કળશ ૪

વિશ્રામ ૨૨

પૂર્વછાયો

પવિત્ર પર્વતભાઇયે, કહ્યાં કણબીનાં મુખ્ય નામ;

વર્ણી કહે નૃપ સાંભળો, કહું તેહ તણાં નામ ઠામ. ૧

ચોપાઇ

રુડું ગોરવિયાળી છે ગામ, રહે હીરો પટેલ તે ઠામ;

ભગો નામે છે તેના ભાણેજ, તહાં મૂળો ને હરજી રહે જ.1

ભાયો રુડો ખીમો ને જેરામ, રહે રાજો પટેલ તે ઠામ;

એક આહિર ભક્ત છે સારો, એ જ ગામ વિષે રહેનારો. ૩

નાગજી માણાવદર વસે, ખીમજી શવજી તે ત્યાં હશે;

આંબો રાજો અને જેરામ, મૂળજી અને કલ્યાણ નામ. ૪

નાથો નરસી ને રાઘવ જાણો, માવો મેઘો ને કુરજી પ્રમાણો;

ભલા કાનજી કેશવ કહું, વળી વસ્તો ને શામજી લહું. ૫

જીવો અરજણ છે એ જ ગામ, પીપલાણામાં કણબી છે રામ;

બીજા પણ જે જે કણબી ગણાવ્યા, સૌને સ્વામીયે તર્ત તેડાવ્યા. ૬

વળી સ્વામીયે કીધો ઉચ્ચાર, સુણો હીરજીભાઈ સુતાર;

તમે મંડપ આરંભ કરો, તેમાં શોભા સરસ ઘણી ધરો. ૭

આજથી જો આરંભ કરાય, સુધિ આઠમે પૂરણ થાય;

જનનો બહુ થાશે ભરાવો, માટે મંડપ મોટો કરાવો. ૮

સુણી બોલિયા હીરજીભાઈ, કરશું મંડપની સરસાઈ;2

તેને માટે સામાન મંગાવો, બીજા પણ કારીગરને તેડાવો. ૯

કુંડસિદ્ધિ ને મંડપસિદ્ધિ, ભણી જાણે જેઓ ભલી વિધિ;

રાજવલ્લભ આદિક ગ્રંથ, પૂરો જાણે તેનો પણ પંથ. ૧૦

ધારીને ધ્રુવતારાની ગમથી, પ્રાચી3 સાધન કરશું પ્રથમથી;

ભૂમિશોધન4 પણ ભલી ભાતે, પાસે રહીને કરાવશું જાતે. ૧૧

નારાયણજી સારા છે સુતાર, વિશ્વકર્માનો તે અવતાર;

જેની જન્મભૂમિ ભુજમાં છે, આજ તો જુનાગઢમાં રહ્યા છે. ૧૨

પૂરો તમમાં છે તેહનો પ્રેમ, અમે સૌ જન જાણિયે એમ;

દેવરામ ને અજરામર, કહ્યા તે છે ત્રણે સહોદર.5 ૧૩

મારો ભાઈ સુંદરજી જે છે, આંહી આવેલો દર્શન તે છે;

ગામ જાળિયાના વિશરામ, કહું બીજા છે ફણેણી ગામ. ૧૪

એક કૃષ્ણજી વીરજી બીજા, તથા રામજી સુતાર ત્રીજા;

હરજી વીરજી વણથળિયે, વસે કરસન ગામ સાંકળિયે. ૧૫

બીજા સુતારનાં કહ્યાં નામ, સૌને તેડાવિયા તેહ ઠામ;

પછી બોલિયા ભટ મયારામ, કોણ કરશે રસોઈનું કામ. ૧૬

જ્યારે મંડપ આરંભ થાશે, થોડે થોડે મનુષ્ય ભરાશે;

નિત્ય કરવી રસોઈ બે ટાણે, ભલી બાઇયો તે કરી જાણે. ૧૭

રામાનંદ બોલ્યા સાક્ષાત, જાણે બાઇયો રસોઈની વાત;

ગંગાબાઈ જેતલપુરવાળાં, રાંધી જાણે છે અન્ન રસાળાં. ૧૮

પાકશાસ્ત્રે પ્રવિણ છે પૂરાં, નથી તે કામમાં તે અધૂરાં;

જમ્યા છૈયે તેઓની રસોઈ, એવી તો ન કરી શકે કોઈ. ૧૯

એ છે નાગર વીસળનગરાં, બહુ પાક બનાવવામાં જબરાં;

કરે છે તો રસોઈ બધાય, પણ નાગરની વખણાય. ૨૦

કેમ કરવી ઘટે પાકશાળા, કેમ કરવા વિવિધ મશાલા;

ભીમપાક6 તથા નળપાક,7 તેમાં છે તેની રીત અથાક. ૨૧

ઉપજાતિવૃત્ત (રસોઈ કરવા વિષે)

વરો કરે તે ધણી તો વિચારી, સામગ્રિ આપે સહુ સારી સારી;

રસોઈ સારી કરનાર નોય, વરો વખાણે નહિ લોક કોય. ૨૨

ધનાઢ્ય ઝાઝું ધન વાવરે છે, આશા ઉરે તો જશની ધરે છે;

સારી રસોઈ નહિ જો કરાય, તો વાવરેલું જર8 વ્યર્થ જાય. ૨૩

કોઈક તો ધાન9 સુધારી જાણે, કોઈ બગાડે ફિકરે ન આણે;

કુધાનનું કોઈ કરે સુધાન, સુધાનનું કોઈ કરે કુધાન. ૨૪

છે પાકવિદ્યા પણ એક મોટી, જરૂર જાણો નહિ છેક છોટી;

અભ્યાસ કીધા થકી આવડે છે, અભ્યાસ છોડ્યે વિસરી પડે છે. ૨૫

અભ્યાસ કીધો નહિ કોય દાડે, તે કાચું રાખે અથવા દઝાડે;

કાં ઢોળી નાખે નિજ અંગ દાઝે, રુઝાય તે તો તન કાળ ઝાઝે. ૨૬

જો ડાઘ અંગે લખતાં કરાય, તો રાંધતાં દેહ કદી દઝાય;

અશ્વાર જે અશ્વ થકી પડેલા, તે જાણવા પૂર્ણ નહીં શિખેલા. ૨૭

મીઠું મશાલા વધતા નખાય, કાં અલ્પ કે મુદલ10 ભૂલી જાય;

કાં આકરો તાપ કરે અતીશે, કાં તો ચૂલામાં અગની ન દિસે. ૨૮

ચોપાઇ

ગંગાબાને પછી કે’વરાવ્યું, ત્યારે તેમણે પાછું કહાવ્યું;

થોડાં માણસને હું દેખીશ, ત્યાં સુધી તો રસોઈ કરીશ. ૨૯

જન વધતા જશે જેમ જેમ, પડે બાઇયોનો ખપ તેમ તેમ;

સીધું તૈયાર કરવું તમામ, ઘણી બાઇયો તણું તે છે કામ. ૩૦

સતસંગી છે સ્ત્રીના સમાજ, માટે તેઓને તેડાવો આજ;

શાણી બાઈ રહે જે જે ગામ, ગંગાબાયે કહ્યાં નામ ઠામ. ૩૧

આખા નામે છે ઉત્તમ ગામ, નારાયણ દવે છે તેહ ઠામ;

તેની પત્ની છે દેવકીબાઈ, સુતા તેની મીઠી ને જીબાઈ. ૩૨

પીપળાણામાં છે લાડુબાઈ, મેતા નરસીની પુત્રી ગણાઈ;

નારાયણ દવે છે આખા ગામે, તેના પુત્ર છે નરસિંહ નામે. ૩૩

લાડુબાઈ તેને પરણી છે, પીપળાણામાં જેહ ગણી છે;

માનુબાઈ તો બહેન છે તેની, સારી સમઝણ છે ઘણી તેની. ૩૪

નારાયણમેતા નરસીના ભાઈ, તેની પત્ની રુડી રુકમાઈ;

લાડકી તેની માતાનું નામ, જાણે સારું રસોઈનું કામ. ૩૫

મેતા નરસિંહનું અધવારું,11 મેઘપરમાં છે એમ હું ધારું;

માટે ત્યાં પણ ખબર કઢાવો, બાઈ જ્યાં હોય ત્યાંથી તેડાવો. ૩૬

સુત નરસીનો કલ્યાણજી છે, બાઈ કુંવર તેની પુત્રી છે;

વળી બીજી જે બાઇયો ગણાવી, પછી તેઓને તરત તેડાવી. ૩૭

વળી બોલિયા ભટ મયારામ, પડશે ઘણા વિપ્રોનું કામ;

જન મળશે હજારો હજારો, વિપ્ર જોશે ઘણા રાંધનાર. ૩૮

ઝાઝાં માણસો જ્યાં ભેળાં થાય, ત્યારે બાઇયોથી કેમ રંધાય;

ઘણું રાંધે ને પિરસે તમામ, ઘણા પુરુષો તણું તે તો કામ. ૩૯

નારાયણ દવે આખા ગામે, તેના પુત્ર છે કૂરજી નામે;

ગંગાધર તથા અંબારામ, રહે ગોવિંદજી તેહ ઠામ. ૪૦

દવે નરસિંહ ને લાધો જોશી, મેતા ઇંદરજી છે પાડોશી;

મૂળજી તથા જૂઠો છે નામ, તેનો પુત્ર છે ભલો જેરામ. ૪૧

દવે દેવજી પરમાણંદ, ભાઈ બે સતસંગી સ્વચ્છંદ;

પીપળાણે મેતા નરસી છે, સુત કલ્યાણજી વાલજી છે. ૪૨

રઘુનાથ ને રવજી જેહ, મેતા નરસિંહના સુત તેહ;

નારાયણ મેતા તેહના ભાઈ, તેના ચિત્તમાં બહુ ચતુરાઈ. ૪૩

જેઠો ભાણજી રવજી જેહ, મેઘપુરમાં રહે છે તેહ;

બીજા પણ બહુ વિપ્ર ગણાવ્યા, સ્વામીયે તેને તર્ત તેડાવ્યા. ૪૪

રામદાસજી વાણી કહે છે, જેતપુરમાં જે ભક્તો રહે છે;

સ્વામી તેઓને પાસે બોલાવો, કાંઈ કાંઈક કામ ભળાવો. ૪૫

સુણી સ્વામીયે તેને તેડાવ્યા, આજ્ઞા સાંભળી તે સહુ આવ્યા;

સુણો ભૂપ તેનાં કહું નામ, મોટા મુક્ત તે સદગુણધામ. ૪૬

રાજા ઉન્નડ જે ગુણવાન, તેને પ્રગટ પ્રભુનું છે જ્ઞાન;

મુળૂ વાળા તથા દેવા વાળા, ઘણા સમઝુ સારા કરમાળા.12 ૪૭

ભગવાન કાપડિયો ને હરજી, ભાણો પટેલ અને લાલજી;

ભલા ભક્ત ઠાકરશી લુવાર, નથુ ત્રિકમ આંબો ઉદાર. ૪૮

વેલો જેઠો ને પૂતળીબાઈ, જીવા જોશીની પત્ની ગણાઈ;

રામબાઈ આદિક હરિજન, સૌને બોલાવી કહ્યું વચન. ૪૯

વરણીને થશે અભિષેક, ત્યારે આવશે સંઘ અનેક;

સૌની ચાકરી કરજો સારી, કરો સીધાંની સર્વે તૈયારી. ૫૦

જે જે જોઈએ તે વસ્તુ મંગાવો, વડી પાપડ શેવો કરાવો;

રાવટી તથા તંબુ ને દેરા, જ્યાંથી ત્યાંથી મંગાવો ઘણેરા. ૫૧

મૂળુ વાળા ને ઉન્નડરાય, સુણી બોલીયા તે સમે ત્યાંય;

દેરા રાવટી તંબુઓ સારા, ઘણા દરબારમાં છે અમારા. ૫૨

કેટલોએક બીજો સામાન, તે તો તૈયાર છે આ સ્થાન;

તન મન ધન જે છે અમારાં, તે તો જાણજો સર્વે તમારાં. ૫૩

એમ કહીને ગયા સૌ ઘેર, સ્વામી રાજી થયા શુભ પેર;

વૈશ્ય કણબી ને સુતાર જેહ, વિપ્ર તરત તેડાવેલા તેહ. ૫૪

સહુ આવી મળ્યા તેહ ઠાર, ચાલ્યું કામ ત્યાં ધમધોકાર;

કોઈ સામાન જઈ લઈ આવે, કોઈ સારી રીતે સચવાવે. ૫૫

ભાણા પટેલના ઓરડા છે, ઉત્તરાભિમુખે જે રુડા છે;

કર્યો મંડપ આરંભ ત્યાંય, સૌને હરખ ઘણો મનમાંય. ૫૬

જેને જેહ ભળાવેલું કામ, જન તે તે કરે છે તમામ;

કરે મંડપનું કામ કોઈ, કરે વિપ્ર મળીને રસોઈ. ૫૭

વડી પાપડ બાઇયો કરે છે, જીભે હરિકીરતન ઉચ્ચરે છે;

રહ્યાં ગીત તે ગગનમાં ગાજી, સુણી દેવ થયા સહુ રાજી. ૫૮

ચાલે મંડપ કામ જે ઠાર, જાય જોવા સ્વામી ત્રણ વાર;

જે જે સામાન જોઈયે જેને, સ્વામી તરત અપાવે છે તેને. ૫૯

હીરજી આદિ જે સૂત્રધાર,13 સ્વામી તેને કહે છે તે ઠાર;

જેવી કારીગરી કરી જાણો, તેવી કરવામાં કસુર14 ન આણો. ૬૦

સુણી બોલિયાં હીરજીભાઈ, રામાનંદ સુણો સુખદાઈ;

સારું કામ કરે ધન માટે, આ તો છે મુક્તિલાભને માટે. ૬૧

વળી અક્ષરધામ નિવાસી, નરદેહ ધર્યો સુખરાશી;

તેને કરવા છે પૂર્ણ પ્રસન્ન, તેના ધામમાં જાવાનું મન. ૬૨

આશા એવી મોટી છે સ્વામી, કેમ કરવામાં રાખશું ખામી;

એવા સ્નેહના સુણી ઉચ્ચાર, આપ્યા સ્વામીયે હૈયેથી હાર. ૬૩

હોંશે હોંશે કરે સહુ કામ, જાણે રીઝશે શ્રીઘનશામ;

સ્વામીને જો નજરમાં ન આવે, આખા દિનનું ચણેલું પડાવે. ૬૪

આપે ધીરે રહીને સુબોધ, પણ ન કરે લગારેય ક્રોધ;

એવા સ્વામી છે દિલના દયાળ, નિજ દાસ તણા પ્રતિપાળ. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણ નૃપ હરિનાં રુડાં ચરિત્ર, પરમ પવિત્ર વિશાળ છે વિચિત્ર;

સુર નર મુનિ મુક્ત નિત્ય ગાય, તદપિ કદાપિ ન તૃપ્ત તેહ થાય. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે મંડપારંભનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે