વિશ્રામ ૧૦
પૂર્વછાયો
કહે અચિંત્યાનંદજી, તમે સુણો અભેસિંહ ભ્રાત;
લીલા કરી માંગરોળમાં, તેની કહું વિશેષે વાત. ૧
ચોપાઈ
રામાનંદસ્વામી હતા જ્યારે, માંગરોળ વિષે તેહ વારે;
બાંધ્યું હતું સદાવ્રત એક, આવતા તીર્થવાસી અનેક. ૨
કર્યું’તું વેરાગીયે તોફાન, તેથી બંધ કર્યું અન્નદાન;
સહજાનંદ સ્વામીયે ધાર્યું, અહીં કરિયે સદાવ્રત સારું. ૩
આતમારામ નામે વેરાગી, તેની જગ્યા જથાજોગ્ય લાગી;
તેને બોલાવીને કહ્યું ત્યારે, અન્નસત્ર તો કરવું અમારે. ૪
તેને યોગ્ય છે જગ્યા તમારી, તમે કામ કરો મન ધારી;
ખર્ચ થાશે તે આપશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. ૫
સાધુ રાખશું ચાર અમારા, બીજા રાખજો સાધુ તમારા;
એવી રીતે કહ્યું ઘનશામે, વાત માની તે આતમારામે. ૬
ચાર સાધુ મુક્યા એહ ઠામ, હવે હું કહું તેહનાં નામ;
મુક્યા આનંદસ્વામીની પાસ, એક તો રામસેવકદાસ. ૭
હરિદાસ અને દેવાદાસ, રાખ્યો ચારેનો ત્યાંજ નિવાસ;
પછી માંડ્યું સદાવ્રત દેવા, તીર્થવાસી આવે બહુ લેવા. ૮
કૈંક માસ પછી તેહ કામે, કરી ગરબડ આતમારામે;
સંત સાથે તો ઇરષા વાધી, અતિ કરવાને માંડી ઉપાધી. ૯
આનંદાનંદ ને હરિદાસે, પછી જગ્યા કરી વાવ્ય પાસે;
સાધુ ચારે ગયા ત્યાં રહેવા, માંડ્યું ત્યાં જ સદાવ્રત દેવા. ૧૦
એ જ રીતે વળી બીજે ગામે, અન્નસત્ર કર્યાં ઘનશામે;
સુણજો અભેસિંહ મહીશ, કથા તે તો પછીથી કહીશ. ૧૧
માંગરોળ તણી વળી વાત, કરું એહ પ્રસંગે પ્રખ્યાત;
એક દૂધતળાવડી નામ, તેમાં નાવા ગયા ઘનશામ. ૧૨
સાથે શેઠ હતા રામચંદ્ર, કર્યું સ્નાન ધરીને આનંદ;
નાવાનું હતું નિરમળ નીર, ધોવા પથ્થર નહિ તેને તીર. ૧૩
ત્યાંથી વેગળે પગલાં સાઠ, હતો પથ્થર મણ શત આઠ;
રામચંદ્રે ત્યાં દૃષ્ટિ ધરીને, હરિને કહ્યું હાસ્ય કરીને. ૧૪
તમે ઈશ્વરનો અવતાર, ગિરિ ગોવરધન ધરનાર;
આણો આ પથરો આ ઠેકાણે, ત્યારે જન ખરા ઈશ્વર જાણે. ૧૫
સુણી શ્રીહરિયે કહ્યું એને, લગાડો હાથ જૈ તમે તેને;
અહો ભક્ત તમારે પ્રતાપે, ઉડી પથ્થર આવશે આપે. ૧૬
પછી જૈ તેણે હાથ લગાવ્યો, ઉડી પથ્થર પાણીમાં આવ્યો;
તેના ઉપર અંચળ ધોયાં, તે તો નજરે ઘણા જને જોયાં. ૧૭
રામચંદ્ર કહે મહારાજ, આપે ઐશ્વર્ય દેખાડ્યું આજ;
આવ્યો પથ્થર આપ પ્રતાપે, સૌના ઈશ્વર છો તમે આપે. ૧૮
કહે શ્રીહરિ સાંભળો શા’ય, ગિરિ ઊપાડ્યે જો પ્રભુ થાય;
ગિરિ ઉપાડ્યો અંજનીતન, તેનો કાંકરો ગોવરધન. ૧૯
એટલાથી જો ઈશ્વર થાત, હનુમાન પ્રભુ કહેવાત;
પ્રભુ થાય જો પથ્થર તારે, નળનીલને સૌ પ્રભુ ધારે. ૨૦
ઉપજાતિવૃત્ત (ઈશ્વરના કામ વિષે)
સેજે કરાવે જનને સમાધિ, રહે નહી અલ્પ કશી ઉપાધિ;
જુવે જઈને જન વિષ્ણુધામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૧
નાણા વડે તો જન વશ્ય થાય, કે શસ્ત્રથી રાજ્ય ઘણાં જીતાય;
વિના ધને જો વશ થાય આમ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૨
લાખો જનો નામ ભજે જ જેનું, ખરા દિલે ધ્યાન ધરે જ તેનું;
તજે કહે તો ધન નારી ધામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૩
પક્કા પુરા જે પરધર્મી હોય, જેને નહી જીતી શકે જ કોય;
તે શિષ્ય થૈ પાય કરે પ્રણામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૪
જુદા જુદા પંથી જનો ઘણાય, તે સર્વના ઈષ્ટ થઈ જણાય;
જપે પછી તે જન તેનું નામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૫
જે હિંસકો ચોર તથા લૂંટારા, તે ધર્મ પાળે થઈ શુદ્ધ સારા;
એની ધરે જે કરમાં લગામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૬
મનુષ્યથી જેહ ક્રિયા કરાય, તેવી ક્રિયા તો કરશે બીજાય;
જે તુલ્ય બીજો નહિ કોઈ ઠામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૭
ધીમે ધીમે તો પ્રસરાય પંથ, ધીમે ધીમે શ્રેષ્ઠ રચાય ગ્રંથ;
લે અલ્પ કાળે કરીને વિરામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ૨૮
જે કામ શીખ્યાથી કરી શકાય, તે કામ તો માણસનું ગણાય;
લાખો જનોનાં મન વશ્ય આણે, એ તો કળા ઈશ્વર એક જાણે. ૨૯
ચોપાઈ
એવી વાત કરી બહુ સારી, પછી આવ્યા ઉતારે મુરારી;
વાત સર્વે થઈ તે વિખ્યાત, જને જાણ્યા પ્રભુ સાક્ષાત. ૩૦
એવાં ચરિત્ર હરિનાં અપાર, શેષ શારદા પામે ન પાર;
સુણતાં પ્રાણી પાવન થાય, કોટિ જન્મનાં પાતક જાય. ૩૧
વળી મેઘજીની કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
માંગરોળમાં મેઘજી નામ, કરે સુખડિયા કેરું કામ. ૩૨
રામાનંદનો શિષ્ય વરિષ્ઠ, હતો તે તો સમાધિ નિષ્ઠ;
અભિમાન સમાધિનું આણે, પોતાને પ્રભુથી શ્રેષ્ઠ જાણે. ૩૩
જ્યારે વાત તે શ્રીજીયે જાણી, તેની લીધી સમાધિને તાણી;
ગર્વગંજન શ્રીભગવાન, હર્યું મેઘજીનું અભિમાન. ૩૪
મેઘજીગર્વગંજન નામ, પડ્યું શ્રીહરિનું તેહ ઠામ;
પછી ભાદરવો ભલો આવ્યો, વરસાદ ભલો વરસાવ્યો. ૩૫
આવ્યો હસ્તે1 નિશાકર2 જ્યારે, કર્યું કૃષ્ણે ઉપાકર્મ3 ત્યારે;
ગણનાથ4 ચતુર્થી આવી, લંબોદરને પૂજ્યા ભાવ લાવી. ૩૬
આવી જળઝીલણી એકાદશી, કર્યો ઉત્સવ તે તહાં વસી;
પછી ત્યાંથી ચાલ્યા ઘનશામ, કાલવાણિયે કીધો મુકામ. ૩૭
વિપ્ર ભક્ત ભલો જીવરામ, તેને ઘેર કર્યો વિશ્રામ;
સજે સેવા તે ગામના જન, કહું નામ પરમ પાવન. ૩૮
વિપ્ર મેઘજી ને જેરામ, ભીમ લક્ષ્મણ ને અંબારામ;
ભક્ત જાદવજી રઘુનાથ, એહ આદિક વિપ્રનો સાથ. ૩૯
ઘેલો રાજો તથા જીવરાજ, કરે પર્વત તો કૃષિકાજ;5
જેઠાભાઈ બે વણિક નિવાસ, ખોડો મૂળજી ને હરદાસ. ૪૦
નરસિંહ ને વસતો જાણો, જેઠો જૂઠો બે ભાઈ પ્રમાણો;
આંબો કેશવ ને કરશનજી, ભક્ત લક્ષ્મણ ને માધવજી. ૪૧
ભલા ભક્ત અનન્ય જે એવા, સ્નેહે શ્રીહરિની સજે સેવા;
હરિભક્ત જે બાઇયો હતી, તેનાં નામ સુણો નરપતિ. ૪૨
મધુ તેજુ હિરુ જીવુ ફૂલી, ભજે ભગવાનને બીજું ભૂલી;
બીજા પણ હજારો જન આવે, શ્રીજી સૌને સમાધિ કરાવે. ૪૩
સાધી સાધન સિદ્ધ દેખાય, અનાયાસે એવા જન થાય;
જાણે અષ્ટાંગ જોગની જુક્તિ, જાણે જેવી રીતે મળે મુક્તિ. ૪૪
જાણે શાસ્ત્રનો સાર તે આપ, તે તો સત્સંગનો જ પ્રતાપ;
નહિ શાસ્ત્રીથી જીતી શકાય, તે તો શ્રીહરિનો મહિમાય. ૪૫
અણિમાદિક સિદ્ધિયો જેહ, આઠે પ્રાપ્ત કરી લીધી એહ;
જન બાળ જુવાન ને વૃદ્ધ, થયા કૈંક જેવા હોય સિદ્ધ. ૪૬
કાયા રાખવી કે તજી દેવી, પામ્યા સર્વે સ્વતંત્રતા એવી;
કરે પર તન માંહી પ્રવેશ, જાણે પર મન વાત વિશેષ. ૪૭
કોઈ પરને સમાધિ કરાવે, સમાધિમાંથી દેહમાં લાવે;
કૈંક પર જનનાં નાડી પ્રાણ, ખેંચી જાણે એવા તે સુજાણ. ૪૮
નિજમૂર્તિમાં શામ સુજાણ, ખેંચે દાસનાં મન અને પ્રાણ;
તેથી સર્વે સમાધિમાં જાય, એથી લોકને અચરજ થાય. ૪૯
જુદાં આસન ક્યારે વળાવે, પછી તેને સમાધિ કરાવે;
બેસે કોઈક તો સિદ્ધાસને, બેસે કોઈક પદમાસને. ૫૦
વળી કોઈ વીરાસન કરે, સ્વસ્તિકાસને કોઈક ઠરે;
સુવે કોઈ શબાસન કરી, તેને રાખે સમાધિમાં હરી. ૫૧
ગંજ કાષ્ટનો ખડકે જેમ, મૂકે ઉપરા ઉપરી તેમ;
કોઈને એક પ્રહરે ઉઠાડે, કોઈને જુગ પ્રહરે જગાડે. ૫૨
કોઈને રજની દિન જાતાં, કોઈને પખવાડિયું થાતાં;
કોઈને એક માસ બે માસે, પ્રભુ ઉઠાડી બોલાવે પાસે. ૫૩
કોઈને દૃષ્ટિમાત્રે જગાડે, કાં તો સંકલ્પથી જ ઉઠાડે;
સમાધિને સુખે તે લોભાઈ, જેહ આવે નહિ દેહમાંઈ. ૫૪
તેને તદાત્મયોગે કરીને, પ્રભુ દેહમાં લાવે ફરીને;
જે જે ધામમાં તે જઈ આવે, ત્યાંની વાત સભામાં સુણાવે. ૫૫
કોઈ વૈકુંઠની કહે વાત, કોઈ ગોલોકની સાક્ષાત;
કોઇ અક્ષરમાં જઈ આવે, ત્યાંની વાત કહીં સંભળાવે. ૫૬
ત્રણ લોક તણી કહે કોઈ, કોઈ તો કહે બ્રહ્માંડ જોઈ;
કોઈ તો ધામમાં જઈ આવે, ત્યાંની વસ્તુ અલૌકિક લાવે. ૫૭
ભુમાપુરુષ કે વદનહજાર,6 કોઈ લાવે તેના સમાચાર,
બદ્રિકાશ્રમ કે શ્વેતદ્વીપ, જોઈ વર્ણવે સર્વ સમીપ. ૫૮
કાલવાણીમાં શ્રીહરિ આપ, એવો પ્રૌઢ જણાવ્યો પ્રતાપ;
દસરાનો દિવસ ત્યાં આવ્યો, સારો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
શરદ પુનમ ત્યાં જ કીધી શામે, બહુ હરિભક્ત મળ્યા જ એહ ઠામે;
કરી દરશન ધર્મપુત્ર કેરાં, જનમન શાંત થયાં અતિ ઘણેરાં. ૬૦
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
કાલવાણીગ્રામે શ્રીહરિ-સમાધિપ્રતાપવર્ણનનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥