કળશ ૪

વિશ્રામ ૨૩

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહભાઈ;

લીલા કહું જેતપર તણી, સુણતાં અધિક સુખદાઈ. ૧

ચોપાઇ

હરિભક્ત મળી ઘણા નર, કર્યો મંડપનો તે આદર;

સૂત્રધાર સામાન મંગાવે, હરિભક્તો ઉમંગથી લાવે. ૨

ઘણી ઝડપથી ધમધમ ચાલે, જાણે ઉન્મત્ત મેંગળ1 મહાલે;

સિંધુ પર સેતુ રચવાને જેમ, કપિવૃંદ મચ્યાં હતાં તેમ. ૩

એક એકથી આગળ ધાય, લાવી આપે છે વસ્તુઓ ત્યાંય;

એક બીજાથી અધિક તે ઠામ, કામ કરવાને રાખે છે હામ. ૪

જુવે લોકો જે રસ્તે જનાર, જોઈ અચરજ પામે અપાર;

જુવે ટોળે ટોળાં જન મળી, તે તો ઝડપ વખાણે છે વળી. ૫

બીજે ઠેકાણે જોવાને જાય, પાકશાળાનો આદર થાય;

લૈને પાવડા કોશ કોદાળી, મજુરો મંડ્યા કાછડા વાળી. ૬

જાણે સંચિત કર્મ કોઠાર, તે તો ખોદીને કાઢે છે બહાર;

કોઈ ખોદે છે ચૂલ કે ક્યારી, કોઈ કોઠિયો ડાટે છે ભારી. ૭

શીરો ભરવા અવાડા કરે છે, ઘૃત ભરવાના કુંડ ધરે છે;

કરે સીધું સામાન તૈયાર, કર્યો છે બળતણનો અંબાર.2

છાયા કરવાને થાંભલા રોપે, જાણે મોક્ષ નિસરણિયો ઓપે;3

ઉંચા બાંધે છે બુંગણ લાવી, જાણે શરદની વાદળી આવી. ૯

ચરુ4 રંગાડાં5 ને દેગ6 મોટા, લાવી મુક્યા તેના નથી તોટા;7

કથરોટ કુંડા ને કડાયો, ઝારા ડોયા તથા કડછાઓ. ૧૦

એવાં વાસણ અપરમપાર, લાવી મૂક્યાં તે જગ્યા મોઝાર;

કામ ચાલે છે ધમધોકાર, એમ વિતિયા દિન દશ બાર. ૧૧

એવામાં કાળી ચૌદશ આવી, હનુમાન પૂજ્યા હેત લાવી;

ઘણા સંત હરિજન આવ્યા, જોઈ આરંભ મનમુદ8 લાવ્યા. ૧૨

ઉપજાતિવૃત્ત

આનંદ છે જ્યાં અભિષેક કેરો, દીવાળી આવ્યાથી વધ્યો ઘણેરો;

પ્રવાહ ગંગાજી તણો સુ જેમ, મળ્યાથી કાલિંદિ વધે જ તેમ. ૧૩

દિસે ઘણા દીપક ઠામઠામ, શું દેવ આવ્યા તજી સ્વર્ગધામ;

નિહાળવા શું વૃષવંશિરાજ, ધર્યાં ધરાયે બહુ નેત્ર આજ. ૧૪

દીપોત્સવી તો બહુ આવી જાય, આવો કદી ઉત્સવ તો ન થાય;

કહે જનોને જન એક કોઈ, આવી દિવાળી કદીયે ન જોઈ. ૧૫

આવ્યા નથી ને નથી આવનાર, છે જે પ્રભુ અક્ષરબ્રહ્મ પાર;

તે9 આવિયા છે નરદેહ ધારી, તેથી દિસે આજ દિવાળી સારી. ૧૬

આનંદ છે અક્ષર માંહિ જેવો, ભૂલોકમાં આજ જણાય એવો;

જે દેહ પામ્યા જન આજ ટાણે, સુભાગ્ય તેનાં વિબુધો10 વખાણે. ૧૭

ભલો કર્યો ઉત્સવ અન્નકૂટ, પકવાન્ન ને શાક કર્યાં અખૂટ;

ઠાકોરજી આગળ તે ધરાવી, પંક્તિ પછી સંત તણી કરાવી. ૧૮

પોતે ગુરૂ પીરસવા રહે છે, મહાપ્રભુજી પણ પીરસે છે;

જે હાથમાંથી કણિકા પડે છે, પ્રસાદિ બ્રહ્માદિ સુરો ચહે છે. ૧૯

ચોપાઇ

અન્નકૂટ્ટ તણો દિન ગયો, શુદિ બીજ તણો દિન થયો;

જેતપરના જનોને તેડાવી, સ્વામીયે એવી વાત સુણાવી. ૨૦

સમૈયો હવે ઢુંકડો આવ્યો, કેટલોક સામાન કરાવ્યો;

બીજું તો બધું તૈયાર થાશે, પણ ઉતારા ક્યાં ક્યાં કરાશે. ૨૧

કૈંક આવશે રાણા ને રાય, આવશે જ ગૃહસ્થ ઘણાય;

સતસંગી તો આવશે સહુ, બીજા પણ જન આવશે બહુ. ૨૨

રાખવી સહુની બરદાશ, તેમાં કરવી ન કાંઈ કચાશ;

મૂળુ વાળા બોલ્યા પછી ત્યાંય, દેવા વાળા ને ઉન્નડરાય. ૨૩

મોટા મોટા છે મોલ અમારા, તે તો જાણજો સર્વ તમારા;

ઉતારા તો ઠરાવશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. ૨૪

યથાયોગ્ય પલંગ તળાઈ,11 વળી સેવામાં દેશું સિપાઈ;

જેતપરના બીજા હરિજન, કહે છે જે અમારાં ભવન. ૨૫

હરિજનને ઉતરવાને દેશું, વળી સેવામાં તત્પર રે’શું;

એમ કહી જન સર્વ સિધાવ્યા, દેરા તંબુઓ ઊભા કરાવ્યા. ૨૬

રુડી રાવટીયો અને પાલ,12 બાંધી ચંદનિઓ ત્યાં વિશાળ;

તંબુ ઉપર કળશ સોનાના, ચળકે સરખા ચંદ્રમાના. ૨૭

માંહી જાજમો શુભ પથરાવી, મૂકી ખુરશીયો વિધવિધ લાવી;

ગાદી તકિયો પલંગ તળાઈ, ગાલમસુરિયાં ને રજાઈ. ૨૮

જે જે જોઇયે તે રાખ્યાં તૈયાર, જેમ આપતાં લાગે ન વાર;

આવ્યો અષ્ટમીનો દિન જ્યારે, થયો મંડપ તૈયાર ત્યારે. ૨૯

સ્વામીને કહે હીરજીભાઈ, જુઓ મંડપની સરસાઈ;

પછી મંડપ જોવા પધાર્યા, સાથે જન લૈને સારા સારા. ૩૦

વૈતાલીયવૃત્ત

છબી મંડપ કેરી શી કહું, ભભકાદર બની ભલી બહુ;

સજિયા શુભ હેમથાંભલા, તખતા13 શ્રેષ્ઠ ધર્યા તહાં ભલા. ૩૧

હદ બેહદ કાચહાંડિયો,14 કરવા દીપક કાજ માંડિયો;

બહુ ભાત ઉલેચ15 બાંધિયા, શુભ તેમાં જરિતાર સાંધિયા. ૩૨

બહુ ઝૂમર ત્યાં ઝૂમી રહ્યાં, સુવિમાનોની સમાન તે કહ્યાં;

છબીલા ગલિચા બિછાવિયા, ચિતરોમાં સુર ચીતરાવિયા. ૩૩

મણિ મોતિ તણાં સુતોરણો, બહુ બાંધ્યાં જનચિત્ત ચોરણો;

શુક16 સારિક17 શબ્દ ઉચ્ચરે, મુનિ કેરા મનનેય તે હરે. ૩૪

ધરિયા પંચરંગી વાવટા, અતિ છાજે શુભ તેહની છટા;

નભમાં કૃત જેમ મેહનાં, ધનુસાદૃશ્ય સુરૂપ તેહનાં.18 ૩૫

શુભ કુંડ તહાં કરાવિયો, કરવા હોમ ભલો જ ભાવિયો;

કદળી સદળી19 વળી લહી, સ્થિર ત્યાં સ્થંભ રુડા રચ્યા સહી. ૩૬

ચોપાઇ

સ્વામી નિરખીને શોભા અથાહ, વારેવારે કહ્યું વાહ વાહ;

અમે ધાર્યો હતો જેવો કરવા, તેથી સરસ થયો મન હરવા. ૩૭

ધન્ય ધન્ય નારાયણ ભ્રાત, વિશ્વકર્મા તમે સાક્ષાત;

તમે પ્રત્યક્ષ છો રચનાર, કેમ ખામી રહે ત્યાં લગાર. ૩૮

એમ રાજી થઈને અપાર, આપ્યા ઉરથી પ્રસાદીના હાર;

પછી જોવા ગયા પાકશાળા, ત્યાં તો વિપ્રો વિશેષ નિહાળ્યા. ૩૯

પીપળાણાના નરસિંહ મેતા, પાકશાળાના ઊપરી હતા;

પુત્ર કલ્યાણજી આદિ જેહ, મંડ્યા કરવા રસોઈ તેહ. ૪૦

કોઇયે કાછડા લીધા છે વાળી, કોઇયે વાળી બોકાની રુપાળી;

કોઇયે કડછા લીધા છે કરમાં, કોઈ ભીંજાયા પરશેવા ભરમાં. ૪૧

કોઇયે પાતળાં ને કોઇયે જાડાં, લાડુ ખાંડવા લીધાં છે આડાં;

હળદીવાળા કોઈના હાથ, તેનો રંગ લાગ્યો અંગ સાથ. ૪૨

જાણે ખેલીને આવ્યા વસંત, તેનો રંગ લાગ્યો છે અત્યંત;

ચુલ્યો ઉપર દેગો ચડાવી, ઘણી ઘીની અવાડી20 ભરાવી. ૪૩

લાડુ ખાંડે કરે બળ ભારે, રામાનંદની જય ઉચ્ચારે;

કોઈ પાડે ભલાં પકવાન, તેનું લાગી રહ્યું તેમાં ધ્યાન. ૪૪

રામાનંદ બોલ્યા ગુણવાન, કરી રાખો રુડાં પકવાન;

દ્વાદશી દિને જમવાનું ધરજો, દાળ ભાત તો તે દિન કરજો. ૪૫

કરો નાગરને ખપે એવી, જુદી દૂધની રસોઈ તેવી;

બોલ્યા વિપ્રો અમે તેમ કરશું, આપ આજ્ઞા સુણી અનુસરશું. ૪૬

જોઈ બ્રાહ્મણનો શ્રમ ભારી, રામાનંદ રીઝ્યા મુદ ધારી;

ભુજસમશા21 કરી ભલી વિધી, સર્વ વિપ્રોને આશીષ દીધી. ૪૭

પછી સ્વામીજી ત્યાંથી પધાર્યા, જોયા જઈને સમસ્ત ઉતારા;

બંદોબસ્ત નિહાળીને સાર, સ્વામી રીઝ્યા રુદેમાં અપાર. ૪૮

કર્યું આશ્રમે જઈને આસન, વળી વાત વિચારીને મન;

મુક્તાનંદ તથા રામદાસ, રામાનંદે તેડ્યા નિજ પાસ. ૪૯

કહ્યું સાંભળો સદગુણી સંત, હું છું તમ વડે આજ નચિંત;

મારે યજ્ઞમાં બેસવું પડશે, આજ સંઘ ઘણા આવી ચડશે. ૫૦

રાખજો સહુની બરદાસ, કશી વાતે ન રાખો કચાશ;

વળી જ્ઞાન તણો ઉપદેશ, તમે સર્વને કરજો વિશેષ. ૫૧

સંતમંડળ આવે આ કાળ, તેની લેજો તમે સંભાળ;

સુણી બોલિયા તે સંત બેય, તે તો કામ અમારું જ છેય. ૫૨

વળી સ્વામીયે વાણી ઉચારી, સુણો સ્નેહે મુકુંદ બ્રહ્મચારી;

વરણી નીલકંઠની પાસ, રહો થઈને નિરંતર દાસ. ૫૩

એની આજ્ઞા સદા અનુસરજો, જે જે સેવા બતાવે તે કરજો;

બોલ્યા તે સમે તે બ્રહ્મચારી, સદા વર્તિશ આજ્ઞાનુસારી. ૫૪

એ જ અષ્ટમીને દિન રાય, સંત મંડળ આવિયાં ત્યાંય;

નવમી દિન આવિયો જ્યારે, આવ્યા સંઘ અનેક તે વારે. ૫૫

દેશ સોરઠ કાઠિયાવાડ, ભાલ ગુજરાત ને ઝાલાવાડ;

કચ્છ દેશ આદિક અપાર, આવ્યાં હરિજન નર અને નાર. ૫૬

સંઘ ઊતર્યો બાગમાં કોઈ, કોઈ તંબુ દેરા રુડા જોઈ;

કોઈ ગામમાં હરિજન ઘેર, ઉતર્યા જોઈને રુડી પેર. ૫૭

મળ્યા લોક હજારો હજાર, ચાલવાનો ન માગ લગાર;

આવ્યા છત્રપતિ કૈંક વંકા,22 તેના વાજે છે નોબતે ડંકા. ૫૮

ઢળે ચમર ને ફરકે નિશાન,23 છડીદાર બોલે ગુણવાન;

ઘોડા હણહણે ચિઃકારે હાથી, ગામ ગાજી રહ્યું ગર્જનાથી. ૫૯

આપ્યાં ઉતરવા શુભ સ્થાન, પછી આપિયાં ભોજન પાન;

બહુ કરી સહુની બરદાશ, તેમાં કાંઈ ન રાખી કચાસ. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

પુર પુર થકી સંઘ શ્રેષ્ઠ આવે, મુનિવર મુક્ત હરિકથા સુણાવે;

દરશન કરી કૃષ્ણનાં ગુરૂનાં, મન મુદવંત24 થયાં જનો સહુનાં. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે હરિજનસંઘાગમનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ॥૨૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે