કળશ ૪

વિશ્રામ ૫

પૂર્વછાયો

વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત;

સાધુઓને હરિ શીખવે, રુડી અષ્ટાંગ યોગની રીત. ૧

યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ;

અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. ૨

યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર,

ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. ૩

ચોપાઇ

યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે;

યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. ૪

યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર;

અહિંસા તથા સત્ય અસ્તેય,1 વળી અસંગ ને લજ્જા છેય. ૫

અસંચય2 અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું;

૧૦સ્થિરતા ૧૧ક્ષમા ૧૨નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. ૬

કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે;

તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. ૭

એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ3 પ્રકાર;

જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો. ૮

પ્રભુપૂજા ને તીર્થઅટન,4 વળી ૧૦પરઉપકાર પાવન;

સદા ૧૧સંતોષ ને ૧૨ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. ૯

જોગી જોગની સિદ્ધિને કાજે, જેવી રીતે સુખેથી બિરાજે;

એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો. ૧૦

જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી;

તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. ૧૧

નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીર યોગ ને પદ્મ છે તેહ;

વળી કુર્કટ કૂર્મ ને ચાપ,5 મયૂરાસન તે જાણો આપ. ૧૨

પછી ૧૦પશ્ચિમતાનકાસન, ૧૧શબ ૧૨સિદ્ધ અને ૧૩સિંહાસન;

૧૪ભદ્રાસન ભલું નામ ભણાય, એ તો આસન ચૌદે ગણાય. ૧૩

રુડી તેની કહું હવે રીત, શીખો સંતો તે સ્નેહે સહીત;

બન્ને પગનાં જે તળિયાં જાણો, બન્ને જાનુ સાથળ વચ્ચે આણો. ૧૪

પછી સરલ થઈ બેસો જ્યારે, સ્વસ્તિકાસન તો થાય ત્યારે;

ડાબા પગની ઘુંટી કહેવાય, ધરો જમણા તે પડખામાંય. ૧૫

ઘુંટી જમણા ચરણની છે જેહ, ડાબા પડખા વિષે ધરો તેહ;

ગોમુખાસન તેહ ગણાય, મોટા સિદ્ધ મુખે એમ ગાય. ૧૬

એક સાથળ પર પગ કરીયે, બીજા પગ પર સાથળ ધરીયે;

તેનું નામ વીરાસન જાણો, તેની રીત અંતરમાં આણો. ૧૭

બેય ચરણની ઘૂંટીયો મળી, રાખો જોડીને અવળા સવળી;

તેણે રોકીને ગુદા બેસે છે, યોગાસન નામ તેનું કહે છે. ૧૮

પગ જમણો ધરે ઉરુ ડાબે, ઉરુ જમણું ડાબે પગે દાબે;

વાંસે બે હાથની આંટી ઘાલે, બેય પગના અંગુઠાને ઝાલે. ૧૯

પછી સરલપણે બેસે જ્યારે, પદ્માસન તે થાય ત્યારે;

પદમાસન એ રીતે કરી, ઉરુ જાનુ વચ્ચે હસ્તો ધરી. ૨૦

બેય હાથ ભૂમિ પર ધારે, રાખે કાયા અધર પછી જ્યારે;

કુર્કટાસન તે કહેવાય, યોગશાસ્ત્ર વિષે એમ ગણાય. ૨૧

કુર્કટાસન એમ બનાવી, કંઠ ઉપર બે કર લાવી;

વાળે આંકડા તે જોગી જન, સૂવે ચીતો તે કૂરમાસન. ૨૨

ડાબા સાથળના મૂળમાંઈ, પગ જમણો તે મૂકવો ભાઈ;

બેય જાનુને બાહેર પાસે, જમણો કર વીંટ્યો જણાશે. ૨૩

એ જ હાથે જ કરીને જ્યારે, પગ જમણાનો અંગુઠો ધારે;

ડાબે હાથે ઝાલે ડાબો કાન, ધનુરાસન તે ગુણવાન. ૨૪

બેય હાથ ધરા પર ધરે, નાભિ પડખે બે કોણિયો કરે;

દંડ સમ દેહ અધર રાખે, મયૂરાસન તે મુનિ ભાખે. ૨૫

બેસે બે પગને લાંબા કરી, બેય હાથે બે અંગુઠા ધરી;

ધરે શિર જાનું પર મુનિજન, તે તો ૧૦પશ્ચિમતાનકાસન. ૨૬

ચીતો થૈ પૃથવી પર સુવે, નવ હાલે ચાલે નવ જુવે;

ઉપાડે તો દિસે શબાકાર, ૧૧શબાસન નામ તે નિરધાર. ૨૭

લિંગ નીચે છે નાડિકા જેહ, શિવની નામ સૌ કહે તેહ;

ડાબી પાનીયે તેને દબાવે, ઘુંટી પર જમણી ઘુંટી લાવે. ૨૮

એવી રીત્યે ૧૨સિદ્ધાસન થાય, સારા સિદ્ધ તે કરવા ચહાય;

શીવનીને ડાબે પાસે જ્યારે, ઘુંટી જમણી દબાવે તે ત્યારે. ૨૯

ડાબી ઘુંટી બીજે પાસે લાવે, નાડી શીવની તેથી ડબાવે;

જાનુ ઉપર હથેળીયો ધારે, રાખે લાંબી આંગળિયો તે વારે. ૩૦

જુવે નાસાગ્રને મુખ ફાડે, ૧૩સિંહ આસન એમ દેખાડે;

શીવની નાડીને બેય ભાગે, ઘુંટી પગની અનુક્રમે લાગે. ૩૧

પછવાડે બન્ને હાથ ધરી, ઝાલે બે પગ બે હાથે કરી;

તેનું નામ ૧૪ભદ્રાસન ભાઈ, કહ્યાં ચૌદ આસન સુખદાઈ. ૩૨

પૂર્વછાયો

નાડી શોધનની જે ક્રિયા, હવે કહું છું રુડી રીત;

પ્રાણાયામની સિદ્ધિ તે, જેથી થાય છે પરમ પુનીત. ૩૩

ચોપાઇ

ધોતી બસ્તી ને નેતી છે નામ, વળી ત્રાટક નોળિ તે ઠામ;

ક્રિયા છઠ્ઠી છે કપાળભાતી, જુદાં લક્ષણે જુદી જણાતી. ૩૪

ચાર આંગળ વસ્ત્ર પહોળું, હાથ પંદર લાંબું ને ધોળું;

ધીરે ધીરે ગળીને કઢાય, ધોતી નામની તે છે ક્રિયાય. ૩૫

એ તો જોગીને રાખે આરોગ્ય, ટાળે ઉધરસ આદિક રોગ;

નાભિમાત્ર ઉંડે જળે જઈ, ગુદાયે જળને ખેંચી લઈ. ૩૬

પેડુનો ભાગ ક્ષાલન6 કરે, પાછું જળ ગુદાયે પરહરે;7

જાણો બસ્તી ક્રિયા એનું નામ, તે તો ટાળે છે રોગ તમામ. ૩૭

લિંગે ખેંચીને લિંગે કઢાય, અથવા તે ગુદાયે તજાય;

બસ્તી બીજા પ્રકારની એ છે, તે તો રોગ હરેક હરે છે. ૩૮

મુખે ખૂબ કરી જળપાન, પાછું કાઢે તે તો ગુદાસ્થાન;

તે તો શંખપ્રક્ષાલન નામ, ત્રીજો ભેદ છે બસ્તીનો આમ. ૩૯

નાકે પીને મુખેથી કઢાય, ગજકરણી8 તે બસ્તી ગણાય;

દોરો કોમળ નાકે ઘલાય, મુખમાંથી તે ખેંચી કઢાય. ૪૦

નકી નેતી ક્રિયા નામ તે છે, શિર નેત્રનો રોગ હરે છે;

સુક્ષ્મ વસ્તુ સામું જોઈ રહે, જ્યાં સુધી આંસું આંખ્યોથી વહે. ૪૧

ક્રિયા ત્રાટક નામની તે છે, તે તો નેત્રનો રોગ હરે છે;

નળને જમણે ડાબે ભાગે, અતિ વેગે ફેરવવા લાગે. ૪૨

તે તો નોળિ ક્રિયા કહેવાય, વાત પિત્ત ને કફ દુઃખ જાય;

મંદઅગ્નિપણું તે મટાડે, ઘણાં રોગનાં મૂળ ઘટાડે. ૪૩

અતિ વેગે કરી શ્વાસ તાણે, અતિ વેગે તજે તેહ ટાણે;

કહું તે ક્રિયા કપાળભાતી, કફ આદિ પીડા જેથી જાતી. ૪૪

નાડિશોધન એ રીતે કરે, પ્રાણાયામ પછીથી આદરે;

તેની રીત કહું છું વિચારી, સંતો લ્યો સુણી અંતરે ધારી. ૪૫

દેહમાં જેહ વાયુ રહે છે, જોગી નિગ્રહ9 તેનો કરે છે;

પ્રાણાયામ તેને કહે વેદ, ગર્ભ10 સહિત રહિત બે ભેદ. ૪૬

જપ ધ્યાન સહિત તે સગર્ભ, જપ ધ્યાન રહિત તે અગર્ભ;

અતિ ઉત્તમ તો ગણો એમાં, જપ ધ્યાન રહ્યું હોય જેમાં. ૪૭

નાસા ડાબીમાં શ્વાસ વહે છે, ઇડા નાડીમાં તે તો રહે છે;

જમણી માંહી પિંગળા જાણો, મધ્ય ભાગે સુષુમણા પ્રમાણો. ૪૮

શશિ સૂર્ય હુતાશન11 જે છે, ક્રમે નાડીના દેવતા તે છે;

વામ ભાગે વાયુ ઉંચો આણો, તેનું નામ તો પૂરક પ્રમાણો. ૪૯

પ્રાણવાયુને રુંધી રખાય, ક્રિયા કુંભક તે કહેવાય;

નાસા જમણીયે વાયુ ઉતારે, થાય રેચકની ક્રિયા ત્યારે. ૫૦

નહીં લેવો કે મૂકવો શ્વાસ, તેનું શૂન્યક નામ પ્રકાશ;

અતિ ઉત્તમ એ તો ગણાય, મોટા સિદ્ધ થકી તે સધાય. ૫૧

જ્યારે જ્યારે પ્રાણયામ થાય, ઘાટ સંકલ્પ સૌ મટી જાય;

મન ચંચળતા નવ ધરે, એક ઈશ્વરમાં સ્થિર ઠરે. ૫૨

ઇંદ્રિયોને વિષય થકી વારે, સ્થિર અંતઃકરણમાં ધારે;

પ્રત્યાહાર તો તે કહેવાય, તેથી ઇંદ્રિને વશ ન થવાય. ૫૩

હવે ધારણાની કહું રીત, સંતો સાંભળો સ્નેહ સહિત;

આધારાદિક ચક્ર છે જ્યાંય, મન પ્રાણ કરે સ્થિર ત્યાંય. ૫૪

અથવા છે હૃદય મોઝાર, કૃષ્ણમૂર્તિ મહાસુખકાર;

મન પ્રાણ તેમાં સ્થિર રાખે, ભલું નામ તે ધારણા ભાખે. ૫૫

ષટ્ચક્રનાં નામ ને સ્થાન, સુણો સંતો થઈ સાવધાન;

ગુદા સ્થાન વિષે જે રહે છે, મુળાધાર તે ચક્ર કહે છે. ૫૬

બીજું ચક્ર ઉપસ્થ સ્થાન, તેનું નામ છે સ્વાધિષ્ઠાન;

ત્રીજું નાભી પ્રદેશે પ્રમાણો, તેનું નામ મણીપુર જાણો. ૫૭

ચોથું ચક્ર હૃદયમાં બિરાજે, તેનું નામ અનાહત છાજે;

ચક્ર પાંચમું કંઠે છે ભ્રાત, તેનું નામ વિશુદ્ધિ વિખ્યાત. ૫૮

આજ્ઞાચક્ર તે છઠ્ઠું ગણાય, બેય ભમરોની વચ્ચે મનાય;

એ તો ધારણાની કહી રીત, કહું ધ્યાનની રીત ખચીત. ૫૯

યમ આદિ કહ્યાં ષટ અંગ, તેનો પામીને પૂરો પ્રસંગ;

મન શુદ્ધ તે જોગીનું થાય, મોક્ષબાધક સંચિત જાય. ૬૦

પછી પ્રભુપદ પ્રેમ વધારે, એવું ધ્યાન જોગીજન ધારે;

કિયે સ્થાને કૃષ્ણને ધારી, ધરે ધ્યાન તે કહું છું વિચારી. ૬૧

સ્રગ્ધરાવૃત્ત

નાભિસ્થાને રહેલું, અમળ12 કમળ છે પત્ર તો અષ્ટવાળું,

જે રંભાકોશ13 જેવું, રવિસુતસમની14 નાળવાળું રુપાળું;

હેઠું છે આસ્ય15 એનું, પ્રણવ સ્વર થકી ઉર્ધ્વ આસ્યે ફુલેલું,

ધ્યાની ત્યાં ધ્યાન ધારે, ધરી રૂપ હરિનું જ્યોતિ મધ્યે રહેલું. ૬૨

પૃથ્વીમાં જે પ્રભુયે, અમિત16 તનું ધરી તેનું પ્રત્યંગ17 ધ્યાન,

તેનાં વસ્ત્રાદિકોનું, રચિત છબી તણું ધ્યાન તે તે સમાન;

કે પ્રત્યક્ષ પ્રભુનાં, કર પદ મુખનું ધ્યાન તે યોગી ધારે,

ભેદી આવર્ણ અષ્ટે, ભવજળ તરીને બ્રહ્મધામે પધારે. ૬૩

ચોપાઇ

હરિમૂર્તિ અખંડ સંભારે, અંગ જુદાં જુદાં નહિ ધારે;

એને અંગી સમાધિ કહે છે, તેના પણ સાંભળો ભેદ બે છે. ૬૪

ધ્યાન ધરવાને યોગ્ય સદાય, એવા કૃષ્ણની મૂરતિમાંય;

મન તૈલધારા સમ રાખે, સમાધિ તે સંપ્રજ્ઞાત18 ભાખે. ૬૫

ચિત્તની સર્વ વૃત્તિયો જેહ, થાય મૂર્તિ વિષે મગ્ન તેહ;

અસંપ્રજ્ઞાત એ છે સમાધી, સિદ્ધ થાય મહાયોગી સાધી. ૬૬

એમ અષ્ટાંગ યોગ સધાય, તે તો જોગી સ્વતંત્ર ગણાય;

રહે બ્રહ્માંડમાં વસ્તુ કાંઈ, નાડી દ્વારે દેખે દિલમાંઈ. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત હરિ એમ યોગ અંગ, મુનિજનને શિખવે ધરી ઉમંગ;

કૃત મુનિજન કૈંક સિદ્ધ સાધી, સુખથી કરે જ સ્વતંત્ર થૈ સમાધી. ૬૮

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

અષ્ટાંગયોગ-પ્રકરણનામા પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે