કળશ ૪

વિશ્રામ ૪

પૂર્વછાયો

શ્રીહરિયે લોજપુરમાં, કર્યાં દિવ્ય ચરિત્ર વિચિત્ર;

વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. ૧

ચોપાઇ

લોજગામ થકી ગાઉ બેય,1 શીલ નામ તે ગામનું છેય;

આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુક્તમુનિને વચન. ૨

મારા વાઢ2 વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર;

કોઈ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. ૩

રામાનંદજી આવશે જ્યારે, થશે સારો સમૈયો તે વારે;

ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. ૪

મુક્તાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી;

હરિભક્તને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. ૫

સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ;

સાથે આવશે સેવક દેવો, બીજો કોઈ સાથે નથી લેવો. ૬

બોલ્યા મુક્તમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ;

માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય. ૭

એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી;

જ્યારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભક્ત લાવ્યા. ૮

ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ;

લાંબો પોળો ચોફાળ3 મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. ૯

બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે?

હઠ જોગીનો જોઈ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. ૧૦

મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં;

તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. ૧૧

હેઠે હરિયે ધર્યો હાથ જ્યારે, રહ્યો ગાંસડો અદ્ધર ત્યારે;

તોળ્યો હતો ગોવરધન જેમ, રહ્યો ગાંસડો અદ્ધર તેમ. ૧૨

પામ્યા અચરજ સૌ જન જોઈ, આવું તો ન કરી શકે કોઈ;

વધ્યાં બે મણ ચીભડાં જેહ, બીજી ગાંસડીમાં બાંધ્યાં તેહ. ૧૩

મૂકી તે તો દેવા ભક્ત માથે, લઈ ચાલિયા તે બેય સાથે;

દેવો ભક્ત તો પાછળ ચાલે, મોટો ગાંસડો અધર નિહાળે. ૧૪

ગાઉ એક ગયા જેહ વાર, દેવા ભક્તને તો લાગ્યો ભાર;

ત્યારે બોલ્યા પ્રભુ અલબેલો, ગાંસડા પર ગાંસડી મેલો. ૧૫

પછી ઊંચી જગ્યા પર ચડી, મૂકી ગાંસડા પર ગાંસડી;

શોભે ગિરિ પર શીખર જેમ, શોભે ગાંસડી તે પણ તેમ. ૧૬

એમ આવિયા લોજપુરીમાં, પેઠા મંદિરની ખડકીમાં;

પડ્યો ગાંસડો ખડકી બહાર, ગયા મંદિર માંહી મુરાર. ૧૭

કહ્યું મુક્તમુનિને તે વાર, ચીભડાં પડ્યાં ખડકી બહાર;

કહો સાધુને તે લેવા જાય, મુજથી ચીભડાં ન લવાય. ૧૮

મુક્તાનંદજી તો જોવા ગયા, જોઈ ગાંસડો વિસ્મિત થયા;

કોણ લાવિયું ગાંસડો એહ, એમ પૂછ્યું ધરીને સંદેહ. ૧૯

દેવે ભક્તે કહી બધી વાત, થયા વિસ્મિત સૌ જનજાત;

જાણ્યું વર્ણીનું દિવ્ય ચરિત્ર, એની લીલા છે પરમ પવિત્ર. ૨૦

પછી સાધુઓ સોળ બોલાવ્યા, છોડી ગાંસડો ચીભડાં લાવ્યા;

જોગીરાજને જગદીશ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. ૨૧

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું અવર4 આખ્યાન;

દિવ્ય ચરિત્ર દયાળનાં, લાગે સુણતાં પીયૂષ5 સમાન. ૨૨

ચોપાઇ

એક અવસરે શ્રીમુનિનાથ, દેવા ભક્ત સુખાનંદ સાથ;

મળીને ગયા સાગર તીરે, કર્યું સ્નાન તે સુંદર નીરે. ૨૩

સખા ભાવ કરી તેહ સ્થાને, જળકેળી6 કરી ભગવાને;

અન્યોઅન્યને જળમાં ડુબાવે, મારે જળમાં ધકા જેમ ફાવે. ૨૪

માર્યો હરિયે ધકો બહુ બળમાં, નાખ્યો દેવાને ત્યાં ઉંડાં જળમાં;

એ તો બૂડી ગયો એ જ ઠાર, ક્યાંઈ દીઠો નહી બીજી વાર. ૨૫

ખૂબ ખોળ કરી જળમાંઈ, પણ દેવો જડ્યો નહિ ક્યાંઈ;

જ્યારે મળવાની નવ રહી આશ, સુખાનંદ થયા તે ઉદાસ. ૨૬

પછી નીસરીયા જળ બાહાર, ચાલ્યા પુર ભણી થૈને તૈયાર;

સુખાનંદે ત્યાં વાણી ઉચ્ચારી, તમે સાંભળો શ્રીબ્રહ્મચારી. ૨૭

કેવું મુખ લઈ ગામમાં જાશું? વાત કરતાં વિશેષ લજાશું;

હત્યા બેઠી આ આપણે શીશ, કેમ છૂટશું તે વરણીશ? ૨૮

લોકો સંશય બહુધા કરશે, માર્યો કેમ એવું તે ઉચ્ચરશે;

ભલો ભક્ત હતો તેહ દેવો, બીજો ભક્ત ભલો નથી એવો. ૨૯

સગાં વાલાં એનાં શું કહેશે? દોષ આપણે શીર તે દેશે;

એમ કહેતાં નેણે આવ્યાં નીર, હોઠ ફરકે ને ધ્રુજે શરીર. ૩૦

ત્યારે દેવાને હરિયે બોલાવ્યો, જળમાંથી તે નીસરી આવ્યો;

સુખાનંદે પૂછ્યું તેને ત્યાંય, દેવાભક્ત હતા તમે ક્યાંય? ૩૧

દેવોભક્ત બોલ્યા તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ;

દીઠા ત્યાં આ જ વર્ણી સ્વછંદ,7 ઉભા ચમર કરે રામાનંદ. ૩૨

બ્રહ્મા ભવ ને ઇંદ્રાદિક ઘણા, ગુણ ગાય આ વર્ણીંદ્ર તણા;

હું તો આનંદમાં હતો મગ્ન, મન પ્રભુપદમાં હતું લગ્ન. ૩૩

મહારાજે મને તો બોલાવ્યો, ત્યારે ધામમાંથી ઝટ આવ્યો;

એવી અદ્‌ભુત સાંભળી વાત, સુખાનંદ થયા રળિયાત. ૩૪

મુક્તાનંદ આદિકની પાસ, કરી વાત તે જૈને પ્રકાશ;

સૌયે જાણ્યું જે આ વરણીશ, ધામ અક્ષરના છે અધીશ.8 ૩૫

એવી નિત્ય નવી લીલા કરે, પ્રભુ હરિજનનાં મન હરે;

પ્રભુ પ્રૌઢ પ્રતાપ જણાવે, ગુણ શારદ9 નારદ ગાવે. ૩૬

પૂર્વછાયો

ભૂપ અભેસિંહજી સુણો, કહે વર્ણી અચિંત્યાનંદ;

લોજ વિષે વૃષલાલજી, રહી લીલા કરે છે સ્વછંદ. ૩૭

ચોપાઇ

જાય મુક્તમુનિ જે જે ગામ, ત્યારે સાથે જતા ઘનશામ;

એક દિન કાલવાણીયે ગયા, સાધુની ઓરડી માંહી રયા. ૩૮

રાજોભાઈ ને પરવતભાઈ, બીજા સત્સંગી બહુ ભાઈ બાઈ;

જથાજોગ10 સેવા સઉ કરે, ઉપદેશ અંતર માંહી ધરે. ૩૯

પાણી પીવાની તુંબડી સારી, મુક્તાનંદ મુનીએ સુધારી;

રુડા રંગથી તેને રંગેલી, તડકે તે સુકાવાને મેલી. ૪૦

પછીથી પદમાસન કરી, બેઠા મુક્તમુનિ ધ્યાન ધરી;

તેની જોડે જ એવે આકાર, બેઠા ધ્યાનમાં ધર્મકુમાર. ૪૧

શ્વાસ પૂરક11 કુંભક12 જેહ, કરે રેચકની13 ક્રિયા તેહ;

નિજ દૃષ્ટિને નાસાગ્ર ધરી, ધરે ધ્યાન એક સ્થળ ઠરી. ૪૨

મુક્તાનંદે ઘડ્યો મન ઘાટ, થયો તુંબડી કેરો ઉચ્ચાટ;14

રખે કોઈ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. ૪૩

જાણી અંતરજામીયે વાત, ત્યારે સદ્ય બોલ્યા સાક્ષાત;

સ્વામી શ્રીહરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાંખો. ૪૪

માલ છે હરિધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો;

મુક્તાનંદ એવું સુણી જાગ્યા, પ્રેમે શ્રીહરિને પાય લાગ્યા. ૪૫

કહ્યું છો તમે અંતરજામી, મનઘાટ જાણ્યો બહુનામી;

પછી સાધુ સર્વેને બોલાવી, શામે તુંબડી સૌની મગાવી. ૪૬

રંગદાર રજોગુણી લાગી, તે તો બોખી15 કરી કાંઠા ભાંગી;

સંતો પ્રત્યે બોલ્યા સુખકારી, જેણે સંસાર મેલ્યો વિસારી. ૪૭

તે તો વસ્તુ રજોગુણવાળી, પાસે રાખે ન જાણી રુપાળી;

એમ શ્રીહરિ શર્મ ન રાખે, ભૂલ સર્વના મન તણી ભાખે.16 ૪૮

કહે જ્યાં મન સંતનું જાય, જતાં તે મારી નજરે જણાય;

ધ્યાન ધરતાં ઉંઘે સંત કોઈ, ત્યારે શ્રીજી કહે તેને જોઈ. ૪૯

રામાનંદ રૂપે ભગવાન, તેનું પામ્યા છો દર્શનદાન;

તોય તે વિષે વૃત્તિ તમારી, કેમ શકતા નથી તમે ધારી? ૫૦

અને ઉંઘ આવે છે તે કેમ? મને આશ્ચર્ય લાગે છે એમ;

રામાનંદ મેં તો નથી ભાળ્યા, તેણે મારા ત્રિગુણ નથી ટાળ્યા. ૫૧

તોય કાળનો ત્રાસ તપાસી, અતિ અંતર રહે છે ઉદાસી;

રાતે શયન કરું છું જે વાર, નથી આવતી ઉંઘ લગાર. ૫૨

રખે આવે અચાનક કાળ, પડે છે એવી પેટમાં ફાળ;17

ધ્યાન ધરતાં આવે ઉંઘ તમને, એ તો અદ્‌ભુત લાગે છે અમને. ૫૩

એમ સંતોને ઉપદેશ દેતા, મોટા મુક્ત પ્રમાણે રહેતા;

પોતે છે પરબ્રહ્મ સ્વરૂપ, સર્વના ગુરુ સર્વના ભૂપ. ૫૪

પણ સૌને શીખવવાને કાજ, રાખે વૈરાગ્ય ઉર મહારાજ;

મુક્તાનંદ સાથે કોઈ વાર, મળીને એમ કરતા વિચાર. ૫૫

રામાનંદ સ્વામી તણી જ્યારે, મને ભેટ કરાવશો ત્યારે;

આજ્ઞા આપણે સ્વામીની લૈને, ધરશું ધ્યાન વન વિષે જૈને. ૫૬

જ્યારે ધ્યાનમાં બેસીએ અમે, મારો દેહ સંભાળજો તમે;

તમે ધ્યાનમાં બેસશો જ્યારે, તમને હું સંભાળીશ ત્યારે. ૫૭

વળી તે મુક્તાનંદજી પાસ, ઉચ્ચર્યા મુખથી અવિનાશ;

વાસ કરવા મહાવન કેરો, મારે તો છે અભ્યાસ ઘણેરો. ૫૮

ઝાઝી જ્યાં હતી વૃક્ષની ઝાડી, હતા ત્યાં બહુ હાથી અનાડી;

વરુ વાઘ ને રીંછનાં વૃંદ, ફરતા પાડા અરણા સ્વછંદ. ૫૯

જનને જવાના નહીં રસ્તા, રાતદિન અમે એવામાં વસ્તા;

વનમાં વસવું મને ભાવે, વસ્તીમાં અકળામણ આવે. ૬૦

એવી એવી ઘણી ઘણી વાત, કરતા શ્રીહરિ સાક્ષાત;

મુક્તાનંદ સુણી એ પ્રસંગ, પામ્યા ઉત્તમ વૈરાગ્ય અંગ. ૬૧

એથી ઇચ્છા કરે એવી મનમાં, વસીયે શ્રીજી સાથે જ વનમાં;

એમ કરતાં દિવસ કાંઈ થયા, કાળવાણીથી લોજમાં ગયા. ૬૨

રહી ત્યાં પણ જ્ઞાન અત્યંત, હરિમુખથી સુણે સહુ સંત;

એક દિન હરિ એમ ઉચરિયા, અમે દેશ અનેકમાં ફરિયા. ૬૩

મોટાં મોટાં જોયાં જઈ રાજ, જોયા સંન્યાસી સાધુ સમાજ;

જોયા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, જોયા ત્યાગી તથા તપધારી. ૬૪

જોયા સર્વ તે માયામાં મોહ્યા, સાચા સંત તો આ સ્થળે જોયા;

મિથ્યાવાદી બીજા અભિમાની, દિસે ધૂર્ત પુરા બકધ્યાની.18 ૬૫

કાં તો વ્યસની કાં તો વ્યભિચારી, જોયા ઉદરભરણ અધિકારી;

રામાનંદ તણો સંપ્રદાય, તે વિના બીજે શાંતિ ન થાય. ૬૬

દૈવી જન જગમાં હતા જેહ, આ ઠેકાણે આવી વસ્યા એહ;

વળી જે જે દૈવી જન થાશે, મન તેનાં તો આંહિ તણાશે. ૬૭

માટે હું પણ આંહી રહીશ, ટેલ નીચામાં નીચી કરીશ;

એમ બોલતા શ્રીઘનશામ, કહેતા સરજુદાસ નામ. ૬૮

સંત જાણે જે પારખું લેવું, તેથી કામ ભળાવિયું કેવું;

નિત્ય ગામને ગોંદરે જઈને, છાણા થાપો ઝાઝું છાણ લઈને. ૬૯

એવી આજ્ઞા ચડાવીને માથે, મેળવ્યું છાણ જઈ મુનિનાથે;

ગાયો પાદર જ્યાં ભેગી થાય, નિત્ય ત્યાં જગજીવન જાય. ૭૦

બહુ બાઇયો પણ હોડેહોડે,19 દેખે છાણ ત્યાં લેવાને દોડે;

ધર્મપુત્ર જઈ ધમકાવે, લેતાં છાણ એને અટકાવે. ૭૧

પડ્યો પોદળો લે કોઈ નાર, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર;

શૈલ20 સાગર સરિતાઓ ભાળે, ચૌદ લોકની રચના નિહાળે. ૭૨

દેખે સુર નર નાગની સૃષ્ટિ, દેખે વાદળાં વિદ્યુત21 વૃષ્ટિ;22

મેલે પોદળો પાછો ઠેકાણે, સર્જુદાસનું જાદુ તે જાણે. ૭૩

તેથી તરુણિયો23 કૃષ્ણથી ત્રાસે, હરિને દૂરથી દેખી નાસે;

છબીલો છાણ લૈ જ્યારે જાય, ત્યારે ત્યાં નારિયો ભેળી થાય. ૭૪

વળી એક બીજીને ડરાવે, કહે ઓ સરજુદાસ આવે;

એવી રીતે પોતાને પ્રતાપે, પ્રભુ છાણ લેઈ છાણાં થાપે. ૭૫

મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, છતાં નિઃસ્પૃહી પાળ્યું વચન;

તજાવ્યું પછી તો તેહ કામ, કરે સૌ સંત પ્રેમે પ્રણામ. ૭૬

ક્યારે ક્યારે અલૌકિકપણું, દેખે શ્રીઘનશામમાં ઘણું;

વળી એક સમે અવિનાશ, બોલ્યા મુક્તમુનિ તણી પાસ. ૭૭

રામાનંદની મૂર્તિ છે જેવી, તમે ધ્યાન વિષે ધરો તેવી;

તમ દ્વારાયે હું નિરખીશ, જેવાં ચિહ્ન હશે તે કહીશ. ૭૮

પછી બેય બેઠા ધ્યાન કરી, મુક્તાનંદે છબી મન ધરી;

પ્રભુયે કર્યો મનમાં પ્રવેશ, નખશિખ છબી નિરખી વિશેષ. ૭૯

પછી ધ્યાન થકી બેય જાગ્યા, કેવી છે છબી કહેવા લાગ્યા;

મુક્તાનંદે કહ્યાં ચિહ્ન મોટાં, હરિયે કહ્યાં મોટાં ને છોટાં. ૮૦

સુણી સૌ જન વિસ્મિત થાય, લીલા કોઈ થકી ન કળાય;

કરે એવાં ચરિત્ર ઉદાર, નવ આવે ઉચરતાં તે પાર. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રતિદિન પ્રભુજી ચરિત્ર એવાં, નવ નવભાતિ24 કરે અપૂર્વ જેવાં;

કહી કહી કદી કોટિ કલ્પ જાય, તદપિ સમગ્ર નહીં કહી શકાય. ૮૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

શ્રીલોજપુરે શ્રીહરિ-અદ્‌ભુતલીલાકથનનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે