કળશ ૪

વિશ્રામ ૨૮

ચોપાઇ

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, સાંભળાવું વળી કથા સારી;

ગામ પંચાળાના ઝીણાભાઈ, જેની સત્સંગમાં સરસાઈ. ૧

તેણે પૂજા પ્રભુજીની કરી, અતિ અંતરે આનંદ ધરી;

સારી બંધાવી સોનેરી પાગ, જેની કિંમત કહિયે અથાગ. ૨

શિરપેચ1 સોનાનો ઘડેલ, હીરા માણેક મોતી જડેલ;

પાગ ઊપર પ્રીતે બંધાવ્યો, તોરો મોતીનો ત્યાં લટકાવ્યો. ૩

શેખપાટના ભક્ત સુતાર, નામે લાલજી સમજે સાર;

તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મજૂસ2 ધરાવી. ૪

આપ્યો ઉત્તમ એક ડામચિયો, દિસે બહુ ચતુરાઈથી રચિયો;

કર્યા ભક્તનાં ગુરુયે વખાણ, સુણી સમજીયા શામ સુજાણ. ૫

જાણ્યું જે આ તો સાધુ જ થાશે, નામ નિષ્કુલાનંદ ધરાશે;

ગામ મેથાણના રહેનારા, ભક્ત કાકુજી પુંજોજી સારા. ૬

તેણે રૂપાનો થાળ ભરીને, કર્યા ભેટ રૂપૈયા હરિને;

તે પછી મછિયાવના રાય, બાપુભાઈ જે નામ ગણાય. ૭

તેણે હેમજડિત હિંડોળો, સારો ઉંચો ને લાંબો પહોળો;

જોતાં વિશ્વના લોક વખાણે, તેવો ભેટ કર્યો તેહ ટાણે. ૮

ગામ બંધિયાના મુળુભાઈ, તથા સુરોજી આવિયા ધાઈ;

તેણે લાયક વસ્તુઓ લાવી, ધર્મપુત્રને ભેટ ધરાવી. ૯

હીરોભાઈ તે જાળિયા કેરા, આપ્યા અન્નના ગંજ ઘણેરા;

ઘાંચી માણાવદરના જેહ, આલશી ને અલારખ તેહ. ૧૦

એણે અત્તર અર્ક ફુલેલ,3 ભરી શીશીયો ભેટ ધરેલ;

પછી પઠાણ શેખજી નામે, રહે તે સદા ગોંડળ ગામે. ૧૧

તેણે પોતા તણાં ઘરબાર, કર્યાં અર્પણ સર્વ પ્રકાર;

નવ રાખ્યું કશું લવલેશ, હરિ પાસે રહ્યા તે હમેશ. ૧૨

ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માતા ઉદર ધરનાર;

ગામ કુંડળના પટગર, કાઠી ત્રણે સગા સહોદર.4 ૧૩

નામ હાથીયો મામૈયો રામ, ધરી ભેટ કરીને પ્રણામ;

રામપરના રાણો વણઝાર, તેણે ભેટ કર્યું ઘણું જર.5 ૧૪

કાઠી ધારૈનો રામ માંઝરીયો, અશ્વ તેણે તો અર્પણ કરિયો;

મોદી ભક્ત જે દ્વારિકાદાસ, ઝિંઝુડા માંહિ તેનો નિવાસ. ૧૫

નામે લાકડીયું એક ગામ, ત્યાંના ઠક્કર પ્રેમજી નામ;

એ બેયે શેલાં પાઘ લાવી, ભગવાનને ભેટ ધરાવી. ૧૬

અજો સોની મોડા ગામવાળા, આપ્યા એણે તો વેઢ રુપાળા;

વ્યાસ ઇન્દ્રજી મેવાસાવાળા, તેણે પે’રાવી પુષ્પની માળા. ૧૭

પૂર્વછાયો

સુંદર સોરઠ દેશમાં, ગુણવંત છે મોડા ગામ;

ત્યાં રજપુત ગરાશિયા, વસે મોટાભાઈ શુભ નામ. ૧૮

તેણે પ્રભુને તે સમે, કર્યાં અર્પણ તન મન ધન;

વૈરાગ્યવંત અત્યંત તે, જેને જાણે સકળ મુનિજન. ૧૯

થોડાંક વર્ષ વિતે થયાં, સાધુ સચ્ચિદાનંદજી નામ;

પર્ચા તેના પ્રખ્યાત છે, પૃથિવી ઊપર ઠામોઠામ. ૨૦

વર્ણી કહે નૃપ સાંભળો, શુભ જાણી કથાનો પ્રસંગ;

પર્ચો સચ્ચિદાનંદનો, એક કહું ધરીને ઉમંગ. ૨૧

ચોપાઇ

એક અવસરે સંત સમાજ, ચાલ્યો જનને પ્રબોધવા6 કાજ;

દુષ્ટ વેરાગી મારવા આવ્યા, પણ કોઇયે જૈ ન મુકાવ્યા. ૨૨

એવો નિરખી મહા અન્યાય, કોપ્યો સૃષ્ટિ ઉપર સુરરાય;7

ત્યારે મેઘને આગન્યા કરી, ઓણ8 જળ નવ વરસશો જરી. ૨૩

ગયો અષાડ શ્રાવણ આવ્યો, તોય વરસાદ નવ વરસાવ્યો;

નડ્યું પાપીનું સર્વને પાપ, થયો પ્રાણિયોને પરિતાપ. ૨૪

સુકા સાથે લીલું બળી જાય, પાપી સાથે અપાપી પીડાય;

એનો કરવાને કાંઈ ઉપાય, મળ્યા ભક્તો દુરગપુર માંય. ૨૫

સોમલો અને ખાચર સુરો, દાદો ખાચર પ્રેમમાં પૂરો;

વળી અલૈયો ખાચર આવ્યા, સાથે માતરો ધાધલ લાવ્યા. ૨૬

લાધો ઠક્કર ઠક્કર હરજી, પુંજા ઠક્કર કરવાને અરજી;

આવ્યા અક્ષર ઓરડી માંય, મહારાજ બિરાજતા ત્યાંય. ૨૭

પ્રેમે પ્રભુપદ કરીને પ્રણામ, પછી સૌ મળી ઉચ્ચર્યા આમ;

નથી વૃષ્ટિ થતી મહારાજ, એથી પ્રાણી પીડાય છે આજ. ૨૮

ઘાસ વગર મરે છે ઢોર, ચોરી કરવાને મંડિયા ચોર;

કોઈ પાપીનાં પ્રગટિયાં પાપ, સારા જન પણ પામે સંતાપ. ૨૯

ચાલે મંદિર ચણવાનું કામ, એમાં પણ ઘણી અડચણ આમ;

પાણા દૂરથી લાવવા કાજ, ગાડાં બળદ મળે ક્યાંથી આજ. ૩૦

કોસ9 જોડવા કણબિયો લાગ્યા, કોણ આપે બળદ ભાડે માગ્યા;

વિશ્વમાં વૃષ્ટિ જો નહીં થાય, પ્રાણી પામશે સર્વ પીડાય. ૩૧

સુણી બોલિયા શ્રીમહારાજ, ઇન્દ્રને ક્રોધ ચડિયો છે આજ;

માટે વૃષ્ટિ નહીં કરે ભાઈ, ખોટી આશા ન રાખશો કાંઈ. ૩૨

સુણી બોલ્યા જનો થઈ દીન, ઇન્દ્ર છે આપને જ આધીન;

બ્રહ્મા, વિષ્ણુ ને શેષ મહેશ, ગૌરી ગંગા ને દેવ ગણેશ. ૩૩

આજ્ઞા આપની કોઈ ન તોડે, આપ આગળ સૌ કર જોડે;

આપ આજ્ઞાથી વાયુ વહે છે, મરજાદામાં સિંધુ રહે છે. ૩૪

માટે દિલમાં દયા કાંઈ લાવો, થવા વૃષ્ટિ હુકમ ફરમાવો;

સુણી બોલિયા સુંદર શામ, સોંપ્યા છે મેં જુદાં જુદાં કામ. ૩૫

સુરોની મતિ છે ઘણી સારી, કરતા હશે કામ વિચારી;

જે જે કરતા હશે તે ઠીક, નથી કહેવાનું કાંઈ અધીક. ૩૬

ફરી બોલશો નહિ હવે બોલ, બોલશો તો ગુમાવશો તોલ;10

પછી ભક્તોયે નવ કરી અરજી, જાણ્યું જે પ્રભુની નથી મરજી. ૩૭

ઉઠ્યા સૌ ત્યાંથી થૈને નિરાશ, ગયા ગોપાળાનંદજી પાસ;

વરસાદ વિના દુઃખ જેહ, સંભળાવ્યાં બહુ બહુ તેહ. ૩૮

વળી બોલ્યા નમી સહુ પાય, વરસાદ કરો મુનિરાય;

ચક્રવર્તિનો હોય પ્રધાન, તેની આજ્ઞા કરે સહુ માન્ય. ૩૯

તમે છો પ્રભુના કારભારી, ઇન્દ્ર માનશે આજ્ઞા તમારી;

મુની બોલ્યા મુખે કરી હાસ, કરો વિનતિ મહાપ્રભુ પાસ. ૪૦

કહે ભક્તો અમે કરી અરજી, પણ નવ દીઠી શ્રીજીની મરજી;

સુણી વચન બોલ્યા મુનિ આવું, આજ્ઞા વગર જો વૃષ્ટિ કરાવું. ૪૧

મારા ઉપર મહાપ્રભુ ખીજે, માટે કામ એવું કેમ કીજે?

ઉઠ્યા ભક્ત થઈને નિરાશ, ગયા સચ્ચિદાનંદની પાસ. ૪૨

જેના દિલમાં ઘણી છે દયાય, પરદુઃખ દેખી ન ખમાય;

તેના ચરણમાં મસ્તક ધારી, નિજ કષ્ટની વાત ઉચ્ચારી. ૪૩

સચ્ચિદાનંદ બોલ્યા વચન, તમે સાંભળો સૌ હરિજન;

જૈને ઇન્દ્રને હું ધમકાવું, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવું. ૪૪

પણ શ્રીજી જો રીસ ચડાવે, કોણ જૈ સમાધાન કરાવે?

કહે હરિજન આપ સિધાવો, કહી ઇન્દ્રને વૃષ્ટિ કરાવો. ૪૫

ક્રોધ કરશે કદી ભગવાન, અમે જૈને કરશું સમાધાન;

કરી સચ્ચિદાનંદ સમાધિ, ગયા સ્વર્ગમાં છાંડી11 ઉપાધિ. ૪૬

જઈ સુરપતિને મારી લાત, પછી વરસાતની કહી વાત;

કેમ વરસાવતો નથી વારી?12 હરિભક્ત પીડાય છે ભારી. ૪૭

કહે ઇન્દ્ર ક્ષમા કરો દેવ, વરસાવું વારી તતખેવ;

પછી મેઘને આજ્ઞા તે દીધી, મેઘે જૈ વિશ્વમાં વૃષ્ટિ કીધી. ૪૮

ગઢપુરની ઊપર મેઘ ચડિયો, ઘણા જોર થકી ગડગડિયો;

થાય વીજળીના ચમકારા, વરસે મેઘ મુશળધારા.13 ૪૯

ત્યારે અક્ષર ઓરડી માંય, પ્રભુ પોઢી રહ્યા હતા ત્યાંય;

જાગ્યા ઝબકી તે દાસને પૂછે, જુઓ ફળિયામાં તોફાન શું છે? ૫૦

બ્રહ્મચારી મુકુંદ કહે છે, વરસાદ એ તો વરસે છે;

ચઢ્યો શ્રીજીને ક્રોધ અપાર, ઉઠી બોલ્યા કરીને હોંકાર. ૫૧

વરસાદ આ વરસાવ્યો કેણે? અતિ ઉદ્ધતતા કરી એણે;

મારી તોડી એણે મરજાદ, રજા વગર કર્યો વરસાદ. ૫૨

હતા તે સમે ઇન્દ્ર આવાસ,14 સચ્ચિદાનંદ ઇન્દ્રની પાસ;

શબ્દ સાંભળ્યો શ્રીજીનો જ્યારે, આવી જાગ્યા સમાધિથી ત્યારે. ૫૩

મોટીબાના વંડા માંહી જઈ, બેઠા છાનામાના ચૂપ થઈ;

પછી વરસાદ પણ બંધ થયા, શ્રીજી સંત સભા માંહી ગયા. ૫૪

ઓરડા છે ઉગમણે બાર, સભા સજી બિરાજ્યા તે ઠાર;

ગોપાલાનંદ આદિક સંત, બેઠા હરિજન આવી અનંત. ૫૫

પછી મહાપ્રભુયે તેડાવ્યા, સચ્ચિદાનંદ તે થકી આવ્યા;

તેને બહુ બહુ ખીજિયા હરિ, કેમ વૃષ્ટિ રજા વિના કરી? ૫૬

દાદાખાચર આદિક જેહ, હાથ જોડીને બોલિયા તેહ;

ક્ષમા કરોજી પ્રાણ આધાર, નથી સાધુનો વાંક લગાર. ૫૭

અમે કહી નિજ કષ્ટ કહાણી, એથી ઉરમાં દયા એણે આણી;

પછી સુરપતિ પાસ સિધાવી, આખા વિશ્વમાં વૃષ્ટિ કરાવી. ૫૮

એ છે સર્વે અમારો જ વાંક, એનો વાંક નથી એક ટાંક;15

ખીજો તો પ્રભુ અમને જ ખીજો, સચ્ચિદાનંદ ઉપર રીઝો. ૫૯

અમે બાળક છૈયે તમારા, કરો અવગુણ માફ અમારા;

સુણી શાંત થયા મહારાજ, વળી બોલ્યા શિખામણ કાજ. ૬૦

મારી આજ્ઞા વિના આવું કામ, કોઈ કરશો નહીં કોઈ ઠામ;

સુણી બોલિયો સંતસમાજ, નહિ કરિયે કદી મહારાજ. ૬૧

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, એવી અદભુત વાતો અનૂપ;

સચ્ચિદાનંદની છે અનેક, એમાંથી સંભળાવી મેં એક. ૬૨

સુણી ભૂપ કહે શિર નામી, અહો નિર્મળમન નિષકામી;

સુધા સરખી કથા સંભળાવી, સુણતાં મુજને ભલી ભાવી. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ હરિજન કેરી જે કથાય, કહી સુણી કોણ કદાપિ તૃપ્ત થાય;

અહિપતિ16 ઉચરે અનંત કાળ, મુનિવર મુક્ત સુણે ધરી વહાલ. ૬૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સચ્ચિદાનંદમુનિકૃત-વૃષ્ટિકથનનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે