વિશ્રામ ૨૦
પૂર્વછાયો
ભૂપ કહે બ્રહ્મચારિને, વરતાલમાં વિશ્વાધાર;
શા કારણ બદરી તરૂને, નિરખ્યું વારંવાર? ૧
ચોપાઈ
શા માટે ફરી ભૂમિને ભાળી, કેમ ત્યાં ઉતર્યા વનમાળી?
સંન્યાસીયે વખાણી શા કાજ, તેનો મર્મ કહો મહારાજ. ૨
ત્યારે વર્ણિ કહે નૃપ પાસ, સુણો એ ભૂમિનો ઇતિહાસ,
પૂર્વકાળે ભૃગુ1 તણી નારી, પેટે પુત્રી થઈ એક સારી. ૩
નિરધારિયું લક્ષમી નામ, રૂપે રુડી ને સદ્ગુણધામ;
થઈ પરણવા લાયક બાળ, આવ્યા નારદજી એહ કાળ. ૪
ભૃગુયે એનું અર્ચન2 કીધું, ભલા ભાવથી ભોજન દીધું;
રમા નારદને પગે લાગી, વર જોડ પોતા તુલ્ય માગી. ૫
ત્યારે બોલ્યા નારદ ઋષિરાય, તુજ યોગ્ય તો વિષ્ણુ ગણાય;
તપ ઉગ્ર કર્યું હોય જ્યારે, તેને વિષ્ણુ મળે વર ત્યારે. ૬
કહે લક્ષ્મી કહ્યું તમે ખરું, કહો ક્યાં જઈને તપ કરું?
કહે નારદ સાંભળ બાઈ, તપભૂમિ કહું સુખદાઈ. ૭
જપ તપ નિજ ઘેર કરાય, સાધારણ ફળ તેહનું થાય;
નદી તીરે કે દેવને ધામે, કરે તો ફળ શત ગણું પામે. ૮
તેથી પણ જ્યાં પવિત્ર પ્રદેશ, જપ તપ કરે ત્યાં જઈ લેશ;
તેનું લક્ષ ગણું ફળ થાય, શ્રુતિ શાસ્ત્ર3 કહે છે સદાય. ૯
ક્ષેત્ર સર્વોપરી જે ગણાય, ત્યાંના તપનું અક્ષય ફળ થાય;
કહે લક્ષ્મિ દયા દિલ લાવો, અતિ ઉત્તમ ક્ષેત્ર બતાવો. ૧૦
કહે નારદ સાંભળ બાઈ, કહું ક્ષેત્ર અક્ષય ફળદાઈ;
મહિસાગર ને વેત્રવતી,4 ત્રીજી સાભ્રમતી5 કરે ગતી. ૧૧
તેહ ત્રણેના મધ્યે પાવન, હિતકારી છે હેડંબા વન;
તરુ વેલી તણો નહીં પાર, બદરી એક તંબુ આકાર. ૧૨
તમે ત્યાં રહીને તપ કરી, હૈયે ધ્યાન શ્રીકૃષ્ણનું ધરો;
દ્વાદશાક્ષર મંત્રને જપો, પાંચ અગ્નિ તણા તાપ તપો. ૧૩
તેથી શ્રીપ્રભુ થાશે પ્રસન્ન, વરવાનું તે દેશ વચન;
બિજા જે જે મનોરથ હશે, સર્વ તે સ્થળે પૂરણ થશે. ૧૪
એમ કહિ થયા અંતરધાન, ગયા નારદજી બ્રહ્મસ્થાન,6
લક્ષમી બદરી તળે ગયાં, તપ કરવા તત્પર થયાં. ૧૫
તેને કરવાને સ્નાન અનૂપ, ધર્યું ગંગાયે કૂપસ્વરૂપ;
ગંગાજળિયો પ્રસિદ્ધ છે નામ, જહાં સ્નાન કર્યું ઘનશામ. ૧૬
અતિ ઉગ્ર કર્યું તપ એવું, નવ થાય તપસ્વીથી તેવું;
દીધું દર્શન શ્રીભગવાન, કહ્યું માગો મુખે વરદાન. ૧૭
સુણી બોલ્યાં રમા શિર નામી, મને પરણો તમે બહુનામી;
મને સેવામાં રાખો સદાય, એ જ માગું છું વૈકુંઠરાય. ૧૮
તથા અસ્તુ કહ્યું ભગવાને, કહ્યું ત્યાં વળિ કરુણાનિધાને;
બીજી હોય ઇચ્છા મન માંહી, મુખે માગો તે આપીશ આંહીં. ૧૯
કમળા કહે કરુણાનિધાન, મને વાલું લાગે છે આ સ્થાન;
આંહિ મંદિર મોટું રચાય, તેમાં આપણી મૂર્તિ થપાય. ૨૦
સર્વદા આંહિ આપણે વસિયે, ક્ષણમાત્ર ન વેગળાં ખસિયે;
તીર્થ સર્વોપરી આ ગણાય, કરે પુણ્ય અક્ષયફળ થાય. ૨૧
કરે ઇચ્છાથી જો અનુષ્ઠાન, પામે તે ધન ધાન્ય સંતાન;
મુનિ મોટા આશ્રમ કરી રહે, તીર્થ કરવા બ્રહ્માદિક ચહે. ૨૨
કરે ભક્તિ ઠરીને આ ઠામે, મોક્ષઅર્થિ તે મોક્ષને પામે;
આપ આપનું દૈવત લાવી, સર્વ તીર્થ વસે અહીં આવી. ૨૩
રસકસ ઘણો આ સ્થળે રહે, લોકો પ્રાંત ચારુત્તર કહે;
ભલા રાજી થયા ભગવાન, તો તે આપો મને વરદાન. ૨૪
કહે વિષ્ણુ આ તીર્થ ગણાશે, તમે માગ્યું તે તો બધું થાશે;
કળિકાળ પ્રવર્તશે જ્યારે, અતિ વ્યાપશે અધરમ ત્યારે. ૨૫
આપે અક્ષરધામ નિવાસી, પુરુષોત્તમ પરમપ્રકાશી;
ધર્મસ્થાપન કરવાને કાજ, આવશે લઈ મુક્ત સમાજ. ૨૬
ધરણી પર નરતનુ ધરશે, આવી આ સ્થળમાંહિ વિચરશે;
અતિ જાણી પવિત્ર આ ઠામ, કરશે નિજનું મુખ્ય ધામ. ૨૭
છબિ લક્ષ્મીનારાયણ તણી, પધરાવશે પ્રીતિથી ઘણી;
છબિમાં રહેશે બહુનામી, જેમ જીવમાં અંતરજામી. ૨૮
કહી એમ ગયા અવિનાશ, લક્ષમીજી ગયાં પિતા પાસ;
કહે વર્ણિ સુણો વસુધેશ, પછી આવ્યા જ્યારે અક્ષરેશ. ૨૯
વારે વારે તે બદરી નિહાળી, ભલા ભાવથી ભૂમિને ભાળી;
તમે કારણ પૂછિયું રાય, કહી તે માટે એહ કથાય. ૩૦
પૂર્વછાયો
વિચરિને વરતાલથી, ગયા જેતલપુર જગદીશ;
થાળ જમ્યા ગંગાબાઈનો, પ્રભુ અક્ષરધામ અધીશ. ૩૧
ચોપાઈ
વરતાલમાં જે થઈ વાત, મુક્તાનંદને કહી સાક્ષાત;
વળી બોલ્યા જે તતપર થાઓ, વરતાલ વિષે તમે જાઓ. ૩૨
દૈવી જીવ ઘણાક છે ત્યાંય, તે તો આવશે સત્સંગમાંય;
કેટલાક અમે સમજાવ્યા, તેથી સત્સંગમાં તેઓ આવ્યા. ૩૩
તમે જૈને કરો ઉપદેશ, તેથી આવશે અન્ય વિશેષ;
અમદાવાદમાં અમે જાશું, પછી કચ્છને મારગે થાશું. ૩૪
સુણી મુક્તમુની તો સિધાવ્યા, લઈ મંડળ વરતાલ આવ્યા;
ભક્ત કુબેરદાસને ઘેર, આવી ઉતરિયા રુડી પેર. ૩૫
નારાયણગર નામ ગોસાંઈ, કથા સાંભળતા સભા માંઈ;
તેઓ તે થકી સત્સંગિ થયા, સ્વામિને મઠમાં તેડિ ગયા. ૩૬
હતો એકાંતનો જોગ સારો, તેથી ત્યાં જ રખાવ્યો ઉતારો;
કથા વારતા કીર્તન થાય, જન સારા સાંભળવાને જાય. ૩૭
દાસ કુબેર જે પાટીદાર, તેના પુત્ર તો આઠ ઉદાર;
સૂત્રધાર તો વાસણ નામ, હરિભક્ત હતા એહ ઠામ. ૩૮
થયા સ્વામિ તણે ઉપદેશે, તેનાં નામ સુણાવું વિશેષે;
પાટીદાર જાણો દાદાભાઈ, પ્રભુદાસ તથા વ્રજભાઈ. ૩૯
વળી વાસણ થોભણદાસ, વાલાભાઈ ને ભાઈજીદાસ;
દાસ વસન ને રાયજી દાજી, નારાયણદાસ પણ થયા રાજી. ૪૦
ગોર વનમાળી સત્સંગી થયા, તેના ભવના ફેરા મટિ ગયા;
પગી જોબન ને ત્રણ ભાઈ, હરિભક્ત થયા હરખાઈ. ૪૧
બામણોલી તણા રહેનાર, સમજ્યા તે તખોપગી સાર;
તેથી સ્વામિને ત્યાં તેડી ગયા, સતસંગી તહાં ઘણા થયાં. ૪૨
આસપાસના ગામમાં જૈને, દૈવી જીવને ઉપદેશ દૈને;
સ્વામિયે સતસંગ કરાવ્યો, શ્રીજિનો મહિમા સમજાવ્યો. ૪૩
હવે શ્રીજી તણી કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
સ્વયં સ્વામી રામાનંદ છતાં, ઘણા શિષ્ય જેતલપુર હતા. ૪૪
કાંઈ રઘુનાથદાસે ભમાવ્યા, અવળું કહીને સમજાવ્યા;
તેને હરિયે પ્રતાપ જણાવ્યો, નિજનો મહિમા સમજાવ્યો. ૪૫
એમ ત્યાંનો મટાડી વિષાદ, વિચર્યા પ્રભુ અમદાવાદ;
જઈ પાંચકુવા તણી પાસ, એક જગ્યામાં કીધો નિવાસ. ૪૬
રામદાસે આવીને એ ઠામ, પ્રેમે શ્રીજીને કીધા પ્રણામ;
સતસંગી મળી સૌ આવ્યા, સીધું સામાન સરવે લાવ્યા. ૪૭
સર્વ રઘુનાથદાસની વાત, રામદાસે કહી સાક્ષાત;
ઘણા ફેરવ્યા છે હરિજન, અભિમાન ધરે અતી મન. ૪૮
કહે ગાદીનો વારસ હું છું, જ્ઞાન સાચું તો હું જ જાણું છું;
કહે શ્રીજી હરિઇચ્છા હશે, અંતે એ જ રીતે સર્વ થશે. ૪૯
પણ તેનું ભુંડું નવ થાય, એવો થાય તો કરવો ઉપાય;
કહે વર્ણિ સુણો મહીપાળ, હરિકૃષ્ણ છે કેવા કૃપાળ. ૫૦
થોડા દિવસ રહ્યા હરિરાય, કથા વારતા ત્યાં નિત્ય થાય;
કોઈને તો સમાધિ કરાવે, કોઈને તો પ્રતાપ જણાવે. ૫૧
વધ્યો શ્રીપુરમાં સતસંગ, ચડ્યો જ્ઞાન વૈરાગ્યનો રંગ;
મતપંથ ઘણે દીધા ત્યાગી, તેથી દાઝિયા દિલમાં વેરાગી. ૫૨
હતા રઘુનાથદાસે ભમાવ્યા, તેમાંથી પણ બહુ પાછા આવ્યા;
એક અવસરે રઘુનાથદાસ, શિષ્યો સહિત આવ્યો પ્રભુ પાસ. ૫૩
ભક્તિપુત્રે તેનું ભલું કરવા, દીધું માન તેનું મન ઠરવા;
ગાદી તકિયો નખાવી બેસાર્યા, ઘણા સ્નેહના શબ્દ ઉચાર્યા. ૫૪
રામાનંદના શિષ્ય છો જૂના, નથી સમઝણમાં કાંઈ ન્યૂના;
માટે આજ્ઞા તે ગુરુની પાળો, બીજી તો બધી ખટપટ ટાળો. ૫૫
મુક્તાનંદ આદિક મુનિ જેમ, સારા સારા છે સદ્ગુરુ તેમ;
તમે પણ સારા સદ્ગુરુ થૈને, ફરો દેશમાં મંડળ લૈને. ૫૬
જોતી હોય જો મહાંતતાઈ, આપિયે અમદાવાદ માંઈ;
ગુરુ આજ્ઞાથી આડા ન જાવું, સંપ્રદાયથી વિરુદ્ધ ન થાવું. ૫૭
એવું સુણતાં બોલ્યો અભિમાની, એવા કેવા મોટા તમે જ્ઞાની?
પ્રભુ થૈને પોતે જ ફરો છો, મિથ્યા મુજને શિખામણ ઘો છો. ૫૮
આજકાલના આવેલા તમે, કેમ માનીયે મોટેરા અમે?
નિજનું હિત જો મન ધરો, મારી આજ્ઞા વિષે અનુસરો. ૫૯
પ્રભુને કહે છે એમ વાત, એવામાં તો થયો ઉતપાત;
મળ્યા વૈરાગી સૌ એક ઠાર, કરી સંપ ને કીધો વિચાર. ૬૦
આવ્યા જીવનમુક્તા જે છે, આપણા શિષ્ય ભોળવિ લે છે;
આપણો પંથ જો તુટી જાશે, પેટ આપણું કેમ ભરાશે? ૬૧
જૈયે ધોકા ને ચીપીયા લૈને, ખૂબ મારીયે તેહને જૈને;
એવું ધારીને વેરાગી વીશ, આવ્યા ખૂબ ચડાવીને રીશ. ૬૨
કોઈયે વાળેલા વજ્રકછોટા,7 કોઇયે વાળેલા તાણી લંગોટા;
કોઈ બોકાની વાળીને ચાલ્યા, જેમ રાક્ષસ જુદ્ધે મહાલ્યા. ૬૩
કોઈયે બાંધી લીધી જટા માથે, લીધા ધોકા ને ચીપીયા હાથે;
જાણી અંતરજામીયે વાત, આંહિ થાશે હવે ઉતપાત. ૬૪
રામદાસને સમશા8 કરી, તેને લૈને ઉઠી ગયા હરી;
રહ્યા બેસી ત્યાં રઘુનાથદાસ, તેના મનમાં નથી કાંઈ ત્રાસ. ૬૫
નથી તેને ભવિષ્યનું જ્ઞાન, મન મિથ્યા ધરે અભિમાન;
જમદૂતની ત્યાં ધાડ આવી, મુક્યું બહુ બૂમરાણ મચાવી. ૬૬
કહે જીવનમુક્તાને મારો, કેમ તોડે છે પંથ અમારી?
જહાં રઘુનાથદાસ બેઠા છે, જાણ્યું જીવનમુક્તા તો આ છે. ૬૭
ધોકા ચીપીયાનો માર્યો માર, કરે રઘુનાથદાસ પોકાર;
ભાંગ્યો વાંસો ને ભાંગ્યા નિતંબ, ગયું તે પછી જમનું કુટુંબ. ૬૮
મહાદુઃખથી રઘુનાથદાસ, વશો જૈને પોતાને નિવાસ;
ધર્મપુત્ર જે કરવાનું ધારે, તેવું કામ કરે પર દ્વારે. ૬૯
પુષ્પિતાગ્રાવૃત્ત
નહિ કદિ કર માંહિ શસ્ત્ર લીધું, પણ જગ સર્વ સ્વવશ્ય એમ કીધું;
પરજન મન પ્રેરણા કરીને, અખિલ વિનાશ કરાવિયા અરીને. ૭૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ શ્રીપુરે રઘુનાથદાસઅભિમાનખંડનનામા વિંશો વિશ્રામઃ ॥૨૦॥