વિશ્રામ ૧૧
પૂર્વછાયો
ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જ્યાંય;
લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય. ૧
ચોપાઈ
કાલવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે;
કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. ૨
આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું;
જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુક્તનો કીધો મેળાપ. ૩
ગાદી પામ્યા પછી કોઈ વાર, તમે આવ્યા નથી એહ ઠાર;
અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. ૪
સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ;
કાલવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. ૫
એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ;
માટે શી રીતે અહિંથી જવાય? મારું વેણ મિથ્યા કેમ થાય? ૬
સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી;
અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. ૭
વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી;
હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. ૮
સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ;
કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. ૯
ધનતેરશ આવશે જ્યારે, અમે ત્યાં આવશું તેહ વારે;
સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. ૧૦
જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો;
કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. ૧૧
ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજ્યા ચૌદશે હનુમંત વીર;
પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. ૧૨
અન્નકૂટ તણો દિન આવ્યો, ભલો તે હરિજન મન ભાવ્યો;
કર્યો ગોમય1 ગોવરધન, કર્યું પ્રેમથી તેનું પૂજન. ૧૩
પૂર્યા પાક શાક પકવાન, કરે મુનિજન હરિગુણ ગાન;
વાજે ભુંગળ તાલ મૃદંગ, સૌને આનંદ ઉપજ્યો અંગ. ૧૪
જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી સાંજે સભા સજી સારી;
હતા પરદેશી સંઘ અપાર, બેઠા સર્વે સભાની મોઝાર. ૧૫
પૂર્વછાયો
એવે સમે એક વાણિયો, જેનો દિવબંદરમાં વાસ;
આવ્યો પ્રભુની આગળે, હવે એનો કહું ઇતિહાસ. ૧૬
ચોપાઈ
દિવબંદરનો રહેનાર, કરે વા’ણવટીનો2 વેપાર;
એક અવસરે તેહનું વા’ણ, લાગ્યું ડૂબવા મધ્ય મે’રાણ. 3 ૧૭
ઘણો તેમાં ભર્યો હતો માલ, તેની ચિંતા થઈ તેહ કાળ;
વા’ણ બૂડશે તો માલ જાશે, મારા જીવનું જોખમ થાશે. ૧૮
એવું જાણીને જોડિયા હાથ, દિલે સંભાર્યા દ્વારિકાનાથ;
કહ્યું હે પ્રભુ ઊગારો અમને, અર્ધ ભાગ હું અર્પિશ તમને. ૧૯
કૃષ્ણની એવી માનતા કરી, તે તો વા’ણ આવ્યું તીરે તરી;
માલ વેચી તેનું નાણું કીધું, પોતે અર્ધ એમાં થકી લીધું. ૨૦
અર્ધ રણછોડજી આગે ધરવા, ચાલ્યો દ્વારકા તીરથ કરવા;
આવ્યો સોરઠ દેશમાં જ્યારે, તેણે વાત એવી સુણી ત્યારે. ૨૧
આજ છે ગામ લોજ મોઝાર, રામાનંદ પ્રભુ અવતાર;
ઇચ્છા અંતરમાં એવી થઈ, મળું તેને હું લોજમાં જઈ. ૨૨
પછી આવ્યો રામાનંદ ધામ, પદપદ્મને4 કીધો પ્રણામ;
શેઠ બેઠા સભા મધ્ય જ્યારે, તર્ત બોલ્યા રામાનંદ ત્યારે. ૨૩
તમે વા’ણનો કીધો વેપાર, ડુબતા હતા દરિયા મોઝાર;
પછી કૃષ્ણની માનતા કરી, એથી આવ્યા છો આપ ઉગરી. ૨૪
એમ કહીને વળી સાક્ષાત, એના અંતરની કહી વાત;
સુણી નિશ્ચે થયો નિરધાર, આ તો ઈશ્વરનો અવતાર. ૨૫
જાણ્યું દ્વારિકાં છે જ આ ઠામ, દીધાં વાવરી સર્વે દામ;
જમાડ્યા દ્વિજ સંત સમાજ, કાંઈ આપ્યું સદાવ્રત કાજ. ૨૬
જાત્રા ત્યાં જ કરી રુડી પેર, ગયો પાછો તે પોતાને ઘેર;
રામાનંદ જાણી ભગવાન, ભજે તેને ધરે તેનું ધ્યાન. ૨૭
એમ કરતાં વરષ કાંઈ વીત્યાં, તજ્યો દેહ રામાનંદજી ત્યાં;
તેને પાટે બેઠા પ્રભુ જ્યારે, સુણી વારતા તે સાહુકારે. ૨૮
સુણ્યો શ્રીજીનો પરમ પ્રતાપ, રામાનંદથી અધિક અમાપ;
ધરી અંતરે દર્શન આશ, આવ્યો લોજમાં શ્રીપ્રભુ પાસ. ૨૯
જાણ્યું અંતરની કહે વાત, તો હું માનું પ્રભુ સાક્ષાત;
પગે લાગી બેઠો સભામાંય, હતો બાળક બેઠેલો ત્યાંય. ૩૦
વર્ષ પાંચની ઉમ્મર હતી, તેની પ્રત્યે બોલ્યા મુનિપતી;
કહો શેઠના મન તણી વાત, કેવા ઘાટ ઘડે છે તે ભ્રાત. ૩૧
પછી શેઠના મનમાં જે હતું, તે તો બાળકે ત્યાં કર્યું છતું;
વાત સરવ કહી વિસ્તારી, ભાસ્યું શેઠને અચરજ ભારી. ૩૨
હરિને કહ્યું જોડીને હાથ, સરવેશ તમે સત્ય નાથ;
રામાનંદ તો અન્તરજામી, હતા પોતે તેમાં નહિ ખામી. ૩૩
આપના શિષ્ય બાળક જેવા, દિસે અંતરજામી તો એવા;
તમે સરવોપરી પરમેશ, તેમાં સંશય નહીં લવલેશ. ૩૪
દીઠા બાળકમાં ગુણ એવા, હશે મોટા સમર્થ તો કેવા;
મોટા હરિજન ને મોટા સંત, હશે તેમાં તો શક્તિ અનંત. ૩૫
સુણી બોલ્યા શ્રીહરિ આપ, કહું મોટાનો કેવો પ્રતાપ;
જાણે ભૂત ભવિષ્યની વાત, કહે પર મનની સાક્ષાત. ૩૬
વળી પરને સમાધિ કરાવે, સમાધિમાંથી દેહમાં લાવે;
ભલાં દેખાડે ભગવતધામ, એવાં એવાં કરી શકે કામ. ૩૭
સુણી શેઠ તે આશ્રિત થયો, પછી ગામ પોતા તણે ગયો;
જપે સ્વામિનારાયણ નામ, ધરે ધ્યાન ઠરી એક ઠામ. ૩૮
એમ વર્ષ વિત્યાં ત્રણ્ય ચાર, પછી તેણે તજ્યો સંસાર;
દીધી દીક્ષા તેને સુખકંદ, પાડ્યું નામ ભલું પ્રભાનંદ. ૩૯
કરે શ્રીહરિ એવાં ચરિત્ર, સુણી પાપીયે થાય પવિત્ર;
માટે ગાતાં ને સુણતાં સદાય, મોટા મુક્ત તો તૃપ્ત ન થાય. ૪૦
પૂર્વછાયો
એક સમે લોજ ગામમાં, એક વેરાગી શીતળદાસ;
આવ્યો તે શ્રીહરિ આગળે, હવે એનો કહું ઇતિહાસ. ૪૧
ચોપાઈ
રામાનંદસ્વામી હતા જ્યારે, તીર્થવાસી બે વેરાગી ત્યારે;
આવ્યા રામાનંદસ્વામી પાસ, રહ્યા મંદિરમાં એક માસ. ૪૨
ગુરુ જાનકીદાસ છે બેમાં, શિષ્ય શીતળદાસ છે તેમાં;
એક પુસ્તક પોતાનું જેહ, સોપ્યું ત્યાંના કોઠારીને તેહ. ૪૩
કહ્યું તીરથ કરવાને જૈશું, પોથી વળતાં અમે પાછી લૈશું;
પછી દ્વારિકાની વાટે ચડિયા, ગુરુ મારગમાં માંદા પડિયા. ૪૪
એક નગરમાં કીધો નિવાસ, ગુરુ માંદા રહ્યા ઘણા માસ;
કાળ તેનો તે નગરમાં થયો, પછી શિષ્ય તે દ્વારકા ગયો. ૪૫
આવ્યો વળતાં ફરી લોજ ગામ, જહાં રાજે છે શ્રીઘનશામ;
નમી બેઠો સભા મધ્ય આવી, ગુરુ મરણની વાત સુણાવી. ૪૬
માગ્યું પોતાનું પુસ્તક જ્યારે, આપ્યું કોઠારીએ લાવી ત્યારે;
છોડી પુસ્તક જોયું તપાશી, દીઠી ડાબલી મૂકેલી વાશી. ૪૭
સભા માંહી તે ઉઘાડી જ્યારે, દીઠું અદ્ભુત અચરજ ત્યારે;
માંહી અરધો રુપૈયો દેખાણો, કણો સાપનો5 તેને વીંટાણો. ૪૮
ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં;
જળ છાંટ્યું તેને મુનિ ભૂપે, તજી દેહ થયો દિવ્ય રૂપે. ૪૯
પ્રભુને પદ કીધો પ્રણામ, ઘણી વિનતિ કરી એહ ઠામ;
વળી ઉચાર્યું નિજ વૃત્તાંત, ભાંગી સર્વના મનની ભ્રાંત. ૫૦
એને આજ્ઞા કરી ઘનશામે, ગયો તેથી તે ગોલોક ધામે;
દીનબંધુ દયાસિંધુ એવા, કહો કોણ ધરમસુત જેવા! ૫૧
એનું અધમઉદ્ધારણ નામ, નકી જાણ્યું જનોએ તે ઠામ;
પછી શ્રીહરિએ સઉ પાસ, કહ્યું વાસના કરજો વિનાશ. ૫૨
ઉપજાતિવૃત્ત (વાસના તજવા વિષે)
જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે;
માટે થજો સૌ નિરવાસનીક, જો જન્મમૃત્યુ તણી હોય બીક. ૫૩
અર્ધો રુપૈયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહિ વાસના તો;
જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો? ૫૪
જે ભક્તને કારણ અંતકાળે, આવે પ્રભુ તે જન કૈંક ભાળે;
જો વાસના કોઈ વિષે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ૫૫
ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહિ માયિકામાં પ્રસક્ત;6
જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. ૫૬
રહે રસાસ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય;
નિઃસ્વાદી થાજો નર સર્વ નારી, ભવિષ્યનું દુઃખ દિલે વિચારી. ૫૭
અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો;
તથાપિ જો તૃપ્તિ થઈ ન ભાસે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે? ૫૮
જો કામ કેરી રહી વાસનાય, તો મૂત્રવિષ્ઠા કૃમિ દેહ થાય;
દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. ૫૯
મનુષ્યનું આયુષ્ય અલ્પ કાળ, કાપે સદા તે પણ કાળવ્યાળ;
ચેતી શકો તો ચિત માંહી ચેતો, થશે પછીથી નહિ તો ફજેતો. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિ અતિ શુભ વાત એવી કીધી, સુણી સતસંગી સમસ્ત ધારી લીધી;
તૃણવત સુખ સ્વર્ગનાય જાણે, નરસુખ કેમ કદાપિ ઊર આણે. ૬૧
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિલોજગ્રામે અન્નકૂટોત્સવકરણનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥