કળશ ૪

વિશ્રામ ૨૯

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

સોરઠમાં મોડા ગામના, ભક્ત પુંજાજીની કહું વાત. ૧

ચોપાઇ

રહે રુડા મોડા ગામમાંઈ, દાજીભાઈ અને પુંજાભાઈ;

રજપૂત ગરાશિયા નાતે, ભજે ભગવાનને ભલી ભાતે. ૨

તેણે ખેતરને ઘરબાર, ભેટ કીધાં હરિને તે વાર;

કેટલાંક વત્સર1 વીતી ગયાં, એક તો અક્ષરાનંદ થયા. ૩

કર્યા વરતાલના તે મહાંત, સારી બુદ્ધિ સ્વભાવમાં શાંત;

ધન્ય ધન્ય તેનાં માત તાત, રહી વિશ્વમાં વિખ્યાત વાત. ૪

પુંજોજી પણ ગઢપુર જઈ, રહ્યા સેવામાં પાર્ષદ થઈ;

મોટીબા તણો વંડો છે જેહ, કહેવાતો પુંજાજીનો તેહ. ૫

પુંજાજીયે રુડી જગ્યા જોઈ, આપી ત્યાં સંત હરિને રસોઈ;

જલેબી સાટા લાડુ કરાવ્યા, થાળ મેશુબ કેરા ભરાવ્યા. ૬

શાક પાક ભલાં દાળ ભાત, રાઈતાંની જુદી જુદી જાત;

તિથિ નરસિંહ ચૌદશ હતી, સૌને અંતરે આનંદ અતી. ૭

ઉપજાતિવૃત્ત

પછી થયો કાળ પ્રદોષ2 જ્યારે, નૃસિંહજન્મોત્સવ થાય ત્યારે;

પુંજાજિયે કેસર ચંદનેથી, પૂજ્યા પ્રભુ પ્રેમ અતી ઘણેથી. ૮

નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું;

ચોફાળ3 અર્પ્યો વળી બોરી કેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો. ૯

શ્રીજી તણું ત્યાં નરસિંહરૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ;

તે રૂપ તો બે ઘડી ત્યાં જણાયું, પછી પ્રભુના તનમાં સમાયું. ૧૦

પછીથી ગોપાળમુનિ કહે છે, પ્રહ્લાદજી તો જીવતા રહે છે;

નૃસિંહના ભક્ત પ્રમુખ્ય એ છે, પુરાણમાં એવી કથા લખે છે. ૧૧

આખ્યાન રાજા બળિનું જહાં છે, એવી વળી વાત લખી તહાં છે;

છોડાવવાને નૃપતિ બળીય, આવ્યા હતા ત્યાં પ્રહ્લાદજીય. ૧૨

તો તેહનું દર્શન આજ કોઈ, પામે જનો કે ન શકે જ જોઈ;

અહો કૃપાળુ કરીને કૃપાય, કહો તમે સંશય જેમ જાય. ૧૩

શ્રીજી કહે જે તમ તુલ્ય સંત, અષ્ટાંગયોગે પરિપૂર્ણવંત;

સ્વેચ્છાથી જૈ તેહ સમાધિમાંય, પ્રહ્લાદજીને નિરખે સદાય. ૧૪

ગોપાળસ્વામી વળતી વદે છે, સમાધિમાં તો સઘળું દિસે છે;

પ્રત્યક્ષ મૂર્તિ નજરે જણાય, તો સર્વનાં પૂર્ણ મનોર્થ થાય. ૧૫

એવી જ ઇચ્છા સરવેની જાણી, કૃપા પ્રભુયે અતિ ઊર આણી;

હસ્તાંગુલીયે ચપટી બજાવી, પ્રત્યક્ષ ચારે તહિં મૂર્તિ આવી. ૧૬

નૃસિંહ પ્રહ્લાદ બળી નૃપાળ, ચોથા વળી વામનજી દયાળ;

પ્રેમે કરી શ્રીહરિને પ્રણામ, ઉભા કરે છે સ્તુતિ એહ ઠામ. ૧૭

નૃસિંહ ને વામન એમ ગાય, સર્વે તણા સ્વામી તમે સદાય;

તમારી આજ્ઞાવશવર્તિ છૈયે, જે કામ સોંપો કરી તેહ દૈયે. ૧૮

પ્રસિદ્ધ છે જે પુરુષપ્રધાન, સેવે સદા સેવકની સમાન;

બીજાની તો શી ગણતી ગણાય, તમે જ સર્વેશ્વર છો સદાય. ૧૯

જે જે બીજા સૌ અવતાર થાય, તમો વિષે લીન થતા જણાય;

તમે બીજામાં નહિ લીન થાઓ, સર્વાવતારી જ તમે ગણાઓ. ૨૦

સુણી સ્તુતિ શામ થયા પ્રસન્ન, રીઝ્યા મહારાજ વિશેષ મન;

ત્યાં સચ્ચિદાનંદ મુનીંદ્ર આવ્યા, રંભાદળે4 દાડમ બીજ લાવ્યા. ૨૧

જમી હરિયે પછી મુષ્ટિ5 ચાર, તે ચારને6 આપિ થઈ ઉદાર;

મહા પ્રભુજીની પ્રસાદી જાણી, ચારે જમ્યાં તે ઉર પ્રેમ આણી. ૨૨

વૈતાલીયવૃત્ત

પ્રભુને પદ વંદના કરી, છબી ચિત્તે છબીલા તણી ધરી;

પ્રભુમાં પ્રભુ લીન બે થયા, બળિ પ્રહ્લાદ નિજ સ્થળે ગયા. ૨૩

જન વિસ્મિત જોઈ સૌ થયાં, ગૃહિ સંતો લલિતા તથા જયા;

સરવોપરી શામ જાણિયા, મહિમા શ્રીહરિના વખાણિયા. ૨૪

જનમોત્સવ દેવનો કરી, જમીયા હેત ઘણું ધરી હરી;

પછી સંતની પંક્તિ તો થઈ, પિરસે શ્રીપ્રભુ પંક્તિમાં જઈ. ૨૫

જમીને જન તૃપ્ત સૌ થયા, હરિ સંતો નિજ આસને ગયા;

સઘળે સ્થળ વાત સંચરી, દૃઢ પ્રીતી પ્રભુમાં જને કરી. ૨૬

પૂર્વછાયો

આ આખ્યાન પુંજાજીનું, એ તો પાવન પરમ ગણાય;

સ્નેહે સુણાવે સાંભળે, એનું અંતર પાવન થાય. ૨૭

ચોપાઇ

કહે વર્ણી સુણો સ્નેહ લાવી, એમ ભક્તોયે ભેટ ધરાવી;

રામાનંદ રુદે મુદ આણી, તાળી પાડીને બોલિયા વાણી. ૨૮

સુણો સર્વ ગૃહસ્થને સંત, આ છે વર્ણી સમર્થ અત્યંત;

કહેતો હતો તમને હું જેહ, આવનાર છે ઈશ્વર તેહ. ૨૯

એ જ આ સહજાનંદ આવ્યા, સંપ્રદાયના સ્વામી ઠરાવ્યા;

એની આજ્ઞા સહુ અનુસરજો, સેવા સર્વ પ્રકારની કરજો. ૩૦

આપ એ છે અધમઉદ્ધાર, એ છે કલ્યાણના જ દાતાર;

મારે સ્થાને બેસાર્યા છે તેને, ગુણે મુજથી અધિક ગણો એને. ૩૧

મુક્તાનંદ આદિક મુનિરાય, કરી તેને એવી આજ્ઞાય;

તમે કીર્તન ગ્રંથ જે કરજો, તેમાં એમનો મહિમા ઉચરજો. ૩૨

સુણો સ્નેહે મુકુંદ બ્રહ્મચારી, તમે માનો આ આજ્ઞા અમારી;

નીલકંઠ છે વૈરાગ્યવાન, દેહાદિકનું નથી એને ભાન. ૩૩

જેમ સેવો છો અમને સદાય, તેમ સેવજો વૃષકુળરાય;7

સદાકાળ સમીપમાં વસજો, કોઈ દિન પણ દૂર ન ખસજો. ૩૪

અક્ષરચિંતામણી વૈતાલીયવૃત્ત

ભગવાન હંમેશ ભાવથી, ભજતાં રોજ નવીન લાવથી;

ગુરુ દેવપતિ વિભૂ મુદા, સહજાનંદ ગુરુ ભજો સદા.

      શીલથી પામો તેવા... ૩૫

ચોપાઇ

બોલ્યા હરિજન સંતસમાજ, આપે આજ્ઞા કરી જેમ આજ;

ભક્તિપુત્રને ભગવાન જાણી, અમે ભજશું ભલો ભાવ આણી. ૩૬

રામાનંદ થયા સુણી રાજી, જે જેકાર રહ્યો શબ્દ ગાજી;

આપી આજ્ઞા ધરી ઉર દયા, સર્વે નિજ નિજ આસને ગયા. ૩૭

કથા કીર્તન કરી ઉપવાસ, કર્યું જાગ્રણ શ્રીહરિ પાસ;

તાલ મૃદંગ આદિ બજાવી, કર્યો ઉત્સવ આનંદ લાવી. ૩૮

થયું દ્વાદશી દિનનું પ્રભાત, કરી નિત્યક્રિયા ભલી ભાત;

રામાનંદ તથા હરિરાય, પછી યજ્ઞમંડપમાં જાય. ૩૯

કૃષ્ણની પૂજા ઉત્તર8 કીધી, દ્વિજવૃંદને દક્ષિણા દીધી;

આપ્યાં કૈંકને અક્ષય9 દાન, કોણ આપી શકે એ સમાન. ૪૦

આપ્યાં વસ્ત્ર ને ભૂષણ ભલાં, આપ્યાં પાત્ર અધિક ઊજળાં;

પાકશાળાના ઊપરી જેહ, મેતા નરસિંહ આદિક તેહ. ૪૧

કહ્યું સ્વામીયે સાદ પડાવો, હવે પારણાં સૌને કરાવો;

સાદ સાંભળી બ્રાહ્મણો આવ્યા, મોટા પડિયા ને પત્રાળાં લાવ્યા. ૪૨

ગોળે10 લડવાને સજ્જ થઈને, જાણે આવ્યા છે ઢાલો લઈને;

જઈ ભાદરમાં સ્નાન કર્યાં, દ્વિજે અંગે અબોટિયાં ધર્યાં. ૪૩

ધોયા પછી ન બોટેલું હોય, કહેવાતું અબોટિયું સોય;

પણ એ તો અસલ વાત ગઈ, આજ તો રીત ઉલટી થઈ. ૪૪

હોયે ગ્રહણને દિન ધોયેલું, ઘણું ગંધાતું મેલું થયેલું;

નહિ બોટવા જોગ્ય જણાય, એવું અબોટિયું તે ગણાય. ૪૫

જેમ અખાદ્ય એમ અપેય,11 એવાં અબોટિયાં એ તો છેય;

વિપ્ર એવા અબોટિયાંવાળા, ચોળી ભસ્મ કરે બહુ ચાળા. ૪૬

એ તો આળસુ અભણ અધૂરા, બીજા વિપ્ર પવિત્ર છે પૂરાં;

સારો પાળે આચાર વિચાર, એવા પણ દિસે અપરંપાર. ૪૭

કૈંક લાલચુ ભોજન કેરા, એવા પણ દ્વિજ દિસે ઘણેરા;

તે તો પડતાં આખડતાં ધાય, રખે લાડવા લૂંટાઈ જાય. ૪૮

બોલે કૈંક ઊંચે બહુ ઘાંટે,12 કૈંક તો લડે આસન માટે;

દ્વિજની થઈ પંક્તિયો ઘણી, ગણનાર શકે નહિ ગણી. ૪૯

વાક્ય સ્વામીયે ઉચ્ચાર્યું એવું, હરિભક્તે પીરસવા રહેવું;

બીજા સર્વને જમવા બેસારો, જેથી માલ ન બગડે અમારો. ૫૦

ભર્યાં ગાડામાં અન્ન વિચિત્ર, તાણે ગાડાં તે વિપ્ર પવિત્ર;

પકવાન ઘણાં પીરસાય, દોડાદોડ કરે દ્વિજરાય. ૫૧

વાળી કાછડા કેડ કશેલી, કરમાં કથરોટ લીધેલી;

બહુ ઝડપથી પીરસે છે સોય, શાક પાક ભુલે નહિ કોય. ૫૨

પિરસાઈ રહ્યું બધે જ્યારે, આપી જમવાની આગન્યા ત્યારે;

રામાનંદની જય ઉચ્ચરી, સહજાનંદની કરે ફરી. ૫૩

ફરે સાટા જલેબી ને લાડુ, જમે વિપ્ર જુવે નહિ આડું;

એવામાં ઘૃત માગે છે કોઈ, પીરસે લાવીને વટલોઈ.13 ૫૪

શાક ભજિયાં ને રાઇતાં રુડાં, પીરસે ભરી લાવીને કુંડાં;

લાડુ પીરસે કહે શબ્દ એવો, કાંજી લાડુ તમારે ભૂદેવો. ૫૫

વિપ્ર જમતાં રસોઈ વખાણે, જમવાની ઉલટ14 ઉર આણે;

પૂછે અન્યોઅન્યે હરખાઈ, પહોંચ્યા કેટલા ગાઉ15 ભાઈ. ૫૬

ગાઉ પહોંચ્યા કહે દસબાર, કોઈ તો કહે સત્તર અઢાર;

શાક દાળમાં દેવો ન હાથ, લડવું તો એક જ ધણી સાથ. ૫૭

જળપાન કરે બહુ કોઈ, બીજો વારે છે તેહને જોઈ;

જળપાન કરીને ધરાશો, પછી લાડુ તે શી પેરે ખાશો? ૫૮

જમતાં જમતાં જીવ જાય, ખરો વીર તે વિપ્ર ગણાય;

દેહ ખોટો જાણીને ખચિત, જમો લાડું કરી બહુ પ્રીત. ૫૯

કોઈ તો સ્મૃતિવચન16 ઉચ્ચારે, ઘણું જમવું નહીં એમ વારે;

ધર્મશાસ્ત્રે કહ્યું છે તે કરવું, અર્ધ ઉદર તો અન્નથી ભરવું;

એક ભાગમાં નીર સમાય, ચોથા ભાગમાં શ્વાસ લેવાય. ૬૦

શ્લોક

તુંદસ્ય પુરયેદ્ ભાગૌ દ્વાવન્નેનૈકમંબુના ।

શેષયેદેકમેવં હિ મિતભુગ્ બ્રાહ્મણો ભવેત્ ॥17

ચોપાઇ

એવું સાંભળી બીજો કહે છે, શ્લોક સાંભળો હું કહું જે છે;

હાંહાં હું હું કહે તો પીરસવું, આંગળી હલાવે નવ ખસવું. ૬૧

માથું ધુણાવે વારંવાર, તોય પીરસવું તેહ ઠાર;

ગર્જના કરે સિંહ સમાન, નવ પીરસવું પકવાન. ૬૨

આધુનિક શ્લોક

હાં હાં દદ્યાત્ હું હું દદ્યાત્, દદ્યાત્તર્જનિતર્જને ।

શિરઃકંપે પુનર્દદ્યાન્, ન દદ્યાત્18 સિંહગર્જને ॥19

ચોપાઇ

સારી પેઠે જમી રહ્યા જ્યારે, થયા વિપ્ર પ્રસન્ન તે વારે;

કરવા લાગ્યા શ્લોક ઉચ્ચાર, કહે શ્રીજીનો જયજયકાર. ૬૩

જમ્યા ભૂદેવ ભાત ને દાળ, કર્યું તે પછી મુખ પ્રક્ષાળ;20

કૈંક તો અતિશે જમવાથી, ઉભા થૈ શકતા નથી ત્યાંથી. ૬૪

બીજા જણને ખભે ધરી હાથ, ઉભા થૈને ચાલે તેની સાથ;

કર ઉદર ઉપર ફેરવે છે, ઓડકાર વારે વારે લે છે. ૬૫

અન્યો અન્ય પૂછે હરખાઈ, લાડુ કેટલા જમિયા ભાઈ;

મેં તો રાતે કર્યો ફળાહાર, તેથી આજ જમાયું લગાર. ૬૬

એમ જમવાની વાત ઉચ્ચારે, પહોંચ્યા માંડ માંડ ઉતારે;

વારે વારે કરે જળપાન, વખાણે જમેલાં પકવાન. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

દ્વિજવર જમીને થયા પ્રસન્ન, વિવિધ પ્રકાર વખાણતા સુઅન્ન;

સુરવર21 ખુશી આહુતીથી જેમ, દ્વિજવર તૃપ્ત થયાથી રાજી તેમ. ૬૮

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે બ્રાહ્મણભોજનવર્ણનનામા એકોનત્રિંશત્તમો વિશ્રામઃ ॥૨૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે