કળશ ૪

વિશ્રામ ૨૫

પૂર્વછાયો

મંડપ મધ્યે મહાપ્રભુ, કેવા શોભે છે તે શુભ રીત;

વિગતથી તે વરણવી, ગાય રામા મધુરાં ગીત. ૧

(‘મોહનજીયે મોકલ્યું રે મોસાળું’ એ રાગ)

શ્રીજીસ્વામી માંડવામાં બિરાજે, છબીલાની છબી ભલી છાજે;

   શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. ટેક꠶

સખી જોને આ શ્રીઘનશ્યામ,

   પુરુષોત્તમ પૂરણકામ… શ્રીજી સ્વામી.

એના ચરણકમળ મને ગમે,

   મારું મન ત્યાં ભ્રમર થઈ ભમે… શ્રીજી સ્વામી. ꠶૨

જંઘા જુગલ રંભાથંભ જેવી,

   એ તો ગરુડ ઉપર શોભે એવી… શ્રીજી સ્વામી.

પેર્યું પીળું પીતાંબર અંગે,

   હું તો નિરખું અધિક ઉમંગે… શ્રીજી સ્વામી. ꠶૩

ઓપે અતિ ભલું અંગે અંગરખું,

   હું તો જોઈ જોઇને હૈયે હરખું… શ્રીજી સ્વામી.

ધર્યા વેઢ ને વીંટી આંગળિયે,

   જોતા જરુર આ જગનાં તો ટળિયે… શ્રીજી સ્વામી. ꠶૪

પેર્યાં હેમ કડાં બેઉ હાથે,

   પેરી પોંચિયો નટવર નાથે… શ્રીજી સ્વામી.

બાંહે બાંધિયાં બહુ રુડા બાજુ,

   કાન માંહિ કુંડળિયાં છે કાજું… શ્રીજી સ્વામી. ꠶૫

હૈયે હીરા ને મોતીના હાર,

   ભાળી ભાસે સંસાર અસાર… શ્રીજી સ્વામી.

મુખચંદ્ર દિસે ચિત્તચોર,

   જુવે મુનીજન જેમ ચકોર… શ્રીજી સ્વામી. ꠶૬

નેણ કમળ પાંખડલી પ્રમાણ,

   વારું તે પર તન મન પ્રાણ… શ્રીજી સ્વામી.

ભાસે ભમર્યો1 ચારુ ઈંદ્રચાપ,2

   ટળે નિરખતાં ત્રિવિધના તાપ… શ્રીજી સ્વામી. ꠶૭

જોઈ તિલક તણી સરસાઈ,

   છુટે સંસારી સાથે સગાઈ… શ્રીજી સ્વામી.

પાઘ પર રુડાં છોગલાં ધરિયાં,

   આવી ઉંડાં અંતરમાં ઉતરિયાં… શ્રીજી સ્વામી. ꠶૮

મળ્યા અક્ષરધામના વાસી,

   કોણ જાય કેદાર ને કાશી… શ્રીજી સ્વામી.

ઘેર બેઠાં મહાપ્રભુ મળિયા,

   મારા મનના મનોરથ ફળિયા… શ્રીજી સ્વામી. ꠶૯

મનહરણ કરી લીધું હરિયે,

   હવે સંસારને તે શું કરિયે… શ્રીજી સ્વામી.

હરિવર મારા હૈયાનો હાર,

   મારા પ્રાણનો એ જ આધાર… શ્રીજી સ્વામી. ꠶૧૦

કર્યો નિશ્ચે વિચારીને બાઈ,

   નથી ભોળપણાથી ભ્રમાઈ… શ્રીજી સ્વામી.

સદા ધ્યાનમાં રાખશું ધારી,

   વાલો વૃષસુત3 વિશ્વવિહારી… શ્રીજી સ્વામી. ꠶૧૧

પૂર્વછાયો

વર્ણી અચિંત્યાનંદજી, કહે સુણો ભૂમિ ભરતાર;

સુર મુનિ મળીને સ્તુતિ કરી, હવે તેનો કહું વિસ્તાર. ૧૨

વસંતતિલકાવૃત્ત

રાખી સનેહ ઉચરે ૠષિનો સમાજ,

હે રાજરાજ ૠષિપાળ કૃપા જહાજ;

શ્રી ધર્મપુત્ર ધરતી પર દેહ ધારી,

રક્ષા અધર્મકુળથી કરશો અમારી. ૧૩

   જે કામ આદિ રિપુ અંતરમાં ઠરે છે,

   તે ભંગ આવિ ૠષિના તપનો કરે છે;

   એ છે અજીત અતિશે જ કરે અનર્થ,

   તેને સ્વવશ્ય કરવા હરિ છો સમર્થ. ૧૪

સાક્ષાત આપ પ્રભુ અક્ષરના નિવાસી,

સર્વાવતારપણું કારણ સૌખ્યરાશી;4

કીર્તિ તમારી નિગમાગમ5 નિત્ય ગાય,

એવા દયાળુ તમને નમિયે સદાય. ૧૫

   નામી સ્વશીશ મુનિ નારદજી કહે છે,

   મેં પંચરાત્રકૃતિમાં6 કહી ભક્તિ જે છે;

   તેવી પ્રવર્તન વિષે ન સમર્થ કોય,

   તે કામ અક્ષરપતિ તમથી જ હોય. ૧૬

છે સર્વકાળ મહિમા અવિતર્ક્ય7 જેનો,

એવા તમે મહત સેવક હું છું તેનો;

મૂર્તિ તમારી મન ધારિ સદા ભમું છું,

પ્રત્યક્ષરૂપ પ્રભુ હું તમને નમું છું. ૧૭

   ઇંદ્રે કહ્યું અખિલ વિશ્વ તણા અધીશ,

   હું તો થયો તમ પ્રતાપથી સ્વર્ગઈશ;

   આજ્ઞા તમારી ધરી વૃષ્ટિ વળી કરું છું,

   પ્રેમે પ્રભુજી પદ મસ્તકને ધરું છું. ૧૮

નાથેલ બેલ ધણીને વશ હોય જેવા,

બ્રહ્માદિ દેવ સરવે તમ વશ્ય તેવા;

હિંસાદિ યજ્ઞ કરવા ખળઅંશ ગોર,

કે’તા હતા જ કરતા જન જે કઠોર. ૧૯

   તેથી સુકાઈ કૃશ દેહ થયા અમારા,

   પામ્યા હવે પ્રભુ અમે ચરણો તમારા;

   હિંસા રહીત બહુ યજ્ઞ કરી કૃપાળ,

   દેશો વિશેષ સુખ હે વૃષભક્તિલાલ. ૨૦

બ્રહ્મા કહે ભુતળમાં અસુરાંશિયોયે,

કીધો પ્રવર્તન અધર્મ ગુરૂજીયોયે;

તે ટાળવા સુગુરુને કર શસ્ત્ર આપી,

પાપિષ્ઠ કૂળ કરશો નિરમૂળ કાપી. ૨૧

   દ્યો સંત હાથ નિગમાગમરૂપ ચાપ,8

   સુજ્ઞાનખડ્ગ9 પણ તીક્ષણ જે અમાપ;

   નિષ્કામ આદિ નિયમો બહુ તીવ્ર બાણ,

   આજ્ઞા તમારી વિજયધ્વજને પ્રમાણ. ૨૨

માહાત્મ્ય આપતણું અક્ષય10 વજ્ર જેવું,

સંગ્રામમાં વિચરતાં મુનિહાથ દેવું;

તે સંતમંડળ ઘણાં નિજ સંગ લૈને,

દેશો હરાવી ખળ દેશ વિદેશ જૈને. ૨૩

   ત્યારે અધર્મિ ગુરુઓ અતિ પામી ત્રાસ,

   સંતાઈ ગુપ્ત થળમાં કરશે નિવાસ;

   આપ પ્રતાપ થકી જે યતિ11 આપ કેરા,

   પાખંડ પંથ હણશે હિંમતે ઘણેરા. ૨૪

સૌ પ્રાણીનું હિત ધરી તવ ભક્તિ જેહ,

વિસ્તારશે અધિક ધર્મ સહીત તેહ;

જે જે જણાય અસુરાંશ ગુરુ થયેલા,

બીજા કુપાત્ર મદ મત્સરના ભરેલા. ૨૫

   સૌને સુસંત તમ જોરથી જીતિ લેશે,

   સુજ્ઞાનદાન જનને શુક12 તુલ્ય દેશે;

   પ્રૌઢ પ્રતાપ અવલોકી પ્રભુ તમારો,

   આશ્ચર્યવંત સુરસાથ થયો અમારો. ૨૬

આ કાળમાં અવનિમાં નરનાટ્ય ધારી,

છોજી અનેક જનના પ્રભુ મોક્ષકારી;

સર્વેશ પૂર્ણ પુરુષોત્તમ પ્રાણદાતા,

વંદું સમસ્ત વિધિ વિશ્વ તણા વિધાતા. ૨૭

   સાવિત્રિ દેવિ ઉચર્યાં ઉર સ્નેહ આણી,

   હે પ્રાણનાથ પુરુષોત્તમ પદ્મપાણી;13

   વિદ્યા વિહીન વનિતા વળી નીચ દેહ,

   થાશે સમાધિધર14 આપ પ્રતાપ તેહ. ૨૮

એવા પ્રતાપી પ્રભુ છો અવતારી આપ,

સર્વાવતારથી વિલક્ષણ છે પ્રતાપ;

માહાત્મ્ય આપ તણું અંતરમાં ધરું છું,

બે હાથ જોડી વળિ વંદન હું કરું છું. ૨૯

   પ્રત્યેક વિશ્વપતિ છે અજ15 વિષ્ણુ ઈશ,16

   સંખ્યા ગણી નવ શકે મનમાં મુનીશ;

   તે ઈશ્વરો હરિ તણી સ્તુતિ ઉચ્ચરે છે,

   પોતા તણાં શિર પ્રભુપદમાં ધરે છે. ૩૦

વિષ્ણુ કહે અખિલના અવતારી આપ,

જે થાય અન્ય અવતાર અહીં અમાપ;

તે તો કળા તમ તણી અથવા સુઅંશ,

તેણે કર્યો ન કદી છેક અધર્મ ધ્વંશ.17 ૩૧

   થોડાક માંહી શ્રુતિઉક્ત સુધર્મ થાપ્યો,

   કે રાવણાદિ ખળનો વળી વંશ કાપ્યો;

   હે નાથ આપ ધરી પ્રૌઢ પ્રતાપ બુદ્ધી,

   ધર્મ પ્રવૃત્તિ કરશો જ દિગંત18 સુધી. ૩૨

પ્રહર્ષિણીવૃત્ત

જે જીવો ભવવનમાં સદા ભમે છે,

મૃત્યુ ને જનમ તણાં દુઃખો ખમે છે;

તેઓની તરત તમે જ સાર લેશો,

હે સ્વામી નિજપદ પાસ વાસ દેશો. ૩૩

   બ્રહ્માંડાધિપતિ અનેક ઈશ જે છે,

   આજ્ઞામાં તમ તણી નિત્યપ્રત્ય તે છે;

   પામીને તમ થકી વિશ્વપોષ્ય શક્તિ,

   પોષું છું જગત સુજાણી દાસ્ય ભક્તિ. ૩૪

સર્વેના હરિ અવતારી દિવ્યધામ,19

સ્વચ્છંદ20 પ્રભુ પરમાત્મ પૂર્ણકામ;

પોતામાં સહુ અવતાર દર્શ દેશો,

સર્વેનાં મન નિજમાં ધરાવી લેશો. ૩૫

   ગોલાકાદિક નિજધામમાં બિરાજે,

   તે મૂર્તિ સહુ તમમાં જણાય આજે;

   ઐશ્વર્યો નિજજનને જણાવશો જી,

   કામાદી પ્રબળ રીપુ હણાવશો જી. ૩૬

જે જીવો જગત વિષે જ અલ્પ જેવા,

અજ્ઞાની જપ તપહીન હોય એવાં;

તેઓને નિજ નજરે કરી સમાધિ,

દેખાડો અખિલ તજાવીને ઉપાધિ. ૩૭

   મુક્તિનો પથ ધરી દેહ ઈશ્વરોયે,

   દેખાડ્યો નિજજનને જ જેહ હોયે;

   તે ઈશે દરશિત છે સમાધિ જેહ,

   દાસોના કરથી કરાવશોજી તેહ. ૩૮

જે શક્તિ દરશિત શ્રેષ્ઠ ઈશ્વરોમાં,

તે શક્તિ જન તવ પામશે જનોમાં;

આવો તો જનમ થયો નથી ન થાશે,

તે માટે સરવથી શ્રેષ્ઠતા ગણાશે. ૩૯

   તેજસ્વી અમિત મણિ જડીત જેહ,

   સિંહાખ્યા21 સુભગ સુઆસનસ્થ તેહ;

   સેવેલા અગણિત મુક્તના સમાજે,

   દેખાડો નિજજનને સુધામ આજે. ૪૦

કોઈ તો તવ પટ22 માળ23 સોટી જોઈ,

તેમાંથી તરત સમાધિનિષ્ઠ હોઈ;

જૈ જોશે પ્રભુ તવ અક્ષરાદિ ધામ,

ઐશ્વર્યો અતિ નિરખે જ એ જ ઠામ. ૪૧

   તે ભક્તો મહિતળ24 વિશ્વવંદ્ય થાશે,

   સૌથી તે પરમ સુખી સદા જણાશે,

   કોઈ તો ચરિત તમારું સાંભળીને,

   મુક્તિમાં તરત જશે તજી કળીને. ૪૨

વસંતતિલકાવૃત્ત

પૂર્વે થયા પ્રભુ તણા અવતાર જેહ,

પામ્યા તમારી છબીમાં સઉ લીન તેહ;

કોઈ વિષે તવ છબી નહિ લીન થાય,

તેથી તમે જ સઉના અવતારી રાય. ૪૩

   સર્પાધિનાથ25 શ્રુતિ અક્ષરમુક્ત સર્વ,

   કીર્તિ તમારી ઉચરે તજી સર્વ ગર્વ;

   પૂર્ણ પ્રતાપ પ્રભુનો મનમાં ધરું છું,

   સર્વેશ્વરા સુખકરા તમને નમું છું. ૪૪

માલિનીવૃત્ત

વળતી લલિત26 લક્ષ્મી હેતથી જોડી હાથ,

સ્તુતિ હરિની કરે છે હે કૃપાસિંધુ નાથ;

અખિલ સુખદ એવા દાસને મોક્ષદાતા,

તમ શરણથી પામે પ્રાણિયો સુખશાતા.27 ૪૫

   તવ ચરણ તજીને જે મને તો ભજે છે,

   જડ28 જન નિજ સાચા29 સ્વાર્થને તે તજે છે;

   તવ વિમુખની પાસે હું કદીયે ન જાઉં,

   તમ થકી જુદી થાતાં ઝાઝી હું તો મુઝાઉં. ૪૬

ભગવત તજી ભક્તિ અન્યની આદરે છે,

વિભવસુખની30 આશા અંતરે તે ધરે છે;

જળ મથન31 થકી તો તત્વ કાંઈ ન જામે,

તમથી વિમુખ પ્રાણી તેમ કાંઈ ન પામે. ૪૭

   તવ પદરત32 જે છે સર્વ તે સુખ લે છે,

   અમિત કલપ33 વિત્યે કાળથી ક્યાં ડરે છે;

   તવ જન જગ મધ્યે દેવને વંદ્ય થાય,

   જન તન તજી અંતે ધામમાં સદ્ય જાય. ૪૮

અચળ સુખ મળે છે તે ભલા ભાગ્યશાળી,

વિબુધ પણ વખાણે કીર્તિ તેની વિશાળી;

અવર સુર થકી તો એવી પ્રાપ્તિ ન થાય,

મૃગજળ સમ તેના વૈભવો ઊડી જાય. ૪૯

   મરમ સકળ જાણી અંતરે શુદ્ધ એવો,

   તવ પદરતિ રાખી ત્યાગિને અન્ય દેવો;

   જનહિત અવતારી આદિ છો ઈશ એક,

   પ્રભુ તવ પદ મારી વંદના છે અનેક. ૫૦

શાલિનીવૃત્ત

શંભુ બોલ્યા આણિને ઊર સ્નેહ, પામ્યો શક્તિ આપ આપેલી જેહ;

જે આજ્ઞા દ્યો મસ્તકે તે ધરું છું, આજ્ઞાથી આ સૃષ્ટિને સંહરું છું. ૫૧

સૌ સંપત્તી આપ પાયે રહે છે, લક્ષ્મી આદિ શક્તિ જેને ચહે છે;

જેનું નિત્યે ધ્યાન હું તો ધરું છું, વારે વારે વંદનાઓ કરું છું. ૫૨

ગૌરી34 બોલ્યાં હે ગુણાતીત35 દેવ, જે નારીયો સજ્જશે આપ સેવ;

તેને દેશો ધામમાં વાસ તેહ, દેવોને છે દુર્લભા પ્રાપ્તિ જેહ. ૫૩

જે નારીયે વાસના સર્વ છોડી, પ્રીતિ પૂરી આપને પાવ જોડી;

મોટા મુક્તો જે સમાધિ ન પામે, તે નારીયો તે સ્થિતિમાં વિરામે. ૫૪

એવી રીતે જન્મ બીજાથી ભારે, ઐશ્વર્યો તો આપમાં છે વધારે;

દે આનંદો ચિત્તને કાનને તે, મોટા મુક્તો આદરે ગાનને તે. ૫૫

સૌથી સારાં આપનાં છે ચરિત્ર, શ્રોતા વક્તાને કરે તે પવિત્ર;

સર્વસ્વામી આપને જાણી એવા, વંદું છું હું દાસી દેવાધિદેવા. ૫૬

રથોદ્ધતાવૃત્ત

પૃથ્વી બોલી પ્રભુ હે કૃપાનિધિ, આજ આપ અતિશે કૃપા કીધી;

ભાવ લાવી મુજ સામું ભાળશો, કિંકરીનું બહુ કષ્ટ ટાળશો. ૫૭

ધર્મ ભંગ કરીને અધર્મિયે, પાપ પંથ પ્રગટ્યા કુકર્મિયે;

ખૂબ ભાર નહિ તે ખમી શકું, શેષશીશ સ્થિર શી રીતે ટકું? ૫૮

ક્રોધી કામી ગુરુઓ ઘણા મળી, વામમાર્ગ પ્રસરાવિયો વળી;

મદ્યપાન કરી માંસ ખાય છે, તેથી પંડ મુજનો પિડાય છે. ૫૯

દૈત્યઅંશી થઈ શિષ્ય તે તણા, ભારરૂપ મુજને નડે ઘણા;

દેવ રક્ષણ કરો દયા કરી, ભાંગશોજી ભય ભારને હરી. ૬૦

દાસ ત્રાસ ઝટ નાશકારી છો, ધર્મપુત્ર દૃઢ ધર્મધારી છો;

દુષ્ટઅંશી ગુરુ શિષ્ય સર્વને, જીતશો તરત તોડી ગર્વને. ૬૧

જે અધર્મ મુજ શીશ થાય છે, જેથી પંડ મુજનો પીડાય છે;

મૂળમાંથી ખણી ખોદી નાંખશો, ધર્મ થાપી સુખ માંહી રાખશો. ૬૨

સ્વાશ્રિતોની સઘળી વિપત્તિયો, તોડી નાથ કરશો નિવૃત્તિયો;

સંતવૃંદ લઈ સાથ સંચરો, મેલ ટાળી મુજ નિર્મળી કરો. ૬૩

સંતવૃંદ મળી ચંદને કરી, ચર્ચિતાંઘ્રિ36 મુજ ઊપરે ધરી;

ચિહ્ન અંકિત કરો કૃપાનિધિ, માની લૈશ મુજને નિધિ37 દિધી. ૬૪

લૈ સમાજ ફરશોજી જાહરે, હું સનાથ શુભ થૈશ તાહરે;

શ્રેષ્ઠ સર્વ ગુણ મુજમાં થશે, તીર્થભૂમિ ગણિ સર્વ ઇચ્છશે. ૬૫

નાથ યોગ તવ પાવનો થશે, વિશ્વ મધ્ય મુજ કીર્તિ વાધશે;

વાસવાદિ38 વસતા વિચારશે, ધન્ય ભાગ્ય મુજનાં જ ધારશે. ૬૬

નાથ મુજ મહિમા ઘણો થશે, સત્યલોકપતિ39 આદિ વંદશે;

વિશ્વદેવ મુજને વખાણશે, સર્વ લોક થકી શ્રેષ્ઠ જાણશે. ૬૭

દિવ્યધામપતિ આપ જે સમે, આવિયાજી કપિલાશ્રમે તમે;

આપ દાસી તણી પ્રાર્થના સુણી, હે કૃપાળુ કરુણા કરી ઘણી. ૬૮

પ્રાણનાથ અખિલેશ આપ છો, વાસુદેવ વળી વિશ્વવ્યાપ છો;

આપ મૂર્તિ દૃઢ ચિત્તમાં ધરું, વારંવાર પદવંદના કરું. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

સ્તુતિ અજ ભવ આદિકે કરી તે, નૃપ તુજ પાસ કથા સુઉચ્ચરી તે;

પછી યમ વરુણાદિકે ઉચારી, સુણ નૃપ એહ કથા કહીશ સારી. ૭૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે બ્રહ્માદિકકૃતસ્તુતિનામા પંચવિંશતિતમો વિશ્રામઃ ॥૨૫॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે