કળશ ૪

વિશ્રામ ૩૧

પૂર્વછાયો

સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જેહ;

ભૂપ અભેસિંહ સાંભળો, તમને સુણાવું તેહ. ૧

ચોપાઇ

સભા મધ્યે રામાનંદ સ્વામી, કહે સૌ જનને મુદ પામી;

મહિમા જેતપુરનો જેહ, તમે સાંભળો સૌ ધરી સ્નેહ. ૨

છપૈયા વિષે જનમ્યા હરિ, પીપલાણા માંહી દીક્ષા ધરી;

જેતપુરમાં પામ્યા પટ્ટદાન,1 માટે ત્રણેનો મહિમા સમાન. ૩

જ્યારે જનમ્યા છપૈયે ગામ, પડ્યું નામ તહાં ઘનશામ;

પીપલાણામાં દીક્ષા લીધી, સહજાનંદ સંજ્ઞા તે કીધી. ૪

સ્વામીપદ પ્રભુ પામિયા આહીં, મોટો મર્મ ધરો મન માંહી;

જેતપુર મોટું તીરથ જેવું, નહિ કાશી કે કેદાર તેવું. ૫

કરે તીરથ જો ધરી પ્યાર, થાય અધમનો આંહી ઉદ્ધાર;

સતસંગી વસે જેહ દૂર, એક વાર તો આવે જરૂર. ૬

કરી તીર્થ આ લીલા સંભારે, તે તો ઉતરે ભવજળ પારે;

ભદ્રા ગંગાનો મહિમા મોટો, ગંગા ગોમતિનો તેથી છોટો. ૭

જેમાં નાયા જગત આધાર, અમે નાયા એમાં ઘણી વાર;

નાયા હરિજન સંતસમાજ, થયું તેથી આ તો તીર્થરાજ. ૮

આંહી શ્રદ્ધાથી શ્રાદ્ધ જે કરશે, ઘણા પૂર્વજ એના ઉદ્ધરશે;

કરી સ્નાન ને કરશે દાન, તેનું ફળ થશે મેરુ સમાન. ૯

જમાડે આંહિ બ્રાહ્મણ સંત, ફળ તેનું તો થાય અનંત;

જપ તપ વ્રત આંહી કરાય, તેના સિદ્ધ મનોરથ થાય. ૧૦

કરે એક તીરથ ઉપવાસ, ફળ તો ઉપવાસ પચાસ;

સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન મતિમાન. ૧૧

મહિમા ઉચ્ચરી એવી રીતે, પછી શ્રીજી પ્રત્યે બોલ્યા પ્રીતે;

મને વાલો છે સોરઠ દેશ, તેમાં હું વિચર્યો છું વિશેષ. ૧૨

માટે પ્રીતી તેના પર ધરજો, સતસંગ વધે તેમ કરજો;

એનો મહિમા વધારજો આપ, મોટો પ્રગટ જણાવી પ્રતાપ. ૧૩

ઘણાં તીર્થ સ્થળો આંહી કરજો, ઝાઝી વાર તે સ્થાને વિચરજો;

એવી વાત કરી જે ઉચ્ચાર, કરી શ્રીહરિયે અંગિકાર. ૧૪

રામાનંદે કરી ઘણી વાત, કહ્યું સંઘ સિધાવો પ્રભાત;

પછી સભા વિસર્જન થઈ, સૂતા નિજ નિજ આસને જઈ. ૧૫

પૂર્વછાયો

પડવે દિન પરભાતમાં, ઉઠી નિત્ય ક્રિયા કરી ત્યાંય;

મંડપ માંહિ બિરાજીયા, રામાનંદ અને હરિરાય. ૧૬

સંઘના જન દર્શન કરી, થયા સ્વદેશ પંથ વિદાય;

લીલા સંભારી શામની, કહે સાંભળે ને હરખાય. ૧૭

હતા તેડાવ્યા જેહને, કરવા ઉત્સવનું કામ;

હીરજી ગોવરધન તથા, પરવત ને ભટ્ટ મયારામ. ૧૮

ઇત્યાદિકને ભેટિયા, રામાનંદ ભલો ધરી ભાવ;

ભૂષણ વસ્ત્ર પ્રસાદિનાં, દઈ ઉરમાં આપ્યા પાવ. ૧૯

માથે કર કોઈને મુક્યો, કહ્યાં કોઈને મિષ્ટ વચન;

હરિયે કરુણા દૃષ્ટિથી, કર્યાં સૌ જનમન રંજન. ૨૦

ગંગા આદિક બાઈને, પ્રસાદિના અપાવ્યા હાર;

વખાણ કોઈનાં વિધવિધે, રામાનંદે કર્યાં તે વાર. ૨૧

આજ્ઞા આપી સર્વને, જવા પોત પોતાને ગામ;

કર જોડી નરનારિયો, કરે વારંવાર પ્રણામ. ૨૨

મૂરતિ મનોહર માવની, ક્ષણ માત્ર મૂકી ન જવાય;

તે મૂકી ઘર ભણી જતાં, કેમ ઉપડે જનના પાય. ૨૩

પ્રેમી જન એવા આગળે, જ્યારે ચાલ્યું હરિનું સ્વરૂપ;

પાછળ તે જન પરવર્યા, એ તો અદ્‌ભુત વાત અનૂપ. ૨૪

આ ઉત્સવ કેરી કથા, સ્નેહે સુણે સુણાવે જેહ;

ભૂતળમાં સુખ ભોગવે, પામે અંત્યે અક્ષરપદ એહ. ૨૫

જેતપુરના મહિમાની ગરબી

(‘વંદું દુર્ગપુર ધામ સુંદર શોભે ઘનશામનું જો’ એ રાગ)

ધન્ય જેતપુર ધામ ગામ કાઠિવાળા તણું જો;

નદી વહે છે તે ઠામ નામ ભદ્રા ભલી ભણું જો. ૨૬

ભક્તિપુત્ર ભગવાન સ્નાન તેમાં કર્યું સહી જો;

તેથી તીર્થ તે સમાન સ્થાન બીજે નહીં કહીં જો. ૨૭

પ્રભુની છપૈયા જેમ જન્મભૂમી તે જાણવી જો;

પીપલાણામાં તેમ દીક્ષા ભૂમી પ્રમાણવી જો. ૨૮

થયો પટ્ટાભિષેક જેતપુર માંહિ જે થકી જો;

ધામ ત્રણે પ્રત્યેક તુલ્ય જાણો જ તે થકી જો. ૨૯

શુક સનકાદિ સંત મુનિ નારદાદિ નેહથી જો;

આવે તીર્થે અનંત દેવ દેવી દિવ્ય દેહથી જો. ૩૦

એવો મોટો મહિમાય જેતપુર તણો જાણવો જો;

જીભે વરણ્યો ન જાય એ તો અંતરમાં આણવો જો. ૩૧

ધન્ય ત્યાંના ભૂપાળ ધન્ય ત્યાંના નિવાસીયો જો;

ભદ્રા નાય સદાકાળ ધન્ય દાસ તથા દાસીયો જો. ૩૨

સજી અસ્વારી સારી ફર્યા શામ આખા શેહેરમાં જો;

નેહ ધારી નરનારી લાલ નિરખ્યાં લેહેરમાં જો. ૩૩

ધન્ય ધન્ય નરદેહ તેણે ધાર્યો ધરાતળે જો;

ટાણું તો અમૂલ્ય તેહ મૂલ્યે ખર્ચે ક્યાંથી મળે જો. ૩૪

સારો સત્સંગી હોય વાસ હોય દેશ દૂરમાં જો;

આવી એક વાર તોય જાત્રા કરે જેતપુરમાં જો. ૩૫

ધરી દેહ નરનાર અહિં જાત્રા કરે નહીં જો;

ગયો વ્યર્થ અવતાર એમ જાણો જનો સહી જો. ૩૬

એવું અતિ અદ્‌ભુત મન માહાત્મ્ય ધારીને જો;

રઘુવિરસુતસુત વદે વાણી વિચારીને જો. ૩૭

પૂર્વછાયો

વર્ણી કહે વસુધાપતિ, રામાનંદની કહું છું કથાય;

જે જન સુણશે સ્નેહથી, તેનાં જન્મમરણ દુઃખ જાય. ૩૮

ચોપાઇ

સ્વામી બેસીને એકાંત ઠાર, કરી ધ્યાનને કીધો વિચાર;

પુરુષોત્તમ તણી ઇચ્છાથી, દુરવાસાનો શાપ થયાથી. ૩૯

જેહ કરવા મેં જનતન2 ધર્યું, તે તો કામ મેં પૂરણ કર્યું;

પુરુષોત્તમ પ્રગટ પધાર્યા, મારી ગાદિયે તેને બેસાર્યા. ૪૦

દુરવાસાનો પામિને શાપ, જે જે જનમિયા છે મુનિ આપ;

તેનાં સંકટ શ્રીહરિ હરશે, શાપથી મુક્ત સર્વને કરશે. ૪૧

એવો અંતરમાં ઊહ3 આણી, કૃતકૃત્ય પોતાને તે જાણી;

તન તજવાનો કીધો વિચાર, કર્યો કાંઈક તાવ સ્વીકાર. ૪૨

વળી ધારિયો એવો સિદ્ધાંત, નથી આ સ્થળ માંહી એકાંત;

માટે ગામ ફણેણીમાં જાવું, તન ત્યાં તજીને દિવ્ય થાવું. ૪૩

પછી વાત જવાની પ્રકાશી, થયા સત્સંગી સર્વ ઉદાસી;

સૌની સાંતવના સારી કીધી, પછી વાટ ફણેણીની લીધી. ૪૪

એક રથમાં બિરાજીયા સ્વામી, સાથે શ્રીહરિ અંતરજામી;

મુક્તાનંદ આદિક મુનિરાજા, યથાયોગ્ય વાહનમાં બિરાજ્યા. ૪૫

ઘણા પાર્ષદ ને હરિભક્ત, સંગે ચાલિયા પરમ વિરક્ત;

ફણેણીમાં ખબર થઈ જ્યારે, ત્યાંના ભક્ત સામા આવ્યા ત્યારે. ૪૬

ગોવો વેલો ને કાનજી જાણો, ચોથો રામજી સોની પ્રમાણો;

એક આહિર નામ છે લૂણો, હવે સુતારનાં નામ સૂણો. ૪૭

કૃષ્ણજી વિરજી તથા રામ, વેરાગી હરિદાસજી નામ;

અમૂલા ને કેસર જીવીબાઈ, ભલી તે હરિભક્ત ગણાઈ. ૪૮

ઇત્યાદિક હરિજન સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

વાજે છે બહુ તાલ મૃદંગ, સૌના મનમાં છે મોટો ઉમંગ. ૪૯

કોઈ તો વળી આગળ જાય, તાળી પાડીને કીર્તન ગાય;

પ્રેમથી કરે દંડપ્રણામ, જેજેકાર કરે લઈ નામ. ૫૦

પેઠા ગામ વિષે રુડી પેર, ઉતર્યા સોની રામને ઘેર;

વિપ્ર પાસે રસોઈ કરાવી, પછી ઠાકોરજીને ધરાવી. ૫૧

રામાનંદ ને શ્રીઘનશામ, જમ્યા સાધુ ને પાળા તમામ;

ગામ પરગામના હરિજન, કર્યું ભાવથી સૌયે ભોજન. ૫૨

વળી સાંજે સભા સજી સારી, રામાનંદે ત્યાં વાત ઉચ્ચારી;

યુધિષ્ઠિર ને અર્જુન આદિ, વસુદેવ અને અક્રૂરાદિ. ૫૩

જેણે જેણે ધર્યો નરદેહ, અંતે દેહ તજી ગયા તેહ;

નાશવંત છે આ દેહ જાણો, એનો હર્ષ કે શોક ન આણો. ૫૪

અમે દેહ ધર્યો છે જે કામ, તે તો પુરું થયું છે તમામ;

નીલકંઠ આ છે બ્રહ્મચારી, ધર્મધુર તેને સોંપી અમારી. ૫૫

તમારું તે તો રક્ષણ કરશે, કષ્ટ સર્વ પ્રકારનાં હરશે;

માટે ચિંતા ન રાખશો લેશ, એ છે સમરથ મુજથી વિશેષ. ૫૬

મારી પાછળ શોક ન કરશો, આત્માઘાત કરી નવ મરશો;

મારી આજ્ઞા અંતરમાં વિચારી, રહેજો સહુ ધીરજ ધારી. ૫૭

ઇત્યાદિક ઘણો મર્મ સુણાવ્યો, દિનદિન તાવ વધતો જણાવ્યો;

મંદવાડ તણા સમાચાર, સુણી આવ્યાં ઘણાં નરનાર. ૫૮

ભટજી અને પર્વતભાઈ, આવ્યા દર્શન કરવાને ધાઈ;

રાજા વિક્રમના જેહ વાર, વિત્યાં સંવત્ શતક અઢાર. ૫૯

અઠ્ઠાવનના વરસની ગણાવી,4 માગશર શુદી તેરશ આવી;

રામાનંદે ઉઠીને પ્રભાતે, કરી નિત્યક્રિયા નિજ જાતે. ૬૦

શુચિ આસન ઉપર બેઠા, ધ્યાનમુદ્રાયે ધ્યાનમા પેઠા;

જાણી સ્વામીનો અવસર અંત, આવ્યા સર્વ હરિજન સંત. ૬૧

ગાય કીર્તન ભજન કરે, છબી સ્વામીની અંતરે ધરે;

ધર્યું એવે સમે મુનિ ભૂપ,5 તજી દેહ ને દિવ્ય સ્વરૂપ. ૬૨

ૠષીશાપ થકી મુક્ત થયા, બદ્રિકાશ્રમમાં પાછા ગયા;

પછી માંડવી6 શુભ શણગારી, તેમાં સ્વામીનો દેહ બેસારી. ૬૩

હાર ચંદન આદિ ચડાવી, અબીલ ને ગુલાલ છંટાવી;

રામદાસ ને શ્રીઘનશામ, મુક્તાનંદ ને ભટ્ટ મયારામ. ૬૪

મળીને માંડવી તે ઉપાડી, કરે ઉત્સવ સંત અગાડી;7

ભદ્રા તીરે જઈ તેહ વાર, કર્યો શાસ્ત્રવિધિ સંસ્કાર. ૬૫

પછી સૌ મળી મંદિર આવ્યા, સૌને ધૈર્યના શબ્દ સુણાવ્યા;

ગયા પુરજન નિજ નિજ ઘેર, ગુણ સંભારતા બહુ પેર. ૬૬

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુરુવ8ર કૃત દેહ ત્યાગ જેહ, નૃપ તુજ પાસ કથા ઉચારી તેહ;

કરી પછી હરિયે ક્રિયા વિશેષ, સુણ લવમાત્ર કહીશ હે નરેશ. ૬૭

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

રામાનંદસ્વામી–ભૌતિકદેહત્યાગકરણનામા એકત્રિંશતિતમો વિશ્રામઃ ॥૩૧॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે દીક્ષાનામ ચતુર્થકલશઃ સંપૂર્ણઃ ॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે