વિશ્રામ ૮
પૂર્વછાયો
વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત;
દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. ૧
ચોપાઇ
નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત;
થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભક્તિયે વાત આધીન. ૨
દશા ઉપશમ સહુની થઈ, તનની શુદ્ધિ વિસરી ગઈ;
ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. ૩
આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય;
આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ. ૪
મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર;
ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. ૫
તેથી કારમો1 ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો;
દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા2 જેવા લોઢાના ગોળા. ૬
ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક;3
ડસે4 હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. ૭
ક્રોધે થરથર ધ્રૂજે શરીર, જાણે ઉછળે સાગરનીર;
રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા5 જેવા. ૮
જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ;
પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. ૯
તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ;
ધર્મ પણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજ્યો છું મર્મ. ૧૦
હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર;
ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. ૧૧
જ્યાં ત્યાં પામો છો સતકાર ઘણો, હવે મુજને તમે શીદ ગણો;
મેલી શાસ્ત્ર તણી મરજાદ, વધ્યો પંડમા પૂરો પ્રમાદ. ૧૨
ઉપજાતિવૃત્ત (યથાયોગ્ય સનમાન દેવા વિષે)
શાસ્ત્રો વિષે સાફ લખેલ એવું, સૌને યથાયોગ્ય સુમાન દેવું;
આવેલને આદર જે ન આપે, તે તો પછી આપ પિડાય પાપે. ૧૩
વૈકુંઠથી પાર્ષદ વિષ્ણુ કેરા, પડ્યા પિડાયા વળી તે ઘણેરા;
જો શાપ પામ્યા સનકાદિકોનો, ગર્વે થયો ગંજન ગર્વિયોનો. ૧૪
સન્માન દુર્યોધનને ન દીધું, ભીમે હસીને અપમાન કીધું;
તેથી થયું સંકટ શ્રેષ્ઠ કેવું? માટે સહુને સનમાન દેવું. ૧૫
શંભુનું દક્ષે અપમાન કીધું, તો યજ્ઞ કેરું ફળ કેવું લીધું?
માટે યથાયોગ્ય સુમાન દેવું, વિવેકીયે એમ વિચારી લેવું. ૧૬
પશુ તથા પક્ષી સમસ્ત પ્રાણી, ક્રોધે ચડે છે અપમાન જાણી;
ક્રોધી વિરોધી બહુ જે જણાય, સન્માન કીધા થકી શાંત થાય. ૧૭
પુષ્પિતાગ્રાવૃત્ત
વિપરિત સમયે વિવેક જાય, સુજન તણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય;
અઘટિત ઘટિતાદિનો વિચાર, વિપરિત માંહિ રહે નહીં લગાર. ૧૮
પ્રસરિત કળિકાળ કેરી સેના, મુનિ તમનેય ઉડ્યા શું બિંદુ એના?
શુભમતિ તજીને કર્યું અકાજ, મુજ અપમાન કર્યું વિશેષ આજ. ૧૯
મુનિજન વળી ધર્મભક્તિ આપ, સહુ સુણજો તમને દઉં છું શાપ;
અવનિ ઉપર સર્વ દેહ ધારો, અસુર મળી અપમાન દે હજારો. ૨૦
સુણી ૠષિમુખચાપ6 વાક્યાબાણ, વૃષ મુનિ સર્વ ઉભા થયા સુજાણ;
કરી અતિ વિનંતિ વળી ઉચાર્યું, નથી અપમાન અમે કર્યું તમારું. ૨૧
પ્રભુમુખ તણી વાતમધ્ય ધ્યાન, ૠષિ અમને વિસર્યું શરીરભાન;
ખબર ન પડી જે તમે પધારો, નહિ સતકાર અમે થયો તમારો. ૨૨
અનુગ્રહ કરિયે ૠષીજી આપ, વીણ અપરાધ દીધો તમે જ શાપ;
સુણી ૠષિ ઉચર્યા સુસત્ય માનો, નહિં મુજ શાપ કદી વૃથા થવાનો. ૨૩
નહિ નહિ ૠષિ અંગિરા હું થાઉં, નહિ નહિ ગૌતમ તુલ્ય હું ગણાઉં;
પ્રલયકરણ રુદ્રઅંશ હું છું, સુર નર ગર્વ સદૈવ હું હરું છું. ૨૪
ફરી નવ કરશો અયોગ્ય આમ, તજી મરજાદ કદાપિ આવું કામ;
અનુગ્રહ બદરીશથી કરાશે, મુનિ વૃષ તો મુજ શાપથી મુકાશે. ૨૫
પછી ૠષિ વિચર્યા મહેશવાસ,7 વૃષ મરીચ્યાદિ થયા ઘણા ઉદાસ;
પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન, ધર્યું નિજ મૂળસ્વરૂપ8 કેરું ધ્યાન. ૨૬
વચન સુપુરુષોત્તમે ઉચાર્યું, જનમ ધર્યાનું અમે જ આજ ધાર્યું;
મિષ ૠષિવર શાપનો પ્રમાણો, મુજ રુચિ હેતુ જરૂર સર્વ જાણો. ૨૭
બહુ મુજ કળઅંશ9 જન્મ લીધા, નહિ બહુ જીવ અનન્ય મુક્ત કીધા;
અતિ કળિબળ આજ ટાળી દૈશ, સકળ કળા ધરી હું જ જન્મ લૈશ. ૨૮
વૃષ મુનિ સહુને સુધૈર્ય આપો, કહી મુજ વાત ઉદાસી સર્વ કાપો;
વળી વૃષ પ્રતિ બોલજો વિશેષે, તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. ૨૯
બદરિશ પછી ધ્યાનમાંથી જાગ્યા, મુનિમન કષ્ટ મટાડવા જ લાગ્યા;
ઉદિત10 વચન અક્ષરેશ11 જેહ, સકળ કથા સહુને સુણાવી તેહ. ૩૦
તદપિ ન મુનિ પામિયા જ શાંતિ, રહી મન માંહી અનેક વાત ભ્રાંતિ;
ક્ષીરનિધિ12 થકી મુક્ત યુકત એવા, બદરિશ પાસ મળ્યા સુવાસુદેવા. ૩૧
અજ સુર રવિ ચંદ્ર ઈંદ્ર આવ્યા, નિજ નિજ પત્નિ સમેત તે સુહાવ્યા;
સહુ નિજ નિજ વાહને ચડીને, વિચરી નમ્યા પ્રભુપાવમાં પડીને. ૩૨
શિવ પણ વૃષપીઠ13 સ્વાર થૈને, ગિરિતનયા14 ગણનાથ સાથ લૈને;
અતિ ઉર હરખી તહાં જ આવ્યાં, સહચર15 ભૂત પિશાચ વૃંદ લાવ્યા. ૩૩
ગગન અવનિ વીરહાક16 ગાજે, ડમરુ વિશેષ વિષાણ17 ડાક વાજે;
ત્રિનયન18 ગળધારી19 રુંડમાળા,20 તન પર તેમ ધર્યા ભુજંગ21 કાળા. ૩૪
બદરીશપદને નમ્યા પુરારી,22 સકળ સભાસદને નમો ઉચારી;
બહુ મુદ ધરિને તહાં બિરાજ્યા, જય જયકાર કહે સહુ સમાજા. ૩૫
પછી બદરિશ બોલિયા વિચારી, બની હતી વાત બધીય તે ઉચારી;
નરતનું ધરશે જ અક્ષરેશ, સુણી સહુ દેવ ખૂશી થયા વિશેષ. ૩૬
વળી ગિર23 કહે શ્વેતદ્વીપવાસી,24 મુનિજન સર્વ સહસ્ર છો અઠ્યાશી;
વૃષ વૃષપતની સુણો સુએહ, જઈ મુદ ધારી ધરો મનુષ્યદેહ. ૩૭
પરમપુરુષ અક્ષરેશ આપ, તનુ ધરી પૂર્ણ જણાવશે પ્રતાપ;
વૃષઘર હરિ એ જ જન્મ લેશે, તમ સહુને સુખ તે અનંત દેશે. ૩૮
તમ કર કરી કૈંક કામ સારાં, પ્રભુ કરશે બહુ લાડ ત્યાં તમારા;
હૃદય અધિક એથી રાજી થાવું, નહિ મનમાં લવમાત્રયે મુંઝાવું. ૩૯
જનતન ધરશે અનેક મુક્ત, જય કરશોજી તમો સમસ્ત યુકત;
મુગત25 કંઇક તો ગૃહસ્થ થાશે, કંઈ થઈ ત્યાગી રહી પ્રભુની પાસે. ૪૦
મુનિજન સરવે તમેય તેમ, પ્રભુપદ સેવન પામશો જ એમ;
પ્રથમ મનુજ26 ઉદ્ધવે થઈને, નિજમત શુદ્ધ પ્રસારવો જઈને. ૪૧
સુણી પ્રભુમુખ કેરી વાત આમ, સુર મુનિ સર્વ સિધાવિયા સ્વધામ;
ધરી નરતનું ઉદ્ધવે મહીશ, પુનિત કથા તુજને હું તે કહીશ. ૪૨
વૃષ વૃષપતની તથા હરિ છે, જનમ લીધાની કથા તને કહી છે;
નરતનું ધરી જેમ ઉદ્ધવે તો, સુણ નૃપ એહ કથા કહું હવે તો. ૪૩
અવધનગર ગોત્ર કાશ્યપેય, સરવરિયા ૠગવેદિ વિપ્ર તેય;
અજય સુમતિ તાત માત નામ, પરમ પવિત્ર ઉદાર ધર્મધામ. ૪૪
સતર શતક નેઉ પાંચ27 જ્યારે, વરષ હતું નૃપ વિક્રમાર્ક ત્યારે;
તિથિ પણ શુભ કૃષ્ણજન્મની છે, રવિ ઉદયે તનુ ઉદ્ધવે ધરી છે. ૪૫
કૃત નિજ જનકે28 સુજાતકર્મ, ધૃત29 શુભ નામ વિચારી રામશર્મ;
વય વસુ30 વરષે જનોઈ દીધી, વરણી થઈ પછી તીર્થવાટ લીધી. ૪૬
મુનિજન વૃષ આદિ જન્મ લેશે, કળિ તણું જોર બધું મટાડી દેશે;
કળિજુગ પણ એવી વાત જાણી, નિજ ઉર બીક અપાર એથી આણી. ૪૭
પછી નિજ પરિવારને કહે છે, મુજ મન બીક બહુ બહુ રહે છે;
હરિ મુનિ હરશે તમારું રાજ, પ્રથમ વિચારી કરો ઉપાય આજ. ૪૮
સુણી પછી ઉચર્યો અનંગ31 આપે, કરીશ પ્રવેશ હું આપને પ્રતાપે;
સુર નર મુનિ કોઇયે લગાર, નથી મુજને જગ માંહિ જીતનાર. ૪૯
પછી વળી ઉચર્યો વિચારી ક્રોધ, કદી હઠશે રણમાંથી કામ જોધ;32
પણ કરી બળ બુદ્ધિ હું હરીશ, મુનિજનનાં વ્રત ભંગ હું કરીશ. ૫૦
સુણી મુખ ઉચર્યો પછીથી લોભ, હઠી ધરશે કદી કામ ક્રોધ ક્ષોભ;
પણ મહિતળ માંહિ કોઈ વાર, નથી નથી કોઈ મને જ જીતનાર. ૫૧
શુધ બુધ સઘળી વિનાશકારી, નથી મુજ તુલ્ય બીજો સુણ્યો સુરારી;
સ્વજન સ્વજનમાં કરું કુસંપ, જર અરર્થે ન થવા દઊંજ જંપ. ૫૨
કુરુકુળ પણ મેં વિનાશ કીધું, પણ ધન કાંઈ જ હાથમાં ન દીધું;
મૃગજળવત33 દૂરથી બતાવું, કરી મતિહીણ સગાં સગાં લડાવું. ૫૩
સુણી વળી ઉચર્યો મુખેથી માન, નથી મુજ તુલ્ય શૂરો સુણ્યો જ કાન;
જદુકુળ પણ મેં વિનાશ કીધું, સકળ સુજાણપણું ભૂલાડી દીધું. ૫૪
તન ધન ઘરબાર લાજ જાય, અતિ અપકીર્તિ જનો વિષે જણાય;
તન તજી યમલોકમાં જવાય, તદપિ કદી મુજને નહી મુકાય. ૫૫
તજુ તન અભિમાન એમ બોલે, પણ તજતાં ગિરિ મેરુશૃંગ34 ડોલે;
અવર સરવને સુબોધ આપે, પણ અભિમાન નિજાંતરે જ વ્યાપે. ૫૬
રજ તમ ગુણને રસાસવાદ, પરઇરષા મદ મોહ ને પ્રમાદ;
નિજ નિજ બળનાં વખાણ કીધાં, કળિજુગ તેહ સુણી સમસ્ત લીધાં. ૫૭
જદુપતિ હરિયે હણેલ જેહ, અસુર અનેક સવાસનીક તેહ;
સકળ અસુર તેહ વેર લેવા, જનમ ધર્યા દુઃખ સંતને જ દેવા. ૫૮
મુનિજન વૃષ ભક્તિ ધારી કાય, પ્રથમ કથા તમને સુણાવી રાય;
મહિતળ મત ઉદ્ધવે ચલાવ્યો, પુનિત પ્રસંગ કહીશ ચિત્ત ભાવ્યો. ૫૯
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે
ઉદ્ધવજન્મકથનબદ્રિકાશ્રમે દુર્વાસઃશાપકથનનામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥