કળશ ૫

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

વાત કહી મીણબાઈની, બ્રહ્મચારીયે ભૂપતિ પાસ;

નૃપતિને ઇચ્છા થઈ, એનો સાંભળવા ઇતિહાસ. ૧

ચોપાઈ

સારી સાંભળી વાત અનૂપ, બ્રહ્મચારીને પૂછે છે ભૂપ;

મીણબાઈ તણું આખ્યાન, સંભળાવો મને જ્ઞાનવાન. ૨

મીણબાઈ મહા ભક્તરાજ, કુળ તારવા કેરું જહાજ;

એવા ભક્ત તણા ઇતિહાસ, સુણે સ્નેહથી કૃષ્ણના દાસ. ૩

જેના દિલમાં અદેખાઈ આવે, તેવાને તો તે વાત ન ભાવે;

ધ્રુવ પ્રહ્‌લાદ કેરાં ચરિત્ર, લખ્યાં શાસ્ત્રમાં જાણી પવિત્ર. ૪

મીણબાઈ તણો ઇતિહાસ, કૃપાનાથ કહો મુજ પાસ;

સુણી બોલિયા તે બ્રહ્મચારી, નૃપ ધન્ય છે શ્રદ્ધા તમારી. ૫

સુણવા ચહો ભક્તચરિત્ર, કહું સાંભળો પરમ પવિત્ર;

મુક્ત અક્ષરધામનાં એહ, હરિ ઇચ્છા થકી ધર્યો દેહ. ૬

હાદો ધાધલ ક્ષત્રિનું નામ, જેનો વાસ દુરગપુર ધામ;

તેના વંશ તણો જ વિસ્તાર, પુત્ર એક ને પુત્રિઓ ચાર. ૭

ભલો પુત્ર નામે બાવો ભાઈ, મોટી પુત્રી નામે મીણબાઈ;

જન્મથી જ પવિત્ર જણાય, પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય. ૮

જોઈ સર્વ કહે નરનારી, થાશે બે કુળને તારનારી;

જ્યારે થૈ દશ વર્ષ પ્રમાણે, પરણાવી તેને કરિયાણે. ૯

દેહા ખાચરનો સગો ભાઈ, નામે ઉન્નડ ભારે ભલાઈ;

તેને વેરે તેને પરણાવ્યાં, સતી શાણી તે સાસરે આવ્યાં. ૧૦

પ્રભુભક્તિ ઉપર ઘણો પ્યાર, તેને સંસાર ન ગમે લગાર;

કહે કોઈ આ તો મીરાંબાઈ, કહે કોઈ સમુદ્રની જાઈ. 1 ૧૧

પછી ઈશ્વરની ઇચ્છાય, તેના કંથે2 તજી નિજ કાય;

મીણબાઈએ ન કર્યો કલેશ, હરિનું કરે ભજન હમેશ. ૧૨

ઉપજાતિવૃત્ત (મરનાર પાછળ ન રોવા વિષે)

પ્રભૂનિ ઇચ્છાથિ થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય;

જ્ઞાની જનો ધીરજ તો ધરે છે, અજ્ઞાનિ તો રોઇ કુટી મરે છે. ૧૩

રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથિ આવવાનું;

રોવા થકી નેત્રનું તેજ જાય, કુટ્યાથિ છાતી દરદ પિડાય. ૧૪

રુવે કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાટે;

છે એમ ગારૂડ પુરાણમાંઈ, સ્નેહી જનોયે રડવું ન કાંઈ. ૧૫

જો શત્રુ જાણો જન મૃત્યુવાળો, તો રોઇ કૂટી વળિ વેર વાળો;

જો પ્રીતિ તેના પર કાંઈ હોય, તો સ્નેહિ તેના રડશો ન કોય. ૧૬

પ્રભૂ ભજી જો પ્રભુ પાસ જાય, તો સ્નેહિયો સાંભળિ રાજિ થાય;

જો થાય જૈને નરકે નિવાસી, તો સાંભળી તેહ થવું ઉદાસી. ૧૭

પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળિ કોઈ કાળ;

ઉછીતું આપ્યું ધન પાછું લેશે, શા માટે તેનો કરિયે કલેશે?. ૧૮

ચોપાઈ

મહાજ્ઞાની સતી મીણબાઈ, સ્વામીનો શોક કીધો ન કાંઈ;

તેના મરણ સુધીની કથાય, કહું આજ પ્રસંગે હે રાય. ૧૯

જ્યારે આવીને શ્રીઅવિનાશ, કર્યો દુર્ગપુરીમાં નિવાસ;

મીણબાઈ દુરગપુર ગયાં, જીવુબાઈની આગળ રહ્યાં. ૨૦

પાળ્યો સર્વવિધ્યે સાંખ્યયોગ, ભાસ્યો ઝેર બરાબર ભોગ;

રસકસનો કર્યો તેણે ત્યાગ, જાણી સજ્યા તો સળગતી આગ. ૨૧

સુવે પૃથ્વિયે કરિને પથારી, એક વાર જમે મિતાહારી;

સારું વસ્ત્ર આભ્રણ ન ધારે, કોઈ પુરુષથી બોલે ન ક્યારે. ૨૨

તપ કઠણ કરી દમે દેહ, રાખે શ્રીજિચરણ અતિ સ્નેહ;

એના તપની કથા સુણી કાન, મોટા મુનિ તપસી તજે માન. ૨૩

ધન્ય ધન્ય તે રાજકુમારી, કહે એમ સહુ નરનારી;

આવા ઘોર કળીકાળ માંય, તપ એવું કોઈથી ન થાય. ૨૪

એ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ, એમ ઉચ્ચરે ઘણા જન આપ;

એથી પરચો બિજો કિયો ભારે, એમ સમજુ તો સમજી વિચારે. ૨૫

એમ વીત્યાં વરસ દસ-બાર, તન તજવાનો કીધો વિચાર;

કહી કૃષ્ણની આગળ વાત, ત્યારે બોલ્યા હરિ સાક્ષાત. ૨૬

બાવો ધાધલ ગામ ગયા છે, તેમ ઉપર તેની દયા છે;

જ્યારે ગામથી આવે તે ઘેર, તમે તન તજજો શુભ પર. ૨૭

પછી આવિયા તે ઘેર જ્યારે, બાઈને પ્રભુયે કહ્યું ત્યારે;

હવે સુખથી તમે તજો દેહ, થયાં તૈયાર તજવાને તેહ. ૨૮

એક વિપ્ર હતી રામબાઈ, તેની પ્રત્યે બોલ્યા સુખદાઈ;

તમે જાઓ સમાધીમાં આજ, કરો હું કહું એટલું કાજ. ૨૯

મીણબાઈ તજી નિજ દેહ, કેવી રીતે સિધાવે છે તેહ?

કિયા ધામ વિષે વસે વાસ, જઈ જોઈ આવો અમ પાસ. ૩૦

રામબાઈ સમાધિમાં ગયાં, મીણબાઈ તણી કેડે થયાં;

આવ્યા મુક્ત વિમાન ત્યાં લૈને, મીણબાઈ બેઠા સજ્જ થઈને. ૩૧

જે જે ધામ ઉલંઘિને ગયાં, રામબાઈને દર્શન થયાં;

ગયાં અક્ષરધામ મોઝાર, ત્યાં તો તેજનો દીઠો અંબાર. 3 ૩૨

સિંહાસનમાં શ્રીજીમહારાજ, દીઠો આગળ સંત સમાજ;

જેવા દિસે દુરગપુરમાંય, તેવા દીઠા મહાપ્રભુ ત્યાંય. ૩૩

મીણબાઈયે વંદન કીધું, ત્યારે શ્રીજીયે સન્માન દીધું;

મોટા મુક્તોયે કીધાં વખાણ, મીણબાઈ છે ભક્ત સુજાણ. ૩૪

એણે ભક્તિ ભલી કરી જેવી, આજ અન્યથી નવ થાય એવી;

સુણી રાજી થયા ઘનશામ, આખું રહેવાને ઉત્તમ ધામ. ૩૫

રામબાઈ બધું જોઈ કરી, આવ્યાં ગઢપુરમાં પાછાં ફરી;

સભામાં સઘળી કહી વાત, સુણિ સર્વે થયા રળિયાત. ૩૬

મીણબાઈનો ભૌતિક દેહ, કેવી રીત્યે દહન કર્યો તે;

કહું સંક્ષેપમાં તેહ વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૩૭

રુડું એક વિમાન કરાવ્યું, તેમાં તે શબને પધરાવ્યું;

ચાલ્યા લૈ સતસંગનો સાથ, સાથે સંત સહિત સંતનાથ. ૩૮

જતાં રસ્તે ભેળી ચાલી ગાય, પાછી વાળતાં પાછી ન જાય;

જગજીવન બોલિયા જોઈ, એને પાછી ન વાળશો કોઈ. ૩૯

ગયા જે સ્થળમાં સમશાન, મહી4 ઊપર મુક્યું વિમાન;

તેને ગાય ફેરા ફરી સાત, ગઈ ક્યાં તે જણાઈ ન વાત. ૪૦

ચિતા ઉત્તમ કાષ્ઠ રચાવી, તેમાં દહન કર્યું શબ લાવી;

સઉ સ્નાન કરી આવ્યા ઘેર, સજી સાંજે સભા શુભ પેર. ૪૧

સંતે શ્રીજીને પુછીયું ત્યાંય, કહી કોણ હતી એહ ગાય?

કહે શ્રીજી હતી એ તો ગંગા, બની આવી હતી ગાયઅંગા. 5 ૪૨

જાણિ બાઈનો મહીમા અઘાત, કરિ ગૈ તે પ્રદક્ષિણા સાત;

સુણિ આશ્ચર્ય ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ. ૪૩

તેનું ખરચ કર્યું કરીયાણે, પ્રભુ ત્યાં વિચર્યા તેહ ટાણે;

ખર્ચ સાસરિયે કર્યું સારું, ધન્ય ભાગ્ય તેનાં પણ ધારું. ૪૪

પૂર્વછાયો

આખ્યાન આ મીણબાઈનું, સ્નેહે સુણે સુણાવે કોય;

પાવન મન તેનું થશે, હેત હરિ વિષે દૃઢ હોય. ૪૫

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, હવે કહું કરીયાણાની વાત;

ભલી ત્યાં નદી છે કાળુભાર, કરી પાવન ધર્મકુમાર. ૪૬

સાથે લૈ સર્વ સંતનું વૃન્દ, ગયા વાવડીયે વૃષનંદ;

વાઘો ઉકો ખાચર ગુણવાન, તેની માતાજીએ દીધું માન. ૪૭

પાયું દૂધ ને સાકર સારી, ગયા માંડવધાર મુરારી;

મુનિમંડળ ને મુનિરાયા, નેહે ઉન્મતગંગામાં નાયા. ૪૮

સર્વ સંતને પાર્ષદ સાથે, કારીયાણીયે મોકલ્યા નાથ;

ગઢડે ગયા શ્રીગોવિંદ, સાથે સાધુ છે આનંદાનંદ. ૪૯

ભલો ગામથી પશ્ચિમ ભાગ, ગંગા કાંઠે દીઠો એક બાગ;

નામે મલેક શાહ ફકીર, તેનો બાગ હતો તે રુચિર. ૫૦

દીઠો ખીજડો એક તે ઠામ, બેઠા તે તળે સુંદર શામ;

એહ બાગથી દક્ષિણ દીશ, રુડી ઉન્મત ગંગાને વિષે. ૫૧

ગયા નાવા આનંદાનંદ, પ્રભુ પાસે આવ્યું બાળવૃંદ;

બાળમંડળિ પાસે બોલાવી, શામે સૌને સમાધી કરાવી. ૫૨

હતા બાળક તે દશ-બાર, સૂતા સર્વે થઈ શબાકાર;

ત્યાં તો આવી ચડ્યા બિજા જન, જોઈ અચરજ પામિયા મન. ૫૩

જાણ્યું બાવો આ જે ઉતર્યો છે, તેણે આ કાંઈ જાદુ કર્યો છે;

કહ્યું તેઓયે હે મહારાજા! બધા બાળકોને કરો સાજા. ૫૪

સગાંવાલાં જો જાણશે વાત, ત્યારે થાશે ઘણો ઉતપાત;6

કહે કૃષ્ણ નથી કાંઈ વ્યાધી,7 એ તો સૌને થઈ છે સમાધી. ૫૫

મુકો ઉપરાઉપર ખડકી, ભય કાંઈ ન પામશો ભડકી;

પછી આવીને એ લોકો અડક્યા, સૌને ઉપરાઉપર ખડક્યા. ૫૬

આખા ગામમાં વિસ્તરી વાત, જોવા આવ્યા મળી જનવ્રાત;8

જીવો ખાચર જોવાને આવ્યા, મુળુ ખાચરને સાથે લાવ્યા. ૫૭

આવ્યાં બાળકોનાં સગાંવાલાં, બહુ તેણે કર્યા કાલાવાલા;

મહારાજ દયા દિલે ધરો, બધાં બાળક જીવતા કરો. ૫૮

સુણી શ્રીહરિ બોલિયા વાણી, સૌથી હેઠલાને કાઢો તાણી;

તેને કાઢી લીધો પછી જ્યારે, બીજા અધર રહ્યા સૌ ત્યારે. ૫૯

જેને કાઢ્યો તેને ભગવાને, કર્યો જાગ્રત નેણની સાને;

એકે એકે જગાડ્યાથી જાગ્યા, ઉઠી શ્રીપ્રભુને પગે લાગ્યા. ૬૦

પ્રભુયે બાળકોને બોલાવ્યા, કહો ક્યાં જઈને તમે આવ્યા?

એકે એકે માંડી કહી વાત, પ્રભુ ધામ દીઠું સાક્ષાત. ૬૧

કહે જોયો મેં વૈકુંઠવાસ, કહે કોઈ મેં જોયો કૈલાસ;

દીઠો ગોલોક મેં કહે કોઈ, આવ્યો અક્ષરધામને જોઈ. ૬૨

સિંહાસન પર ત્યાં તમે હતા, ક્યારે આંહિ આવ્યા તહાં છતાં?

જે જે ત્યાં મારી નજરે પડતું, તે તો કહેતાં નથી જ આવડતું. ૬૩

જોયાં એમ જુદાં જુદાં ધામ, લીધાં બાળકે તેહનાં નામ;

એવી બાળકની સુણી વાત, થયા વિસ્મિત સૌ જનજાત. ૬૪

પછી બાળક ગામમાં ગયા, જીવો ખાચર તો તહાં રહ્યા;

મોટાપુરુષ પ્રભુને તે જાણી, કરી વંદન બોલિયા વાણી. ૬૫

દયાસિંધુ દયા દિલ ધારી, દરબાર અમારે પધારો;

સુણી બોલ્યા પ્રભુ સાક્ષાત, હમણાં તો જશું ગુજરાત. ૬૬

વળતાં આવશું કોઈ વાર, આ છે ભૂમિ પવિત્ર અપાર;

અહિ અમને રહેવું ગમે છે, પણ વાત સમાની સામે છે. ૬૭

જીવે ખાચરે ત્યાં એક દાસ, મોકલ્યો લખુ કંદોઈ પાસ;

ત્યાંથી પેંડા ને બરફી મંગાવી, ધર્મપુત્રની પાસ ધરાવી. ૬૮

જમ્યા શ્રીજી ને આનંદાનંદ, પછી ત્યાંથી ચાલ્યા જગવંદ;

જીવા ખાચર આદિક જેહ, પાછા પુરમાં પધારિયા તેહ. ૬૯

વાત એભલ ખાચરે જાણી, અતિ આતુરતા ઉર આણી;

ગયા બાગમાં દર્શન કાજ, મળ્યા ત્યાં તો નહીં મહારાજ. ૭૦

નવ જાણ્યું ગયા કઈ દશે,9 પૂછે મંત્રિને ક્યાં હરિ હશે?

અતિ અંતરે થૈને ઉદાસ, નાખે ઉંડા ઉંડા નિઃશ્વાસ. ૭૧

આંસુ આવ્યાં ને ભૂલિયા ભાન, ત્યારે બોલ્યા પ્રવીણ પ્રધાન;

ધરણી પતિ ધીરજ ધારો, ઘણો સાચો છે સ્નેહ તમારો. ૭૨

ભવ પૂર્વ તણાં પુણ્ય ફળશે, ત્યારે શ્રીહરિ આવિને મળશે;

તમે લોભ કરો નહીં ચિત્તે, મળશે પરમેશ્વર પ્રીતે. ૭૩

ઉપજાતિવૃત્ત (અતિશે ઉતાવળિયા ન થવા વિષે)

ઉતાવળે કાંઈ સરે ન અર્થ, કલેશ કીધે દુઃખ થાય વ્યર્થ;

માળી તરૂને બહુ પાણી પાશે, સમા વિના તો ફળ કેમ થાશે? ૭૪

નિશા સમે સારસ10 શોક ધારે, જાણે રવી ઉદય થાય ક્યારે;

આદિત્ય એ માટ ઉદે ન થાય, પ્રભાત થાતાં પ્રગટે સદાય. ૭૫

જે કામ ઊતાવળથી કરાય, તે કામમાં કાંઈ બિગાડ થાય;

ઉતાવળો થૈ જન જે જનાર, પાછો વળે છે ફરિ સાત વાર. ૭૬

ધિમે ધિમે કામ જ થાય સારું, ઉતાવળે એવું નથી થનારું;

ભલે કરે ક્રોધ કદાપિ રાય, ન એક ઘાએ કદિ કૂપ થાય. ૭૭

જો કાશિનો મારગ કોઈ ઝાલે, એકે દિને ચોત્રિશ કોશ ચાલે;

બિજે દિને કાંઈ નહીં ચલાય, ધિમે ધિમે કોશ સહસ્ર જાય. ૭૮

ઉતાવળું જે ભણવા કરે છે, તેનું ભણેલું ઝટ વીસરે છે;

ઉતાવળે ગ્રંથ કદી રચાય, વખાણવા જોગ્ય નહીં જ થાય. ૭૯

રસોઈ ઊતાવળથી કરાય, કાચી રહે કે કદિ દાઝિ જાય;

ઉતાવળું જે જમવા ચહે છે, અજીર્ણ અને ઉદરે રહે છે. ૮૦

ન એક ફાળે શિખરે જવાય, અનુક્રમે તો ચડતાં ચઢાય;

માટે વિચારી મન માંહિ આવું, અત્યંત ઊતાવળિયા ન થાવું. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સરસ વચન એ રિતે સુણાવી, ધિરજ વિશેષ ધરેશને11 ધરાવી;

પછિ પુરપતિ ગામમાં પધાર્યા, પ્રભુગુણ તો વિસરે નહીં વિચાર્યા. ૮૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદુર્ગપુરે પ્રથમઆગમનનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે