કળશ ૪

વિશ્રામ ૭

પૂર્વછાયો

ભૂપ કહે વર્ણી સુણો, તમે કથા સુણાવી સાર;

રામાનંદ તમે કહ્યા જે, ઉદ્ધવનો અવતાર. ૧

ચોપાઇ

ધર્મ સ્થાપવા ભૂમિ મોઝાર, ક્યારે આજ્ઞા કરી કરતાર;

ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, તેનું મૂળ મને સમઝાવો. ૨

જૂના શાસ્ત્રમાં જો હોય વાત, સંભળાવો મને સાક્ષાત;

વળી ઉદ્ધવે ક્યાં દેહ ધર્યો? અને કેને તેણે ગુરુ કર્યો? ૩

જન્મ ધરવાનું કારણ શુંય? તે તો જાણવા ઇચ્છું છું હુંય;

દયાસિંધુ દયા દિલ લાવો, મને તે કથા સર્વ સુણાવો. ૪

સુણી એવું બોલ્યા બ્રહ્મચારી, કથા તે સાંભળો મન ધારી;

સ્થાપ્યો જે ઉદ્ધવી સંપ્રદાય, મૂળ શ્રીમદ ભાગવતમાંય. ૫

અઠાવીશમા દ્વાપર અંતે, બહુ પૃથ્વીને પીડી અસંતે;

ભૂપરૂપે થયા ભૂમિભાર,1 તેણે કીધા અધર્મ અપાર. ૬

ધરા2 ધેનુતણું3 રૂપ ધરી, ઈંદ્ર બ્રહ્મા પાસે પરવરી;4

કર્યો પીડાનો બહુ પોકાર, સર્વ દેવે સુણ્યો તેહ વાર. ૭

સૌએ કૃષ્ણની પ્રાર્થના કરી, દયાસાગરે દીલમાં ધરી;

આપે ઇચ્છ્યા લેવા અવતાર, ભારે ભૂમિનો હરવાને ભાર. ૮

ઉપજાતિવૃત્ત

ભૂમિ તણો ભાર ઉતારવાને, ધરા વિષે ધર્મ પ્રસારવાને;

ધર્યાં વસુદેવ થકી શરીર, શ્રીકૃષ્ણને શ્રીબળદેવ વીર. ૯

શ્રીઅર્જુને તો કુરુ કુળમાંય, ધર્યો ધરામાં નરદેહ ત્યાંય;

તે ત્રણ્ય વીરે અસુરો વિદાર્યા, ભૂમિ તણા ભાર ઘણા ઉતાર્યા. ૧૦

સ્વધામ જાવા હરિયે વિચાર્યું, ત્યારે વળી અંતર એમ ધાર્યું;

રહ્યો હજી જાદવ વંશ શેષ, તે ભારને સંહરવો અશેષ.5 ૧૧

ૠષી તણા શાપ મિષે વિચારી, સંહાર તેનો કરવાનું ધારી;

જાણ્યું સ્વઇછીત પુરું કરીશ, સ્વધામ પ્રત્યે પછી સંચરીશ. ૧૨

વળી વિચાર્યું ઉર માંહી ત્યારે, વિનાશ થાશે જદુવંશ જ્યારે;

સ્વધામ હું દેહ તજી પધારું, આપીશ કેને અહિં જ્ઞાન મારું. ૧૩

સુધર્મ કેરો શુભ સંપ્રદાય, કેના વડે ભૂતળમાં સ્થપાય;

ભાસે ગુણોથી મુજ તુલ્ય જેહ, કરી શકે જ્ઞાન પ્રસાર તેહ. ૧૪

જેથી ઘણા માણસ મોક્ષ પામે, જરા તથા મૃત્યુનું કષ્ટ વામે;

એવા ઘણા ઊર વિચાર આણ્યા, સ્વતુલ્ય તો ઉદ્ધવને જ જાણ્યા. ૧૫

જાણે અભિપ્રાય સમગ્ર મારા, છે આત્મજ્ઞાની મુજ ભક્ત સારા;

પ્રસારશે તે મુજ સંપ્રદાય, માટે રહે ઉદ્ધવ પૃથ્વીમાંય. ૧૬

તે વાત તો સ્કંધ ત્રીજા વિષે છે, સત્સંગનું મૂળ તહાં દિસે છે;

પછી પ્રભુયે નિજજ્ઞાન દીધ, તે સ્કંધ એકાદશમાં પ્રસિદ્ધ. ૧૭

વળી કહ્યું ઉદ્ધવને ઉમંગે, રહો તમે જૈ બદરીશ6 સંગે;

દ્વારાવતીમાં7 થઈ વાત તેહ, જાણે ભણેલા જન હોય જેહ. ૧૮

ચોપાઇ

પછી સર્વ જાદવ સંગે લૈને, કર્યો નાશ પ્રભાસમાં જઈને;

કર્યું પીપળા પાસ આસન, નિજધામ જાવાનું છે મન. ૧૯

આવ્યા મૈત્રેય જ્ઞાનનિવાસ,8 નમી બેઠા શ્રીકૃષ્ણની પાસ;

કૃષ્ણ કહેતા હતા જ્ઞાન જ્યાંય, આવ્યા ઉદ્ધવજી પણ ત્યાંય. ૨૦

વળી સાંભળ્યું તે જ્ઞાન તેણે, મીઠા અમૃત સરખાં વેણે;

કૃષ્ણે ઉદ્ધવને દાસ માની, તેને પાદુકા આપી પોતાની. ૨૧

વળી જ્ઞાનના આચાર્ય કર્યા, તેના અંતરમાં પોતે ઠર્યા;

ગયા કૃષ્ણ સ્વધામ તે સમે, ગયા ઉદ્ધવ બદ્રિકાશ્રમે. ૨૨

મળ્યા વિદુર જમનાને આરે, કહ્યા કૃષ્ણના ત્યાં સમાચારે;

પછી ત્યાં થકી ઉદ્ધવ ગયા, બદરિકાશ્રમે જઈ રહ્યા. ૨૩

જે જે મુક્ત છે ત્યાંના નિવાસી, ગુણાતીતને જગથી ઉદાસી;

ધરી ધરિ હરિવરનું ધ્યાન, પામ્યા સારી સ્થિતિ જ્ઞાનવાન. ૨૪

વળી ઉદ્ધવ તેઓની પાસ, કરે કૃષ્ણનું જ્ઞાન પ્રકાશ;

યોગસાધના સાધી સમાધિ, પામ્યા સિદ્ધગતી નિરુપાધિ. ૨૫

પછી ભરતની ભૂમિ મોજાર, કૃષ્ણચંદ્રની આજ્ઞાનુસાર;

સ્થાપવા ઉદ્ધવી સંપ્રદાય, સમો આવ્યો તે કહું છું કથાય. ૨૬

હરિનો દિગવિજય પ્રબંધ,9 તેમાં છે આ કથાનો સંબંધ;

નિત્યાનંદમુનિ રચનાર, જાણે જે સર્વ શાસ્ત્રનો સાર. ૨૭

ફરી ભરત ભૂમિમાં વિશેષ, કર્યો ઉદ્ધવે બહુ ઉપદેશ;

પ્રભુપાદુકા મસ્તકે ધરી, દેશોદેશ વિષે જ વિચરી. ૨૮

ધરી અંતરે કૃષ્ણનું ધ્યાન, ચારે વરણને આપિયું જ્ઞાન;

થયા આશ્રિત જે જે ભૂપાળ, તેની સંખ્યા કહું છું આ કાળ. ૨૯

જે જે ઉદ્ધવ આશ્રિત થયા, ભવપાર તે ઉતરી ગયા;

ભૂપ ઇક્ષ્વાકુવંશના વીશ, વીશ હયહયવંશી મહીશ. ૩૦

ચોવી પંચાળ દેશના રાજ, શક દેશના પણ એટલા જ;

ભૂપ કલિંગના10 એકત્રીશ, વીતિહોત્ર ગોત્રી નૃપ વીશ. ૩૧

શુરસેનના બાવિશ જાણો, સત્યાવિશ તો મિથિલ પ્રમાણો;

કુરુકુળના પાંત્રીશ પુરા, થયા આશ્રિત ક્ષત્રિય શૂરા. ૩૨

તેઓ મુક્તપણાને જ પામ્યા, ભવભ્રમણ થકી તે વિરામ્યા;

પછી બદરીપતિની પાસ, કર્યો ઉદ્ધવે જઈને નિવાસ. ૩૩

પછી ભરતખંડે થયા ભૂપ, અતિ કામાંધ પાપસ્વરૂપ;

મોટા સંતોની મશ્કરી કરે, શાસ્ત્ર ઉપર આસ્તા ન ધરે. ૩૪

મહાપદ્મ થયો રાય એક, તેણે મારિયા ભૂપ અનેક;

થયો તે પણ અંત્યે અધર્મી, થયા બ્રાહ્મણો કુટિલ કુકર્મી. ૩૫

મહાપદ્મ પછી થયા રાય, નંદ નામે તે આઠ ગણાય;

દશ મૌરી નામે નૃપ થયા, દશ શૃંગ નામે થઈ ગયા. ૩૬

ત્રીશ અંધ્રરાજા તે પ્રખ્યાત, પછી આભીર નૃપ થયા સાત;

પછી દશ થયા ગર્દભીરાય, સોળ કંક નામે કહેવાય. ૩૭

થયા ત્રેવીશ યવન નરેશ, એ તો ધર્મવિરોધી વિશેષ;

મહાપદ્મ પછી જે જે થયા, કોઈ ધર્મી ને અધર્મી રહ્યા. ૩૮

કોઈ ઉદ્ધવના શિષ્ય ડાહ્યા, કોઈ શિષ્યના શિષ્ય ગણાયા;

રહ્યા ઉદ્ધવજી જઈ જેહ, બદરીસ્થળમાં વળી તેહ. ૩૯

તનુૠષિ ને દલુજીરાય, ગામ કલાપના કહેવાય;

એહ આદિક જે ગુણવાન, એને આપિયું ઉદ્ધવે જ્ઞાન. ૪૦

કળિયુગ તણાં વર્ષ સુમારે,11 સડતાળીશસેં ગયાં જ્યારે;

અતિ ઘોર કળીજુગ વ્યાપ્યો, અસુરે મળી અધરમ થાપ્યો. ૪૧

વેદમારગને તો વિદાર્યો, વામમારગને12 વિસ્તાર્યો;

ગુરૂરૂપે થયા દૈત્ય આવી, તેણે પાપની રીત ચલાવી. ૪૨

નૃપ પણ તેઓના શિષ્ય થયા, તેના દિલમાં મળે નહિ દયા;

ગુરુ આપે ઉંધો ઉપદેશ, જેમાં ધર્મ નહિ લવલેશ. ૪૩

કરે પાપીયો પાપ અપાર, થયો ભૂમિ ઉપર બહુ ભાર;

વારે વારે પડે દુષ્કાળ, શેષ વદનથી નીકળે ઝાળ.13 ૪૪

વારે વારે ભૂમિકંપ થાય, પ્રજા પૃથ્વી ઉપર પીડાય;

વધ્યો ઝાઝો કુસંપ ક્લેશ, સગા માંહી વિરોધ વિશેષ. ૪૫

ભારે પૃથ્વિ આકુળ અતિ થઈ, મરીચ્યાદિ મુનિ પાસે ગઈ;

ઇંદ્ર બ્રહ્મા અને વાસુદેવ, તેની પાસે ગઈ તતખેવ. ૪૬

સુણી સર્વે બોલ્યા સુખદાઈ, બદરિકાશ્રમે જા તું બાઈ;

નારાયણને તું વિનંતિ કરજે, તારું કષ્ટ સકળ ઉચરજે. ૪૭

અમે પણ સઉ આવશું ત્યાંય, ધરજે તું ધીરજ મનમાંય;

પછી પૃથ્વી વિશાળામાં14 ગઈ, પ્રણમી પ્રભુને દીન થઈ. ૪૮

નરનારાયણ બેઉ ભ્રાત, હતા ધ્યાનમાં તે સાક્ષાત;

કર્યો પૃથ્વીયે કષ્ટ પોકાર, કરી ગદગદ કંઠે ઉચ્ચાર. ૪૯

અષ્ટપદી

પૃથવી કહે પરમેશ્વર, સ્વજનેશ્વર એ,

ભારત વર્ષ ભૂપાળ, હરિવર કષ્ટ હરો;

સાંભળી લ્યો મુજ સંકટ, અતિ વીકટ એ,

દુઃખહર દીનદયાળ, હરિવર કષ્ટ હરો. ૫૦

   અવતરિયા છે અસુરજન, દુષ્ટ દુર્જન એ,

   ગુરુ થઈ વિચરે ગમાર, હરિવર કષ્ટ હરો;

   કીધો છે શ્રુતિમત15 ખંડન, કૌળમંડન16 એ,

   સહિ ન શકું બહુ ભાર, હરિવર કષ્ટ હરો. ૫૧

આત્મા પરમાત્મા એક છે, ન અનેક છે એ,

એવો આપે ઉપદેશ, હરિવર કષ્ટ હરો;

પાપ કે પુણ્ય કશું નથી, તું કે હું નથી એ,

નથી સ્વર્ગ નરક પ્રવેશ, હરિવર કષ્ટ હરો. ૫૨

   કળિયુગ કેરા ગુરુજન હરે છે ધન એ,

   વળી કરે છે વ્યભિચાર, હરિવર કષ્ટ હરો;

   જ્ઞાન વૈરાગ્ય ગયા મરી, શું કહું હરિ એ,

   ભ્રષ્ટ થયાં નરનાર, હરિવર કષ્ટ હરો. ૫૩

વૈરાગી ઘરબારી થયા, ત્યાગથી ગયા એ,

વળી થયા વ્યસની વિશેષ હરિવર કષ્ટ હરો;

ભાંગ્ય અફિણ ગાંજા પિયે, ધૂતિ ધન લીયે એ,

લાજ નહિ લવલેશ, હરિવર કષ્ટ હરો. ૫૪

   નરનારિયો થયાં નાસ્તિક, નથી આસ્તિક એ,

   પ્રસર્યું છે પાપ અપાર, હરિવર કષ્ટ હરો;

   વિપ્ર કરે સુતાવિક્રય17 લે છે નિષ્ક્રય18 એ,

   મદ્ય ને માંસ આહાર, હરિવર કષ્ટ હરો. ૫૫

ન્યાય કરે નહિ નરપતિ, અધર્મી અતિ એ,

બ્રાહ્મણ સંત પિડાય, હરિવર કષ્ટ હરો;

ન કરે પ્રજા તણું રક્ષણ, કરે ભક્ષણ એ,

ખેતરને વાડ્ય ખાય, હરિવર કષ્ટ હરો. ૫૬

   ભૂપ પડાવે છે ખાતર,19 રાખે પાતર્ય20 એ,

   રાણી તણો કરે ત્યાગ, હરિવર કષ્ટ હરો;

   રાજબીજક21 નથી રાજન, અઘભાજન22 એ,

   એ ઉતપાત અથાગ, હરિવર કષ્ટ હરો. ૫૭

વૈશ્ય સુવિશ્વાસઘાતક, થયા આતક23 એ,

કપટ કરે વેપાર, હરિવર કષ્ટ હરો;

આપેલી ઓળવે24 થાપણ,25 તજી શાહપણ26 એ,

સત્ય તણા તજનાર, હરિવર કષ્ટ હરો. ૫૮

   શુદ્ર ત્રિવર્ણ સેવા તજી, કુમતિ સજી એ,

   ચોરી તણું કરે કામ, હરિવર કષ્ટ હરો;

   ચારે વર્ણ એમ ચૂકીયા, ધર્મ મૂકીયા એ,

   અધર્મ વ્યાપ્યો છે આમ, હરિવર કષ્ટ હરો. ૫૯

હે પ્રભુ વિશ્વવિલાસન,27 ગરૂડાસન એ,

કળિયુગ28 કૃષ્ણ કૃપાળ હરિવર કષ્ટ હરો;

છોજી પ્રણતજન પાળક, દુઃખ ટાળક એ,

બળ કળ બુદ્ધિ વિશાળ, હરિવર કષ્ટ હરો. ૬૦

   ભાર હર્યો જદુનંદન, ખળદંડન એ,

   તોય રહ્યો અવશેષ, હરિવર કષ્ટ હરો;

   ભાર થયો મુજ ઉપર, ક્યાં કહું પર29 એ,

   સહન કરે નહિ શેષ, હરિવર કષ્ટ હરો. ૬૧

કેને કહું કષ્ટ ક્યાં જઉં, ક્યાં સુખી થઉં એ?

તમ વિના કોણ સહાય, હરિવર કષ્ટ હરો;

આ દુઃખથી અકળાઉં છું, સુખ ચાહું છું એ,

દિલ ધરો નાથ દયાય, હરિવર કષ્ટ હરો. ૬૨

   રુદન સુણી પૃથ્વી તણું, દુઃખનું ઘણું એ,

   ડોલિયા દશ દિગપાળ,30 હરિવર કષ્ટ હરો;

   સાગર સાતે ઉછળ્યા, ગિરિયો ચળ્યા એ,

   ખળભળ્યાં સાત પાતાળ, હરિવર કષ્ટ હરો. ૬૩

રવિ શશિના રથ અટકિયા, વાયુ વટકિયા31 એ,

અટકિયાં દેવ વિમાન, હરિવર કષ્ટ હરો;

શેષ સરપપતિ સળકિયો, મેરુ ઢળકિયો એ,

ધૂર્જટિનું32 છુટ્યું ધ્યાન, હરિવર કષ્ટ હરો. ૬૪

   જાણ્યું જે જગત પ્રલે થશે, તે થકી દિસે એ,

   સુર નર સર્વ ઉદાસ, હરિવર કષ્ટ હરો;

   જાગિયા નરનારાયણ, સુકૃપાયતન33 એ,

   જગપતિ જગત નિવાસ, હરિવર કષ્ટ હરો. ૬૫

ઉપજાતિવૃત્ત

વિપત્તિ પૃથ્વી તણી સુણી લીધી, નારાયણે સદ્ય સુશાંત કીધી;

સુણાવી સદ્વાક્ય સુધા સમાન, દીધું ભલું નિર્ભય વાક્યદાન. ૬૬

મુનિ મરીચ્યાદિક જે સુહાવ્યા, સમસ્ત અઠ્યાશિ સહસ્ર આવ્યા;

બે ભાઈને સૌ નિજશીર નામી, બેઠા સમીપે સુખશાંતિ પામી. ૬૭

ત્યાં ધર્મ ભક્તિ મળી બેય આવ્યાં, ભલાં સહુના મન માંહિ ભાવ્યાં;

તે ધર્મનો દુર્બળ દેહ દિસે, જાણે પીડેલા અસુરે અતીશે. ૬૮

બેઠા દિસે છે બહુ ગાલ બેય, નાડી બધી ખુલ્લી જણાય છેય;

ન માંસ કે શોણિત દેહમાંય, ત્વચા મઢ્યું પિંજર તો જણાય. ૬૯

દેખાય છે ધર્મ શરીરમાત્ર, શિથિલ દિસે વળી સર્વ ગાત્ર;34

ભક્તિ દિસે તેથી દિલે ઉદાસી, જાણે થઈ છે જગથી નિરાશી. ૭૦

નારાયણે પૂછ્યું મુની જનોને, ક્યાંથી પધાર્યા મુજને કહોને?

મુનિ કહે ભારત વર્ષમાંથી, આવ્યા ફરીને બહુ તીર્થ ત્યાંથી. ૭૧

પાપી તણાં વૃંદ બધે ઠર્યાં છે, મલીન તીર્થો સઘળાં કર્યા છે;

સર્વત્ર ત્યાં તો કળિકાળ વ્યાપ્યો, પાખંડિયોયે શ્રુતિપંથ કાપ્યો. ૭૨

વામી વધ્યા છે બહુ આજ ટાણે, તે તો સુતા કે ભગિની ન જાણે;

જે જે પ્રકારે તહિં પાપ થાય, તે તો અમે સર્વ કહ્યાં ન જાય. ૭૩

ધર્મે કહ્યું હે પ્રભુ સત્ય એહ, તેથી જ છે દુર્બળ મુજ દેહ;

પીડા કરે પાપી જનો મને તો, ત્યાં તો હવે હું નથી શાંતિ લેતો. ૭૪

બોલ્યા સુણીને બદરીશ નાથ, સુણો મુની સૌ વૃષ ભક્તિ સાથ;

કર્યો ધરાયે અતિશે વિલાપ, સહી શકે કેમ બિચારી પાપ. ૭૫

પુષ્પિતાગ્રાવૃત્ત

કળિજુગ અતિ દુષ્ટ કષ્ટકારી, સુધરમ માર્ગ હણ્યો મળી સુરારી;

સહી નથી શકતી જ ભૂમિ ભાર, રુદન કરે અકળાઈને અપાર. ૭૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

મરીચ્યાદિમુનિબદ્રિકાશ્રમે મિલન પૃથ્વીવિલાપકરણનામા સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે