કળશ ૪

વિશ્રામ ૩

 

પૂર્વછાયો

લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ;

એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુક્તાનંદમુનિ પાસ. ૧

ચોપાઇ

નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી;

ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. ૨

મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય;

અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઈ દર્શન કરશું. ૩

ત્યારે બોલિયા મુક્તાનંદ, રહો આંહી ધરીને આનંદ;

કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિઘ્ન જણાય. ૪

આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અનાડી;1

માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. ૫

કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ;

એમ કહી મુનિ મુક્તાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. ૬

બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે;

તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. ૭

પત્ર લઈને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ;

ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. ૮

ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા;

સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. ૯

શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુ2 સમ ગંભીર;

પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. ૧૦

શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ;

સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન.3 ૧૧

દયાસાગર શાંત સ્વભાવ, પદ ભવજળ તારણ નાવ;

મયારામ ભટે તેહ ઠામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. ૧૨

મુખે સર્વે કહ્યા સમાચાર, કહ્યું વર્ણીનું વૃત્તાંત સાર;

રામાનંદને તે પત્ર ભાવ્યા, ચાંપી છાતિયે શીશ ચડાવ્યા. ૧૩

મુક્તાનંદે લખ્યો પત્ર જેહ, વાંચ્યો પ્રથમ ઉખાળીને તેહ;

પત્ર વાંચીને બોલિયા વળી, હવે ચિંતા અમારે તો ટળી. ૧૪

બાંધ્યા સદાવ્રતો જેને માટ, જેની જોતા હતા અમે વાટ;

આવ્યા તે સતસંગના ધણી, આજ ધન્ય ઘડી અમે ગણી. ૧૫

એ તો પ્રત્યક્ષ પુરુષ છે મોટા, એની આગળ અન્ય છે છોટા;

સુણી હરિજને પૂછી વાત, એ છે કેવા મોટા સાક્ષાત? ૧૬

છે શું પર્વતભાઈ સમાન? ના ના એથી અધિક જ્ઞાનવાન;

સુખાનંદ જેવા હશે સારા? જ્ઞાન એથી અધિક ધરનારા. ૧૭

મુક્તાનંદ જેવા હશે મોટા? એની આગળ તે પણ છોટા;

હશે શું સમરથ તમ જેવા? અમે પણ સમરથ નથી એવા. ૧૮

પ્રભુતાઈ જણાવશે જ્યારે, તમે જાણશો સર્વ તે ત્યારે;

એમ વાત કરી જનજોગ, સ્વામી હરખ્યા જે ટળશે વિયોગ. ૧૯

શાલિનીવૃત્ત

રામાનંદે4 જેમ સ્વામી5 વિયોગ, રામાનંદે6 તેમ સ્વામી7 વિયોગ;

રામાનંદે8 જેમ રીઝે જ કામી, રામાનંદે9 તેમ રીઝ્યા અકામી.10 ૨૦

ચોપાઇ

પછી ઉખેળ્યો વર્ણીનો પત્ર, થયું અચરજ અદ્‌ભુત તત્ર;

પત્રમાંથી પ્રગટ્યો પ્રકાશ, વ્યાપ્યો તે તો પાતાળ આકાશ. ૨૧

જન સર્વને થૈ ત્યાં સમાધિ, વીસરી ગઈ તનની ઉપાધિ;

અવલોકિયું અક્ષરધામ, દીઠી ત્યાં મૂરતિ ઘનશામ. ૨૨

કોટિ મુક્ત મળી સ્તુતિ કરે, કોટિ શક્તિયો આગન્યા ધરે;

પછી જાગ્યા સમાધિથી જ્યારે, અતિ અચરજ પામિયા ત્યારે. ૨૩

રામાનંદને પૂછી તે વાત, ત્યારે બોલ્યા ગુરુ સાક્ષાત;

દીઠી ધામમાં મૂરતિ જેહ, એ તો આવ્યા છે વર્ણીંદ્ર તેહ. ૨૪

હું છું ઉદ્ધવનો અવતાર, એ છે અખિલ11 બ્રહ્માંડ આધાર;

એના પદનું12 હું ધ્યાન ધરું છું, એનું ભજન હું નિત્ય કરું છું. ૨૫

એવી સાંભળીને શુભ વાત, જન હૃદય થયાં રળિયાત;

પછી પત્રના ઉત્તર જેહ, લખ્યા સ્વામીએ સુંદર તેહ. ૨૬

મુક્તાનંદને લખિયું એમ, રાખો વર્ણી રાજી રહે જેમ;

વળી વર્ણી પ્રત્યે લખ્યો પત્ર, ભલે આપ પધારિયા તત્ર. ૨૭

હવે તપ નવ કરશો ભારે, ઘણાં કરવાં છે કામ તમારે;

ઘણાં ઉદ્ધારવાં નરનાર, દેહરક્ષણ કરજો ઉદાર. ૨૮

રૂડી અષ્ટાંગ જોગની રીત, સૌને શીખવજો ધરી પ્રીત;

મુક્તાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા વિષે અનુસરજો. ૨૯

તમે આવશો નહિ અમ પાસે, અમે આવશું વૈશાખ માસે;

આપ્યા કાગળ ભટને તે વાર, વળી મુખથી કહ્યા સમાચાર. ૩૦

ભટ જાઓ તમે જે જે ગામ, સર્વ હરિજનને કહો આમ;

લોજ નગરમાં સર્વે વિચરજો, જૈને વર્ણીનાં દર્શન કરજો. ૩૧

એમ કહિ કર્યા ભટને વિદાય, જે જે ગામ ગયા દ્વિજરાય;

કહ્યું હરિજન સર્વ સમાજ, જજો વર્ણીનાં દર્શન કાજ. ૩૨

રામાનંદની આજ્ઞા છે એવી, સર્વે હરિજને શિર ધરી લેવી;

એમ કહીને ગયા લોજ ગામ, આપ્યા પત્ર કરીને પ્રણામ. ૩૩

પત્ર વાંચીને થયો આનંદ, જાણ્યું આવશે શ્રીરામાનંદ;

ગામોગામથી જનના સમાજ, આવે વર્ણીનાં દર્શન કાજ. ૩૪

દેશોદેશમાં ફેલાઈ વાત, વર્ણી ઈશ્વર છે સાક્ષાત;

શેખપાટ નામે એક ગામ, ત્યાંના લાલજી સૂતાર નામ. ૩૫

પછી છોડ્યો હતો જેણે ફંદ,13 નામ ધાર્યું’તું નિષ્કુળાનંદ;

રામાનંદ ઉપર ઘણી પ્રીત, તેણે એમ વિચારિયું ચિત્ત. ૩૬

રામાનંદના કરતાં વિશેષ, વધ્યો વર્ણીનો મહિમા આ દેશ;

વાત સ્વામીની પાસ ઉચ્ચારું, કરે કાંઈ ઉપાય તો સારું. ૩૭

એવું જાણી લાલજી સુતાર, ગયા તે ભુજનગર મોઝાર;

રામાનંદને કીધો પ્રણામ, ત્યારે સ્વામી બોલ્યા સુખધામ. ૩૮

કહો ભક્ત આવ્યા કેમ આજ? આવ્યો આપનાં દર્શન કાજ;

સુણી સ્વામી બોલ્યા ધરી દયા, તમે લોજમાં કેમ ન ગયા? ૩૯

મયારામ ભટે શું ન કહ્યું? કે શું વચન તે વીસરી ગયું?

આવ્યા છે ત્યાં મોટા મુનિરાજ, ઇચ્છે દર્શન દેવસમાજ. ૪૦

કહે લાલજી મોટા તે કેવા? દત્તાત્રી કે ૠષભદેવ જેવા;

કે શું છે રામચંદ્ર સમાન? રામાનંદ કહે સુણો કાન. ૪૧

જેમ કૃષ્ણ મોટા સરવેથી, તેમ આ છે મોટા વળી એથી;

આ છે અવતારના અવતારી, ઘણું શું કહિયે વિસ્તારી. ૪૨

જેનું ધ્યાન મહામુનિ ધરે, જેનો જશ શેષનાગ ઉચ્ચરે;

એવા મોટાનાં દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી? ૪૩

જાઓ લોજનગરમાં વિચરો, એવા વર્ણીનાં દર્શન કરો;

સુણી લાલજી ત્યાંથી સિધાવ્યા, લોજમાં હરિદર્શને આવ્યા. ૪૪

સાંભળ્યા હતા વર્ણીને જેવા, દીઠા દૃષ્ટિયે સાક્ષાત તેવા;

દંડવત કર્યા છે પ્રણામ, આવ્યાં પ્રેમનાં આંસુ તે ઠામ. ૪૫

આપ્યો હરિયે આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય શુકજી જેવો;

લાલજીને આશીર્વાદ ભાવ્યો, ઘણાં સ્નેહથી શીશ ચડાવ્યો. ૪૬

પછી ભુજમાં બનેલી વાત, તે તો લાલજીયે ભલી ભાત;

મુક્તાનંદની પાસે ઉચ્ચારી, સુણી ઉપજ્યું અચરજ ભારી. ૪૭

ભાવે નિત્યપ્રતિ ભગવાન, મીંઢીઆવળનું કરે પાન;

જમે રોટલો બાજરા કેરો, સાથે મરચાંનો ભુકો ઘણેરો. ૪૮

અભિપ્રાય અંતરમાં એહ, કરવો નિજ દુર્બળ દેહ;

દિશા પશ્ચિમમાં ગામ બહાર, બીજી વાવ છે ત્યાં એક ઠાર. ૪૯

ઘણી વાર ત્યાં આસન કરે, પછી મંદિરમાં પરવરે;

એમ રેચકની14 ક્રિયા કરી, કર્યો દેહને દુર્બળ હરી. ૫૦

લોજથી પશ્ચિમે શીલ ગામ, તહાં કાવડ ફેરવે15 શામ;

વચમાં નદી છે તેને તીર, સાધે જોગકળા નરવીર. ૫૧

એક દેવો અને જુઠો નામ, વાણિયા બેય સદ્‌ગુણધામ;

મુક્તાનંદે મુક્યા હરિ પાસ, સેવા કરવા સારા હરિદાસ. ૫૨

કરે વર્ણી મનુષ્યચરિત્ર, ક્યારે દિવ્ય ચરિત્ર વિચિત્ર;

તેને કેમ કળી શકે કોઈ, બહુ મોહ પામે જન જોઈ. ૫૩

પુષ્પિતાગ્રાવૃત્ત

અકળિત હરિની કળા અનેક, કળી ન શકાય કદાપિ કાંઈ એક;

સુર અજ ભવ ઈંદ્ર ભૂલી જાય, કશી ગણતી જનજાતિ16 ત્યાં ગણાય. ૫૪

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

રામાનંદસ્વામીપ્રતિ પત્રલેખનનામા તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે