વિશ્રામ ૧૯
પૂર્વછાયો
થોડાક માસ ગયા પછી, આવ્યા બોચાસણે અવિનાશ;
વાત સુણી વરતાલમાં, બાપુભાઈ ને રણછોડદાસ. ૧
ચોપાઈ
બાપુભાઈનું નામ પ્રકાશ, કહું જન્મનું કુબેરદાસ;
પિતા પુત્ર મળીને સિધાવ્યા, બેય ગામ બોચાસણે આવ્યા. ૨
કાશિદાસને ઘેર તે ગયા, પ્રભુ નિરખીને પાવન થયા;
પદમાં પડી કીધો પ્રણામ, પ્રભુએ પુછ્યું ગામ ને નામ. ૩
સર્વ જાણે છે અંતરજામી, જન રીતિ કરી બહુનામી;
કાશિદાસે કહ્યાં નામ ઠામ, કહ્યું આવ્યા છે દર્શન કામ. ૪
પ્રભુપદતળ બેય નિહાળ્યાં, પિતા પુત્રે સોળે ચિહ્ન ભાળ્યાં;
રુડું દીઠું ચમત્કારી રૂપ, જાણ્યા કોટિ ભુવનના ભૂપ. ૫
નિજ ભાગ્ય તણો મહિમાય, જાણી હૈયામાં હરખ ન માય;
થયાં પુલક્તિ બેનાં શરીર, નેણે આવિયાં નેહનાં નીર. ૬
અમે ક્યાં અલ્પ જીવ ગમાર, અને ક્યાં કોટિ જગકરતાર!
એનાં દર્શન અમને ક્યાંથી, એવા તર્ક ઉઠે મનમાંથી. ૭
પણ મુખથી ન બોલાય બોલ, સ્નેહસાગર ઉલટ્યો અતોલ;
કર્યો વર્ણિ મુકુંદે થાળ, ઉઠ્યા જમવાને દીનદયાળ. ૮
બેઠા આરોગવા અવિનાશ, બેય જણને બોલાવિયા પાસ;
આપી શિષ્ટ1 પ્રસાદી મુરારી, જમ્યા બેય તે મહિમા વિચારી. ૯
કથા વાત સુણી રહ્યા રાત, પછિ પ્રગટિયું જ્યારે પ્રભાત;
સ્નાન આદિ ક્રિયા નિત્ય કરી, ચાલ્યા દર્શન કરવા ફરી. ૧૦
બેઠા સભા સજી સુખરાશી, બેઠા ત્યાં વરતાલ નિવાસી;
કાશિદાસ પિતા કાનદાસ, બેઠા તે પણ તેઓની પાસ. ૧૧
જુવે છે વરતાલ નિવાસી, તેજોમય પ્રભુની છબિ ભાસી;
તેઓ બેયને થૈ ત્યાં સમાધી, જેમ જોગકળા હોય સાધી. ૧૨
જૈને જોઇયું અક્ષરધામ, દીઠા ત્યાં પણ શ્રીઘનશામ;
દીઠા ચિંતામણિમય મોલ, કલ્પવૃક્ષ તણી ઘણી ઓળ. 2 ૧૩
નર અક્ષર સમ કોટિ દાસ, ઉભા સેવામાં શ્રીહરિ પાસ;
બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર ગણાય, એવાને તો ન દર્શન થાય. ૧૪
ગુણગાન કરે વેદ ચાર, એવું ઐશ્વર્ય દીઠું અપાર;
ત્યાં તો તેઓ સમાધિથિ જાગ્યા, પ્રભુને પગે પ્રેમથી લાગ્યા. ૧૫
કરી અક્ષરધામની વાત, પામ્યા અચરજ સૌ જનજાત;
વળી વિનતિ કરી જોડી હાથ, વરતાલ ચાલો મુનિનાથ. ૧૬
અમે આવિયા તેડવા આજ, ઇચ્છા પૂર્ણ કરો મહારાજ;
સુણી એવું કહે કાનદાસ, ત્યાં છે ચોર ધારાળાનો3 ત્રાસ. ૧૭
પરદેશી આવી ઉતરે છે, તેનાં વસ્ત્ર વાહન ચોરી લે છે;
ત્યારે બોલિયા રણછોડદાસ, તેનો અમને નહીં કાંઈ ત્રાસ. ૧૮
આવી ઘેર અમારે ઉતરે, તેને હરકત કોઈ ન કરે;
ગામ માંહિ અમારી આજ, કોઈ લોપી શકે નહિ લાજ. ૧૯
સુણી બોલિયા સુંદર શામ, તમે જાઓ તમારે ગામ;
આવતી કાલે આવશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. ૨૦
આપી વચન ને કીધા વિદાય, ગયા તે પ્રણમી પ્રભુપાય;
રાત પાછલિયે બળવંત, કહે સાધુને સાંભળી સંત. ૨૧
સાધુ પાંચ રહો આ ઠામે, બિજા જાઓ જેતલપુર ગામે;
પણ સ્વામિ આનંદાનંદ, સાથે લૈ એક સંતનું વૃંદ. ૨૨
એ તો આંહિથી ડાકોર થૈને, ફરે કાનમ પ્રાંતમાં જૈને;
એવી આજ્ઞા પ્રભુ તણી પામી, ચાલ્યા સંત તે સૌ શિર નામ. ૨૩
જવા શ્રીજી થયા તૈયાર, થયા ઘોડી ઉપર અસવાર;
ઉમોભાઈ ને ગોવિંદસ્વામી, શ્રીજી સાથે ચાલ્યા મુદ પામી. ૨૪
બીજા સંત લઈ સંગ ચાર, વિચર્યા ત્યાંથી વિશ્વઆધાર;
છ ઘડી દિન ચડિયો જ્યારે, વરતાલે આવ્યા પ્રભુ ત્યારે. ૨૫
બદરી તરુ સુંદર ભાળી, જઈ ત્યાં ઉતર્યા વનમાળી;
દીઠો કૂપ તે પશ્ચિમ ઠામ, ગંગાજળિયો છે તેનું નામ. ૨૬
સંતસહિત મહાપ્રભુ નાહ્યા, બેઠા જ્યાં શુભ બદરીની છાયા;
ત્યાં જ કર્મ સંધ્યાદિક કર્યાં, બદરી ફળ દેવને ધર્યાં. ૨૭
જમ્યા તે ફળ સારંગપાણી, બદરીને બહુ જ વખાણી;
ત્યાં તો પુરજન આવ્યા અપાર, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર. ૨૮
કહે હે પ્રભુ પુરમાં પધારો, અમે આપિયે સારો ઉતારો;
સુણી બોલિયા શ્રીભગવાન, અતિ વાલું લાગે છે આ સ્થાન. ૨૯
થોડી વાર તો બેસિયે આંહીં, પછી ઉતરશું પુર માંહી;
આસપાસ પ્રભૂજી નિહાળે, વારે વારે તે બદરીને ભાળે. ૩૦
બાપુભાઈયે વાત પ્રકાશી, એક આવ્યા હતા સંન્યાસી;
તેણે પણ આ જગ્યા વખાણી, બદરી સુરતરુ જેવી જાણી. ૩૧
કથા વારતા આ સ્થાન કરતા, મહિમા આ ભૂમિનો ઉચરતા;
એણે અમને દીધું વરદાન, ભેટશે તમને ભગવાન. ૩૨
એ તો સુફળ થઈ એની વાણી, મળિયા તમે સારંગપાણી;
સુણી શ્રીજી હસ્યા મંદ મંદ, પછી ત્યાંથી ઉઠ્યા જગવંદ. ૩૩
બાપુભાઈને આંગણે આવ્યા, ખડકીને મેડે પધરાવ્યા;
ઉતર્યા તહાં શ્રીજી ને સંત, આવે દર્શને લોક અનંત. ૩૪
શ્રીજી જ્ઞાનની વાત સુણાવે, કોઈને તો સમાધિ કરાવે;
એમ આપે અતિશે આનંદ, સુખદાઈ શ્રીસહજાનંદ. ૩૫
પૂર્વછાયો
આઠ તનુજ બાપુભાઈને, સેવે શ્રીજીને મળી સૌ સાથ;
ભલા તે આઠે ભાઈનાં, કહું નામ સુણો નરનાથ. ૩૬
ચોપાઈ
દાસ રણછોડ બેચરદાસ, દાજીભાઈ તથા કાનદાસ;
ભાઈજી રાઈજી વ્રજભાઈ, મૂળજી પણ ત્યાં આવે ધાઈ. ૩૭
સતી રણછોડદાસની નારી, રંગબાઈ તે સદ્ગુણી સારી;
કહ્યું તેહને રણછોડદાસે, શુદ્ધ રંધાવો ગોરની પાસે. ૩૮
પુરુષોત્તમ પરબ્રહ્મ જેહ, જમશે આપણે ઘેર એહ;
પછી તેણે રસોઈ કરાવી, જમ્યા નાથ નૈવેદ્ય ધરાવી. ૩૯
જમ્યા સંત ને પાર્ષદ આદી, પછી આપી તે સૌને પ્રસાદી;
ગાડું આંગણામાં હતું ત્યાંય, પ્રભુ પોઢિયા માંચડા માંય. ૪૦
દાજીભાઈ તો વિચારે છાનું, સોળે ચિહ્ન દિઠે પ્રભુ માનું;
પગ લાંબા કર્યા પ્રભુ જ્યારે, સોળે ચિહ્ન તેણે દીઠાં ત્યારે. ૪૧
દાજીભાઈનો સંશય ગયો, ભગવાનનો નિશ્ચય થયો;
આઠે ભાઈ થયા સતસંગી, સેવે શ્રીજીને અંગે ઉમંગી. ૪૨
ઢાળ્યો ખડકીને મેડે પલંગ, પોઢે રાત્રિયે ત્યાં જ શ્રીરંગ;
કરે દિવસે તો જ્ઞાનની વાત આવે સાંભળવા જનવ્રાત. ૪૩
સારા સુતાર વાસણ નામ, આવ્યા તે કથા સુણવા કામ;
દૈવી જીવ મુમુક્ષુ છે તેહ, થયા તરત જ આશ્રિત એહ. ૪૪
કર જોડિને વિનતી કરી, મારે ઘેર પધારો શ્રીહરિ;
ત્યારે ભક્તવત્સલ ભગવાન, ગયા તેહ સુતારને સ્થાન. ૪૫
ઘર પાછળ કીધેલી વાડ્ય, હતું દાડમડીનું ત્યાં ઝાડ;
તળે તેને પલંગ બિછાવી, પૂજ્યા ત્યાં પ્રભુને પધરાવી. ૪૬
ચર્ચી ચંદન હાર ચડાવ્યા, તોરા પાગમાં સરસ ધરાવ્યા;
ધૂપ દીપ ને આરતી કરી, ભાવે ભેટ પ્રભુ પાસે ધરી. ૪૭
પછી પ્રેમથી કીધો પ્રણામ, પૂજ્યા સંતને પણ તેહ ઠામ;
મુખે માગ્યું વળી વરદાન, પ્રભુ તવ પદનું રહે ધ્યાન. ૪૮
તથા અસ્તુ કહી મુનિનાથે, મુક્યો હાથ સુતારને માથે;
એનો અર્થ એ રીતે સુધારી, ગયા ઉતારે શ્રીગિરિધારી. ૪૯
હવે પામી કથાનો પ્રસંગ, કહું એક કથા તણું અંગ;
રૂડી રીતે સુણો રાજાન, પગી જોબનનું આખ્યાન. ૫૦
વસે જોબન વરતાલ વાસે, જેના ત્રાસે મોટા ભૂપ ત્રાસે;
ચોરી કરવા ચારે દિશ જાય, નહીં કોય થકી પકડાય. ૫૧
મોટા મહિપતિના મો’લ ફાડે, લૂંટે વાટમાં ધોળે દહાડે;
સો સો ગાઉ સુધી જેનું નામ, જાણે રંક ને રાય તમામ. ૫૨
પગી સુંદર શકરો ને દલો, ચારે ભાઈ વિષે સંપ ભલો;
સગાવાલાનો જથો વિશેષ, તેથી કોઈથી નવ ડરે લેશ. ૫૩
ભાઈ સુંદરને જ બોલાવી, પગી જોબને વાત સુણાવી;
પાટીદારના ફળિયા માંહી, એક બાવો આવેલો છે આંહીં. ૫૪
પાટીદાર મોટા જન જ છે, પરમેશ્વર તેને કહે છે;
માટે જોવી તેની પ્રભુતાઈ, એવો નિશ્ચે કર્યો છે મેં ભાઈ. ૫૫
રાતે સર્વ ઉંઘી જાય જ્યારે, તેની ઘોડી છોડી લેવી ત્યારે;
ક્યાંઈ કાઢવી દેશ વિદેશ, જોશું કેવા છે તે પરમેશ. ૫૬
મારું વચન તમે મન ધરો, કામ એટલું તો આજ કરો;
સુણી બોલ્યા પગી સુંદરજી, એવું કરવા નથી મારી મરજી. ૫૭
એનાં દર્શન કીધાં છે મેંય, મહામૂર્તિ ચમત્કારી છેય;
તેનું પોતાનું તેજ પ્રકાશે, ભાળતાં જ તે ભગવાન ભાસે. ૫૮
મોટાપુરુષની છેડ ન કરિયે, એવાથી તો અંતર માંહિ ડરિયે;
એમ કહિને સુંદરજી ગયો, પગી જોબન શાંત ન થયો. ૫૯
રાત અરધ વીતી ગઈ જ્યારે, પગી જોબન ચાલિયો ત્યારે;
ઠેલી કુબેરદાસની ખડકી, ભાઈ રાયજી ત્યાં ઉઠ્યા ભડકી. ૬૦
કુદ્યા લે હાથમાં તરવાર, ઝટ ઉઘાડિયું જઈ દ્વાર;
પગી જોબનને જોયો જ્યારે, કહે રાયજી ક્રોધથી ત્યારે. ૬૧
આવી રીતે છંછેડો છો અમને, તેથી લાભ થશે નહિ તમને;
જથાવાળા4 અમે પણ છૈયે, અમે તમથી નહીં ડરી જૈયે. ૬૨
ભાખે તે સમે જોબનભાઈ, જોવી છે પ્રભુની પ્રભુતાઈ;
તમે આજ કદી આડા ફરશો, બીજે ગામ જશે ત્યાં શું કરશો? ૬૩
કહી એવું પગી ઘેર ગયા, પછી રાયજી તો પોઢી રહ્યા;
ત્રણ દિવસ રહ્યા પ્રભુ ત્યાંય, થયા ચોથે દિ જમી વિદાય. ૬૪
જતાં પણ પ્રભુ બદરીને ભાળે, આસપાસની જગ્યા નિહાળે;
વખાણી બદરી બહુ વાર, જાણે છે શ્રીહરિ તેનો સાર. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિજન વરતાલના નિવાસી, પ્રભુ વિચર્યાથિ થયા દિલે ઉદાસી;
ફરિ હરિ વિનવે કરી પ્રણામ, પ્રભુજિ રહો અહિયાં કરી સ્વધામ. ૬૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
વૃત્તાલયે શ્રીહરિ કુબેરદાસગૃહે આગમનનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥