વિશ્રામ ૧૫
પૂર્વછાયો
ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા ભાડેરથી ભલી ભાત;
કર્યું જવા મને કચ્છમાં, જમનાવડે જૈ રહ્યા રાત. ૧
ચોપાઈ
ભક્ત ત્યાં છે ભલા દાદાભાઈ, તેની બેન નામે મોટીબાઈ;
તેણે સેવા કરી સારી પેર, માવો ત્યાંથી ગયા ઝાંઝમેર. ૨
અંબારામ તહાં વિપ્ર રહે, કાંઈ સતસંગનો ગુણ લહે;
તેને ઘેર જમ્યા દુધપાક, પૂરી ભજિયાં ને સ્વાદિષ્ટ શાક. ૩
અંબારામે પૂછ્યું પછી એમ, હરિને જીવ ઓળખે કેમ?
ત્યારે શ્રીહરિયે તે ઠામ, સમાધિમાં દેખાડિયું ધામ. ૪
દીઠા ત્યાં એ જ ધર્મકુમાર, સેવે અક્ષર મુક્ત અપાર;
જોયા ચોવિશે ત્યાં અવતાર, તે તો હરિની સેવા સજનાર. ૫
પછી જાગ્યા સમાધિથી જ્યારે, પ્રભુને પ્રણમી કહ્યું ત્યારે;
તમે કોટિ જગત કરતાર, મને નિશ્ચે થયો નિરધાર. ૬
માવો ત્યાં થકી મુળિલે ગયા, બીજી રાત કાળાવડ રહ્યા;
ખત્રી જાદવે ત્યાં સજી સેવ, ત્યાંથી વણથળીયે ગયા દેવ. ૭
ત્યાંથી મોડે ગયા મહારાજ, દેવા દાસને દર્શન કાજ;
સામા આવ્યા હરિજન જેહ, મુખ્ય નામ સુણાવું છું તેહ. ૮
દાજીભાઈ દિસે નિર્દ્વંદ,1 અંતે જે થયા અક્ષરાનંદ;
બાપુભાઈ તથા રણમલજી, ક્ષત્રિ માનજી ને વળિ ફલજી. ૯
સજુબા ને જીવુબા બેય, બિજી બાઇયો પણ બહુ છે;
પ્રભુને ગામમાં પધરાવ્યા, વાજતે ગાજતે તેડી લાવ્યા. ૧૦
અતિ ઉત્તમ આપ્યો ઉતારી, સતકાર કર્યો બહુ સારો;
આવી પ્રબોધિની એકાદશી, કર્યો ત્યાં જ સમૈયો તે વશી. ૧૧
પૂર્વ માંહી કરમદીનો ઘુનો, જગ માંહિ જણાય છે જૂનો;
નદીમાં કુંડી પશ્ચિમ માંય, નાહ્યા બેય સ્થળે હરિરાય. ૧૨
ગામ અલૈયાના હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન;
ક્ષત્રી માનજી ફલજી જાણો, આજો ગોબર સોની પ્રમાણી. ૧૩
નારાયણ મૂળજી નાનજી, વસતો લાધો તથા વીરજી;
સારા સત્સંગિ તે તો સુતાર, લાડુબાઈ પ્રમુખ બહુ નાર. ૧૪
તેઓ સૌ મળી શ્રીહરિ પાસ, કરી વિનતિ ધરિ ઉર આશ;
અલૈયામાં આવિ અવિનાશી, કરો કાર્તિકી પૂરણમાસી. ૧૫
અમે સર્વ કર્યો છે સામાન, ચાલો સંત સહિત ભગવાન;
એવું સાંભળી શ્રીઘનશામ, ગયા ત્યાંથી અલૈયે ગામ. ૧૬
કરી કાર્તિકી પૂરણમાસી, સુખ પામિયા ત્યાંના નિવાસી;
અમદાવાદથી એહ ઠામ, આવ્યા હરિજન ગણપતરામ. ૧૭
રામદાસનો કાગળ લાવી, આપ્યો શ્રીજીને શીશ નમાવી;
પત્ર વાંચી હસ્યા હરિ જ્યારે, મુક્તાનંદે પુછ્યું એમ ત્યારે. ૧૮
એવો પત્રમાં મર્મ છે કેવો? જે વાંચીને હસવા જેવો;
સુણી બોલિયા સુંદરશામ, ઉપાધી ઉપજી બહુ ઠામ. ૧૯
સદાવ્રત ભાંગવાને અભાગી, આંહીં મંડ્યા છે ખૂબ વેરાગી;
તે તો સાધુને મારે છે માર, બીજી પીડા કરે છે અપાર. ૨૦
ગુજરાતમાં રઘુનાથદાસ, ઉપાધીનો કરે છે પ્રયાસ;
આપણાથી થઈને વિરુદ્ધ, ઉંધો ઉપદેશ દે છે અબુદ્ધ. ૨૧
પુર વીસલનગર છે નામ, તે તો ફરતો ગયો તેહ ઠામ;
હરિભક્તોની આગળ ત્યાંય, કહ્યો પોતા તણો મહિમાય. ૨૨
જાણો સ્વામી રામાનંદ હું છું, તેની શક્તિ હું સર્વ ધરું છું;
માટે મારે વિષે ભાવ ધરવો, રામાનંદનો શોક ન કરવો. ૨૩
મુક્તાનંદ ને વર્ણિ છે જેહ, બેય મુજ થકી છોટા છે તેહ;
રામાનંદને મેં બહુ સેવ્યા, બીજા કોઇયે સેવ્યા ન એવા. ૨૪
મારે માથે તેથી હાથ થાપ્યો, મને ગાદીનો વારસો આપ્યો;
બ્રહ્મવિદ્યા મને જ ભણાવી, તથા મોક્ષની રીત બતાવી. ૨૫
એમ પોતાનો મહિમા વખાણ્યો, હરિભક્તોયે વિમુખ પ્રમાણ્યો;
તેથિ ત્યાં થકિ કીધો વિદાય, આવ્યો છે અમદાવાદ માંય. ૨૬
આદરે છે અનેક ઉપાધિ, લીધા સત્સંગી કૈકને સાધી;
થોડાં નાગરનાં ફર્યાં મન, થોડા જેતલપુર તણા જન. ૨૭
બીજા ગામના પણ કોઈ કોઈ, હરિભક્ત ભમ્યા એને જોઈ;
આંહીં આવો તમે ભગવાન, તો જ થાય બધું સમાધાન. ૨૮
પત્ર એવો લખ્યો રામદાસે, કહ્યું સામે મુક્તાનંદ પાસે;
સુણી બોલિયા તે મુક્તાનંદ, સુણો શ્રીહરિ જનસુખકંદ. ૨૯
એ તો મૂળથી છે અભિમાની, પોતે જાણે છે હું જ છું જ્ઞાની;
જૈયે આપણે ગુર્જર દેશ, નૈ તો કરશે ઉપાધી વિશેષ. ૩૦
ગુજરાત માંહિ શાંતિ કરી, કચ્છ દેશ પધારજો હરી;
એવી શ્રીહરિયે સુણી વાત, જવા નક્કી કર્યું ગુજરાત. ૩૧
સમૈયે જન આવેલા ત્યાંય, તે તો સર્વને કીધા વિદાય;
સંતમંડળને લઈ સાથ, અલૈયા થકી નિકળ્યા નાથ. ૩૨
તમાસણ થઈ જાળિયે રહ્યા, બપોરા ગામ ડાંગરે થયા;
વડે ખીમા પટેલને ઘેર, ઉતર્યા જઈને રુડી પેર. ૩૩
તેના ફળિયામાં પીપર સારી, ઝુલ્યા હિંડોળે ત્યાં ગિરિધારી;
ભલી લીલા કરી ભગવાન, નદીમાં જઈને કર્યા સ્નાન. ૩૪
ગયા ખીરસરે સાક્ષાત, દરબારમાં ત્યાં રહ્યા રાત;
ગામ ખાંભે ગયા કરી દયા, ત્યાંથી ગોવિંદ ગોંડળ ગયા. ૩૫
ભૂપ દેવાજીયે દીધું માન, આપ્યું ઉતરવા શુભ સ્થાન;
રત્ના કડિયાયે એ સમે આવી, ઘણા સ્નેહથી વિનતિ સુણાવી. ૩૬
પ્રભુ રાજનિવાજ ગણાઓ, ત્યારે રાય ઉતારે ત્યાં જાઓ;
નામ રાખો ગરીબનિવાજ, આવિ ઉતરો મુજ ઘેર આજ ૩૭
ભાવ ભાળી આવો અતિ સારો, કર્યો કડીયાને ઘેર ઉતારો;
જમ્યા જેમ વિદુરની ભાજી, તેમ ત્યાં જ જમી થયો રાજી. ૩૮
પૂર્વછાયો
ગોંડળથી ગુણના નિધી, પછી ગયા રુપાવટી ગામ;
બેઠક છે શ્રીજિ તણી, કર્યો ત્યાં જઈ તરત મુકામ. ૩૯
ચોપાઈ
ગંગાજળિયો છે વોંકળો2 જ્યાંય, નાહ્યા ધર્મતનુજ જઈ ત્યાંય;
સંધ્યા આદિકનું કરી કામ, ગયા ગોવિંદ મોવૈયે ગામ. ૪૦
ત્યાંના ભક્તોયે મનભાવ ધારી, દીધિ સંતોને સુખડી સારી;
કરી ટીમણ3 ત્યાંથી સિધાવ્યા, ગામ બંધિયે ગુણનિધિ આવ્યા. ૪૧
સતસંગી પુરુષ ને રામા,4 આવ્યાં સ્નેહથી શ્રીહરિ સામાં;
મુળુભાઈ તથા જે તબોજી, ત્રિજા ક્ષત્રિમાં મુખ્ય સુરીજી. ૪૨
શેઠ ડોસો કરે રૂડાં કાજ, શેઠ જુઠો તથા હંસરાજ;
આછુબા ને લખુબા બે બાઈ, તે તો બાઈમાં મુખ્ય ગણાઈ. ૪૩
પધરાવ્યા પ્રભુ રુડી પેર, ઉતર્યા મુળુભાઈને ઘેર;
મુળુભાઈયે રસોઈ દીધી, જમી શામે સભા શુભ કીધી. ૪૪
ભુજવાસી સુંદરજી સુતાર, આવ્યા તે તો સભાની મોઝાર;
સાથે સાત હતા અસવાર, બીજા પાળા હતા દસબાર. ૪૫
મહારાજનાં દર્શન માટે, આવ્યા કચ્છથી સોરઠ વાટે;
દીઠું મૂર્તિમાં તેજ અપાર, થયા સ્તબ્ધ સુંદરજી સુતાર. ૪૬
ઝાલ્યો કર હરિયે કરી હાસ, પછી બેસાર્યા પોતાની પાસે;
ડોસાભાઈને પાસે બેસાર્યા, જુના સત્સંગી બેયને ધાર્યા. ૪૭
સરબંધિને5 દીધો ઉતારો, કહ્યું તેઓને જમવા પધારો;
પ્રભુ સુંદરજીને તે વાર, પુછવા સત્સંગીના સમાચાર. ૪૮
તે તો સર્વે કહી સંભળાવ્યા, કહ્યા જે વળિ ત્યાંથિ કહાવ્યા;
જુવે છે સહુ આપની વાટ, મહારાજ પધારો તે માટ. ૪૯
કહે કૃષ્ણ જઈ ગુજરાત, પછી કચ્છમાં આવશું ભ્રાત;
ઉચ્ચર્યા વળી શ્રીહરિ એમ, તમે છો સુખીયા કહો કેમ? ૫૦
સુણિ બોલ્યા સુંદરજી આપે, સુખી છું પ્રભુ આપ પ્રતાપે;
સદા જાણિને આપનો દાસ, દયા રાખજો શ્રી અવિનાશ. ૫૧
પછી તેની પરીક્ષા લેવા, શબ્દ શ્રીહરિયે કહ્યા એવા;
દાસ છું એમ સર્વ કહેય, દાસ થાવું તો દુર્લભ છે. ૫૨
જ્યારે આજ્ઞા ન લેશ લોપાય, ત્યારે દાસ ખરા કહેવાય;
કહ્યું તેણે સુણો અવિનાશ, હું છું આપના દાસનો દાસ. ૫૩
પ્રભુ આજ્ઞા ન લોપું લગાર, કહો તો હું તજું સંસાર;
પ્રભુજી કહે મૂછો પડાવો, મોટા થોભા ને ડાઢિ મુંડાવો. ૫૪
સુણી ઉભા થયા એ જ ઠામ, પછી તેડાવ્યો તરત હજામ;
જઈ એકાંતે વાળ મુંડાવ્યા, કરી સ્નાન પ્રભુ પાસે આવ્યા. ૫૫
કહ્યું હેતે જોડી બેઉ હાથ, કરો આજ્ઞા વળિ કાંઈ નાથ;
નહીં આપનું વેણ ઉથાપું, કહો તો તપ તીવ્ર હું તાજું. ૫૬
ત્યારે શામ બોલ્યા સુખદાઈ, તમે શેઠ સુણો ડોસાભાઈ;
નોતા આવ્યા આ દેશમાં અમે, ત્યારે એક સમે જઈ તમે. ૫૭
રામાનંદનું દર્શન કર્યું, હૃદયે રૂપ સ્વામિનું ધર્યું;
પછી સ્વામી બોલ્યા તેહ સમે, જઈ આવજો કાશિયે તમે. ૫૮
કહો વાત તો સાચી કે ખોટી, કેમ આજ્ઞા ઉલંઘી તે મોટી;
સુણી શેઠ બોલ્યા શિર નામી, આપ છો પ્રભુ અંતરજામી. ૫૯
તમે સમરથ છો સાક્ષાત, જાણો ભૂત ભવિષ્યની વાત;
હું તો ભૂલિ ગયો એહ કાજ, આપે સંભારી આપિયું આજ. ૬૦
હવે જેમ કહી તેમ કરું, વેણ આપનું અંતરે ધરું;
સુણી શ્રીજી બોલ્યા તેહ સમે, ભાઈ સુંદરજી તથા તમે. ૬૧
બેઠા છો ત્યાં થકી ઉભા થાઓ, સીધા આંહીંથી કાશીએ જાઓ;
ઘેર જાવું નહીં કાંઈ લેવા, રહેવું નહિ કોઈને કહેવા. ૬૨
કાંઈ વાહન ચડવા ન લેવું, મારું વેણ માનો તમે એવું;
કોટે કંઠી સોનાની છે જેહ, ખાજો વાટે વટાવીને તેહ. ૬૩
કહ્યું એમ બોલાવી એકાંત, જેમ જાણે નહીં કોઈ વાત;
મોટા મોટા હતા સંત જેહ, વાત જાણતા તો હતા તેહ. ૬૪
પછી શ્રીહરિને પગે લાગી, ચાલ્યા બેય જણા રજા માંગી;
સીધા કાશીને પંથે સિધાવ્યા, મનમાં કોઈ શંકા ન લાવ્યા. ૬૫
ગયા બે ગાઉ તે બેય દાસ, કહ્યું સંતોયે શ્રીહરિ પાસ;
જ્યારે જાણશે આ વાત સહુ, ત્યારે થાશે ઉપાધિ તો બહુ. ૬૬
સગાં વાલાંને ત્રાસ ઉપજશે, ભાવથી તમને કોણ ભજશે?
એ છે ગૃહસ્થ બેય ધનાઢ્ય, કેમ વેઠશે તડકો ને ટાઢ્ય?. ૬૭
પછી વાલમે કીધી વિચાર, મુક્યા પાછળ બે અસવાર;
પ્રભુ આજ્ઞાથી વાળીને લાવ્યા, બેય ભક્ત પ્રભુ પાસે આવ્યા. ૬૮
ધર્મપુત્રે પ્રશંસા કીધી, છાપ ચરણની છાતીમાં દીધી;
કહે કૃષ્ણ સુણો ડોસાભાઈ, જાત્રા કાશિની પૂર્ણ ગણાઈ. ૬૯
હવે બાકી રહિ નહિ લેશ, ફળ પામ્યા છો તેથી વિશેષ;
મુક્યું બેય જણે તમે માન, તેથી જાણ્યા મેં સંત સમાન. ૭૦
દાસે આવી સુંદરજીને પુછ્યું, ભાઈ કેમ પડાવી આ મુછડ્યું?
પાપ નામે મુવો પિતરાઈ, તેનું સુતક ઉતાર્યું ભાઈ. ૭૧
એવી દાસને ઉત્તર દીધો, તેણે અર્થ વિચારી તે લીધો;
વાત જે જે જનોયે તે જાણી, ધન્ય ધન્ય કહે તે વખાણી. ૭૨
પુષ્પિતાગ્રાવૃત્ત
પછિ હરિ ઉચર્યા પ્રસન્ન થૈને, મુજ વચનેથિ રહો નિવાસ જૈને;
સુણિ હરિમુખ કેરિ એવિ વાણી, નિજનિજ ઘેર ગયા ઉમંગ આણી. ૭૩
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદ-અભયસિંહનૃપસંવાદે
બંધિયાગ્રામે હરિદર્શનાર્થ-સૂત્રધારસુન્દરજીઆગમનનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥