કળશ ૪

વિશ્રામ ૨૭

ઉપજાતિવૃત્ત

હે ભૂપતિ સાંભળ ભાવ આણી, શ્રીધર્મના પુત્ર ચરિત્ર વાણી;

પૂજ્યા સહુ સંત મળી મુરારી, આનંદથી આરતિ તો ઉતારી. ૧

સ્તુતિ કરી તે પછી પૂર્ણ પ્રીતે, તે હું સુણાવું સુણ રૂડી રીતે;

મુખેથી બોલ્યા મુનિ રામદાસ, તે હું કરું છું પ્રથમ પ્રકાશ. ૨

રથોદ્ધતાવૃત્ત

રામદાસ મુનિ ભાઈ જેહ છે, શ્રીહરિની સ્તુતિ ગાય તેહ છે;

હે કૃપાળુ કળિજોર ટાળશો, પાપપંથ પળમાં પ્રજાળશો.1

પાપી દંભી ગુરુઓ થઈ ફરે, જે ઠગાઈ ઠગવા ઘણી કરે;

ક્રોધી કામી અતિ લોભી હોય છે, તત્ત્વજ્ઞાન અભિમાની તોય છે. ૪

કૂટ2 તર્ક કરી વાદ તે વદે, મોહ માન ભરિયું ઘણું રુદે;

એક બ્રહ્મ તણી વાત ઉચ્ચરે, જીવ ઈશ જડ3 એકતા કરે. ૫

તે ગુરૂની જડવાણી સાંભળી, વેદમાર્ગ થકી જે ગયા ટળી;

તે જનોની ઉપરે કૃપા કરી, નાથ આજ અગનાનતા હરી. ૬

લક્ષકોટિ જન એમ તારશો, શબ્દજાળ થકી તો ઉગારશો;

છો દયાળુ અતિ એ રીતે તમે, શીશ નામિ પદ વંદિયે અમે. ૭

તે પછીથી મુનિ મુક્ત ઉચ્ચરે, હે પ્રભુજી કરુણા કરો અરે!

ધર્મભ્રષ્ટ જન ભેખ ધારિયો, વેદમાર્ગ મળીને વિદારિયો. ૮

દંભ વેષ ધરી લોકને ઠગે, દ્રવ્ય નારી હરિ લે ઘણે દગે;

એહ દુષ્ટ થકી રક્ષણ પ્રભો, સર્વકાળ કરશો અહો વિભો. ૯

આપ વાણી સરિતા સુધા ભરી, જ્ઞાનનીર ભરી શુદ્ધ સંચરી;

કેવળત્વ4 તણું જ્ઞાન ઊર્મિયો,5 તેનું પાન ન કરે કુકર્મિયો. ૧૦

સંશયાદિ તરુ તોડનારી છે, મંગળાદિ ગુણ તીર ભારી છે;

પદ્મરૂપ6 વિરતી7 વસે જહાં, હંસ છે પરમ મુક્ત તે તહાં. ૧૧

સેવતાં ત્રિવિધિ તાપને હરે, સર્વ કાળ સુખ શાંતિ તે કરે;

એવી વાણી વદનાર છો તમે, નાથ પાવ નમિયે સદા અમે. ૧૨

ઉપજાતિવૃત્ત

કહે શતાનંદ અહો મુનીશ, પ્રકાશ રાશીમય છો અધીશ;

બ્રહ્માદિ છે ઈશ્વર સર્વ જેહ, પૂજે તમોને વિધિપૂર્વ તેહ. ૧૩

જે ધામમાં અક્ષરતુલ્ય મુક્ત, તેઓ પૂજે પ્રેમ પુરા પ્રયુક્ત;

રાધાદિ સેવે વળી આદરીને, એવા તમોને નમિયે હરિને. ૧૪

કહે સુખાનંદ કૃપાનિધાન, દેનારી ભક્તિ તવ મુક્તિદાન;

તેને તજી જે જન શુષ્કજ્ઞાન, નિર્ભાગી ઈ છે8 મૂરખા સમાન. ૧૫

તે દૂઝણી ગાય સદા તજે છે, વરોળનું9 સેવન તો સજે છે;

તેના થકી સુખ કદી ન થાય, સદૈવ તેનો શ્રમ વ્યર્થ જાય. ૧૬

તમે જ સર્વે સુખના નિધિ છો, તમે જ સદ્ધર્મ તણા વિધિ છો;

હું તો તમારા પદમાં રમું છું, મહાપ્રભુ હું તમને નમું છું. ૧૭

મુકુંદવર્ણી વચનો કહે છે, જે પાર ત્રણ્યે ગુણથી રહે છે;

એવા મહામુક્ત સજે જ સેવા, તમે જ સર્વેશ્વર છોજી એવા. ૧૮

ઉત્પત્તિ બ્રહ્માંડ અનેક કેરી, સ્થિતિ પ્રલેના નિયમે ઘણેરી;

તે તો લીલા માત્ર તમે કરો છો, સર્વે તણા વંદ્ય તમે ઠરો છો. ૧૯

કથે સુકીર્તિ ઉપનિષદાદી, તમે જ સર્વેશ્વર સર્વઆદિ;10

તમે પુરૂષોત્તમ સર્વવ્યાપ, સર્વે તણા છો અવતારી આપ. ૨૦

વેદો તમારો નહિ પાર પામે, થાકી રહી નેતિ કહી વિરામે;

તમે જુદા અક્ષરથી સદાય, એવા પ્રભુને પ્રણમું જ પાય. ૨૧

શિખરિણીવૃત્ત

સ્વરૂપાનંદાખ્ય પ્રભુપદ નમીને સ્તુતિ કરે,

ઠગારા જ્ઞાનીનો ધરી અધિક આડંબર અરે;

શ્રુતિ કેરા અર્થો વિપરિત કરી ખ્યાપન11 કર્યા,

અમે એવા ઝેરી મતથી તમ યોગે જ ઉગર્યા. ૨૨

તમારી જે વાણી અમૃતસમ જાણી મન ધરી,

અમે તેથી જીવ્યા નહિતર ન આશા હતી જરી;

અનંગ ક્રોધાદિ દહનથી12 દિલે દાહન13 થતા,

તમે શાંતિ કીધી તવ પદ નમીયે જગપિતા. ૨૩

સ્રગ્ધરાવૃત્ત

માયાથી પાર છે જે રુચિર14 રુચિર શ્રીઅક્ષરાદિક ધામ,

ત્યાં જે જે મૂર્તિયો છે વિવિધ તમ તણી પાર્ષદો તેહ ઠામ;

તે ઐશ્વર્યાદિ સુદ્ધાં અહિં નિજજનને આપ દેખાડનારા,

એવા સામર્થ્યવાળા સકળ સુખદ છો પાવ વંદૂં તમારા. ૨૪

આનંદાનંદસ્વામી વિનતિ વળી કરે શામ સર્વજ્ઞ આપ,

છે આધારે તમારે જડચિદ સરવે સર્વના આપ બાપ;

જીવોના શ્રેય માટે નરતન ધરિયું મુક્ત લૈ સર્વ સાથ,

એવા ઐશ્વર્યવાળા પ્રભુ તવ પદને વંદિયે જોડી હાથ. ૨૫

ઉપજાતિવૃત્ત

સંતો તણાં મંડળ સૌ મળીને, મહાપ્રભુના પદમાં ઢળીને;

ઉચ્ચારી હેતે સ્તુતિ હાથ જોડી, સંસારથી સ્નેહ સમસ્ત છોડી. ૨૬

પુષ્પો તણા હાર લઈ ધરાવે, ગુંજાની15 માળા હરિ કોઈ લાવે;

કોઈક વૃન્દાદળ16 કેરી માળા, કોઈ મુની ગુચ્છ ધરે રુપાળા. ૨૭

કોઈ ધરાવે ફળની બનાવી, કોઈ કરે માળ કપુર લાવી;

કોઈ રચે હાર રતાંજળીના,17 કોઈ કરે છે ફુલની કળીના. ૨૮

કોઈ પછેડી ફુલની બનાવે, તોરા બનાવી વળી કોઈ લાવે;

કોઈ ધરાવે ગજરા બનાવી, પુષ્પો તણાં કુંડળ કોઈ લાવી. ૨૯

પ્રમાણિકાવૃત્ત

હવે હરીજનો મળી, સ્તુતિ ઘણી કરે વળી;

સુણો નૃપાળ તે કહું, સનેહથી વદે સહું. ૩૦

નમો નમો દયાનિધી, તમે કૃપા ઘણી કિધી;

અનંત જીવ તારવા, અધર્મને વિદારવા. ૩૧

નૃદેહ ધારિયો તમે, પદાબ્જ18 વંદિયે અમે;

બ્રહ્માંડ કોટિના ધણી, અનંત શક્તિ જે તણી. ૩૨

તમામ વશ્ય તે રહે, સદૈવ દાસ છું કહે;

સુબ્રહ્મધામમાં વળી, અનંત મુક્ત મંડળી. ૩૩

અનાદિ દિવ્ય દેહ છે, સહુથી શ્રેષ્ઠ તેહ છે;

મનોહર સ્વરૂપ છે, અનેક ભૂપ ભૂપ છે. ૩૪

તમારી ભક્તિ તે કરે, દિલે તમો થકી ડરે;

ન પાર આપનો લહે, અપાર છો સદા કહે. ૩૫

નમો પતિતતારણં, સમસ્ત જન્મકારણં;

વિપત્તિના વિદારણં, અનંત શક્તિધારણં. ૩૬

સદૈવ દિવ્ય દેહ છો, અજન્મવાન એહ છો;

દયાદિ સદ્‌ગુણબ્ધિ19 છો, સદા મહાસુખાબ્ધિ છો. ૩૭

મનુષ્યના સમાજમાં, ચરિત્ર દિવ્ય આજમાં,

તમે કર્યાં જ જે રીતે, બીજે ભવે ન તે રીતે. ૩૮

અધિક સર્વથી તમે, ઉચારિયે સહુ અમે;

તમો થકી વિશેષતા, બીજે નથી જ લેશતા. ૩૯

અનંત વિશ્વવાસ છો, તમે જ સ્વપ્રકાશ છો;

શરણ્ય20 સર્વના તમે, ગણી ઉપાસિયે અમે. ૪૦

કલ્યાણ ઠામ એક છો, ધરી કળા અનેક છો;

વિનાશકારી પાપનું, અતુલ્ય નામ આપનું. ૪૧

અનંત છે પરાક્રમો, ગણી ન જાણિયે અમો;

અનંત વીર્ય21 શક્તિ છે, કરે ભવાદિ ભક્તિ છે. ૪૨

સ્વભક્તના મનોરથો, પુરા કરો કૃતારથો;22

સમર્થ એમ છો તમે, વિભૂજી23 વંદિયે અમે. ૪૩

શ્રુતિ તણા અભ્યાસકો, અદ્વૈતના ઉપાસકો;

અદ્વૈત આપને ભણે, ન તુલ્ય અન્યને ગણે. ૪૪

તમારી જે અજા24 થકી, વિમોહ પામિયા નકી;

અતર્ક્ય25 એ થકી તમે, પ્રભુજી વંદિયે અમે. ૪૫

સમસ્ત જીવ અંતરે, રહ્યા તમે સ્વતંતરે;

નિયંતૃ26 નિર્વિકારી છો, અખંડ જ્ઞાનધારી છો. ૪૬

શરણ્ય સર્વના હરિ, અધર્મ સર્ગના અરિ;

કરે સૂરાદિ વંદનમ્, નમામિ ભક્તિનંદનમ્. ૪૭

કદાપિ કાળ કે અજા, કરી શકે નહી કજા;27

સ્વરૂપ એવું આપનું, તજાવનાર તાપનું. ૪૮

અનંત જીવ તારવા, સુધર્મને વધારવા;

નૃદેહ ધારિયો તમે, પ્રણામ કીજીયે અમે. ૪૯

વસંતતિલકાવૃત્ત

હે નાથ જાણી ન શકું તવ રૂપ કેવું,

છે કેટલા ગુણ નકી ન કળાય એવું;

ઐશ્વર્ય નામ તવ ભૂતિ28 ચરિત્ર જેહ,

મોટા મુનીશ્વર સુસિદ્ધ અજાણ એહ. ૫૦

   તે જાણવા પ્રભુ અમે જ સમર્થ ક્યાંથી,

   આશ્ચર્ય પામી રહિયે નિજ ચિત્તમાંથી;

   એવા સમર્થ હરિ અદ્‌ભુતતાનિધાન,29

   બે હાથ જોડી નમિયે બહુ શક્તિમાન. ૫૧

બ્રહ્મા વિષે જ તવ શક્તિ કરી પ્રવેશ,

બ્રહ્માંડ કેરી ઉતપત્તિ કરે હંમેશ;

વિષ્ણુ વિષે વસિ જ તેની સ્થિતિ કરે છે,

શંભુ વિષે વસિ વળી જગ સંહરે છે. ૫૨

   સ્નેહે કરી અમિત પાર્ષદ પાવ સેવે,

   છો સર્વ વ્યાપક રહી નિજધામ એવે;

   આવ્યા તમે જ નરદેહ ભલો ધરીને,

   પ્રેમે પ્રણામ કરિયે સ્તુતિ ઉચ્ચરીને. ૫૩

ઐશ્વર્ય શૌર્ય30 વિદવાનપણું સુશીલ,

સૌભાગ્ય31 ચાતુરપણું સુગુણો અખીલ;

તેના સમુદ્ર વળી આભરણો અનંત,

લીલા વિચિત્ર કરનાર માહાત્મ્યવંત. ૫૪

   હે દેવદેવ હરિકૃષ્ણ મહાકૃપાળ,

   માયાધિનાથ32 વૃષનંદન કાળકાળ;

   રાજાધિરાજ મુનિરાજ વિરાજમાન,

   સ્નેહે સદા પ્રણમિયે સુખના નિધાન. ૫૫

હે પ્રાણના પતિ પુરાણપુરુષ એક,

સેવા સજે સતત મુક્ત મળી અનેક;

સર્વજ્ઞ સર્વભવ33 કારણરૂપ આપ,

દિવ્યાકૃતિ પ્રભુ તમે જ ધરો અમાપ. ૫૬

   પીડા સમગ્ર શરણાગતની હરો છો,

   સાક્ષી સ્વરૂપ થઈ અંતરમાં ઠરો છો;

   મુક્તો વિષે મળી સદૈવ કરો વિહાર,

   છોજી ઉદાર નમિયે પદ વારવાર. ૫૭

કીધા તમે સ્વજન સ્વાંતર શત્રુ નાશ,

સંસારરૂપ કૃત નાશ દુરંત34 પાશ;

નીરે સહીત ઘનશામ35 સદા સ્વરૂપ,

પામો સદા વિજય હે હરિ ભૂપભૂપ. ૫૮

   ગર્વિષ્ઠ કાળ મદ સર્વ તમે હરો છો,

   પૂર્ણ પ્રકાશ વળી મોક્ષ પથે રહો છો;

   પાષંડમાર્ગ36 હણનાર પુરો પ્રતાપ,

   જોગી જનેશ જપિયે તવ નામ જાપ. ૫૯

બે હાથમાં પ્રભુ વરાભય ધારનારા,

ભક્તોની છાતિ પર અર્પિત પાવ સારા;

સ્નેહે સહિત મુખથી કરી મંદહાસ,

પીડા કરી સ્વજનના મનની વિનાશ. ૬૦

   હે ભક્તિપુત્ર ભગવાન ભવાબ્ધિનાવ,37

   છો ભક્તવત્સલ દયાળુ પવિત્ર પાવ;

   શાથી વખાણ કરિયે નથી શબ્દ ઝાઝા,

   ધારી ગુણો પ્રણમિયે વૃષવંશરાજા. ૬૧

પૂર્વછાયો

એવી રીતે સ્તુતિ ઉચ્ચર્યા, હરિભક્ત ભલો ધરી પ્યાર;

ભેટ ધરી ભગવાનને, પછી જેનો જેવો વ્યવહાર. ૬૨

ચોપાઇ

જેતપરના જે ઉન્નડરાય, મૂળુવાળા તથા કહેવાય;

ઇત્યાદિક મળીને મોટા જન, આપ્યાં ઉત્તમ જાતિ વસન. ૬૩

મહામૂલ્યની મોતિની માળ, ધરી શ્રીહરિને તતકાળ;

પછી બેઠા તે સજ્જન સભામાં, મન ધારી પ્રભુની પ્રભામાં. ૬૪

પછી ગોંડળના નરપાળ, નામ દેવોજી બુદ્ધિ વિશાળ;

તેની તરફથી આવેલા ત્યાંઈ, જેનું નામ ભલું હઠીભાઈ. ૬૫

એણે અશ્વ સમર્પિયો એક, સજી ભૂષણ અંગે અનેક;

માણાવદરના નૃપ ગુણવાન, જેનું નામ ગજનફરખાન. ૬૬

તેણે અંતરમાં હેત લાવી, પૂજા મંત્રીની પાસે કરાવી;

દીધું ઉત્તમ પૃથ્વીનું દાન, બીજું દાન ન એહ સમાન. ૬૭

માંગરોળ છે જેને આધીન, એવા નરપતિ વજરૂદીન;

તેણે રથ એક આપ્યો રુપાળો, જરિયાનના પડદાવાળો. ૬૮

રુડા સોનાના કળશ બિરાજે, શણગારેલા બળદો છાજે;

માણાવદરમાં જેનું ઠામ, ભલા બ્રાહ્મણ ભટ મયારામ. ૬૯

તેના ગોવિંદરામજી ભાઈ, બેની ભક્તપણામાં ભલાઈ;

કરે નિત્ય તે વૈદિક કર્મ, ધરે સરસ એકાંતિક ધર્મ. ૭૦

વેદમંત્ર ઉચ્ચાર કરીને, તેણે પૂજીયા પ્રેમે હરિને;

ચારે વેદનાં લલિત લખેલાં, લાવી પુસ્તક આગળ મેલ્યાં. ૭૧

વેદધર્મનો કરવા ઉદ્ધાર, જાણે સૂચના તે કીધી સાર;

રુદે રાજી થયા મહારાજ, કરવું છે પોતાને તે કાજ. ૭૨

પીપલાણાના નરસિંહ મહેતા, નારાયણજી આખાગામ રહેતા;

તેણે આપ્યાં પીતાંબર સારાં, પાત્ર પૂજાનાં મન હરનારાં. ૭૩

પંચપાત્ર આચમની ત્રભાણું, દીવી આરતિ ધૂપિયું જાણું;

અગત્રાઈના પરવતભાઈ, ભીમભાઈ હૈયે હરખાઈ. ૭૪

પ્રેમે પૂજા પ્રભુજીની કીધી, વસ્ત્ર બળદ તથા ગાયો દીધી;

ભુજના હીરજી સૂત્રધાર,38 બીજા સુંદરજી રથકાર.39 ૭૫

નારાયણજી તથા દેવરામ, અજરામર પાંચમું નામ;

તેઓયે ઉર ધારી ઉમંગ, આપી ખુરશિયો ને પલંગ. ૭૬

આપી પેટીયો આપ્યા પટારા, જેના ઘાટ ઘણા દિસે સારા;

ગંગારામ પ્રમુખ મળી મલ્લ, કરી મલ્લક્રિયા ત્યાં પ્રબળ. ૭૭

એને આપ્યા પ્રસાદિના હાર, આપી પાઘ અને શેલાં સાર;

કારિયાણીના ખાચર માંચો, જેને અંતરે સંતસંગ સાચો. ૭૮

કિનખાબની40 આપી તળાઈ,41 આપ્યાં ઓશીકાં રૂડી રજાઈ;

તોંગોજી સરધારના રાય, વેરોજી ત્યાંના વાસી ગણાય. ૭૯

તેણે આપ્યું સારું એક ઘર, કરવાને હરિનું મંદિર;

અમદાવાદના નથુભટ, દામોદર સાથે આવિયા ઝટ. ૮૦

હીરાભાઈ ગોરા લાલદાસ, ચોકશી આવ્યા શ્રીપ્રભુ પાસ;

ઘણી કિંમતનો કીનખાબ, તેનાં વસ્ત્ર તણી ભરી છાબ. ૮૧

સુરવાળ ને ડગલી સારી, ધર્મનંદનને ભેટ ધારી;

રાયધણજી ધમણકાના ધણી, આપી ભેટ એણે અશ્વ તણી. ૮૨

મૂળજી દ્વિજ જે ભાદરાના, તેના સુંદરજી ભાઈ નાના;

બન્ને લાગ્યા પ્રભુજીને પાય, ભલી ભેટ કરી એક ગાય. ૮૩

રામાનંદ લાગ્યા ત્યાં કહેવા, છે આ વિપ્ર મોટા મુક્ત જેવા;

સુણી હશિયા હરિ સાક્ષાત, ઉર આણી ભવિષ્યની વાત. ૮૪

એક થાશે ગુણાતીતાનંદ, શિવાનંદ બીજા જગવંદ;

કથા સાંભળીને એવી સારી, અભેસિંહે ત્યાં વાણી ઉચ્ચારી. ૮૫

ગુણાતીતાનંદ ગુરુ મારા, ઉપદેશ મને આપનારા;

એની સાંભળીને આવી વાત, મને ઉપજ્યો આનંદ અઘાત. ૮૬

અચિંત્યાનંદજી બ્રહ્મચારી, અતિ મિષ્ટ છે વાણી તમારી;

આવા બોલો છો બોલ અમુલ્ય, મને લાગે છે અમૃત તુલ્ય. ૮૭

પુષ્પિતાગ્રાવૃત્ત

મયુર અધિક વાણી આપ કેરી, મુજ મન ચાહ42 ધરી સુણું ઘણેરી;

સુણી સુણી લવ તૃપ્તિ તો ન થાય, સુર નહિ જેમ સુધા પીતાં ધરાય. ૮૮

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે હરિજનકૃતઉપાયનાર્પણનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ॥૨૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે