કળશ ૫

વિશ્રામ ૨૨

 

પૂર્વછાયો

વર્ણિ કહે અભેસિંહજી, સુણો પ્રગટ ચરિત્ર પવિત્ર;

આશ્ચર્યકારી અતિ ઘણાં, કરે કૃષ્ણ ચરિત્ર વિચિત્ર. ૧

ચોપાઈ

ત્યાંથી ચાલવા કીધી તૈયારી, સાથે લીધું બતક ભરી વારી;

કૃષ્ણ ચાલિયા કચ્છના રણમાં, નહિ રાખિયા જોડા ચરણમાં. ૨

ગયા વેગળે રણમાં જ્યારે, મહાપુરુષ મળ્યા એક ત્યારે;

અંતરિક્ષ1 જતા હતા તેહ, નમ્યા શ્રીહરિને ધરી નેહ. ૩

પ્રભુ પાસે માગ્યું પીવા પાણી, દીધું નીર તેને દયા આણી;

નવ રહ્યું બતક માંહિ નીર, બહુ તરશે પીડાયું શરીર. ૪

કહે લાલજી હે મુનિનાથ, નહીં ચાલી શકું તમ સાથ;

પાણી વગર જશે મારા પ્રાણ, હવે શું કરું શામ સુજાણ? ૫

ધર્મનન્દને ધીરજ દીધી, કૃપાનાથે પછી કૃપા કીધી;

માવો બોલ્યા ધરીને મહેર, ખારા સાગરમાં મીઠી સેર. ૬

એવી કહેવત છે તેહ આવી, ભરી લ્યો જળ મીઠું હલાવી;

નીર લાલજીએ તેહ પીધું, લાગ્યું મીઠું બતક ભરી લીધું. ૭

ફરી ચાખી જોયું તે ઠાર, ખૂબ લાગ્યું તે તો જળ ક્ષાર;2

અતિ અચરજ અંતરે ભાસ્યું, પણ મુખથી ન પ્રગટ પ્રકાશ્યું. ૮

મહા સમરથ શ્રીહરિરાય, તે તો જેમ કરે તેમ થાય;

લોહીનું દૂધ માતાના સ્તનમાં, એની ઇચ્છાથી થાય ભુવનમાં. ૯

હરિ ઇરછા કરે મનમાંય, અતિ ઝેરનું અમૃત થાય;

એવી છે તેની ઈશ્વરતાઈ, નથી તે માંહિ કાંઈ નવાઈ. ૧૦

રણ ઉતરીને ગયા પાર, નાનું આવ્યું તળાવ તે ઠાર;

લીધો બાવળ હેઠ વિરામ, સોડ તાણી3 સુતા ઘનશામ. ૧૧

પ્રભુપદમાં કાંટા હતા વાગ્યા, ભક્ત લાલજી કાઢવા લાગ્યા;

સોળે ચિહ્ન ચરણમાં નિહાળી, સ્નેહે રાખ્યાં અંતરમાં સંભાળી. ૧૨

નિજ મસ્તકે ચરણ ચઢાવ્યાં, વળી છાતીની સાથ દબાવ્યા;

વધવા ઉદ્ધવ સંપ્રદાય, એવાં કષ્ટ સહે હરિરાય. ૧૩

શીત તાપ ને વર્ષા સહે છે, રાતે ઉજ્જડ વનમાં રહે છે;

સહે આસુરીના ઉપહાસ, તન દુઃખે ધરે નહિ ત્રાસ. ૧૪

સુખ ઇચ્છે ન આપને અંગ, ફરે વિસ્તારવા સતસંગ;

થાક કાંઇક ઉતર્યો જ્યારે, પુછ્યું લાલજીયે તેહ વારે. ૧૫

મહાપુરુષ મળ્યા વાટે જેહ, કહો નાથ હતા કોણ છે?

ખારું કેમ થયું મિઠું પાણી? સુણી બોલિયા શ્રીહરિ વાણી. ૧૬

મહાપુરુષ મળ્યા વાટ જેહ, રામાનંદસ્વામી હતા તેહ;

વળી પાણી મીઠું પીધું તમે, તે તો તમ અરથે કર્યું અમે. ૧૭

રાખે એક મારો વિશ્વાસ, તેનાં કષ્ટ કરું છું હું નાશ;

બીજાં દેવ કે દેવીને વળગે, ત્યારે તજું છું તેને અળગે. ૧૮

મારો નિશ્ચય મન માંહિ પેસે, એનિ આસ્તા બિજે નવ બેસે;

ભૂત પ્રેતનો ભય નવ આણે, જાદુ મંત્ર સાચા નવ જાણે. ૧૯

મારી મૂર્તિમાં મન અનુરાગે, તેને નજર કે ચોટ ન લાગે;

કાળ કર્મ કે માયા કદાપી, મારા જનને શકે ન સંતાપી. ૨૦

મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી;

એવી વાત બહુવિધ કીધી, લાલજીયે દીલે ધરી લીધી. ૨૧

પછી ત્યાં થકી ઊઠી સિધાવ્યા, ગામ આધોઈ આગળ આવ્યા;

કહે કૃષ્ણ આ પુરમાં સિધાવો, માગી ભિક્ષા તમે અન્ન લાવો. ૨૨

સુણી લાલજી બોલ્યા વચન, મને ઓળખે છે ત્યાંના જન;

માટે ભિક્ષા મેં કેમ મગાય? ઉપહાસ4 અતિ ઘણો થાય. ૨૩

ત્યારે શ્રીજી કહે કરું એમ, તમને ઓળખે નહીં જેમ;

એમ કહી મુછ કાતરી નાખી, માથે ચોટલી પણ નહીં રાખી. ૨૪

કાઢી વસ્ત્ર કોપીન ધરાવી, અંગ પર અલફી પહેરાવી;

ધાર્યું નામ તે ‘નિષ્કુળાનંદ,’ ઉપજ્યો ઉર માંહિ આનંદ. ૨૫

ઝોળી આપીને ભિક્ષા મગાવી, જમ્યા બેય રસોઈ બનાવી;

ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય, તર્ત કીધો સંસારનો ત્યાગ. ૨૬

કાચા તાંતણાને તોડે જેમ, તોડ્યું માયાનું બંધન તેમ;

મહામુક્ત સમર્થ ગણાય, બીજાથી એવું કામ ન થાય. ૨૭

જેમ થુંક તજે જીભ પરથી, તેમ સંસાર ત્યાગ્યો અંતરથી;

વળિ બોલિયા દેવ મુરારી, હવે છે કાંઈ ઇચ્છા તમારી? ૨૮

રામાનંદે કહ્યું હતું જેહ, કહો સ્મરણમાં તમને છે તેહ?

સાધુ કરવા ઇચ્છા થશે જ્યારે, લેશું તમને બોલાવી તે વારે. ૨૯

સુણી બોલ્યા મુનિ સાક્ષાત, મને સાંભરે છે તેહ વાત;

તમે સાધુની જે દીક્ષા દીધી, મારી આશા સંપૂરણ કીધી. ૩૦

હવે માગું છું એક વચન, આપો ભક્તિ તમારી અનન્ય;

કોઈ દેવ દેવીનો લગાર, મારા મનમાં રહે નહિ ભાર. ૩૧

એવું સાંભળી દીનદયાળ, તથા અસ્તુ કહ્યું તે કાળ;

પછી ગામમાં જાવાને કાજે, ઉર ઇચ્છા કરી મહારાજે. ૩૨

પૂર્વછાયો

ભલા લુવાણા ભક્તજન, તેનું ઠક્કર કચરો નામ;

એ તો વસે આધોઈમાં, તેને ઘેર ગયા ઘનશામ. ૩૩

તેહનો નેહ નિહાળિને, રહ્યા શ્રીહરિ ત્યાં બે રાત;

નિષ્કુળાનંદને રાખિયા, ત્યાં કરવા પ્રભુની વાત. ૩૪

વળિ કહ્યું કરજો તમે, જમદંડ નામે ગ્રંથ;

પછી પ્રભુજી પધારિયા, ભુજનગર કેરે પંથ. ૩૫

ચોપાઈ

ધર્મપુત્ર ધમડકે ગયા, રાયધણજી તણે ઘેર રહ્યા;

કંથકોટ ગયા કૃપા કરી, પછી અંજારમાં ગયા હરી. ૩૬

ભુજનગર ગયા ભગવાન, દીધાં ભક્તોને દર્શનદાન;

સારા સુતાર હીરજી નામ, તેને ઘેર કર્યો વિશ્રામ. ૩૭

મલ્લ ગુણીયલ ગંગારામ, તેણે સ્નેહથી સેવીયા શામ;

ફુલડોળ ને રામજયંતી, તે તો ત્યાં જ કરી ગુણવંતી. ૩૮

હીરજીને સુંદરજીભાઈ, તેણે પૂજ્યા પ્રભુ સુખદાઈ;

એવામાં જગજીવન મહેતો, કારભારી જે ભુજમાં રહેતો. ૩૯

તેણે ચંડીનો યજ્ઞ આદર્યો, ઘણો સામાન એકઠો કર્યો;

બહુ વેદિયા વિપ્ર તેડાવ્યા, વરુણીમાં વિશેષ વરાવ્યા. ૪૦

નાત જાતના ડર થકિ ડરે, તેથી હિંસિક યજ્ઞ ન કરે;

પણ એમ સભામાં ઉચ્ચારે, હિંસાયજ્ઞ કહે વેદ ચારે. ૪૧

શ્રીજીના ગુણ સુણવામાં આવ્યા, તેથી તેણે સભામાં તેડાવ્યા;

પ્રભુ વેદનાં વાક્ય ઉચારી, હિંસાયજ્ઞની વાત વિદારી. ૪૨

દૈવી વિપ્ર થયા રળિયાત, જગજીવને માની ન વાત;

ભૂજમાં કરી જયજયકાર, વિચર્યા ત્યાંથી વિશ્વઆધાર. ૪૩

હરિ આવ્યા ધમડકે ફરી, કર્ણિબાયે સેવા બહુ કરી;

કંથકોટ ગયા કરતાર, જોડીયે ઉતર્યા ખાડી પાર. ૪૪

ત્યાંથી હાલારમાં ગયા હરી, કરુણા નિજજન પર કરી;

ધ્રોળ થૈને સરપદડ ગયા, રાજકોટ ત્યાંથી જઈ રહ્યા. ૪૫

ગામથી અગની કોણ માંય, રામનાથ નદીમાં છે જ્યાંય;

વિપ્ર બહુ કરતા હતા સ્નાન, નાહ્યા ત્યાં જઈને ભગવાન. ૪૬

શિવ આગળ આસન કર્યું, સંધ્યાવંદન આદિ આચર્યું;

માહેશ્વર ભટ5 ભાવિક આવી, બહુ પ્રશ્ન પુછ્યાં મન લાવી. ૪૭

આપી ઉત્તર સંશે મટાડ્યો, દિવ્યભાવ વિશેષ દેખાડ્યો;

હતા દૈવી તેને થયો સ્નેહ, જાણ્યા જે અવતારિ છે એહ. ૪૮

ક્ષત્રી રાઘવજીયે ત્યાં વળી, તથા ભટ માહેશ્વરે મળી;

ગામમાં પ્રભુને પધરાવ્યા, ઘણા આગ્રહથી હરિ આવ્યા. ૪૯

રોજા દાવલની આંબલિયો, ભાળતાં પ્રભુને ભાસિ ભલીયો;

કૃષ્ણ તે તળે આસન કીધું, દ્વિજે ભોજન ત્યાં લાવિ દીધું. ૫૦

જમી ત્યાંથી ચાલ્યા જગદીશ, મવા ગામે પધાર્યા મુનીશ;

કૃષ્ણ ક્રાંકશિયાળિયે ગયા, ખાંભા ગામે ગયા કરી દયા. ૫૧

માંખાવડ થઈને જગતાત, લોધીકામાં રહ્યા જઈ રાત;

ગયા મેંગણીયે મહારાજ, ગયા કંડોરડે જન કાજ. ૫૨

ડોસો બારોટ અને ગોપાળ, ઉતર્યા તેને ઘેર દયાળ;

નાવા નદીયે ગયા વૃષનંદ, કાંઠે દીઠું આંબલિયોનું વૃંદ. ૫૩

એક દ્વિજને કહે ગિરિધારી, શોભા આ છે આંબલિયોનિ સારી;

વાણી વિપ્ર વદ્યો તેહવાર, કરે કોઈ ચોરાશિ આ ઠાર. ૫૪

શોભા ત્યારે તો કહેવાય સારી, તે વિના તો શી સારી નઠારી;

સુણિ એવું બોલ્યા મહારાજ, અમે કરશું ચોરાશી આજ. ૫૫

જાવો નોતરાં જૈ દેવરાવો, આ ઠેકાણે જ પાક કરાવો;

સુણી વિપ્ર હસ્યો મનમાંથી, સીધું તરત તે લાવશે ક્યાંથી? ૫૬

દઉં નોતરાં મારું શું જાશે, તેહની જ ફજેતી તો થાશે;

લૈને સ્વામિનારાયણ નામ, તેણે નોતર્યા વિપ્ર તમામ. ૫૭

ગયા નાહીને નાથ ઉતારે, કહી બારોટને વાત ત્યારે;

કહ્યું સીધું તો સદ્ય કરાવો, નદી તીર તરત પોચડાવો. ૫૮

ત્યારે બારોટ બોલિયા વાણી, તમે સાંભળી સારંગપાણી;

જામ સાહેબની અસવારી, આવવાની હતી એવું ધારી. ૫૯

ઘણું સિધુ પટેલે કરાવ્યું, પણ જામનું દળ નવ આવ્યું;

ભાદો પટેલ તો ગયા ગામ, પટલાણી કરે ઘેર કામ. ૬૦

તમે જૈને કહો ભગવાન, તો તે આપશે સર્વ સામાન;

પછી જૈ સીધું વેચાતું માગ્યું, પટલાણીને પણ સારું લાગ્યું. ૬૧

અન્ન ઘી ગોળનાં ગાડાં ભરી, પહોંચાડ્યાં ઉતાવળ કરી;

જમ્યા વિપ્ર કરીને રસોઈ, હરિભક્ત જમ્યા સૌ કોઈ. ૬૨

દીધાં વિપ્રને દક્ષિણાદાન, જેજેકાર કર્યો ભગવાન;

પામ્યાં બહુ જન ભોજનપાન, વધ્યો તોય ઘણીક સામાન. ૬૩

પટલાણીને ત્યાં પાછો ગયો, તોળતાં હતો તેટલો થયો;

જાણ્યું બીજેથી માલ મંગાવ્યો, માટે આ તો પાછો મોકલાવ્યો. ૬૪

કહે બારોટને અવિનાશ, હોય કોરિયો જે તમ પાસ;

પટલાણીને ચુકવી આપો, તેથી તેને રહે ન ઉતાપો. ૬૫

ગયા બારોટ કોરિયો દેવા, પટલાણી તો લાગિયાં કહેવા;

પાછો સામાન મોકલ્યો તમે, શાનિ કોરિયો રાખીયે અમે? ૬૬

બહુ તાણ તો બારોટે કીધી, પાંચ કોરી પ્રસાદીની લીધી;

માગ્યું એવું વળી મુખે કરી, અંતે તેડવા આવે શ્રીહરી. ૬૭

બારોટે પ્રભુને કહી વાત, તથા અસ્તુ બોલ્યા સાક્ષાત;

પછી જ્યારે થયો અંતકાળ, આવ્યા તેડવા દીનદયાળ. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

અતિ અચરજ જેવિ વાત એહ, પ્રસરિ ગઈ પુરમાં વિશેષ તેહ;

પ્રગટ પ્રભુ તણો પ્રતાપ જાણી, જન હરિભક્ત થયા ઉમંગ આણી. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકંડોરડાગ્રામે બ્રાહ્મણભોજનકરણનામા દ્વાવિંશો વિશ્રામઃ ॥૨૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે