કળશ ૫

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા લોજ થકી વૃષલાલ;

વળી આવ્યા કાલવાણિયે, સંત સહિત દીનદયાળ. ૧

ચોપાઈ

સમૈયો ત્યાં પ્રબોધિની કેરો, કરવાનો છે હરખ ઘણેરો;

ગામોગામમાં પત્ર લખાવ્યા, સંત હરિજન સર્વ તેડાવ્યા. ૨

આડો દિવસ રહ્યો જ્યારે એક, ત્યાં તો આવિયા સંઘ અનેક;

ભુજ થકી આવ્યા મુક્તાનંદ, સાથે સંત ને સત્સંગીવૃન્દ. ૩

કાઠિયાવાડ સોરઠ કેરા, આવ્યા સંચરી સંઘ ઘણેરા;

ઝાલાવાડી તથા ગુજરાતી, આવ્યા તેની સંખ્યા નથી થાતી. ૪

દશમી દિને સૌ નરનારી, આવી નિરખિયા દેવ મુરારી;

પછી એકાદશીને પ્રભાતે, પ્રભુ નાવા ગયા ભલી ભાતે. ૫

સંત સત્સંગી સૌ લઈ સાથ, નાયા જૈ નદીમાં મુનિનાથ;

વાટે કીર્તન સંત ઉચારે, પાછા આવિયા એમ ઉતારે. ૬

પછી જ્યાં સભા શ્રેષ્ઠ ભરાઈ, આવ્યા હરબાઈ ને વાલબાઈ;

તેની પ્રથમ કહી છે મેં વાત, કરૂં વાત વિશેષ વિખ્યાત. ૭

આતમાનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી;

વાલબાઈ તે કણબી જાતે, હરબાઈ તો કુંભાર નાતે. ૮

ધારે અંચળ ભગવાં અંગે, રાખે શિષ્ય ઘણા નિજ સંગે;

આત્માનંદે તજ્યો જ્યારે દેહ, રામાનંદને રહી મળી તેહ. ૯

તેનું જ્ઞાન દિલે લીધું ધારી, મત અદ્વૈત મેલ્યો વિસારી;

તોય જ્ઞાન તણું અભિમાન, રહે અંતર માંહી નિદાન. ૧૦

સાથે મંડળી લૈને તે ફરે, નર નારીને ઉપદેશ કરે;

પુરુષોની સભા માંહી પેસે, ગાદિ તકિયા નંખાવીને બેસે. ૧૧

હતા જ્યારે રામાનંદજી તે, ચાલ્યું ત્યાં સુધી તો એવી રીતે;

પછી કાલવાણીમાં તે બાઈ, આવી સંતસભા માંહી ધાઈ. ૧૨

ગયા સંત તો આસન છાંડી, હરિભક્તોયે વારવા માંડી;

તોય તે સભાસ્થાનમાં પેઠી, ગાદી સદ્‌ગુરુની જોઈ બેઠી. ૧૩

હતાં શિષ્ય તેનાં બાઈ ભાઈ, તે તો બેઠાં તેઓને વિંટાઈ;

બેય બાઇયોયે તેહ ઠામ, કર્યો કૃષ્ણને કાંઈ પ્રણામ. ૧૪

ત્યારે બોલિયા શ્રીહરિ એમ, તમે વર્તો છો આ રીતે કેમ?

વેષ ત્યાગીનો ધારીને અંગ, કેમ રાખો છો નરનો પ્રસંગ? ૧૫

ચાહો સત્સંગને જો ખચીત, રાખો સત્સંગની શુભ રીત;

નરને ન કરો ઉપદેશ, નવ અડકવું બોલવું લેશ. ૧૬

સુણી બાઇયો બોલી તે વાર, અમોને નરથી શું થનાર?

નર નારીમાં ગણિયે ન ભેદ, અમે જાણિયે માંસ ને મેદ. ૧૭

બાળપણથી અમે ઊર્ધ્વરેતા, અમે છૈયે પુરાં બ્રહ્મવેત્તા;

જુવાનીમાં ધરમથી ન ચળિયાં, ડાચાં મળિયાં ને આવ્યાં છે પળિયાં. 1 ૧૮

આતમાનંદે તો શુદ્ધ ધાર્યાં, રામાનંદે તો અમને ન વાર્યાં;

આજ કાલના આવેલા તમે, નવી રીત ન માનિયે અમે. ૧૯

કાઢી મૂકશો તો દૂર થઈ, નવો પંથ ચલાવશું જઈ;

સુણી બોલ્યા મહાસુખદાઈ, સુણો વાલબાઈ હરખાઈ. ૨૦

ઉપજાતિવૃત્ત (ત્યાગીના ધર્મ વિષે)

ત્યાગી જનોનો શુભ ધર્મ જે છે, સચ્છાસ્ત્રમાં શુદ્ધ લખેલ તે છે;

જો વૃદ્ધ કે વ્યાધિત2 યોગધારી, ન જાય જ્યાં ચિત્રિત હોય નારી. ૨૧

બ્રહ્મા ભૂલ્યા નારદજી ભુલ્યા છે, સ્ત્રી દેખી સાક્ષાત શિવે ડુલ્યા છે;

મળી રહે જે નર નારી સંગ, કોઈ સમે તો વ્રત થાય ભંગ. ૨૨

ચોપાઈ

જેવો પુરુષને નારીનો સંગ, એવો પ્રમદાને પુરુષ પ્રસંગ;

એ તો છે ઘૃત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. ૨૩

લીધી હોય જો ઇન્દ્રિયો જીતી, તોય સૌને શિખવવા સુરીતી;

મોટા મુક્ત રહે સ્ત્રીથી દૂર, એવી રીત ચલાવવા જરૂર. ૨૪

મુક્તાનંદ તથા રામદાસ, જેણે કીધા છે કામાદિ નાશ;

તોય માનીને આજ્ઞા અમારી, તજી છે અષ્ટ પ્રકારે નારી. ૨૫

મારી આજ્ઞા ધરો તમે ચિત્તે, તજો પુરુષ પ્રસંગ એ રીતે;

એવી વાત કરી સુખદાની, પણ તે બાઇયોયે ન માની. ૨૬

મુક્તાનંદ ને ધર્મકુમાર, કીધો એકાંતે જૈને વિચાર;

મુનિમુક્ત બોલ્યા પ્રભુપાસ, એ બે બાઈ ને રઘુનાથદાસ. ૨૭

નથી સત્સંગમાં રહેનાર, જાણું અંતે જરૂર જનાર;

આ બે બાઇયોને મહારાજ, સંપ્રદાયથી વિમુખ કરો આજ. ૨૮

એ તો છે અતિશે અભિમાની, રામાનંદ હતા તે સમાની;

વાતો કરશે જો આવીને આવી, કૈંક ભક્તને દેશે ભમાવી. ૨૯

પછી શ્રીહરિ આવ્યા સભામાં, સમજાવી બહુ તે સમામાં;

વાત જરિયે ન માની જ્યારે, કરી બેને બર્હિમુખ ત્યારે. ૩૦

ઉઠી નીસરી બેય રિસાઈ, તેનાં શિષ્ય હતાં બાઈ ભાઈ;

તેઓ પણ ઉઠી ત્યાં થકી ગયાં, ત્રંબા ગામ વિષે જઈ રહ્યા. ૩૧

નવો પંથ ચલાવ્યો ત્યાં જૈને, બેસે ગાદી ઊપર ગુરુ થૈને;

ત્યાંનો ભક્તસમાજ ભ્રમાવ્યો, નિજનો મહિમા સમજાવ્યો. ૩૨

કરવા જનને ઉપદેશ, ફરતી હતી સોરઠ દેશ;

તજ્યો દેહ તે ત્રંબામાં જ્યાંય, મોટો ઓટો ચણેલો છે ત્યાંય. ૩૩

કોઈક ગામ વિષે હે રાય, એના શિષ્ય અદ્યાપિ જણાય;

સુણી એવું કહે નરપાળ, અહો વર્ણીજી દીનદયાળ. ૩૪

ઉપજ્યો એમ સંશય મને, માટે પુછું છું પ્રશ્ન તમને;

તજી સંસારને ત્યાગી થઈ, કેમ સત્સંગમાંથી તે ગઈ? ૩૫

કેમ કલ્યાણનો ખપ મટ્યો? કેમ વૈરાગ્ય તેહનો ઘટ્યો?

તેનું માથું ફરે કદી એમ, તેની વાત બીજા માને કેમ? ૩૬

મુક્તાનંદ જેવા મોટા સંત, એક પક્ષમાં હોય અનંત;

તેની વાત તે કેમ તજાય? નીકળેલાની કેમ મનાય? ૩૭

એવા કોણ ભોળા જન થાય? તજી ગંગાને ખાડામાં નાય;

કેમ દેખે નહીં ગુણ દોષ? વણ સમજ્યા કરે કેમ રોષ? ૩૮

એ જ સંશય મેં કર્યો મારો, વરણીંદ્ર તમે તે નિવારો;

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કહું કારણ તેનું વિચારી. ૩૯

ઉપજાતિવૃત્ત (માની શિષ્ય વિષે)

જે શિષ્ય ઝાઝું અભિમાન ધારે, તે માનનું ખંડન થાય જ્યારે;

કરે ઘણો તે મન માંહી ક્રોધ, વળી કરે તે ગુરુથી વિરોધ. ૪૦

આવે ગુરુનો અવગુણ લેશ, વધી વધી થાય ઘણો વિશેષ;

છોટું પડ્યું ભૂતળ બીજ જેમ, તે થાય ઊગી વડવૃક્ષ તેમ. ૪૧

ભ્રમેલ ચેલો ગુરુ ભક્તિ ચૂકે, અનેક મિથ્યા અપવાદ મૂકે;

ગુરૂ વિષે દોષ સદૈવ દેખે, છતે ગુણે સદ્‌ગુણ તે ન લેખે. ૪૨

જૈ અન્ય પાસે અવગુણ ગાય, ભોળા જનો તે સુણીને ભ્રમાય;

જો માનવાને જનજૂથ આવે, ચેલો પછી પંથ જુદો ચલાવે. ૪૩

ગોસાંઇજીના મતમાંથી જેમ, જુદો પડ્યો પંથ પ્રણામી તેમ;

થયા ઘણા ને વળી થાય ભાઈ, તે વાતમાં કાંઈ નથી નવાઈ. ૪૪

જો વેદનો માર્ગ પડ્યો મુકાવે, વૃંદા3 તજીને ખિજડો પૂજાવે;

લોબાનનો4 ધૂપ કરો કહે છે, ભોળા જનો તે પણ માની લે છે. ૪૫

મનુષ્ય ભોળા મૃતિકા5 સમાન, પલાળતાં તે પલળે નિદાન;

ગંગાજળે તે ગળી જાય જેમ, સુરા6 પડે તો પલળે જ તેમ. ૪૬

મમત્વથી જે ગુરુ અન્ય માને, તેના કદી દોષ ધરે ન કાને;

જો ચોર કે ભ્રષ્ટ લબાડ હોય, પૂજે મમત્વે કરી પ્રેમે તોય. ૪૭

કરે મમત્વ નિજ ધર્મનાશ, કરે મમત્વે કુટિલ પ્રયાસ;

મમત્વથી વૈર કરી ઘણેરું, પોતે બગાડે પરલોક કેરું. ૪૮

માથું ફરે જે જન કેરું જ્યારે, સુઝે ન રસ્તો સવળો જ ત્યારે;

થાકે કહીને જન જ્ઞાનવાને, માથા ફરેલો કદિયે ન માને. ૪૯

જ્યારે થયો જે નરકે જનાર, ત્યારે જ તેવી ભ્રમણા થનાર;

આવી નડે પાતક પૂર્વ કેરું, માને નહીં સંત કહે ઘણેરું. ૫૦

છૂટો પડ્યો સંત સમાજમાંથી, એને કશો અંકુશ હોય ક્યાંથી;

તે તો ચડે છે પછી પંથ આડે, પોતા તણું ને પરનું બગાડે. ૫૧

જે બ્રહ્મહત્યાદિક પંચ પાપી, કલ્યાણ પામે કુમતિ કદાપિ;

કરે ગુરુદ્રોહ કૃતઘ્નિ જેહ, કલ્યાણ પામે કદિયે ન તેહ. ૫૨

ચેતાય તો સૌ ચિત્ત ચેતિ લેજો, તે દુષ્ટની સંગત છોડી દેજો;

જે શ્વાન જ્યારે હડકાયું થાય, તે તુલ્ય તે લાળ થકી થવાય. ૫૩

જે સર્પ પાળ્યો બહુ દૂધ પાઈ, દબાય તો તેહ ડસે જ ભાઈ;

એવા ગુરુદ્રોહિ કૃતઘ્નિ હોય, વિશ્વાસ તેનો કરશો ન કોય. ૫૪

જેને પ્રતાપે બહુ માન પામ્યો, જેને પ્રતાપે જશ ખૂબ જામ્યો;

વિરુદ્ધ એવા ગુરુથી થનાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. ૫૫

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણો રાય, કહું છું હવે કૃષ્ણ કથાય;

કાલવાણીમાં કૃષ્ણ બિરાજે, તિથિ તે તો પ્રબોધિની છાજે. ૫૬

આવ્યું પૂરણમાસીનું પર્વ, રહ્યા ત્યાં સુધી સંઘ તે સર્વ;

પછી તે સતસંગી તમામ, ગયા પોતપોતા તણે ગામ. ૫૭

આખા ગામમાં જેનો નિવાસ, નારાયણ દવે કૃષ્ણના દાસ;

તેના પુત્ર તે નરસિંહ નામ, પ્રેમે પ્રભુપદ કીધો પ્રણામ. ૫૮

પીપલાણાના નરસિંહ મહેતા, ત્રિજા તે પણ સંઘાતે હતા;

ત્રણે વિનતિ કરી એહ ટાણે, પ્રભુ આવો આખે પીપલાણે. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

વિનતિ અધિક એ સમે ઉચારી, સુણી મન માંહી કૃપા કરી મુરારી;

મુનિજન જુત ત્યાંથી તે જ ટાણે, પ્રભુ વિચર્યા વળી ગામ પીપલાણે. ૬૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકાલવાણીગ્રામે વાલબાઈહરબાઈવિમુખકરણનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે