કળશ ૪

વિશ્રામ ૯

પૂર્વછાયો

વર્ણી કહે વસુધાપતિ, કહું રામાનંદની વાત;

તીરથ કરવા સંચર્યા, દ્વારાવતિ વિષે વિખ્યાત. ૧

ચોપાઇ

રુડા નિરખીને રણછોડરાય, થયા ત્યાં થકી તેહ વિદાય;

ગયા જ્યાં ગિરિ છે ગિરનાર, કરી જાત્રા તેની સુખકાર. ૨

વળી સાંભળી ત્યાં એવી વાત, એક સદ્‌ગુરુ છે સાક્ષાત;

આતમાનંદ તે ગુરુરાજ, ત્રંબા ગામમાં છે એ તો આજ. ૩

પછી ત્યાં જઈ તેઓને મળિયા, કાંઈ મનના મનોરથ ફળિયા;

મુક્તાનંદ તથા જુક્તાનંદ, તેના શિષ્ય હતા જનવૃંદ. ૪

હરબાઈ અને વાલબાઈ, સતસંગી હતી બહુ ડાઈ;

આતમાનંદે વાણી ઉચ્ચારી, તમે ક્યાંથી આવ્યા બ્રહ્મચારી? ૫

રામશર્મા કહે મહારાજ, આવ્યો દ્વારાવતિ થઈ આજ;

ઘણા તીરથ માંહિ હું ફર્યો, ક્યાંઈ જીવ મારો નવ્ય ઠર્યો. ૬

ધારી પ્રભુ મળવાની આશ, થયો સર્વ સ્થળે હું નિરાશ;

ક્યાંઈ સદ્‌ગુરુ દીઠા ન કોઈ, ઠર્યું અંતર તમને જ જોઈ. ૭

રુડી દીઠી તમારી મેં રીત, જ્ઞાની ધ્યાની છો પરમ પુનીત;

આત્માનંદે મુમુક્ષુ તે જાણી, સતકાર કર્યો ભાવ આણી. ૮

રામશર્માને રાખિયા ત્યાંય, મુદ પામ્યા સહુ મનમાંય;

પછી દીક્ષા દીધી સુખકંદ, ધર્યું નામ તેનું રામાનંદ. ૯

રામાનંદે કહ્યું ગુરુ પાસ, મને હરિદર્શનની છે આશ;

આત્માનંદ બોલ્યા ગુણવાન, મારી સાથે બેસી ધરો ધ્યાન. ૧૦

બેઠા બેય તે ધ્યાન મોઝાર, દીઠું ધ્યાનમાં તેજ અપાર;

પછી ધ્યાનથી જાગિયા જ્યારે, રામાનંદે કહ્યું વળી ત્યારે. ૧૧

દીઠું ધ્યાનમાં તેજ તો ઘણું, રૂપ દીઠું નહિ હરિ તણું;

આત્માનંદ કહે સુણો સંત, તમે દીઠું જે તેજ અત્યંત. ૧૨

નિરાકાર નિરંજન જાણો, પ્રભુ પ્રત્યક્ષ એ જ પ્રમાણો;

નથી ઈશ્વરને તો આકાર, એ તો વ્યાપક છે સર્વ ઠાર. ૧૩

એવી વાત સુણી દુઃખદાઈ, રામાનંદ ગયા ગભરાઈ;

ગભરાટથી મુરછા થઈ, તનની શુદ્ધિ વીસરી ગઈ. ૧૪

પાછું ભાન આવ્યું જેહ વાર, ત્યારે ચિત્તમાં કીધો વિચાર;

જેનું વેદ તો સ્તવન કરે છે, તે તો શ્રીહરિ કાન ધરે છે. ૧૫

વળી મુક્ત જે અક્ષર જેવા, જેના ચરણ તણી કરે સેવા;

એવા ઈશ્વરના જે આકાર, વેદમાં લખ્યા વારમવાર. ૧૬

તેને કોણ કહે નિરાકાર, એ તો વેદ વિરુદ્ધ વિચાર;

તેજ દીઠું મેં ધ્યાનમાં જેહ, પુરુષોત્તમ તો નહિ તેહ. ૧૭

જ્યાં સુધી નથી મૂર્તિ જણાતી, ત્યાં સુધી નથી શાંતિ જ થાતી;

આવા ગુરુથી નહિ સરે અર્થ, મેં તો આવા ગુરુ કર્યા વ્યર્થ. ૧૮

ઉપજાતિવૃત્ત (અજ્ઞાની ગુરુને તજવા વિષે)

જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વરના ઉથાપે;

જેથી હરિનું નહિ જ્ઞાન થાય, તેવા ગુરૂને તજીયે સદાય. ૧૯

તે બ્રહ્મવૈવર્તપુરાણમાં છે, શ્રીવિષ્ણુધર્મોત્તરમાં તથા છે;

તેની સ્મૃતિ તો મુજને થઈ છે, તો કોણ એવા ગુરુને જ ઇચ્છે? ૨૦

સદ્ધર્મથી જે ગુરુ ભ્રષ્ટ થાય, કુબોધ તો તે કરતા જણાય;

જો ઇચ્છિયે આપનું શ્રેય ઊર, તેવા ગુરૂને તજીયે જરૂર. ૨૧

જાણે નહિ કાર્ય અકાર્ય જેહ, કાં તો દિસે જો ગર્વિષ્ઠ તેહ;

કુમાર્ગમાં કાંઈ જણાય રાગ, તેવા ગુરૂનો કરિયે જ ત્યાગ. ૨૨

જે જ્ઞાન ભક્તિ થકી હોય હીન, તે તો ગુરૂ યોગ્ય ન કોઈ દિન;

તેને તજ્યામાં નહિ કાંઈ પાપ, કહે સુકાત્યાયન1 એમ આપ. ૨૩

પિતા ગુરૂ પુત્ર સખા નરેશ, ભ્રાતા ભલે તે ખપના ન લેશ;

પ્રભુ વિષે પ્રેમ નહિ કરાવે, તે તો સગા સર્વ વૃથા કહાવે. ૨૪

વિશ્વાસ શિષ્યો ગુરુનો ધરાવે, કુમાર્ગમાં તે ગુરુ તો ચડાવે;

તે કુંભિપાકે ગુરુ જૈ વસે છે, જ્યાં સુધી ભાનુ શશિ તે દિસે છે. ૨૫

કામી ગુરૂ વૈષ્ણવ વેશ રાખે, શિષ્યાંગનાનો2 પણ સ્વાદ ચાખે;

પાપિષ્ઠ બુદ્ધિ વિષયાનુરાગ, તેવા ગુરૂનો કરિયે જ ત્યાગ. ૨૬

છે પાપ ઝાઝું વ્યભિચાર કેરું, શિષ્યાંગનાનું અતિશે ઘણેરું;

ગુરુસ્ત્રી સંગે અતિ પાપ જેવું, શિષ્યાંગનાનું પણ પાપ તેવું. ૨૭

સ્વધર્મ છોડી મુખજ્ઞાન ભાખે, ભક્તિ ભલે તે નવધાય રાખે;

સ્ત્રીવશ્ય આત્મા વળી હોય જેનો, કરે સુશિષ્યો પરિત્યાગ તેનો. ૨૮

આસક્ત નારીતન માંહિ જે છે, એવા ગુરૂને ગુરૂ જે કરે છે;

તો જ્ઞાન ભક્તિ નહિ રે પમાય, નપુંસકે જેમ પ્રજા ન થાય. ૨૯

તપસ્વી કામી વળી ક્રોધી હોય, લોભી અધર્મી ગુરુ હોય કોય;

આકાર ખંડે હરિનો હંમેશ, તેવા ગુરૂને તજીયે વિશેષ. ૩૦

ચોપાઇ

આત્માનંદમાં સૌ ગુણસાર, પણ ખંડે3 હરિનો આકાર;

રામાનંદે વિચારીને વાત, તેનો ત્યાગ કર્યો સાક્ષાત. ૩૧

ચાલ્યા સદગુરુની ખોળ કરવા, દિશ દક્ષિણમાં તીર્થ ફરવા;

ગયા તોતાદ્રિ પર્વત પાસ, બેઠા ધ્યાનમાં પામી હુલાસ. ૩૨

સર્વ વૈષ્ણવાચાર્ય ગણાય, રામાનુજ નિજ નામ ભણાય;

તેણે પ્રત્યક્ષ દર્શન દીધું, રામાનંદનું કારજ સીધું. ૩૩

કરુણાનિધિ કરુણા કીધી, વૈષ્ણવી મહાદીક્ષા તે દીધી;

રામાનંદે કહ્યું દયા લાવો, કૃષ્ણદર્શન મુજને કરાવો. ૩૪

તમે છો શેષનો અવતાર, ગીતાભાષ્ય તમે કરનાર;

વ્યાસસૂત્રનું ભાષ્ય ઉચાર્યું, વિશિષ્ટાદ્વૈત મત વિસ્તાર્યું. ૩૫

માર્ગ ઉપાસનાનો જેહ, જ્યારે નાશ થયો હતો તેહ;

ફરીથી તમે સ્થાપન કર્યો, મતવાદી તણો મદ હર્યો. ૩૬

એવા સદગુણ છે જી તમારા, કરો પૂર્ણ મનોરથ મારા;

સુણી બોલ્યા રામાનુજ વાણી, તમે તો નથી પ્રાકૃત પ્રાણી.4 ૩૭

કૃષ્ણના છો એકાંતિક ભક્ત, નામે ઉદ્ધવ પરમ વિરક્ત;

તેથી પામ્યા મારું દરશન, નવ પામે તે પ્રાકૃત જન. ૩૮

કૃષ્ણમંત્ર બે તમને દીધા, મુજપાસ થકી તમે લીધા;

તેનો કરજો જથાવિધિ જાપ, દેશે દર્શન શ્રીહરિ આપ. ૩૯

મારા આશ્રિત મુખ્ય છો તમે, માટે આપિયે આગન્યા અમે;

મુમુક્ષુને કરો ઉપદેશ, વિચરો વળી દેશ વિદેશ. ૪૦

મારા સંપ્રદાયી જન જેહ, બહુ કરશે અદેખાઈ એહ;

જોશે પ્રૌઢ પ્રતાપ તે જ્યારે, તમને દુઃખ દેશે તે ત્યારે. ૪૧

સંપ્રદાય જુદો તમે કરજો, ઊર્ધ્વપુંડ્ર5 ચારે અંગે ધરજ્યો;

વચ્ચે કુંકુમ ચંદ્રક6 સારો, ગળે તુળસીની માળ બે ધારો. ૪૨

કૃષ્ણે આપ્યું છે તમને જ્ઞાન, પ્રસરાવજો સઘળે સ્થાન;

એટલી કરજો નવી રીત, મારી આજ્ઞા તે ધારીને ચિત્ત. ૪૩

સંપ્રદાય તમારો સ્થપાય, ઉદ્ધવી સંપ્રદાય ગણાય;

એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા ગુલતાન. ૪૪

પછી ત્યાં કરી પોતે નિવાસ, કર્યો શાસ્ત્રવિદ્યાનો અભ્યાસ;

વળી દેવા લાગ્યા ઉપદેશ, થયા તે થકી શિષ્ય વિશેષ. ૪૫

જન વૈષ્ણવ જે જે ગણાય, તેને પૂજવા જોગ્ય જણાય;

ઘણો પ્રૌઢ પ્રતાપ નિહાળી, જૂના સાધુ શક્યા નહિ ભાળી. ૪૬

કહે છે મત જુદું તમારું, તજો કંઠી ને તિલક અમારું;

તમે સાધુની નિંદા કરો છો, ગાંજા ભાંગ્યને દેખી ડરો છો. ૪૭

એવું પાખંડ ચલવો છો તમે, માટે તમને ન માનિયે અમે;

લેશું બાળમુકુંદ ઝૂંટાવી, સિંહાસન ભાંગી નાંખશું આવી. ૪૮

એવા એવા ઉપદ્રવ કીધા, વળી મારવાના ડર દીધા;

સર્વ સહન કર્યું ક્ષમા આણી, પણ કેડે પડ્યા પાપી પ્રાણી. ૪૯

ત્યારે ત્યાં થકી વિચર્યા વિદેશ, ધર્યો કોઈ ન જાણે તે વેશ;

વૃંદાવનમાં કર્યો જઈ વાસ, મંત્રજપ તણો કીધો અધ્યાસ. ૫૦

ધરી બેઠા સમાધિમાં ધ્યાન, દીધું કૃષ્ણે ત્યાં દર્શનદાન;

બોલ્યા શ્રીકૃષ્ણ કરીને પ્યાર, તમે ઉદ્ધવનો અવતાર. ૫૧

દુરવાસાનો પામિયા શાપ, તેથી નરતનું ધાર્યું છે આપ;

તમે ભક્ત એકાંતિક મારા, વળી છો મુજને બહુ પ્યારા. ૫૨

રામાનુજ થકી દીક્ષા લીધી, પણ પાપીએ બહુ પીડા કીધી;

માટે મારગ જુદો ચલાવો, ઉદ્ધવી સંપ્રદાય ફેલાવો. ૫૩

દિલે ડર નવ ધરશો લેશ, નાશ પામશે દુઃખ વિશેષ;

મહામંત્ર નવા આપું બેય, રામાનુજનાથી તે જુદા છેય. ૫૪

દૈવી જીવને તે મંત્ર દેજો, નિજ શિષ્ય તેને ગણી લેજો;

એમ કહી મંત્ર બેય બતાવ્યા, રામાનુજના હતા તે તજાવ્યા. ૫૫

પુષ્પિતાગ્રાવૃત્ત

હિત ધરી હરિયે સુમંત્ર દીધા, વળી સતસંગ વિષે પ્રમુખ કીધા;

કહી શુભ તુજને કથા મહીશ, વળી અવશેષ કથા હવે કહીશ. ૫૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃંદાવને શ્રીકૃષ્ણાત્ રામાનંદમહામંત્રપ્રાપ્તિનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે