કળશ ૫

વિશ્રામ ૧૪

પૂર્વછાયો

અષાડ શુદિ એકમ થઈ, આવ્યો વર્ષાઋતુનો કાળ;

વિક્રમ વરસ અઢારસેં, પછી સાઠમી બેઠી સાલ. ૧

ચોપાઈ

નદી ઓઝત તટથી નાથ, વિચર્યા લઈને સંતસાથ;

મેઘપર ગયા શ્રીમહારાજ, સામો આવ્યો તે ભક્તસમાજ. ૨

કહું તે હરિભક્તનાં નામ, જેને વાલા ઘણા ઘનશામ;

ક્ષત્રિ મુખ્ય અમરસિંહ એક, વસે જેહમાં પરમ વિવેક. ૩

વિપ્ર જેઠો તથા જીવરામ, સોની રણછોડ નારણ નામ;

માનજી રવજી ને સામત, શવદાસ ચોથા પ્રજાપત. ૪

બાઈ લાડકિ ને નંદુ ભાટ, રાખે સત્સંગને શિર સાટ;

ઘણા પુરુષ અને ઘણી બાઈ, આવ્યાં શ્રીહરિ સન્મુખ ધાઈ. ૫

વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યાં, વાજતે ગાજતે પધરાવ્યા;

નારાયણ સોનીને ઘેર જઈ, ઉતર્યા પ્રભુ પ્રમુદિત થઈ. ૬

સદાવ્રતની હતી ધર્મશાળા, ઉતર્યા તહાં સંત ને પાળા;

નારાયણ મેતાની સતિ નારી, રુકમાઈ જે સત્સંગિ સારી ૭

લાડકી તેની માતા પવિત્ર, કરી બેયે રસોઈ વિચિત્ર;

ભાવથી જમ્યા શ્રીભગવાન, દીધાં સંતોને ભોજનપાન. ૮

રહ્યા એમ દિવસ કાંઈ વશી, આવી પોઢણી ત્યાં એકાદશી;

હરિજન બહુ દર્શને આવ્યા, સમૈયો કરી ઘેર સિધાવ્યા. ૯

વળિ હરિયે વિચારિયું આપે, મુનિ જે દુરવાસાને શાપે;

ધર્યા છે ધરા ઉપર દેહ, તીર્થ કરવાને આવશે તેહ. ૧૦

આંહિ રસ્તો છે દ્વારિકા કેરો, માટે આવે છે સંઘ ઘણેરો;

સદાવ્રત કરિયે અન્ન દેવા, મુનિ આવિ ચડે અન્ન લેવા. ૧૧

હતા સ્વામિ રામાનંદ જ્યારે, આંહિ દેતા સદાવ્રત ત્યારે;

સદાવ્રત હતાં બીજેય ગામ, તોડ્યા વેરાગિયોયે તમામ. ૧૨

ફરીથી હવે સ્થાપવાં મારે, એવું ધર્મકુંવર મન ધારે;

મેઘપરમાં સદાવ્રત આપ્યું, ફણેણી ગામમાં પણ થાપ્યું. ૧૩

ગામ લોજ તથા સરધાર, અગત્રાઈમાં પણ એ જ વાર;

માણાવદર આદિક ગામ, સદાવ્રત થાપ્યાં ઘણે ઠામ. ૧૪

રાખ્યા સાધુ સદાવ્રત દેવા, તીર્થવાસી આવે ઘણા લેવા;

સંત કેરો સમાગમ થાય, દૈવી તો રહે સત્સંગમાંય. ૧૫

આવે ખાખી અતીત વૈરાગી, આવે મોટા મહાંત સુભાગી;

પુછે કેનું સદાવ્રત આ છે, એના દેનાર ઉપરી ક્યાં છે?. ૧૬

સુણે સ્વામિનારાયણ નામ, તેને થાય સમાધી તે ઠામ;

ધામમાં મુરતી જોઈ આવે, પછી શ્રીજિને મળવા સિધાવે. ૧૭

હરિ જ્યાં હોય ત્યાં જઈ મળે, ત્યારે સંશય તેહના ટળે;

આ તો અક્ષરધામના રાય, એવો નિશ્ચળ નિશ્ચય થાય. ૧૮

પછી વૈષ્ણવી દીક્ષા તે લૈને, રહે શ્રીજીના આશ્રિત થૈને;

સાધુ થાય તજીને સંસાર, રહે કોઈ ગૃહસ્થ મોઝાર. ૧૯

કોઈ પંડિત કોઈ સંન્યાસી, કોઈ તપશી કે તીરથવાસી;

જેમ ચમક1 ભણી લોહ ચળે, દૈવી આવીને શ્રીજીને મળે. ૨૦

અસુરે અવતાર ધરેલા, ઘણા વેરાગી રુપે થયેલા;

વસતા હતા દેશાવરમાં, દાઝ લાગી એના અંતરમાં. ૨૧

કરે વાત પરસ્પર તેહ, એક જીવનમુક્તા છે જેહ;

ઇંદ્રજાળનો ગોટકો2 એને, મળ્યો કોઈ ઠેકાણેથી તેને. ૨૨

ભણી મંત્ર ને ભૂરકી નાખે, વશ્ય માણસને કરી રાખે;

આપણા ઘણા શિષ્ય ભ્રમાવ્યા, નવે પંથે પોતાને ચલાવ્યા. ૨૩

પોતે પૂજાય થૈ ભગવાન, હવે આપણે ક્યાં રહ્યું માન?

ઠામ ઠામ સદાવ્રત દે છે, આપણા સાધુને ભોળવે છે. ૨૪

માટે આદરો એવો ઉપાય, એનાં બંધ સદાવ્રત થાય;

પછી હરકત માંડી અપાર, જાણ્યા શ્રીજીયે તે સમાચાર. ૨૫

પછી શ્રીજીયે પત્ર લખાવ્યા, જ્યાં સદાવ્રત ત્યાં મોકલાવ્યા;

અન્ન દેવા જે સાધુ રહેલા, તેને ધૈર્યના શબ્દ લખેલા. ૨૬

ઉપજાતિવૃત્ત (ક્ષમા વિષે)

કલ્યાણ માટે જન સાધુ થાય, તેનાં રુડાં લક્ષણ તો જણાય;

ક્ષમા દયા ધીરજ ચિત્ત ધારે, ન કામ કે ક્રોધ નડે જ ક્યારે. ૨૭

મારે લુંટે દુર્જન ગાળ દેય, જે સાધુ સાચા સઉ સાંખી લેય;

કંઠી કદાપી ખળ આવિ તોડે, લડે ન સાધુ કદિ તેનિ જોડે. ૨૮

જે પિંડ બ્રહ્માંડથિ નેહ ત્યાગે, શી વસ્તુ તેને પછિ સારિ લાગે;

જો તુંબડું પત્તર દુષ્ટ ફોડે, તથાપિ સાધૂ સમતા3 ન છોડે. ૨૯

સ્ત્રીને નિહાળી મન થાય કામી, કે થાય ક્રોધી અપમાન પામી;

કે દ્રવ્ય માટે દિલ લોભી થાય, તે સંત તો સત્ય નહીં ગણાય. ૩૦

ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જિતાય;

સ્વધર્મ સચ્છાસ્ત્ર વિષે જ વાંચી, ક્ષમા તજે તે નહિ સાધુ સાચી. ૩૧

વિનાપરાધે ખળ દુઃખ દેય, તે દુઃખ જો સજ્જન સાંખિ લેય;

સહાયતા કૃષ્ણ કરે જરૂર, ક્ષમા તજે તો પ્રભુ જાય દૂર. ૩૨

ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે;

ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણિ ઘણા પિડાય. ૩૩

જો ચંદને શીતળતા ન હોય, કહે નહીં ચંદન નામ કોય;

જો ન ક્ષમા સદ્‌ગુરુમાં જણાય, સાચા નહીં સદ્‌ગુરુ તે ગણાય. ૩૪

દ્વેષી જનોનું પણ સારું ઇચ્છે, એવી સદા સજ્જનની રીતિ છે;

જે શસ્ત્ર તો ચંદન વૃક્ષ કાપે, તે શસ્ત્રને તોય સુગંધ આપે. ૩૫

જો સંતને દુર્જન મારી નાંખે, તથાપિ તે સંતપણું જ રાખે;

બાળે કદી ચંદનકાષ્ઠ કોય, દે તેહને તેહ સુગંધ તોય. ૩૬

ન અન્ન તુલ્યે જડિબુટિ જોઈ, શ્રીકૃષ્ણ તુલ્ય નહિ દેવ કોઈ;

ક્ષમાનિ તુલ્યે નહિ કોઈ જાપ, નિંદાની તુલ્ય નહિ કોઈ પાપ. ૩૭

ક્ષમાસ્વરૂપી શુભ શસ્ત્ર જેને, રહે ન કોઈ પણ શત્રુ તેને;

વિદ્યા ક્ષમા તો વશિકારણી છે, ક્ષમા વિષે શક્તિ રહી ઘણી છે. ૩૮

જો સિંહણી દૂધ સુવર્ણપાત્રે, રહી શકે છે નહિ પાત્રમાત્રે;

સુપાત્રમાં તેમ ક્ષમા રહે છે, કુપાત્રથી દૂર જવા ચહે છે. ૩૯

છે બોબડો જે વર મૂળચંદ, બેઠો વિવાહ ધરી મૌન ફંદ;

બોલ્યો ખિજાવ્યા થકિ કાંઈ બોલ, ત્યારે થયો તેહ તણો જ તોલ4. ૪૦

સુવર્ણને તાપ વિષે તપાવે, ત્યારે પરીક્ષા જ જણાઈ આવે;

અસંત ને સંત સમાન લાગે, જણાય જ્યારે બહુ માન ભાંગે. ૪૧

કહે કવી ધન્ય ફણીંદ્ર નાગ, ક્ષમા5 ધરી તે નિજ શીશ ભાગ;

શેષે કહ્યું શું લવરી કરે છે, સાધુ ક્ષમા દુર્ધર6 તો ધરે છે. ૪૨

ઋષીશ7 બોલ્યા જમદગ્નિ ડાહ્યા, ક્ષમા વડે વિપ્ર અમે પુજાયા;

ઐશ્વર્ય મોટું અતિ એવડું છે, ક્ષમા વડે તે અમને જડ્યું છે. ૪૩

શોભે પ્રભા સૂરજ કેરિ જેવી, વિદ્યા તથા લક્ષ્મિ ક્ષમાથિ તેવી;

ક્ષમા થકી શ્રીહરિ રાજિ થાય, ક્ષમાનું સામર્થ્ય કહ્યું ન જાય. ૪૪

ક્ષમા વિષે વીર્ય8 ઘણું રહે છે, અશક્ત તેને અબુધો9 કહે છે;

ક્ષમા વડે વિશ્વ સુવશ્ય થાય, ક્ષમા વડે સ્વાર્થ બધા સધાય. ૪૫

રાખે નહીં જે મનમાં ક્ષમાને, તે પાપી થૈ પાપી કરે બિજાને;

સશક્તને ભૂષણ તો ક્ષમા છે, અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. ૪૬

ક્રોધ કરી જે જન ગાળ દે છે, સત્કર્મ તેનાં સઘળાં બળે છે;

જે ગાળ સાંખે અઘ તેનું જે છે, તે ગાળ દેનાર જ ભોગવે છે. ૪૭

વૈતાલીયવૃત્ત

હળને ખળ વક્રતા ધરે, પર કેરી ખુબ ખોદણી કરે;

મુખથી દુઃખ આપતા રહે, પણ તે સર્વ સદા ક્ષમા સહે. ૪૮

ચોપાઈ

ક્ષમા રાખજો ધીરજ ધારી, રક્ષા કરશે શ્રીકૃષ્ણ તમારી;

રાખજો પ્રભુનો વિશ્વાસ, કદી ઉરમાં ન થાશો ઉદાસ. ૪૯

મોકલ્યા એવા પત્ર લખાવી, વાંચી સંતોને ધીરજ આવી;

વળી સાંભળો ભૂપ પવિત્ર, કહું કૃષ્ણનું એક ચરિત્ર. ૫૦

એક વિપ્ર હતો દેણદાર, મુંઝવ્યો લેણદારે અપાર;

એથી અંતરમાં અકળાઈ, જાણ્યું જીવ કાઢું વિખ ખાઈ. ૫૧

વળી અંતરમાં ધરી આશ, આવ્યો શ્રીસહજાનંદ પાસ;

દુઃખ પોતા તણું કહિ દીધું, સર્વ શ્રીહરિયે સુણી લીધું. ૫૨

આપ્યું એહને દ્રવ્ય અનંત, કર્યો કરજ મટાડી શ્રીમંત;

એ તો આશ્રિત કૃષ્ણનો થયો, ત્રાસ જન્મમરણ તણો ગયો. ૫૩

મેઘપુરમાં રહી મહારાજ, એવાં એવાં કર્યાં ઘણાં કાજ;

માસ બે સુધી કીધો નિવાસ, ચાલ્યા ત્યાંથી પછી અવિનાશ. ૫૪

માણાવદરના જને આવી, શ્રીજિને બહુ વિનતિ સુણાવી;

જન્માષ્ટમી ઉચ્છવ શામ, કરો આવીને અમારે ગામ. ૫૫

એવું સાંભળી શ્રીમહારાજ, ગયા ત્યાં લઈ સંતસમાજ;

કૃષ્ણજન્માષ્ટમી આવી જ્યારે, થયો સારો સમૈયો છે ત્યારે. ૫૬

સભા મધ્યે બેઠા ઘનશામ, પૂછે પ્રશ્ન ત્યાં ભટ મયારામ;

કહો ધર્મ અધર્મના સર્ગ, કેવા હોય તે બેયના વર્ગ. ૫૭

સુણી શ્રીજીયે ઉત્તર કર્યા, સર્વ સંશય તેહના હર્યા;

કામ ક્રોધ લોભ મોહ માન, પાંચ શત્રુ મહા બળવાન. ૫૮

કીધા તેઓયે જેને હેરાન, કહ્યાં ઇંદ્રાદિકનાં આખ્યાન;

જેને પ્રગટ પ્રભુ મળે જ્યારે, પાંચે શત્રુઓ જીતાય ત્યારે. ૫૯

એવાં શ્રીહરિનાં સુણી વેણ, લાગ્યાં સર્વને તે સુખદેણ;

ગામ ભાડેરના ભૂપ કેરા, સુત વાઘજીભાઈ ભલેરા. ૬૦

સમૈયામાં આવ્યા હતા જેહ, બોલ્યા શ્રીહરિ આગળ તેહ;

આવે છે કપીલા છઠ પર્વ, ચાલો ભાડેર લૈ સંત સર્વ. ૬૧

ત્યાંના હરિજન જુવે છે વાટ, ઘણી વિનતિ કરું છું તે માટ;

સુણી વિનતિ દિલે ધરી લીધી, કપિલા છઠ ત્યાં જઈ કીધી. ૬૨

શ્રાદ્ધ પક્ષમાં શ્રીમહારાજે, વેદધર્મ પ્રવર્તાવા કાજે;

માત તાત તણાં શ્રાદ્ધ કીધાં, ભલાં વિપ્રોને ભોજન દીધાં. ૬૩

જમ્યા વિપ્ર હજાર હજાર, થયો જગતમાં જયજયકાર;

અહિંસા ધર્મનો ઉપદેશ, વળી ત્યાં વશી કીધો વિશેષ. ૬૪

કોઈ પ્રાણીની હિંસા ન કરવી, એવી શાસ્ત્ર રીતિ અનુસરવી;

અજ10 આદિ હિંસા થતી હોય, એવા યજ્ઞ ન કરશો કોય. ૬૫

દેવ હિંસા થકી રાજી થાય, એવી વાત તે કેમ મનાય?

એ તો જાણો કસાઈનું કામ, મિથ્યા લે છે તે દેવનું નામ. ૬૬

વળી વિપ્રોની સમીપે વાત, કહી શ્રીહરિયે સાક્ષાત;

ભૂત આદિ ઉપદ્રવ થાય, ત્યારે અન્ય તજીને ઉપાય. ૬૭

નારાયણનું કવચ સંભારી, પાઠ કરવો ગણી સુખકારી;

કાં તો વિષ્ણુસહસ્ર છે નામ, તેના પાઠ કરો તેહ ઠામ. ૬૮

હનુમાન કવચનો મંત્ર, જપો અન્ય તજી મંત્ર જંત્ર;

ચંડી આદિક પાઠ ન કરવા, પાપરૂપ ગણી પરહરવા. ૬૯

જેમાં માંસ સુરા બલિદાન, કરવાનું લખ્યું છે નિદાન;

કરે ધર્મિ તો તેહનો ત્યાગ, એમાં અધરમ જાણી અથાગ. ૭૦

એવી વાત બહુવિધિ કરી, દેવી વિપ્રોયે દિલમાંહિ ધરી;

વળી દસરા ને આવિ દિવાળી, કર્યા ઉત્સવ શ્રીવનમાળી. ૭૧

અન્નકૂટનો ઉત્સવ કર્યો, પૂજવાને ગોવર્ધન ધર્યો;

આવ્યા ભક્ત હજારો હજાર, જમ્યા સંત સહીત તે ઠાર. ૭૨

પુષ્પિતાગ્રાવૃત્ત

કરિ દરશન ધર્મપુત્ર કેરાં, સકળ મનુષ્ય પ્રસન્ન થૈ ઘણેરાં;

પ્રભુપદ પ્રણમી પછી સિધાવ્યાં, શુભમતિરૂપી અલભ્ય લાભ લાવ્યા. ૭૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદ-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિભાડેરગ્રામે કપિલાષષ્ઠી દીપોત્સવી અન્નકૂટોત્સવકરણનામા ચતુર્દશી વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે