વિશ્રામ ૨૧
પૂર્વછાયો
બિજે દિવસે રામદાસજી, કહે શ્રીપુરુષોત્તમ પાસ;
મનાવતાં નહિ માનશે, અભિમાની રઘુનાથદાસ. ૧
ઉપજાતિવૃત્ત
આયુષ અંતે મરવા પડેલું, જેનું ઘણું અંતર તો સડેલું;
ધન્વંતરી આવિ કરે ઉપાય, તથાપિ તેનો નહિ રોગ જાય. ૨
જેની થઈ જીવન નાડિ નાશ, ન રાખવી ઊગરવાનિ આશ;
ખૂટી ગયું સૂકૃત સર્વ જેનું, સુમારગે ચિત્ત ચડે ન તેનું. ૩
જો શૈલ1 જેવો તૃણગંજ હોય, બળે પડે જો લવ અગ્નિ તોય;
જો પુણ્યના ઓઘ2 કર્યા અપાર, બળે ગુરુદ્રોહ કરે લગાર. ૪
દ્રોહી થયો છે રઘુનાથદાસ, થયાં સુકર્મો સઘળાં વિનાશ;
સત્સંગથી તેહ થયો ટળેલ, નથી હવે તે તલ માંહિ તેલ. ૫
સત્સંગમાંથી જન કોઈ જાશે, સત્સંગને શું નુકશાન થાશે;
સમુદ્રથી જો મગરો રિસાય, સમુદ્રને ખામિ કશી ન થાય. ૬
જો વાલબાઈ હરબાઈ જેવાં, ગયાં મનુષ્યો વળિ અન્ય એવાં;
તથાપિ સત્સંગ ઘટ્યો ન લેશ, દિને દિને છે વધતો વિશેષ. ૭
કોટિ પ્રકારે પ્રભુ આપ પાસ, નહીં રહે તે રઘુનાથદાસ;
માટે કૃપાનાથ કરો વિમૂખ, નહીં કરો તો નહિ થાય સૂખ. ૮
જે અંગમાં ઉત્પન્ન કીડિયારું,3 તે તર્ત કાપ્યે તન થાય સારું;
જો લોભ તેનો લગિરે કરાય, બિજો બહૂ તેથિ બગાડ થાય. ૯
બોલ્યા સુણીને પ્રભુ નિર્વિનાશ,4 ખરું કહો છો મુનિ રામદાસ;
શત્રૂ નડ્યો છે અભિમાન એને, તેણે કર્યો ખૂબ ખુવાર તેને. ૧૦
રથોદ્ધતાવૃત્ત (અભિમાન વિષે)
ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વ માંહિ દુઃખ તો અપાર છે;
ગર્વવાન તૃણતુલ્ય થાય છે, ગર્વગંજન હરી ગણાય છે. ૧૧
જોગધારિ અભિમાન જે ધરે, તો ભવાબ્ધિ કદિયે ન તે તરે;
માનથી જ સદબુદ્ધિ જાય છે, જાપ જજ્ઞ તપ નાશ થાય છે. ૧૨
કામ ક્રોધ થકિ માન નેષ્ટ5 છે, માન સર્વ થકિ શત્રુ શ્રેષ્ઠ છે;
કામ ક્રોધ જિતતાં જિતાય છે, માન પાસ જન હારિ જાય છે. ૧૩
રાવણાદિ જગ જીતિ જામિયા, માનથી જ પણ મૃત્યુ પામિયા;
દેવ દૈત્ય નર નાગના મુખી, માનથી જ બહુ થાય છે દુઃખી. ૧૪
ભક્તિ સાધિ જન ધામમાં ચડે, માન શત્રુ જઈને તહાં નડે;
કામ લોભ નહિ ધામમાં નડ્યા, માનથી જ જય ને વિજે પડ્યા. ૧૫
જો પુરાણ શ્રુતિ શાસ્ત્રને ભણે, શ્રેષ્ઠ થાય કદિ સદ્ગુણે ઘણે;
તોય હોય અભિમાન તો નડે, જેમ ઝેર પયમાં કદી પડે. ૧૬
જો અજાણિ કશિ વારતા રહી, માનિ માન તજિને પુછે નહીં;
જેમ ઘેલિ રસ લોટમાં ધરી,6 આપબુદ્ધિ રસરોટલી કરી. ૧૭
કાંઈ હોય કદિ પાત્રતાપણું, માનરૂપિ પણ થાય ઢાંકણું;
તો ન થાય ગુણ પ્રાપ્ત તે વિષે, હોય માંહિ ગુણ તે નહીં દિસે. ૧૮
મૂછ ડાઢિ મુખથી મુંડાવિયાં, વસ્ત્ર અંગ ભગવો ધરાવિયાં;
નાતજાત તજિ નીકળ્યો અરે, મૂર્ખ દેહ અભિમાન શું ધરે? ૧૯
ત્યાગિ લાજ કર તુંબડું ગ્રહ્યું, રાખ ચોળિ પછિ માન ક્યાં રહ્યું?
ભીખ માગિ નિજ પેટ તો ભરે, મૂર્ખ વ્યર્થ અભિમાનને ધરે. ૨૦
એક એક થકિ શ્રેષ્ઠ હોય છે, ક્યાં અનન્ય ગુણવાન કોય છે;
ચંદ્ર ઇન્દ્ર પણ અલ્પ પાત્ર છે, તો મનુષ્ય જન કોણમાત્ર છે? ૨૧
ઉપજાતિવૃત્ત
નિર્માનિ જેના હરિ ઇષ્ટ હોય, તે તો ન ઇચ્છે કદિ માન કોય;
જે હોય છે રાવણપક્ષ કેરા, તે માન ઇચ્છે મનમાં ઘણેરા. ૨૨
તજે કદાપી ગજ બાજ7 રાજ, તજાય સર્વે સુખસાજ લાજ;
વને વસીને ફળ ફૂલ ખાય, બધું તજે માન નહીં જાય. ૨૩
જ્યાં સુધિ ધોળાં પટ હોય અંગે, સાધૂનું માહાત્મ્ય ગણે ઉમંગે,
સાધૂ થઈને ભગવાં કરાય, સાધૂ તણો તે પિતરાઈ8 થાય. ૨૪
જો ગાદિયે સદ્ગુરુ સંગ બેસે, સભા વિષે ગાદિ વિના ન પેસે;
માને કરીને મન મોટું થાય, ગાડી વિના તેથિ નહીં ચલાય. ૨૫
માની સજે કોઈ અમારિ સેવા, ન ચાલતે થાય ચલાવિ લેવા;
કુકાળમાં જેમ કુધાન્ય ખાય, એવી જ સેવા અમને જણાય. ૨૬
આજ્ઞા અમારિ પ્રિય જાણિ પાળો, તો સંત સર્વે અભિમાન ટાળો;
હું માનથી દૂર સદા ફરૂં છું, માની જનોથી દિલમાં ડરૂં છું. ૨૭
જે શિષ્ય તો માનું ઘણું ધરે છે, ગુરૂજિ આજ્ઞા કરતાં ડરે છે;
જાણે કહ્યાથી દિલ દુઃખ થાશે, સત્સંગમાંથી જ સમૂળ જાશે. ૨૮
છે વ્યાળ વીંછી વિષવાન જેવા, ઝેરી જનો છે અભિમાનિ એવા;
ઉભા થવું સર્પ સમીપ પેખી, ઉભા થવું દૂરથિ માનિ દેખી. ૨૯
પૂર્વછાયો
ઇત્યાદિક અભિમાનના, અવગુણ કહ્યા હરિ આપ;
લેખણ9 ખડીયો કાગળો, વળિ મગાવિ નિજ મોરછાપ. ૩૦
પત્ર લખાવી મોકલ્યા, સર્વ સંત ને હરિજન પાસ;
અમે વિમુખ કર્યો આજથી, સંપ્રદાયથી રઘુનાથદાસ. ૩૧
થયો વિમુખ સતસંગથી, તેનો જે જન કરશે સંગ;
તેની અસર તેને લાગશે, થાશે ભક્તપણાનો ભંગ. ૩૨
હડકવા થયો શ્વાનને, તેની લાળ જેવી વિખ્યાત;
સ્પર્શ થયે હરે પ્રાણને, એવી વિમુખ મુખની વાત. ૩૩
ભોરીંગ10 મોટો ભાળિને, જેમ ડરીને ખસિયે દૂર;
તેમ જ ડરવું દિલ વિષે, જોઈ વિમુખ જનને જરૂર. ૩૪
એવી રીત્યે આજ્ઞા કરી, સતસંગીને શ્રીમહારાજ;
શ્રીપુરમાં રામદાસને, રાખ્યા મુમુક્ષુ જનને કાજ. ૩૫
પછી શ્રીપુરથી પરવર્યા, જવા ભુજ ભણી ભગવાન;
માવો ગયા મછીયાવમાં, દેવા જનને દર્શનદાન. ૩૬
ત્યાં ઉતર્યા દરબારમાં, ફૈબા રાણિયે કર્યો સતકાર;
ત્યાંથી ગયા મેથાણમાં, કોટિ બ્રહ્માંડના કરતાર. ૩૭
અજો પટેલ તહાં રહે, કાકોભાઈ ને પુંજાભાઈ;
ભાવિક ભક્ત ભલા ગણી, દીધાં દર્શન જઈ સુખદાઈ. ૩૮
ત્યાંથી હરી હળવદ ગયા, જોશી નારાયણને ઘેર;
થાળ આરોગ્ય સ્થિતિ કરી, પરમેશ્વર રુડી પેર. ૩૯
ચોપાઈ
જેને લક્ષ્મીજી થાળ ધરાવે, રાધાજી જળપાન કરાવે;
એવા ભગવાન ભક્તને ઘેર, જોઈ પ્રેમ જમે રુડી પેર. ૪૦
જેનું ધ્યાન મહાદેવ ધરે, વેદ તો જેનું વર્ણન કરે;
દેવ દર્શન દુર્લભ જાણે, થયા ભક્તોને સુગમ આ ટાણે. ૪૧
અહો આશ્ચર્ય અદભુત એહ, અક્ષરેશે ધર્યો નરદેહ;
જેણે નિરખિયા જગદાધાર, તેના પુણ્ય તણો નહિ પાર. ૪૨
હળવદથી સિધાવિયા હરી, કૃપાનાથે કૃપા બહુ કરી;
પુર ગામ ને પાવન કીધાં, દૈવી જીવને દર્શન દીધાં. ૪૩
ગયા હાલારમાં11 હરિરાય, ભલું ભાદરા ગામ છે જ્યાંય;
વિપ્ર મુળજી ત્યાં ગુણવૃંદ, થયા જેહ ગુણાતીતાનંદ. ૪૪
ઉતર્યા પ્રભુ તેને નિવાસ, તેના અંતરની પુરી આશ;
ભક્ત રત્નો અને ડોસોભાઈ, ભક્ત વિશ્રામ આવિયા ધાઈ. ૪૫
તેણે સેવા સજી ઘણી સારી, પછી ત્યાંથી ચાલ્યા અઘહારી;12
શેખપાટ ગયા સુખકાર, ત્યાં તો લાલજી નામે સુતાર. ૪૬
થશે જે મુનિ નિષ્કુળાનંદ, તેને ઘેર રહ્યા સુખકંદ;
સાલ સાઠ્યનિ તે તો સુહાવી, માસ મહા શુદિ પંચમી આવી. ૪૭
તેડાવ્યા હરિભક્ત ને સંત, કર્યો ઉત્સવ ત્યાં તો વસંત;
લાલજી પ્રતિ નાથ ઉચ્ચારે, જવું છે કચ્છદેશ અમારે. ૪૮
સાથે ભોમીયો જન તમ જેવો, કોઈ ભક્ત ભલો શોધી દેવો;
એવી સાંભળીને શુભ વાણી, જવા લાલજીયે રુચિ આણી. ૪૯
સાથે લેવા ભાતું ભલું કીધું, એક બતક13 ભરિ જળ લીધું;
સાથે કોરિ14 લીધી દશબાર, ઘાલી જોડામાં ગુપ્ત પ્રકાર. ૫૦
ચાલ્યા લાલજી ને ઘનશામ, જઈ રાત રહ્યા ભીલા ગામ;
ચાલ્યા વળતે દિવસ સુખકારી, મળ્યો વાટમાં ભૂખ્યો ભિખારી. ૫૧
અતિ કરગરીને માગ્યું અન્ન, દયા આવી દયાળુને મન;
હતું ભાતું તે તેને અપાવ્યું, લવ લેશ ન શેષ રખાવ્યું. ૫૨
ત્યાંથી આગળ ચાલિયા જ્યારે, મળ્યા લોક લુટારા તો ત્યારે;
સારા સાધુ જાણ્યા ઘનશામ, માટે લીધું ન તેમનું નામ. ૫૩
લાલજી તણાં વસ્ત્ર તપાસ્યાં, તે તો માલ વગરનાં ભાસ્યાં;
તજી તેહને ચાલિયા જ્યારે, મહારાજે તેને કહ્યું ત્યારે. ૫૪
નથી લુટતાં તમને આવડતું, છતું15 નાણું છે તે નથી જડતું;
તેના જોડા તણો જુવો પાર,16 તેમાં કોરિયો છે દશબાર. ૫૫
પછી ચોરે તપાશી મોજડીયો, ત્યાં તો કોરિયો તેમાંથી જડીયો;
તે તો લુટનારા લઈ ગયા, ભક્ત લાલજી નિર્ધન થયા. ૫૬
જોવા ભક્તની ધીરજ માટ, ઘનશામે ઘડ્યો એવો ઘાટ;
હશી બોલિયા લાલજી વાણી, તમે સાંભળો સારંગપાણી. ૫૭
દિલના થયા આપ ઉદાર, આપ્યો રંકને સઘળો આહાર;
કોરીયો તસકરને અપાવી, ક્યાંથી જમશો હવે અન્ન લાવી? ૫૮
હશી બોલિયા શ્રીહરિ ત્યારે, હતું વિઘ્ન થવાનું તમારે;
અમે તે પરબારું વટાડ્યું, તમ માથેથી કષ્ટ મટાડ્યું. ૫૯
થોડા દિન તેહ પંથે સિધાવ્યા, ગિરધર ગામ માળીયે આવ્યા;
સુખ સાગર સુંદરશામ, કર્યો તે ગામ માંહિ વિરામ. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર હરિભક્ત લાલદાસ, જુગ મળિ કચ્છપથે કર્યો પ્રવાસ;
પુનિત સરસ છે કથા પવિત્ર, વૃષસુતનાં સુચરિત્ર છે વિચિત્ર. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિસૂત્રધારલાલજીસહ કચ્છપ્રતિવિચરણનામા એકવિંશો વિશ્રામઃ ॥ર૧॥