કળશ ૪

વિશ્રામ ૨૬

પૂર્વછાયો

સ્તુતિ કરી બ્રહ્માદિકે, તમને સુણાવી તેહ;

હે નરનાથ હવે કહું, યમ આદિક કૃત સ્તુતિ જેહ. ૧

ઉપજાતિવૃત્ત

વળી વદે છે યમરાજ વાણી, અહો કૃપાળુ પ્રભુ પદ્મપાણી;

કલ્યાણકારી શુચિ જે તમારું, શ્રીસ્વામિનારાયણ નામ સારું. ૨

ભાવે કુભાવે હસવા પ્રમાણે, તે નામ લેશે સુણશે અજાણે;

હશે મહાપાપી તથાપિ તેહ, નહીં જ પામે મુજ ત્રાસ એહ. ૩

તે તો વળી મુક્તિપદે જનાર, એવો તમારો મહિમા અપાર;

ગિરા1 બિચારી નહિ પાર પામે, તો શું કહું હું હરિ એહ ઠામે. ૪

ધર્મપ્રવૃત્તિ કરશો જ જ્યારે, ઘણાક પાપી ઘટશે જ ત્યારે;

હે નાથ હું ને વળી દૂત મારા, નિરાંત પામી નવરા થનારા. ૫

ભક્તિ કર્યાને અવકાશ ધારી, વિશેષ ભક્તિ કરશું તમારી;

જેથી જશે આ કળિકાળ કેરું, સંકષ્ટ શુદ્ધત્વ થશે ઘણેરું. ૬

પ્રમિતાક્ષરાવૃત્ત

પછી લોકપાળ વરુણાદિક જે, અલકાનિવાસી2 ધનદાદિક3 જે;

સ્તુતિ હાથ જોડી હરિની ઉચરે, પુલકીત4 દેહ દગ નીર ઝરે. ૭

અમને દયાળુ બળદત્ત તમે, તમથી સદૈવ ડરિયે જ અમે;

મરજી તમારી મનમાં ધરિયે, દિશ પાળવાની5 કરણી6 કરિયે. ૮

સકળેશ આપ વશ સર્વ અમે, લોકપાળ જનજૂથ નમે;

સુખના નિધાન7 નિધિ કીર્તિ તણા, તમને પ્રણામ કરિયે જ ઘણા. ૯

શિખરિણીવૃત્ત

વદે સર્વે દેવો નથી જ તમ જેવો અધિપતિ,

   તમે સર્વાતીત8 પ્રબળ તમ કેરી ગતિ અતિ;

   તમારી મોટાઈ અમથકી કળાઈ નહિ હરી,

   બહુનામી સ્વામી નમું અચળધામી સ્તુતિ કરી. ૧૦

તમારી માયાયે હરણ કરિયું જ્ઞાન સકળે,

અમો દેવો એવા તવ પદ તણું જ્ઞાન ન મળે;

તથાપી હે નાથ સ્તુતિ સુણી સુણી અંતર ધરો,

સ્વદાસો જાણીને તન ધરિ તમે રક્ષણ કરો. ૧૧

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

તત્ત્વો9 સર્વ મળી વળી સ્તુતિ કરે હે કૃષ્ણ! હે માધવા!

સૃષ્ટી પૂર્વ સમે અમે ન શકિયાં વૈરાટને સર્જવા;

ત્યારે અંતરયામીતાથી અમમાં પ્રેરી સ્વશક્તિ તમે,

એવા અક્ષરધામના અધિપતિને વંદિયે સૌ અમે. ૧૨

વસંતતિલકાવૃત્ત

વૈરાજપુરુષ કહે પ્રભુ વિશ્વપાળ,

સંકષ્ટ સર્વ હરનાર હરે દયાળ;

સામર્થ્યદત્ત10 તવ વિશ્વ બધું ધરું છું,

હે શક્તિમાન પદવંદન હું કરુ છું. ૧૩

   બોલ્યા પ્રધાનપુરુષ પ્રભુ પાય લાગી,

   આજ્ઞા તમારી વશ હું ચરણાનુરાગી;

   આપેલી શક્તિ પ્રભુ આપ તણી ધરું છું,

   બ્રહ્માંડ એક ઉતપન્ન સુખે કરું છું. ૧૪

સર્વાવતારી સકળેશ સ્વતંત્ર સ્વામી,

આનંદકંદ વૃષનંદ અનંત નામી;

વંદે સદા સુર નરો મુનિયો સમસ્તે,

છો સંતસાથ મુનિનાથ નમો નમસ્તે. ૧૫

મંદાક્રાંતાવૃત્ત

પ્રેમે બોલ્યા પ્રભુપદ નમી મૂળપુરુષ વાણી,

હે સર્વેશા સુખનિધિ મને આપનો દાસ જાણી;

પોતે શક્તિ લવમિત11 મને જે દયા લાવી દીધી,

તેથી તો મેં અમિત ભુવનો12 કેરી ઉત્પત્તિ કીધી. ૧૬

આજ્ઞા માની પ્રભુ તમ તણી કાર્ય મોટાં કરૂં છું,

જાણી મોટો અમિત મહિમા ધ્યાન નિત્યે ધરૂં છું;

હું તો સ્વામી ચરણરજની તુલ્ય છું સ્વલ્પમાત્ર,

પ્રેમે વંદું પ્રણમી પ્રણમી હે કૃપાના સુપાત્ર.13 ૧૭

વસંતતિલકાવૃત્ત

મુક્તો વિશેષ મળી અક્ષરધામ કેરા,

પ્રેમે કરે પ્રભુ તણી સ્તુતિયો ઘણેરા;

હે નાથ સદ્‌ગુણ દયાદિકના સમુદ્ર,

છો કાળના પ્રલયકારકરૂપ રુદ્ર. ૧૮

   પામ્યા અમે કરી ઉપાસન આપ કેરું,

   થૈને નિરાવરણ જાણપણું14 ઘણેરું;

   સેવા સજે ધરમ આદિ ગુણો અમારી,

   જાણી શકાય નહિ તોય ગતિ તમારી. ૧૯

જાણે ન જેમ જળજંતુ સમુદ્ર પાર,

લૈયે ન તેમ તવ અંત અમે લગાર;

સર્વાવતાર અવતારી તમે પ્રભુ છો,

અત્યંત શ્રેય15 કરવા જનમ્યા વિભૂ છો. ૨૦

   જે જીવ આપ પદ આશ્રય થૈ રહે છે,

   તે તો અમારી તુલની પદવી લહે છે;

   દેખાય એવી દીનબંધુ દયા તમારી,

   ઉચ્ચારવા સકળ શક્તિ નથી અમારી. ૨૧

વાક્યો કૃતાદિષુ પ્રજા ઇતિ આદિ16 એહ,

છે જે મુનીશ કરભાજનનાં જ જેહ;

તે વેણ સત્ય કરવા કળિમધ્ય ચાહી,

ધાર્યો સુદેહ પ્રભુ ભારત ભૂમિ માંહી. ૨૨

   જે ધર્મ ઉત્તમ ઘણા દિનથી વિનાશ,

   પામ્યો પ્રભુજી ફરીથી કરશો પ્રકાશ;

   હે સર્વસદ્‌ગુણનિધિ અવતારી આપ,

   સર્વે થકી અધિક આપ તણો પ્રતાપ. ૨૩

સંતો મળી સતત પ્રાર્થિત17 હે મુરારી,

આણી કૃપા અધિક છો નરનાટ્ય ધારી;

સર્વાવતાર તમ સાથ ગતિ કરે છે,

શ્રીચક્રવર્તિ સહ જેમ નૃપો ફરે છે. ૨૪

   તે ધન્ય ધન્ય ધરણી પદચિહ્નવાળી,

   સ્વર્ગાદિ લોક થકી તે ભલી ભાગ્યશાળી;

   જે સ્થાનમાં વળી થશે જ લીલા તમારી,

   લેશે તહાંની રજ સૌ સુર શીશ ધારી. ૨૫

દેવો નરો તવ કૃપા વિણ તો કદાપી,

પામે ન દર્શન કરી તપ જાપ જાપી;

તેવા તમો નિરખશે નરનારી જેહ,

છે ધન્ય ધન્ય અતિ ધન્ય સમસ્ત તેહ. ૨૬

   વૈરાગ્યવાન મુનિયો તવ ભક્તિમાન,

   તે મુક્તિ ચાર ગણશે તરણા સમાન;

   માયીક વસ્તુ સુખને કદી કેમ ઇચ્છે,

   તે તો સમસ્ત સુખ આપ સમીપ પ્રીછે. ૨૭

પૃથ્વી વિષે સકળ જીવ તણા હિતાર્થે,

ધાર્યો સુદેહ પરમાત્મ પ્રભુ પરાર્થે;18

છોજી પરાત્પર તમે નિજદાસ પાળ,

પામો સદૈવ જયકાર અહો કૃપાળ. ૨૮

   સાધુ સમસ્ત મૂરતિ મનમાં ધરે છે,

   કલ્યાણકારી ગુણકીર્તન તે કરે છે;

   હે ભૂમિના પરમ મંગળકારી શામ,

   પામો સદૈવ જયકાર સમસ્ત ઠામ. ૨૯

નિર્વાસનીક મુનિયો પદ નિત્ય સેવે,

સેવેલ તેમ શિવ તુલ્ય તપસ્વી જેવે;

દેવો ગણે અધિક દુર્લભ દર્શ જેનું,

તેવા તમે બહુ થજોજી જયત્વ તેનું. ૩૦

   જે જીવ આવી પ્રણમે પ્રભુ એક વાર,

   તો પાપ સર્વ ભવ19 મૃત્યુ મટી જનાર;

   છોજી તમે અતિ દયાળુ સમર્થ એવા,

   વંદું સદૈવ તમને દીનબંધુ દેવા. ૩૧

જે આ સમગ્ર ઉપનીષદના સમૂહ,

બ્રહ્મા શિવાદિ કરી તત્વ તણા જ ઊહ;20

એવા તથા અવર અક્ષરમુક્ત જેહ,

બોલે સદૈવ તવ સદ્‌ગુણકીર્તિ તેહ. ૩૨

   પામે ન નાશ કદી એવી મહા અવિદ્યા,21

   છે પ્રાણિના મન વિષે જડતા અછિદ્યા;22

   તે તો છૂટે પ્રભુ તમારી ઉપાસનાથી,

   તેવા તમે જય કરો નિજની પ્રભાથી. ૩૩

મૂર્તિ તમારી તણું ધ્યાન કરે જ જેહ,

તો પ્રાણીવૃંદ સુખી થાય સદૈવ તેહ;

લૌકીક સુખ વળી જે પરલોક કેરાં,

દેનાર દેવ જયકાર્ય કરો ઘણેરાં. ૩૪

   સંતાપ નાશકર દર્શન છે તમારું,

   જેથી વિશેષ મન શાંત થયું અમારું;

   છે દિવ્ય આપ તણું ચારુ ચરિત્ર જેહ,

   કલ્યાણકારી કરજો જયકાર તેહ. ૩૫

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે સાંભળ હે નરેશ! એવી રીત્યે સૌ મળિને વિશેષ;

દેવો મુનીયો વળી મુક્તરાય, સ્તુતિ કરી શ્રીહરિની તહાંય. ૩૬

સિંહાસને શામ વિરાજમાન, તારા વિષે પૂર્ણ શશી સમાન;

જો શારદા શેષ સદૈવ ગાય, તથાપિ તે વર્ણન તો ન થાય. ૩૭

શ્રીધર્મભક્તિ ધરી દિવ્ય દેહ, સદા વસે કૃષ્ણ સમીપ તેહ;

સ્તુતિ સુણીને નિજસર્ગ23 સોતાં, રાજી થયાં ઉત્સવ એહ જોતાં. ૩૮

અમૂલ્ય વસ્તુ લઈ સારી સારી, સૌયે પ્રભુ આગળ ભેટ ધારી;

નિહાળીને ભક્તિ તણા કુમાર, રાજી થયા સૌ હૃદયે અપાર. ૩૯

મુક્તાદિકે અંચળ24 દિવ્ય દીધાં, કૃપાનિધાને કરુણાથી લીધાં;

અપૂર્વ એ ઉત્સવ જોઈ ભારી, રાજી થયા સૌ નરદેવ નારી. ૪૦

નક્ષત્રમાળા25 અતિ સારી લાવી, મુક્તો મળી શ્રીહરિને ધરાવી;

મોતી તણી એક અમૂલ્ય માળ, ધરાવી તે મૂળ નરે26 વિશાળ. ૪૧

પ્રધાનના નાથ પુરુષ જેહ, માળા દીધી લાલ મણીની તેહ;

તત્વાભિમાની સુર વૈજયંતી, માળા ધરાવી લઇ ગુણવંતી. ૪૨

વૈરાજપુરુષ કિરીટ એક, જેમાં હિરા મોતી જડ્યા અનેક;

મહાપ્રભુને શિર તે ચડાવ્યો, ભક્તો તણા તે મન માંહી ભાવ્યો. ૪૩

સોના તણું સુંદર ઊપવીત, બ્રહ્માજીયે તો કરી પૂર્ણ પ્રીત;

તે ધર્મના નંદનને ધરાવ્યું, જાણે સ્વહસ્તે વિધિયે બનાવ્યું. ૪૪

દિધો રુડો કૌસ્તુભ27 તે રમેશે,28 માળા દીધી સ્ફાટિકની ઉમેશે;29

સુવર્ણ સિંહાસન તો કુબેરે, કર્યું ભલું અર્પણ રૂડી પેરે. ૪૫

ગંગા તથા શેષ સમાન સીત,30 સુવર્ણના દંડ રુડા સહીત;

સુછત્ર એવું વરુણે ધરાવ્યું, શું હોય ગોલોક વિષે ઘડાવ્યું. ૪૬

વાયુ સુરે ચામર સદ્વિશાળ, ધર્મે ધરાવી શુભ મોતિમાળ;

ઇંદ્રે ધરાવ્યાં અતિશે રુપાળાં, સુવર્ણનાં કુંડળ નંગવાળાં. ૪૭

ઐશ્વર્ય જે નાસ કદી ન થાયે, આપ્યું ઘણું શ્રીહરિને રમાયે;31

આપ્યો શિવા32 એક સુવર્ણ હાર, અમૂલ્ય તેજસ્વી દિસે અપાર. ૪૮

મણી તણી માળ અમૂલ્ય આગે, ધરી હરિ આગળ શેષનાગે;

ધર્યા ધરાયે33 રસ મિષ્ટ મિષ્ટ, પ્રત્યક્ષ જાણી પ્રભુ આપ ઇષ્ટ. ૪૯

દીધી મળીને સઊ દેવ દેવી, સુપદ્મમાળા ન સુકાય એવી;

સુવર્ણનો કુંભ સુધા ભરેલો, દિસે હરિને શશિયે ધરેલો. ૫૦

શિક્ષા કર્યાનો શુભ લોહદંડ, યમે સમર્પ્યો પ્રભુને અખંડ;

નંગે જડેલા રથ જે બનાવ્યા, તે વિશ્વકર્મા પ્રભુ પાસ લાવ્યા. ૫૧

શ્રીસૂર્યદેવે જરિયાનવાળાં, વસ્ત્રો દીધાં મૂલ્ય ઘણે રુપાળાં;

તહાં ૠતુરાજ વસંત આવ્યો, નાનાવિધિના ફૂલહાર લાવ્યો. ૫૨

મુની મળી આશિરવાદ દે છે, થજો પ્રતાપી પ્રભુને કહે છે;

ૠષીશ34 દિવ્યાભરણો ધરાવે, છબી નિહાળી મન મોદ લાવે. ૫૩

સમસ્ત મુક્તાદિક જે મળેલા, આનંદમાં મગ્ન અતી થયેલા;

તે સર્વ સામી ધરિ સૌમ્ય દૃષ્ટિ, કરી પ્રભુયે કરુણાની વૃષ્ટી. ૫૪

મુક્તાદિ ઊભા નિજ હાથ જોડી, મૂર્તિ વિષે નિશ્ચળ ચિત્ત ચોડી;

કૃતાર્થ તે તો સરવે થયેલા, સુખાર્ણવે35 મગ્ન થઈ રહેલા. ૫૫

આનંદ એ સર્વ કહ્યો ન જાય, જો શારદા શેષ મહેશ ગાય;

બ્રહ્માંડ આખે અતિ હર્ષ વ્યાપ્યો, અપૂર્વ આનંદ દયાળુ આપ્યો. ૫૬

જન્મોત્સવે હર્ષ જણાય જેવો, પટ્ટાભિષેકે પણ હોય એવો;

પુરાતની એવી જણાય રીતી, નરેશની છે પણ એ જ નીતી. ૫૭

આનંદ આનંદ દિસે અતીશે, ન કોઈને લેસ ક્લેશ દીસે;

દશે દિશા નિર્મળ ઉજળી છે, છયે ૠતુ ફૂલી તથા ફળી છે. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

કૃત હરિવરને પટ્ટાભિષેક, સુરવર ભેટ ધરી ભલી અનેક;

નરપતિ તમને કહી કથાય, સુણી જન પાપી મટી પવિત્ર થાય. ૫૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે બ્રહ્માદિદેવઉપાયનાર્પણનામા36 ષડ્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે