કળશ ૫

વિશ્રામ ૨

પૂર્વછાયો

સભાજનોને શ્રીહરિ, કહે સાંભળો સ્નેહ સહિત;

ધર્મ વિશેષ હવે કહું, ચારે આશ્રમના રુડી રીત. ૧

ચોપાઈ

બ્રહ્મચારી તણા ધર્મ ભાઈ, કહું પ્રથમ સુણો સુખદાઈ;

કરે સંધ્યાવંદન ત્રણ કાળ, પૂજે નિત્ય તે કૃષ્ણ કૃપાળ. ૨

ગુરુને સેવે અલ્પ આહારી, નખ રોમ તો રાખે વધારી;

કેશ કાંસકીયે ન સમારે, મૌંજી1 દંડ કમંડલું ધારે. ૩

મૃગચર્મ રાખે નિજ પાસ, જોડ કોપિન બે બહિર્વાસ;2

કોટમાં રાખે કંઠી જનોઈ, સર્વ ભોગની ઇચ્છા તે ખોઈ. ૪

સ્ત્રીની વાત તો કાને ન ધરે, પોતે મુખથી કદાપી ન કરે;

સ્ત્રીનો સ્પર્શ કરે નહિ અંગે, કદી બોલે નહી નારી સંગે. ૫

સ્ત્રીનું રૂપ જુવે ન કદાપિ, તજે સંકલ્પ તેનો તથાપિ;

હોય જ્યાં સ્ત્રિયોનું ક્રીડાસ્થાન, ત્યાં ન જાય કદી વ્રતવાન. ૬

કાષ્ઠાદિકની કે ચિત્રની નારી, અડે નિરખે નહીં બ્રહ્મચારી;

પણ દેવીની મૂર્તિ જો હોય, નહીં બાધ જુવે અડે તોય. ૭

કરે નારી સ્નાનાદિક જ્યાંય, બ્રહ્મચારી તજે ક્રિયા ત્યાંય;

મદ્ય માંસ આદિક સંસર્ગ, ન કરે કદી વર્ણીનો વર્ગ. ૮

રોગ વિણ દિને સુવું ન ભાવે, ધન રાખે નહીં ન રખાવે;

તજે લોભ ને ક્રોધ ન કરે, તજે સ્વાદ ને માન ન ધરે. ૯

કામ ક્રોધ લોભ રસ માન, તજે તે પાંચ છે વ્રતમાન;

કહ્યું એવું અચળ વ્રત ધારી, ભાવે વેદ ભણે બ્રહ્મચારી. ૧૦

ભણી વેદ તે શક્તિ પ્રમાણે, પછી મનને સકામી જો જાણે;

તો તે થાય ગૃહસ્થ તે કાળે, નહિ તો વ્રત નૈષ્ઠિક પાળે. ૧૧

આખી ઉમર રહે ઊર્ધ્વરેતા,3 કહે નૈષ્ઠિક તે બ્રહ્મવેત્તા;4

પાળે વ્રત કાંઈ અવધિ પ્રમાણ, બ્રહ્મચારી તે ઉપકુર્વાણ. 5 ૧૨

થવા ઇચ્છે ગૃહસ્થ તે જ્યારે, ગુરુને આપે દક્ષિણા ત્યારે;

સમાવર્તન6 તે પછી કરે, પછી કન્યા સ્વજાતિની વરે. ૧૩

અગ્નિ બ્રાહ્મણ કેરી સમીપ, વેદવિધિયે વરે કુળદીપ;

બ્રહ્મચારીના તે કહ્યા ધર્મ, હવે કહું છું ગૃહસ્થનું કર્મ. ૧૪

પૂર્વછાયો

કહું ગૃહસ્થના ધર્મ તે, સહુ સુણો થઈ સાવધાન;

સ્નાન સંધ્યા જપ હોમ કરી, કરે સ્વાધ્યાય સદગુણવાન. ૧૫

પૂજન કરે નિત્ય વિષ્ણુનું, તથા તર્પણ7 ને વૈશ્વદેવ;

અતિથિ આવે આંગણે, કરે શક્તિ પ્રમાણે સેવ. ૧૬

ધર્મ સહિત શુભ ન્યાયથી, કરી ઉદ્યમ દ્રવ્ય કમાય;

પોષણ કરવા યોગ્યનું, કરે પોષણ તેણે સદાય. ૧૭

શરીરમાં સંબંધિમાં, અતિ આસક્ત તે નવ થાય;

કરે ન કષ્ટ કુટુંબીને, નિત્ય સંત સમાગમ ચ્હાય. ૧૮

સંગ કરે ન કુસંગીનો, કામ ભાવે ન જુવે પરનાર;

શ્રાદ્ધ કે પર્વણી વ્રતદિને, નિજનારીથી તજે સંસાર. ૧૯

સ્પર્શ ન કરે વિધવા તણો, અને આપતકાળ વિનાય;

માત સુતા ભગિનીની સાથે, એકાંતે ન વસાય. ૨૦

વ્રત ઉદ્યાપન આદરે, તજે ચોરીને ન રમે જુગાર;

આહાર મદ્ય ને માંસનો, તજે તે પણ સર્વ પ્રકાર. ૨૧

આપતકાળ પડ્યા વિના, કદી કરજ કરે નહિ લેશ;

સેવા સજે માત તાતની, એની આજ્ઞામાં વરતે હમેશ. ૨૨

હોય ગૃહસ્થ શ્રીમંત તે, કરે વિત્તથી વૈષ્ણવ યાગ;

ઉત્સવ મોટા આદરે, હરિમંદિરમાં બડભાગ. ૨૩

પર્વણીમાં8 તથા તીર્થમાં, સાધુ વિપ્ર જમાડે સપ્રીત;

નાના પ્રકારનાં દાન દે, દ્વિજને તે રૂડી રીત. ૨૪

ન્યાય થકી ધન મેળવે, અંશ દશ કે વિશમો જેહ;

ધર્મ નિમિત્ત તે વાવરે, થાય દ્રવ્યની શુદ્ધિ તેહ. ૨૫

દેવ ગુરુ ને સાધુની, સજે સેવા શક્તિ પ્રમાણ;

કપટ કદીયે નવ કરે, તેઓ આગળ ગૃહસ્થ સુજાણ. ૨૬

દેવ ગુરુ કે સંતનો, થાય જે થકી દ્રોહ લગાર;

એવું વચન ઉચરે નહિ, જાણે કલ્યાણના દાતાર. ૨૭

સંક્ષેપે ધર્મ ગૃહસ્થના, તમને સુણાવ્યા આજ;

હૃદયમાં ધરી રાખજો, તમે સૌ સત્સંગી સમાજ. ૨૮

હોય જે શુદ્ર ગૃહસ્થ તે, ધરે એ જ રીતે શુભ ધર્મ;

વષટ્કાર સ્વાહા સ્વધાદિક,9 મંત્ર વિના કરે કર્મ. ૨૯

યજ્ઞાદિક ક્રિયા શુદ્રને, સારા વિપ્ર કરાવે જેહ;

મંત્ર ભણીને પુરાણના, વિધિવત કરાવે તેહ. ૩૦

ભારત ને વળી ભાગવત, તેની કથા સુણે ધરી સ્નેહ;

ભક્ત બ્રાહ્મણ ભગવાનનો, હોય તેના મુખથી તેહ. ૩૧

ચોપાઈ

હવે નારિયોના કહું ધર્મ, તમે સાંભળો સૌ તેનો મર્મ;

હોય સત્સંગી સધવા નારી, સ્વામીને તે ઈશ્વરસમ ધારી. ૩૨

તન મન વચને સજે સેવા, લોક ઉભય તણું સુખ લેવા;

વૃદ્ધ રોગી કે નિર્ધન હોય, અપમાન કરે નહિ તોય. ૩૩

ઘર વાસણ આદિ સુધારી, રાખે નિર્મળ તે સતિ નારી;

પાપીનો સંગ નવ કરે ક્યારે, હિત સત્ય વચન ઉચ્ચારે. ૩૪

કરે તીરથ કે વ્રતદાન, તે તો સ્વામીની આજ્ઞા સમાન;

નવ રાખે ઉદ્ધતપણું અંગ, સદા પરનરનો તજે સંગ. ૩૫

વળી હોય જે વિધવા નારી, સેવે કૃષ્ણને નિજપતિ ધારી;

કામભાવની તો કદી વાત, ન કહે ન સુણે સાક્ષાત. ૩૬

નર સાથે ન ભાષણ કરે, સ્પર્શ પણ તેહનો પરહરે;

પડે આપતકાળ જો માથે, અડે બોલે સગા નર સાથે. ૩૭

પિતા પુત્રની આગન્યા ધરવી, કદીયે ન સ્વતંત્રતા કરવી;

ઉપવાસ ને વ્રત આચરવું, દેહદમન નિરંતર કરવું. ૩૮

જમે એક જ વાર તે નારી, કરે રોગ વિના તો પથારી;

તજે અત્તર તેલ સુગંધી, તેને તાંબુળ10 ખાવાની બંધી. ૩૯

વળી કુમકુમ કાજળ તજે, શરીરે શણગાર ન સજે;

વસ્ત્ર ઝીણાં તથા તારવાળાં, ન ધરે અંગે રુડાં રુપાળાં. ૪૦

દિવસે નવ નિદ્રા તે કરે, સંગ વેશ્યાદિનો પરહરે;

કૃષ્ણભક્તિમા નિશદિન રહે, વિધવાના ધરમ એવા કહે. ૪૧

કોળી વાઘરી ઢેઢ ચમાર, એવી સંકરજાતિ અપાર;

તે જો કલ્યાણનો ખપ કરે, પાપકર્મ સફળ પરહરે. ૪૨

નિજ કુળને ઘટિત કરે કામ, હિંસા તો ન કરે કોઈ ઠામ;

મદ્ય માંસ ચોરી વ્યભિચાર, તજે સત્સંગી સર્વ પ્રકાર. ૪૩

કળિજુગમાં હરિકીર્તન, શ્રેષ્ઠ ધર્મ પતિતપાવન;

તે માટે હરિકીર્તન કરે, સદા સર્વદા અંતરે ધરે. ૪૪

એ છે સંકરજાતિનો ધર્મ, વાનપ્રસ્થનાં કહું હવે કર્મ;

પતિ પત્નિ તજી ઘરબાર, વસે તીર્થે કે વન મોઝાર. ૪૫

તજે વિષય રહે નિષ્કામ, વાનપ્રસ્થ તો તેહનું નામ;

રહે આયુષ્યનો ત્રીજો ભાગ, પતિ પત્નિ તે પામે વિરાગ. ૪૬

વાનપ્રસ્થ તણો ધર્મ ધરે, વનમાં જઈને તપ કરે;

એવી સ્ત્રી નવ હોય વૈરાગી, જાય એકલો નર બડભાગી. ૪૭

શીત તાપ ને વૃષ્ટિની ધાર, કરે સહન શરીર અપાર;

પર્ણકૂટીમાં કુંડ તે કરે, અગ્નિહોત્રનો અગની ધરે. ૪૮

પર્ણકૂટી થકી તો બહાર, રહે નિર્ભય થઈ નરનાર;

કરે તીર્થમાં ત્રિકાળ સ્નાન, કરે હોમ થઈ સાવધાન. ૪૯

નખ કેશ શરીરે વધારે, ફળાહાર કરી રહે ક્યારે;

અન્ન ખેડ્યા વગરનું ખાય, સામો મણછો11 ને થેક12 ગણાય. ૫૦

તીવ્ર વૈરાગી જો તે જણાય, તજી સર્વ તે સંન્યાસી થાય;

હવે સંન્યાસીના ધર્મ કહું, સ્નેહ રાખીને સાંભળો સહુ. ૫૧

પૂર્વછાયો

બહિર્વાસ એક જ ધરે, રાખે કોપિન બે સંન્યાસ;

જળગરણું કંથા13 તથા, રાખે દંડ કમંડળુ પાસ. ૫૨

ઇન્દ્રિયો સર્વ જીતે સદા, નારાયણપરાયણ થાય;

અષ્ટાક્ષરનો મંત્ર તે, જપે ૐ નમો નારાયણાય. ૫૩

જ્ઞાન વિજ્ઞાન વડે સદા, જેનો આત્મા તૃપ્ત જણાય;

ભાવ સહિત ભજે વિષ્ણુને, જમે પવિત્ર દ્વિજ ભિક્ષાય. ૫૪

અંતર શુદ્ધ સદા રહી, બ્રહ્મચર્ય પાળે ધરી પ્રીત;

એવી ઘણી સ્મૃતિયો વિષે છે, સંન્યાસ ધર્મની રીત. ૫૫

વાનપ્રસ્થ ને સંન્યાસિના, અતિ દુષ્કર કર્મ ગણાય;

માટે લખ્યું છે શાસ્ત્રમાં, નવ થાવું કળિયુગમાંય. ૫૬

સાધુના ધર્મ હવે કહું, જેને પરમહંસ ગણાય;

અચ્યુત ગોત્ર છે એહનું, એને વૈષ્ણવ પણ કહેવાય. ૫૭

એક પરમહંસ ભાગવત, બીજા કેવળ પરમસુહંસ;

ભાગવતાદિક શાસ્ત્રમાં, ભેદ છે તેહના નિઃસંશ. ૫૮

કેવળ તે પરિવ્રાટ14 છે, યતિ ભિક્ષુક પણ કહેવાય;

જે છે પરમહંસ ભાગવત, મુનિ15 ભિક્ષુક ત્યાગી ગણાય. ૫૯

અચ્યુતગોત્રી એ જ છે, ભાગવત પરમહંસ દાસ;

મહામુનિ વૈષ્ણવ તથા, એવાં શાસ્ત્રમાં નામ પ્રકાશ. ૬૦

ભક્તિ હરિની નવધા કરે, ક્ષણ વ્યર્થ ન કાઢે કાળ;

અષ્ટ પ્રકારે સ્ત્રી તજે, જીવ્યા સુધી બુદ્ધિ વિશાળ. ૬૧

સ્ત્રૈણ પુરુષનો સંગ નહિ, વળી નરે ધર્યો સ્ત્રીવેશ;

ચિત્રાદિકની નારીને, પણ જુવે અડે નહિ લેશ. ૬૨

રાખે રખાવે ધન નહીં, તજે રસાસ્વાદ ને માન;

જીતે અંતર શત્રુને, સદા ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન. ૬૩

સત્ય દયા શમ દમ ક્ષમા, તપ શૌચ વિજ્ઞાન ને જ્ઞાન;

વૈરાગ્ય ધીરજ આદિ ગુણ, સજી કરે હરિગુણ ગાન. ૬૪

મુદ્રા તિલક ને મંત્ર વળી, નિજ દેહે વેષ ધરાય;

ભોજનનો વ્યવહાર તે, સંપ્રદાય પ્રમાણે થાય. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમ કરમ સર્વ આશ્રમોનાં, લવ લવમાત્ર કહ્યાં સહું જનોનાં;

સુણી નિજ નિજ ધર્મ પાળશે તે, મુજ મનમાં પ્રિય સર્વથા થશે તે. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આશ્રમધર્મ-કથનનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે