કળશ ૫

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

બહુનામિયે બંધિયા થકી, લીધો પાંચતળાવનો પંથ;

તે પૃથવી પાવન કરી, જેના ગુણ ઉચશે ગ્રંથ. ૧

ચોપાઈ

પ્રભુ પાંચતળાવ તે થૈને, શુક્લ સાજડિયાળીયે જૈને;

ગયા સંત સહિત સરધાર, ત્યાં તો રાત ગઈ ઘડી ચાર. ૨

ભલું મોટું સરોવર ભાળી, ઉતર્યા તટમાં વનમાળી;

જન સામા આવ્યા તે ઠામ, તેમાં મુખ્યનાં હું કહું નામ. ૩

તોંગાભાઈ તથા વેરીભાઈ, સામા આવ્યા હકોભાઈ ધાઈ;

માનોભાઈ અને જેજોભાઈ, એ તો ક્ષત્રિની જાતિ ગણાઈ. ૪

શેઠ કમળશી ગોવર્ધન, ઇન્દ્રજી ને પ્રેમી હરિજન;

ભીમ વીરમ વસતો દરજી, ત્રણે સાચવે શામની મરજી. ૫

ખોજા હસન અને અભરામ, દેવરાજ રૈયો વશરામ;

બાઈ લાડકી આણદી બાઈ, વેરાગી રામદાસ તે ભાઈ. ૬

હતા સાધુ સદાવ્રત દેવા, સામા આવ્યા શ્રીહરિને લેવા;

વિનતિ સૌયે મળિને ઉચ્ચારી, ચાલો ગામ વિષે ગિરધારી. ૭

અમે રાખ્યો તૈયાર ઉતારો, ભલો સામાન કીધો છે સારો;

કહે કૃષ્ણ આ જગ્યા છે કેવી, જાણીયે નૈમિષારણ્ય જેવી. ૮

માટે અહિ રહેશું રાત, આવશું પ્રગટે પરભાત;

પછી ગામમાં હરિજન ગયા, શ્રીજી સંત સહીત ત્યાં રહ્યા. ૯

કર્યાં કીર્તન ને કથા વાત, એમ કરતાં તો પ્રગટ્યું પ્રભાત;

કહે મુક્તમુની મહારાજ, મારી અરજ સુણો એક આજ. ૧૦

મોટા આ સરોવર મોઝાર, રામાનંદ નાહ્યા બહુ વાર;

તમે ના ધરમકુળરાય, મોટો મહિમા આ તીર્થનો થાય. ૧૧

ઘણીવાર નાહ્યો છું હુંય, વળી આજ ફરી નાઉં છુંય;

રામાનંદનો જાણી પ્રતાપ, આંહીં પ્રથમ કર્યો મેં મેળાપ. ૧૨

માટે તેહનો મહિમા વધારો, કરી મજ્જન પુરમાં પધારો;

પછી સંત સહિત નાયા હરી, સંધ્યાવંદનાદિ ક્રિયા કરી. ૧૩

ત્યાં તો સત્સંગિ સૌ સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

તોંગાભાઈ તણે દરબાર, જઈ ઉતર્યા ધર્મકુમાર. ૧૪

સૌયે સારી રીતે કરી સેવા, મોટો લાભ અલૌકિક લેવા;

ત્યાં તો સાધુ બે ફરતા આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. ૧૫

બહ વિઘ્ન કરે છે વેરાગી, પાત્ર તુંબડાં નાંખે છે ભાંગી;

દેખે આપણા સંતને જ્યારે, તોડે કંઠી તથા માર મારે. ૧૬

સુણી સરધારમાં રહેનારા, બોલ્યા સાધુઓ બોલ બિચારા;

આવે ઝુંડ સદાવ્રત લેવા, મંડે છે અમને દુઃખ દેવા. ૧૭

લોટ દાળ કોઈ લુંટી લે છે, માર મારે અને ગાળો દે છે;

સાથે રામકિયો વળી લાવે, અમને ઉપવાસ પડાવે. ૧૮

સદાવ્રતથી દીઠાં દુઃખ જ્યારે, રામાનંદે કર્યાં બંધ ત્યારે;

કૃપા લાવી કહી મહારાજ, હવે શું કરિયે અમે આજ. ૧૯

કહે કૃષ્ણ ક્ષમા દિલ લાવો, ચાલે છે તેમ હમણાં ચલાવો;

વળી ઉપજશે સુખ જેમ, કામ કરશું વિચારીને તેમ. ૨૦

દેશમાં પછી ઉપદેશ કરવા, મેલ્યાં સંતનાં મંડળ ફરવા;

સ્વરૂપાનંદ વ્યાપકાનંદ, તેઓને કહે વૃષકુળચંદ. ૨૧

તમે સૂરત શહેર સિધાવો, જનને સતસંગ કરાવો;

દૈવી જીવ ઘણા ત્યાં રહે છે, સાચા સંતનો સંગ ચહે છે. ૨૨

કહી એમ વિદાય ત્યાં કરી, સરધારથી ચાલ્યા શ્રીહરી;

ગામ કારિયાણી કેરા નાથ, માંચા ખાચર તે હતા સાથ. ૨૩

એણે અરજ કરી શિર નામી, મારે ગામ ચાલો બહુનામી;

કહે શ્રીહરિ આવશું અમે, સીધું સામાન જૈ કરો તમે. ૨૪

માંચા ખાચર ઘેર સિધાવ્યા, રાયપર મહારાજ તો આવ્યા;

સામા આવ્યા સહુ સતસંગી, અતિ અંતર માંહી ઉમંગી. ૨૫

સૌએ આદર આપીને સારો, આપ્યો ગામમાં સરસ ઉતારો;

મુખ્ય ભક્ત હતા કહું તેહ, રાજગર એક લક્ષ્મણ જેહ. ૨૬

તથા માવજી અર્જુન નામ, તેણે પ્રેમે પૂજ્યા ઘનશામ;

ત્યાંથી કૃષ્ણ ગયા કરિયાણે, ભૂપ દેહો ખાચર તે ઠેકાણે. ૨૭

પંચ પીરની જગ્યા જહાં છે, વડ સુંદર એક તહાં છે;

ભૂમિ ઉતરવા જોગ્ય ભાળી, વડ હેઠે રહ્યા વનમાળી. ૨૮

હતાં તે ગામમાં મીણબાઈ, સમાધિનિષ્ઠ સૌથી સવાઈ;

અયોધ્યાથી ચાલ્યા અવિનાશ, પછીથી કર્યો જ્યાં જ્યાં પ્રવાસ. ૨૯

મીણબાઈ તે સઘળું નિહાળે, ઘેર બેઠાં સમાધિમાં ભાળે;

પછી પોતાના સંબંધિ પાસ, કરે વાત તે સરવ પ્રકાશ. ૩૦

કહે એક મહા બ્રહ્મચારી, વનમાં વિચરે વ્રતધારી;

ગયા પ્રથમ હિમાચળ ભણી, કરી જાત્રા તીરથની ઘણી. ૩૧

પછીથી તે જગન્નાથ જૈને, સેતુબંધ ગયા ખુશી થૈને;

પછીથી ફરી દક્ષિણ દેશ, ગુજરાતમાં કીધો પ્રવેશ. ૩૨

ગિરનારની છાયામાં આવ્યા, માંગરોળ ને લોજ સિધાવ્યા;

પીપલાણે ગયા બહુનામી, રહ્યા જ્યાં છે રામાનંદ સ્વામી. ૩૩

આવશે પ્રભુ આપણે ગામ, એમ કરતાં તે વાત તમામ;

પછી આવ્યા તહાં પ્રભુ જ્યારે, તેણે દીઠાં સમાધીમાં ત્યારે. ૩૪

સર્વ સંબંધીને કહી વાત, પ્રભુ આવ્યા અહિ સાક્ષાત;

ઉતર્યા પંચ પીરની પાસ, તેડી લાવો તે આપણે વાસ. ૩૫

દેહો ખાચર આદિક જેહ, સુણી તેડવાને ગયા તેહ;

જોયાં ષોડશ ચિહ્ન ચરણમાં, શરીરે મેઘશામ વરણમાં. ૩૬

રુડી મૂર્તિ મનોહર ભાળી, જાણ્યા શ્રીહરિ સંશય ટાળી;

કર જોડીને અરજ ઉચારી, ચાલો વાસ અમારે મુરારી. ૩૭

પધાર્યા પ્રભુ દરબારમાંય, જમ્યા સંત સહિત હરિ ત્યાંય;

શ્રીજી બેઠા સભા સજી સારી, કરી વાત વિજ્ઞાનની ભારી. ૩૮

દિવ્ય ભાવ વિશેષ દેખાડ્યો, અતિ સૌને આનંદ પમાડ્યો;

દેહા ખાચર આદિક સાથે, ધર્યા નિયમ હરિવર હાથે. ૩૯

થયા ભક્ત પ્રભુના અનન્ય, ક્યાંઈ આસ્થા રહી નહીં અન્ય;

સગાંવાલાં પોતાના જે અંગી, તેને કરવા ધાર્યા સતસંગી. ૪૦

પૂર્વછાયો

મોકો ખાચર વાંકિયા તણા, તેને જાણ્યા પોતાના જન;

વળી ખંભાળા ગામના, નામે માણશિયો પાવન. ૪૧

ચોપાઈ

પીઠાવાળાને ત્યાં તો તેડાવ્યા, એ તો કોટડા ગામથી આવ્યા;

આવ્યાં પ્રેમ ને પુતળીબાઈ, તેડાવ્યા થકી ત્યાં હરખાઈ. ૪૨

મુળુ ખાચર શ્રીગુંદાળાના, તેને જાણ્યા સંબંધી પોતાના;

એહ આદિ સગાને તેડાવ્યા, તેથી તે સહુ તરત જ આવ્યા. ૪૩

પેખી મહાપ્રભુનો પ્રતાપ, સતસંગી થયા સહુ આપ;

ધન્ય તે મીણબાઈ સુજાણ, થયું જેનાથી સૌનું કલ્યાણ. ૪૪

ઉપજાતિવૃત્ત (કુળમાં સારા-નરસા પુત્ર વિષે)

કુટુંબમાં હોય સુભક્ત એક, તારે કુટુંબો જન તે અનેક;

જો પાપિ મોટો કુળમાંહિ થાય, ઘણા જણા લૈ નરકે જ જાય. ૪૫

તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશિથી લહે છે;

ઘણા જનો જે કુળમાંહી હોય, શોભાવશે એક જ ભક્ત તોય. ૪૬

જે વંશમાં એક જ ભક્ત થાય, પવિત્ર તે વંશ બધો ગણાય;

જે જાણિયે ભક્તનિ જન્મવાળી,1 તે ધન્ય ભૂમિ ભલી ભાગ્યશાળી. ૪૭

કુંતા સીતા દ્રૌપદી ગોપિકાઓ, રાધા રમા કે શ્રુતિની રુચાઓ;

ઇત્યાદિ જે ઉત્તમ સૌ ગણાઈ, તે સર્વથી ઉત્તમ મીણબાઈ. ૪૮

પુષ્પિતાસાવૃત્ત

સુરવર પણ વંદવા પધારે, ચરણ તણી રજ હૈ સ્વશીશ ધારે;

હરિજન મહિમા અપાર એવો, કહી ન શકાય જથાર્થ હોય જેવો. ૪૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકરિયાણા-ગ્રામવિચરણનામા ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે