હરિભક્ત જેહ, રાખો પ્રથમ તેડાવીને તેહ. ૩૬

ઉપજાતિવૃત્ત (અંગના માણસો વિષે)

જે કામમાં હોય મનુષ્ય સારાં, તે કામ તો સિદ્ધ સદા થનારાં;

ખામી જણાવા કશિયે ન દેય, સારા જનો ઢાંકણરૂપ છેય. ૩૭

સ્વદેહને તોડી કપાસ જેમ, સદૈવ ઢાંકે પરકાય તેમ;

સારા જનો સંકટ આપ પામી, ઢાંકે સદાકાળ પરાઈ ખામી. ૩૮

સામાન જો હોય કદી અમાપે, તથાપિ નાદાન10 અકીર્તિ આપે;

સામાનની જો કદી ખોટ આવે, સારા જનો સારું કરી બતાવે. ૩૯

સ્વઅંગનાં માણસ જો ન હોય, ન કીર્તિ આવે ધન હોય તોય;

ભલે ઘણેરાં ખરચે જ દામ, ન થૈ શકે મોટું કદાપિ કામ. ૪૦

નાણાં વડે શત્રુ નહીં જીતાય, નાણાં વડે રાજ્ય નહીં રખાય;

કરી શકે યજ્ઞ નહીં જ કોય, સ્વઅંગનાં માણસ જો ન હોય. ૪૧

બીજા જનો ભોજન કાજ આવે, જમી રમીને સુખથી સિધાવે;

તેના થકી કામ નહીં કરાય, સ્વઅંગના માણસથી જ થાય. ૪૨

વિવાહ કાળે સમશાન કાળે, મોટે વરે11 કે રિપુ12 વેર વાળે;

થૈ અંગપીડા અતિ જેહ ઠામ, ત્યાં અંગના માણસનું જ કામ. ૪૩

ચોપાઇ

માટે સત્સંગી જે સારા સારા, પ્રીતિ તમમાં પુરી રાખનારા;

ધર્મવાળા ને વિશ્વાસયોગ, જેને આળસનો ન સંયોગ. ૪૪

વ્યવહારમાં ધર્મમાં ડાહ્યા, હોય આબરુદાર ગણાયા;

એવા એવાની ખોળ કરાવો, તેને આગળથી જ તેડાવો. ૪૫

મુક્તાનંદની સાંભળી વાણી, રામાનંદ બોલ્યા હેત આણી;

સ્વામી બુદ્ધિ તમારી છે ધન્ય, તમ જેવા ડાયા નહિ અન્ય. ૪૬

સર્વ સંતમાં મુખ્ય છો તમે, એવું અંતરે જાણિયે અમે;

વળી બોલ્યા ગોવર્ધનભાઈ, કહું નામ વણિકનાં હું ગાઈ. ૪૭

એટલા સતસંગી જો આવે, સીધું સામાન તો સદ્ય લાવે;

માંગરોળમાં કેવળરામ, માવજી તથા વાસણ નામ. ૪૮

દેવકરણ તથા રામચંદ્ર, મૂળચંદ નથુ સૂરચંદ;

દામોદર હરજી ને મેઘજી, કુરજી તથા જાણો રતનજી. ૪૯

માણાવદરના શેઠ ભાણો, બીજા જાદવજી એક જાણો;

પરશોતમ પોરબંદરના, બીજા તો બાલાગામ અંદરના. ૫૦

જેનું આણંદજી એવું નામ, નાંયો શેઠ છે અજાવ્ય ગામ;

ઝાંઝમેરમાં ખીમજી જેઠો, પાડોદરમાં ઓધવજી છે બેઠો. ૫૧

કાળવાણીમાં જેઠો ને ઘેલો, જીવરાજ વળી છે રહેલો;

જુનાગઢમાં છે વીરજી જેહ, ચાંપશી ને મંગળજી તેહ. ૫૨

જાળીયાના અમરશી જાણો, ડેરડીના લાધો પરમાણો;

વળી ખીમો ને રૂપશી ત્યાં છે, શેઠ રાઘવ ગોંડળમાં છે. ૫૩

ધારીમાં ધનો ઉદ્ધવ રહે, નાથો વસતો જીરામાં કહે;

ગુંદાળાના આણંદજીભાઈ, બીજા કર્મશીની છે ભલાઈ. ૫૪

જૂઠો ડોસો તથા હંસરાજ, ગામ બંધિયામાં વસે આજ;

કહ્યાં બીજાનાં પણ બહુ નામ, આવે એટલા તો સરે કામ. ૫૫

વસ્તુ વેચાતી તે લાવી જાણે, તેને વેપારી સર્વે વખાણે;

એ તો મોટા છે આબરુદાર, વળી સત્ય ધરમ ધરનાર. ૫૬

પછી તેઓને તેડવા કામ, મુક્યાં માણસ તે ગામોગામ;

પછી બોલિયા પર્વતભાઈ, રામાનંદ સુણો સુખદાઈ. ૫૭

કણબી વિના પૈડું ન રડે,13 કામ કણબી વડે પાર પડે;

બીજા હારીને બેસે જે ઠામ, કણબી તે કરી શકે કામ. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણ નરપતિ રાજનીતિવેત્તા, કણબી પવિત્ર જહાં જહાં રહેતા;

પરવત ઉચર્યા સુનામ જેહ, પુનિત કથા તુજને કહીશ તેહ. ૫૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકારંભનામા એકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે