કળશ ૫

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

ગોવિંદ ગઢપુરથી ગયા, કારિયાણીયે નિજજન કામ;

સામાં આવ્યા સતસંગિયો, તેમાં મુખ્ય તણાં કહું નામ. ૧

ચોપાઈ

માંચો ખાચર તો મહિનાથ, વસ્તો ખાચર તેહની સાથ;

ધોલેરાના હતા તહાં જેહ, આવ્યા સામા બુટોભાઈ તેહ. ૨

તેના પુત્ર બે સદ્‌ગુણધામ, પુંજાજી ને બનેસિંહ નામ;

બનેસિંહના સુત ભોજોભાઈ, બુટાભાઈ સુતા અજુબાઈ. ૩

ફુલજીબા બાપજીની ભગની, જેને લાગી પ્રભુ પદે લગની;

વેલા ખાચરની જ્યાં પીંપર, હતા ત્યાં ઉતર્યા હરિવર. ૪

આવ્યા ત્યાં સતસંગી તમામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ;

અતિ અંતરમાં પ્રેમ ધારી, માંચા ખાચરે સ્તુતી ઉચ્ચારી. ૫

દોહરો

જય જય જગજનની જનક, જય શોભિત જન સાથ;

શુભ ઉપમાલાયક સદા, જય મુનિનાયક નાથ. ૬

સવૈયો – ઇન્દ્રવિજય

જે મુનિનાયક જે સુખદાયક સંત સહાયક શ્રીગિરિધારી,

જે જનરંજન નાથ નિરંજન ભૂધર ભીતિ વિભંજન ભારી;

જે જગવંદન જે વૃષનંદન દોષ નિકંદન દેવ મુરારી,

જે જનતારણ જે જગકારણ વિઘ્નનિવારણ વિશ્વવિહારી. ૭

ચોપાઈ

સ્તુતિના એવા શબ્દ સુણાવ્યા, પછી પુરમાં પ્રભુ પધરાવ્યા;

માંચા ખાચરનો દરબાર, ઉતર્યા આવિ ધર્મકુમાર. ૮

અજુબા અને ફુલીબા આવી, તેને શામે સમાધિ કરાવી;

જોઈ આવ્યાં તે અક્ષરધામ, ત્યાંની વાત કહી તેહ ઠામ. ૯

સુણી સૌ જન વિસ્મિત થાય, માન્યો શ્રીહરિનો મહિમાય;

થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા સંત ને જગદાધાર. ૧૦

ગામ કુંડળમાં થઈ વાત, કારિયાણીયે છે જગતાત;

તેનાં દર્શન કરવાને કાજ, ચાલ્યો ત્યાં થકી ભક્તસમાજ. ૧૧

રામાનંદનાં તે શિષ્ય જાણો, કહું નામ સુણી ઉર આણો;

ભાગ્યશાળિ ભલાં રાઈબાઈ, તેના પુત્ર ભલા ત્રણ ભાઈ. ૧૨

એક મામૈયો હાથિયો રામ, આવ્યા પટગર અમરો નામ;

બીજા પણ આવ્યા ઉમંગ ધારી, નેહે નિર્ખિયા દેવ મુરારી. ૧૩

કરી અરજ કરીને પ્રણામ, પ્રભુ આવો અમારે ગામ;

એમ કાલાવાલા બહુ કીધા, તે તો શામે બધા સુણી લીધા. ૧૪

પણ બોલ્યા નહીં કાંઈ જ્યારે માંચા ખાચર બોલિયા ત્યારે;

શ્રીજી સાંભળો હું કરું અરજી, પછી કરજો જેવી આપ મરજી. ૧૫

જુનાં સત્સંગી છે રાઈબાઈ, હરિભક્તમાં મુખ્ય ગણાઈ;

ગંગાબા છે જેતલપુર જેવાં, રાઈબાઈને જાણવાં એવાં. ૧૬

અતિ આગ્રહથી કરે અરજી, માટે સાચવવી તેની મરજી;

બીજે જાવા ઉતાવળ હોય, જવું જોઇયે કુંડળ તોય. ૧૭

સુણી બોલિયા સુંદર શામ, જાવો આવશું કુંડળ ગામ;

એમ કહિ જન કીધા વિદાય, રહ્યા થોડા દિવસ હરિ ત્યાંય. ૧૮

પછી સંત સહિત સુખધામ, ગયા ત્યાં થકી કુંડળ ગામ;

રાઈબાઈના ઓરડામાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૧૯

રાઈબાઈયે દીધી રસોઈ, સાધુ પાળા જમ્યા સહુ કોઈ;

મુકુંદાનંદે ત્યાં કર્યો થાળ, જમ્યા તે પછી દીનદયાળ. ૨૦

રહ્યા શ્રીહરિ ત્યાં એક રાત, ચાલ્યા ઉઠીને થાતાં પ્રભાત;

યાદ આવ્યું બોચાસણ ગામ, કાશિદાસનું કરવાનું કામ. ૨૧

પૂર્વે થૈ હતી આકાશવાણી, મળશે આવી સારંગપાણી;

સત્ય કરવાને વાણી તે શામ, ત્યાંથી ચાલ્યા બોચાસણ ગામ. ૨૨

જે જે ગામમાં ભક્તસમાજ, રાતવાસો રહ્યા મહારાજ;

એવી રીતે બોચાસણ આવ્યા, સાથે સંતનું મંડળ લાવ્યા. ૨૩

કાશિદાસ તણે ઘેર ગયા, જઈ આંગણામાં ઉભા રહ્યા;

કાશિદાસ તથા તેની માત, નામે નાનીબાઈ વિખ્યાત. ૨૪

બેયે પુછ્યું કરીને પ્રણામ, ક્યાંથી આવ્યા કહો નિજ નામ?

સુણી બોલ્યા પ્રભુ શુભ પર, અમે આવ્યા હતા તમ ઘેર. ૨૫

હતો ત્યારે તપસ્વીનો વેષ, જટાજૂટ કર્યા હતા કેશ;

જમતાં પીરશું તમે દૂધ, સુણી આવી તે બેયને સુદ્ધ. ૨૬

સાંભરી આવી આકાશવાણી, મળશે ફરી સારંગપાણી;

સોળે ચિહ્ન જોયાં પદમાંય, ત્યારે નિશ્ચે થયો તેને ત્યાંય. ૨૭

આપોઆપ આ તો ભગવાન, દેવા આવિયા દર્શન દાન;

કહી વિનતિનાં વચન અનેક, આપ્યું ઉતરવા ઘરે એક. ૨૮

સારી સંતને દીધી રસોઈ, જગદીશ જમ્યા ભાવ જોઈ;

જન દર્શન કરવાને આવે, શ્રીજી તેને સમાધી કરાવે. ૨૯

આસપાસ તણાં જેહ ગામ, ચાલી વાત તે તો ઠામોઠામ;

તેથી આવે ઘણા જન ત્યાંથી, ઉભરાય પ્રીતિ ઉરમાંથી. ૩૦

પૂર્વછાયો

વાસ વસે વરતાલમાં, જન પવિત્ર પાટીદાર;

તેણે ઘણા જનને મુખે, સુણ્યો પ્રભુ પ્રતાપ અપાર. ૩૧

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણો ભૂપ, કહું આખ્યાન તેનું અનૂપ;

બદ્રિકાશ્રમના મુનિ એક, ચાલ્યા તીરથ કરવા અનેક. ૩૨

અંગે ધાર્યો સંન્યાસિનો વેષ, કર્યા તીર્થ ફર્યા બહુ દેશ;

એવી રીતે આવ્યા ગુજરાત, વરતાલ વિષે સાક્ષાત. ૩૩

ધરા દીઠી તે પુણ્યનિધાન, મુનિને છે ત્રિકાળનું જ્ઞાન;

ધારી અંતરમાં એવી આશ, થોડા દિન કરવો અહિં વાસ. ૩૪

ધર્મશાળા દિઠી એક એવી, વસે જેહમાં વડેઉ દેવી:

ત્યાંથી પશ્ચિમદિશ મોઝાર, રાજમારગ છે જેહ ઠાર. ૩૫

એક ખડકી હતી મેડીવાળી, તે તો ઉતરવા જોગ્ય ભાળી;

વળિ લક્ષ્મીનારાયણ કેરું, આજ દિસે છે સુંદર દેરું. ૩૬

મોટી બોરડી ત્યાં હતી સારી, તે તો શોભતી તંબુ આકારી;

સંન્યાસીની નજર ત્યાં ગઈ, બદરીસ્થળની1 સ્મૃતિ થઈ. ૩૭

હરિગીતછંદ

સ્મૃતિ વૈ વિશાળા સ્થળ તણી તે ભાળિને બદરી ભલી,

અતિ મિષ્ટ તેમ ગરિષ્ઠ સુંદર ફળ વડે રહિ છે ફળી;

સંન્યાસિ જોઈ તપાશિ વાચ વિકાશિ2 ઉર અચરજ ધરી,

સંસાર સરજનહાર જગ શણગારશું બદરી કરી. ૩૮

ચંદન તરુ નંદન તણા તે જેહને વંદન કરે,

સુરવૃક્ષ લક્ષ સમક્ષ જઈ જન દક્ષ મહિમા ઉચ્ચરે;3

શિવસર્ગથી4 કે સ્વર્ગથી અપવર્ગથી5 શું ઊતરી!

સંસાર સરજનહાર જગશણગારશું બદરી કરી. ૩૯

હિમવાન શિખર સમાન તેજનિધાન રમ્ય સુરંગ6 છે,

ઉત્તંગ7 અંગ અભંગ રંગ તરંગસંગ વિહંગ8 છે;

અવનીંદ્ર ઈંદ્ર મુનીંદ્ર ચંદ્ર નિવાસ જોગ ખરેખરી,

સંસાર સરજનહાર જગશણગારશું બદરી કરી. ૪૦

નર નાગ9 વાગ10 સુભાગથી તજિ રાગ રહિ આ ભાગમાં,

વિખ્યાત વાત થશે ઘણી જનજાત વ્રાત11 અથાગમાં;

હરિધામ ગણિ આ ઠામ કરી આરામ આમ રહી ઠરી,

સંસાર સરજનહાર જગશરણગારશું બદરી કરી. ૪૧

ચોપાઈ

બદરી બહુ એમ વખાણી, અતિ ઉત્તમ એ સ્થળ જાણી;

કીધો સંન્યાસીયે ત્યાં નિવાસ, પાટીદાર આવિ બેઠા પાસ. ૪૨

બાપુજી સુત રણછોડદાસ, પ્રભુ મળવાની એ બેને આશ;

કરે જોગી જતિ તણી સેવા, પ્રભુ મેળવશે જાણે એવા. ૪૩

મોટા સિદ્ધ સંન્યાસીને જાણી, પગે લાગ્યા વદી શુભ વાણી;

આપ્યો ખડકી ઉપર ઉતારો, કર્યો સ્નેહથી સતકારો સારો. ૪૪

જઈ વિપ્ર પવિત્રને ઘેર, સ્વામી ભિક્ષા કરે રુડી પેર;

બદરી તળે જૈ સભા સજે, કથા વાત કરે પ્રભુ ભજે. ૪૫

સુવે ખડકી ઉપર જૈ રાતે, નાય જૈને તળાવે પ્રભાતે;

કથા સાંભળવા સુખકાર, આવે ગામના સૌ પાટીદાર. ૪૬

આંધળો હતો ભગવાનદાસ, તેણે માગ્યું સંન્યાસીની પાસ;

ધર્મવંત દયા દિલ ધરો, મને દૃષ્ટિયે દેખતો કરો. ૪૭

સુણી એવું દયા દિલે આવી, તેની આંખો આરોગ્ય બનાવી;

મોટો તેથી વધ્યો મહિમાય, પ્રભુની પેઠે સ્વામી પૂજાય. ૪૮

બાપુજી તથા રણછોડદાસ, રહે સેવામાં સ્વામિની પાસ;

નિત્ય સ્વામિનાં ચરણ તે ચાંપે, જોઇયે તે જણસ લાવી આપે. ૪૯

થયા સ્વામિ તે પુરા પ્રસન્ન, કહ્યું માગો મુખેથી વચન;

ત્યારે બોલ્યા તનુજ ને તાત, પામ્યા છૈયે અમે સુખ સાત. ૫૦

ઉપજાતિવૃત્ત (સંસારમાં સાત સુખ ને સાત દુઃખ વિષે)

આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો;

કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ સાત તેહ. ૫૧

વ્યાધી ઉપાધી ઋણ હોય માથે, કુભારજા ક્લેશ કુટુંબ સાથે;

કુપુત્ર કે હોય કુમિત્ર સંગ, તે દુઃખનાં સાત ગણાય અંગ. ૫૨

ચોપાઈ

તમ જેવા તણી દયા પામી, નથિ દુઃખ ને સુખ છે સ્વામી;

સ્થિતિ મધ્યમમાં સુખ જેવું, અતિ ઉત્તમમાં નથી એવું. ૫૩

નથી જોતું ઘણું ધન ધાન, નથી જોતું ઘણું મોટું માન;

નથી જોતા હવે ઘણા ઘાટ, નથી જોઈતું રાજ કે પાટ. ૫૪

ઇચ્છા એક રહે છે અપાર, મળે ક્યારે જગત કરતાર?

સુણી સ્વામિ કહે ધન્ય ધન્ય, સમજૂ તમ જેવા ન અન્ય. ૫૫

નથી માગતા માયિક સુખ, પ્રભુ મળવાનું માગો છો મુખ;

દીધું એમ કહી વરદાન, ભેટશે તમને ભગવાન. ૫૬

ત્યારે તેઓએ પૂછિયું આમ, ક્યારે મળશે અને કિયે ગામ?

સ્વામિ બોલ્યા પછી તેની પાસ, સ્નેહે સાંભળો રણછોડદાસ. ૫૭

કોટિ બ્રહ્માંડના કરનાર, તેણે લીધો છે નર અવતાર;

આજ સોરઠમાં વિચરે છે, કોટિ જનનાં કલ્યાણ કરે છે. ૫૮

થોડા માસમાં સુંદર શામ, આવશે તે બોચાસણ ગામ;

તેનો સાંભળી પ્રૌઢ પ્રતાપ, જજો દર્શન કરવાને આપ. ૫૯

સોળે ચિહ્ન ચરણમાં જણાય, તેથી જાણજો તે જગરાય;

એવા સાંભળીને તે ઉચ્ચાર, માન્યો સ્વામિનો પાડ અપાર. ૬૦

રાતે સ્વામિ નિદ્રાવશ થયા, પાટીદાર ત્યારે ઘેર ગયા;

આવી જોયું પ્રભાતમાં જ્યારે, ત્યાં તો સ્વામિને દીઠા ન ત્યારે. ૬૧

ઘણા જોઈ વળ્યા વાટ ઘાટ, ઉપજ્યો ઉર માંહિ ઉચાટ;

કોઈ લોકે સમાચાર કહ્યા, બામણોલી ભણી સ્વામી ગયા. ૬૨

તેની પાછળ જૈ જોઈ વળ્યા, મહાપુરુષ તો ક્યાંઈ ન મળ્યા;

જાણ્યું ધારી સંન્યાસીનો વેષ, એ તો આવેલા કોઈ સિદ્ધેશ. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન જઈ જન્મ જ્યાં ધરે છે, મુનિજન દ્વાર દયાળુ શુદ્ધ લે છે;

કદિ નિજજનને વિદેશ મૂકે, ચિતવન ચિત્ત થકી પ્રભૂ ન ચૂકે. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે સિદ્ધ સંન્યાસીઆગમનનામાં અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે