કળશ ૪

વિશ્રામ ૩૦

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત;

પાર્ષદ સંતની પંક્તિ થઈ, જમવા તે વર્ણવું વાત. ૧

ચોપાઇ

સંતો પંક્તિ સજી બેઠા જ્યારે, નારાયણ ધુન્ય ઉચર્યા ત્યારે;

રામાનંદ શ્રીજીમહારાજ, આવ્યા તે તો પિરસવા કાજ. ૨

શાક પાક તથા પકવાન, ભાવથી પીરસે ભગવાન;

સંત એક જ પાત્રમાં લે છે, બધુ ચોળીને ભેળું કરે છે. ૩

ત્રણ અંજળી નાખે છે નીર, એવા નિઃસ્વાદી ગુણગંભીર;

મુખે પ્રત્યેક કોળિયો ધારે, સ્વામિનારાયણ તે ઉચ્ચારે. ૪

પ્રભુ તાણ્ય કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે;

જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઇચ્છતા અંતરે સ્વાદ. ૫

ઉપજાતિવૃત્ત (સંતના ગુણ વિષે)

ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું;

સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. ૬

સંતો તણાં ચંચળ નોય નેણ, સંતો તણા વિહ્વળ1 નોય વેણ;

સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સતસંગી થાય. ૭

રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે;

માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય. ૮

જો સંત ચિત્તે અભિમાન ભાસે, કે કામ ક્રોધાદિ કદી વિકાસે;

જિહ્વા તણો સ્વાદ જરી જણાય, તે સંતનો શો મહિમા મનાય. ૯

જેવા સુસંતો શુક નારદાદિ, એવા જ સંતો મુનિ મુક્ત આદિ;

પ્રત્યક્ષરૂપે પ્રભુ હોય જ્યાંય, ત્યાં સંત એવા નહિ અન્ય ક્યાંય. ૧૦

ચોપાઇ

જોઇ સંતોની જમવાની રીત, જનનાં થયાં નિર્મળ ચિત્ત;

દીઠી વૈરાગ્યમાં નહિ મણા, સતસંગી થયા જન ઘણા. ૧૧

જમી ઉઠ્યા સાધુ પાળા જ્યારે, વહેંચી વરિયાળી તે વારે;

સંત સૌ નિજ આસને ગયા, કથા વાર્તામાં તત્પર થયા. ૧૨

એક વિપ્રે રસોઈ કરેલી, તાજી સુંદર થાળે ધરેલી;

જમાડીને તે બાળ મુકુંદ, જમ્યા શ્રીહરિ ને રામાનંદ. ૧૩

દેશોદેશથી આવેલા જેહ, હરિભક્ત કે કુસંગી તેહ;

સૌને સ્નેહ સહિત જમાડ્યા, પરિપૂર્ણ સંતોષ પમાડ્યા. ૧૪

નોતર્યું હતું સઘળું ગામ, હિંદુ મુસલમાન તમામ;

બાળ વૃદ્ધ સકળ નર નારી, હોય રાય કે હોય ભિખારી. ૧૫

જમાડ્યા જન એમ અપાર, બોલે જન સઉ જયજયકાર;

અન્ન માંડ્યું પ્રભાતથી દેવા, રાત અરધી સુધી આવ્યા લેવા. ૧૬

માગે અન્નારથી અન્ન આવી, એને આપે છે હેતે બોલાવી;

હોય હિંદુ કે મુસલમાન, તોય દે છે તેને અન્નદાન. ૧૭

આપો આપો ને લ્યો લ્યો પોકારે, નહિ કોઈ નકાર ઉચ્ચારે;

કરે ચિત્તમાં લોક વિચાર, ન ભણ્યા કે ભુલ્યા શું નકાર? ૧૮

અનુષ્ટુપ

માગે અન્નારથી આવી, લ્યો લ્યો દે અક્ષરો કથી;

કેમ નાકાર જાકાર, અક્ષરો આપતા નથી. ૧૯

જાકાર સહજાનંદે, ના નારાયણમાં રહે;

કેમ તે અક્ષરો બન્ને, કોઈને આપવા ચહે. ૨૦

ચોપાઇ

મેજામાનોની કરી બરદાસ, તેમાં કાંઈ ન રાખી કચાશ;

સૌની દેખી ભલી સર્ભરાય,2 રાજા રાણાયે3 વિસ્મિત થાય. ૨૧

જન સર્વ કહે છે તે જોઈ, આવું તો ન કરી શકે કોઈ;

ઘણા દેતાં પગારના દામ, નોકરો ન કરે આમ કામ. ૨૨

આ તો લેતા નથી જ પગાર, તોય આળસ ન કરે લગાર;

નથી ભૂખ તરશ તણું ભાન, સદા સેવા વિષે સાવધાન. ૨૩

ભાસે પરચો ભલો એ તો ભાઈ, રામાનંદની ઈશ્વરતાઈ;4

એમ જાણીને આશ્રિત થયા, ભગવાને કરી તેને દયા. ૨૪

એમ નિર્વિઘ્ન ઉત્સવ થયો, સંઘ સર્વે પુનમ સુધી રહ્યો;

જેતપુરના હરિજને આવી, રામાનંદને વિનતિ સુણાવી. ૨૫

ગામમાં અતિવૃદ્ધ રહે છે, તેઓ દર્શન કરવા ચહે છે;

આંહીં આવી શકે નહિ એને, દયાથી આપો દર્શન તેને. ૨૬

સ્વામીયે ઊર અરજી ધારી, પૂર્ણિમાને પ્રભાતે વિચારી;

સજી શોભે એવી અસવારી, ભદ્રા નાવા જવા નિરધારી. ૨૭

હાથી ઊપર બન્ને બિરાજ્યા, છડીદાર બોલે અધિરાજા;

બન્નેને શિર ચમ્મર ઢળે, રવિ શશિ સમ મુખ ઝળમળે.5 ૨૮

મોટા સંત મેનામાં વિરાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે;

રથ અશ્વ તણો નહીં પાર, પાળા ચાલે હજારો હજાર. ૨૯

આખા ગામમાં ફરી અસવારી, કરે દરશન સૌ નરનારી;

નદી ભદ્રામાં જૈ કર્યું સ્નાન, આવ્યાં તીર્થ સરવે તે સ્થાન. ૩૦

સ્તુતિ શ્રીહરિની ત્યાં ઉચ્ચારી, કહ્યો ભદ્રાનો મહિમા ભારી;

કરી સ્નાન મંદિરમાં આવ્યા, નિજ નિજને ઉતારે સિધાવ્યા. ૩૧

રામાનંદ બેઠા એક ઠામ, હતા પાસે તો ભટ્ટ મયારામ;

નિજ ધોતિયું જીરણ6 જાણી, બીજું ધારવાની રુચિ આણી. ૩૨

કહ્યું કોઠારીને તમે આવો, બીજું ધોતિયું બદલવા લાવો;

લાવ્યા કોઠારી ધોતિયું એવું, ખૂબ જાડું તે ખાદીના જેવું. ૩૩

બોલ્યા ભટજી માનો કહ્યું મારું, એને બદલે બીજું લાવો સારું;

વળી બોલ્યા ભટ મયારામ, આવા કોઠારી છે સઉ ઠામ. ૩૪

કરે કસર અનેક પ્રકાર, નવ સમઝે વિવેક લગાર;

કહું દૃષ્ટાંત તેનું વિચારી, કેવો છે શિવજીનો કોઠારી. ૩૫

સ્રગ્ધરાવૃત્ત

આ લોકે સ્વર્ગલોકે સકળ થળ જુઓ સર્વ કોઠારી એવા,

કીધો કોઠારી ઈશે અલકપુરપતિ7 સોંપી ભંડાર કેવા; ૩૬

તે ભંડારે ભરેલા સકળનિધિ છતાં લોભ કેવો કરે છે,

શંભુને વસ્ત્ર વાસ્તે વપુ પર ગજનું8 વાઘનું ચર્મ દે છે. ૩૭

ચોપાઇ

વળી વર્ણી કહે સુણ રાય, કહું ચાલતી જેહ કથાય;

સાંજ સમયે રુડી સભા ભરી, રામાનંદ તથા બેઠા હરિ. ૩૮

તેથી મંડપ બહુ ભલો શોભે, ઇન્દ્ર આદિકનું મન લોભે;

કોઈ હાર ચડાવાને આવે, કોઈ પૂજાનો સામાન લાવે. ૩૯

કોઈ વસ્ત્ર ને ભૂષણ ધરે, હરિની કોઈ આરતી કરે;

સભામાં બેઠા છે બહુ સંત, તથા બેઠા ગૃહસ્થ અનંત. ૪૦

સ્ત્રિયોની થઈ દૂર સભાય, જેમ સ્વામીની વાત સુણાય;

તાળી પાડી બોલ્યા રામાનંદ, તમે સાંભળો સૌ જનવૃંદ. ૪૧

કહી એમ જેતપુર કેરો, કહ્યો સ્વામીયે મહિમા ઘણેરો;

હવે તે તમને હું કહીશ, મન રાખીને સુણજો મહીશ. ૪૨

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુરુપદ હરિને દીધું ગુરુયે, શુભપદ ધારી લીધું મહાપ્રભુયે;

સકળ મનુષ ત્યાં જમ્યાં જ આવી, નરપતિ તેહ કથા તને સુણાવી. ૪૩

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેકે સકળજનકૃતભોજનવર્ણનનામા ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે