કળશ ૫

વિશ્રામ ૨૩

 

પૂર્વછાયો

કંડોરડામાં કૃપા કરી, ઘણી લીલા કરી ઘનશામ;

પાર ન કે’તાં પામીયે, કદી કલ્પ વિતે એહ ઠામ. ૧

ચોપાઈ

ત્યાંથી નાથ ફણેણીયે ગયા, જમનાવડ જઈ રાત રહ્યા;

દાદાભાઈ તણો દરબાર, કર્યો પાવન ધર્મકુમાર. ૨

બીજે દિવસ વડાળ્યે થૈને, જુનાગઢમાં રહ્યા પ્રભુ જૈને;

દાદાભાઈ તણો મેડો સારો, કર્યો ત્યાં જઈ કૃષ્ણ ઉતારો. ૩

પાંચી બાઈયે મોકલ્યું અન્ન, રાંધ્યું વિપ્રે જમ્યા ભગવન;

બીજે દિન આસોપાલવ તળે, સભા ત્યાં સારી સજી શામળે. ૪

ત્યાં તો દુષ્ટોયે ઉપાધી કરી, તેથી ત્યાંથી પધારિયા હરી;

ગયા વણથળિયે રુડી પેર, રહ્યા પાંચા પટેલને ઘેર. ૫

પુંજીબાઇયે થાળ કરાવ્યો, એક વિપ્રે પ્રભુને ધરાવ્યો;

મેઘપુર ગયા મહારાજ, જસા સોનીનું કરવાને કાજ. ૬

સોની જેસિંગની ઘેર જઈ, ઉતર્યા પ્રભુ પ્રમુદિત થઈ;

મેતા નારણની ઘરનારી, રુકમાઈ હરિભક્ત સારી. ૭

તેણે સુંદર કીધી રસોઈ, ભક્તીપુત્ર જમ્યા ભાવ જોઈ;

પીપલાણે પછી પ્રભુ ગયા, મેતા નરસિંહને ઘેર રહ્યા. ૮

લાછુબાઈયે ત્યાં કર્યો થાળ, જમ્યા જુક્તિથી જનપ્રતિપાળ;

આખા ગામે ગયા અવિનાશ, નારાયણ દવે કેરે નિવાસ. ૯

નરસિંહ દવે તણી નારી, લાડુબાઈ હરિભક્ત સારી;

તેણે રાંધિ ધરાવિયો થાળ, જમ્યા પ્રેમથી જનપ્રતિપાળ. ૧૦

પ્રભુ ત્યાંથી ગયા અગત્રાઈ, ત્યાં તો ભીમ ને પર્વતભાઈ;

તેને ઘેર રહ્યા ઘનશામ, ગયા ત્યાં થકી મઢડે ગામ. ૧૧

જેઠોમેર ત્યાં ભક્ત વિખ્યાત, તેને ઘેર રહ્યા હરિ રાત;

કૃષ્ણ ત્યાંથી ગયા કાલવાણી, ભીમ એકાદશી આવી જાણી. ૧૨

ગુજરાતથી સૌ સંત આવ્યા, સાથે સંઘ મોટા મોટા લાવ્યા;

કર્યો ઉત્સવ એકાદશીનો, રીઝ્યા પુત્ર તે પ્રેમવતીનો. ૧૩

જાગરણ કર્યું સૌ જન મળી, આશા સૌના અંતરની ફળી;

બીજે દિન દ્વિજ સંત જમાડ્યા, વળી સંતોષ સૌને પમાડ્યા. ૧૪

કર્યો વર્ણી મુકુંદે ત્યાં થાળ, જમ્યા શ્રીહરિ દીનદયાળ;

ધન્ય ભાગ્ય જેણે હરિ જોયા, ઓળખ્યા ન તેણે ભવ ખોયા. 1 ૧૫

દૈવી જન પર કરુણા કીધી, પરમહંસની દીક્ષા દીધી;

સભા સાંજે સજી મહારાજ, બેઠા હરિજન સંત સમાજ. ૧૬

પૂછ્યા શામે સમાચાર એવા, દેશમાં દેશકાળ છે કેવા?

ત્યારે બોલિયા સૌ મળી સંત, દુઃખ વેરાગી દે છે અત્યંત. ૧૭

નિરમાની થૈયે છૈયે જેમ, પીડા ઝાઝી કરે તેમ તેમ;

જોવા સંતની ધીરજ કાજ, બોલ્યા મર્મ વચન મહારાજ. ૧૮

દુઃખ દે છે વેરાગીયો જ્યારે, તેના સામા તમે થાઓ ત્યારે;

બોલ્યા સંત સુણો મહારાજ, કેમ કરિયે અમે એવું કાજ? ૧૯

ઉપજાતિવૃત્ત (ટેક રાખવા વિષે)

અધર્મી લોકો ન અધર્મ મૂકે, તો સંત તે કેમ સ્વધર્મ ચૂકે?

તજે નહીં પાવક ઉષ્ણતાને, તજે નહીં બર્ફ સુશીતતાને. ૨૦

જોગી શુકાદી ભરતાખ્ય જેવા, અમે ધર્યા છે દૃઢ ધર્મ એવા;

કરે મહાકાળ કદી પરીક્ષા, ન ચૂકિયે લેશ સ્વધર્મશિલા. ૨૧

જો સર્પ લે જીવ કદી અમારો, તથાપિ તેને કહિયે ન મારો;

તો માનવીને કરવા પ્રહાર, સાધુ કરે કેમ કદી વિચાર. ૨૨

કામી થયો તે કહિયે ન સંત, ક્રોધી થયો તે પણ પાપવંત;

કલ્યાણ કાજે જન જોગ ધારે, તે તો ક્ષમા ધર્મ નહીં વિસારે. ૨૩

નિર્વાહ માટે જન જોગી થાય, તેના થકી કેમ ક્ષમા રખાય;

સંતસ્વરૂપે સુસમે જણાશે, કાળે પરીક્ષા કપટીનિ થાશે. ૨૪

અમે સ્વકલ્યાણ નિમિત્ત આવ્યા, ભૂખે મરી ભેખ નથી ધરાવ્યા;

તો કોઈ દેશે દુઃખ તેથી એમ, કદી ક્ષમા ધર્મ તજાય કેમ. ૨૫

રાજા તણું રાજ્ય સમસ્ત જાય, જોગી તણી તેમ ક્ષમા તજાય;

પછી રહ્યો શો કરમાંહિ અર્થ, થયું બધું જીવિત તેનું વ્યર્થ. ૨૬

ક્ષમા તજે તે જન જોગી ખોટો, ક્ષમા તજે તે જન પાપિ મોટો;

આપ પ્રતાપે ઉર રાખિ ધારી, ખસે નહીં લેશ ક્ષમા અમારી. ૨૭

ચોપાઈ

સુણી બોલિયા શામ વચન, અહો સંત તમે ધન્ય ધન્ય;

સાધુ ધર્મ તો સત્ય તમારા, કામી ક્રોધી ગુરુ છે ઠગારા. ૨૮

તમ જેવા જોઈ ગુરુ કરશે, તે તો નિશ્ચય ભવજળ તરશે;

કામી ક્રોધી ગુરુ જેને જડે, તે તો નરકના કુંડમાં પડે. ૨૯

કહી સંતો તમારી વાત, તમે ક્યાં ક્યાં ફર્યા ગુજરાત?

વૈરાગીયે કેવી પીડા કીધી? તમે કેવી સહન કરી લીધી? ૩૦

સુણી બોલિયા આનંદસ્વામી, બળવંત સુણો બહુનામી;

બોચાસણથી તમે મહારાજ, દૈવી જીવને ઉપદેશ કાજ. ૩૧

દીધી આજ્ઞા કરીને દયા, અમે ડાકોરમાં તેથી ગયા;

વૈરાગીયોની પંગતિ થઈ, બેઠા જમવા અમે તેમાં જઈ. ૩૨

જય ચારે સંપ્રદાય તણી, મેં તો બોલાવી તે સમે ગણી;

ત્યારે બોલિયા એક વૈરાગી, આ છે જીવનમુક્તાના ત્યાગી. ૩૩

જય બોલવાનો અધિકાર, નથી તેહને કાંઈ લગાર;

ત્યારે બોલિયા બીજા વેરાગી, નથી જીવનમુક્તાના ત્યાગી;

એમ વાદ વદ્યા માંહોમાંય, મારામારી થઈ પડી ત્યાંય. ૩૫

અમે તો જમી ચાલી નિસરિયા, એવી રીતે તહાંથી ઉગરિયા;

પછી તો ફરી કાનમ દેશ, કર્યો વીસળનગર પ્રવેશ. ૩૬

ત્યાં તો આવી વેરાગીની ટોળી, જેવા નિર્દય જંગલી કોળી;

એણે આવી તુંબડીયો ફોડી, વળી કંઠિયો કંઠથી તોડી. ૩૭

કહે પાખંડ કેમ ચલાવો? ગાંજો ભાગ્યને કેમ તજાવો?

લઈ જાઓ છો ચેલો અમારા, તેને શિષ્ય કરો છો તમારા. ૩૮

વેર લેશું અમે તેહ માટે, બહુ મારશું વાટે ને ઘાટે;

એમ બોલિને અમને પ્રહાર્યા,2 અતિ અઘટિત3 શબ્દ ઉચ્ચાર્યા. ૩૯

ધરાંગધરે ગયા અને ત્યાંથી, જાણ્યું છૂટિયા તે દુઃખમાંથી;

રહ્યા ત્યાં જઈને પાંચ રાત, પછી ઊઠીને ચાલ્યા પ્રભાત. ૪૦

આવ્યા વનમાં વેરાગીયો ચાર, તે તો મારવા લાગિયા માર;

હતાં પુસ્તક તે લીધાં લુંટી, ક્ષમા તોય અમારી ન છૂટી. ૪૧

દેવીવાળા જે મગનીરામ, તે તો એમ બોલ્યા તેહ ઠામ;

આપો આજ્ઞા તો એને હટાવું, બેનાં માથાં ઝાલી ભટકાવું. ૪૨

ત્યારે તેને કહ્યું અમે એમ, ધર્મ સાધુનો છોડાય કેમ?

તમે પણ જો તેના જેવા થાઓ, તજી સત્સંગ તે સાથે જાઓ. ૪૩

તમે કરશો સાધુતાનો ભંગ, અમે તજશું તમારો પ્રસંગ;

દોષવાળાની સંગે જો રહિયે, તેથી સંસર્ગ દુષિત થૈયે. ૪૪

એમ અમે શિખામણ દીધી, ત્યારે તેણે ક્ષમા ધરી લીધી;

એવી આનંદસ્વામીની વાત, સુણી શ્રીહરિયે સાક્ષાત. ૪૫

બીજા સંતોયે પણ તેહ ઠાર, કહ્યાં એવાં જ દુઃખ અપાર;

સદાવ્રત દેનારા જે સંત, કહે સાંભળો શ્રીભગવંત. ૪૬

અન્ન લેવા વેરાગી આવે છે, તે તો અમને ગાળો બહુ દે છે;

કાં તો માગે છે ગાંજો તમાકું, અન્ન લેતાં છતાં બોલે વાંકું. ૪૭

તમે બાંધ્યો સદાવ્રત ધારો, તેથી પ્રસરે છે પંથ તમારો;

તોડશું તે સદાવ્રત અમે, ત્યારે તો ઠરી બેસશો તમે. ૪૮

કીર્તિ કારણ આપો છો અન્ન, બીજું કાંઈ નથી પ્રયોજન;

એમ બોલે ભુંડા ભેખધારી, ઘણું શું દુઃખ કહિયે ઉચ્ચારી. ૪૯

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, અન્ન દેતા નથી કીર્તિ કાજ;

દ્વારિકા તીર્થનો પથ જાણી, આપીયે છૈયે અન્ન ને પાણી. ૫૦

ઘણા પામર જન સુખ પામે, દૈવી જીવ આવીને વિરામે;

એમ જાણીને આપીયે અન્ન, પણ નવ ગમ્યું ભેખને મન. ૫૧

ત્યારે બંધ સદાવ્રત કરવાં, તેનાં પાપ તેને શિર ધરવાં;

એ જ દુઃખે રામાનંદ છતાં, સદાવ્રત બંધ સૌ કર્યાં હતાં. ૫૨

બોલ્યા શ્રીમુખે શ્રીહરિ એવું, સદાવ્રત હવે ક્યાંઈ ન દેવું;

પછી દર્શન દેવાને કાજ, માંગરોળ ગયા મહારાજ. ૫૩

ત્યાંથી લોજપુરે ગયા લાલ, કર્યા નિજજનને ત્યાં નિહાલ;

ગયા પંચાળે શ્રીહરિરાય, ઝીણાભાઈના દરબારમાંય. ૫૪

અદીબાયે ત્યાં થાળ કરાવ્યો, વિપ્ર લાડકી માયે ધરાવ્યો;

જમીને રહ્યા શ્રીહરિ રાત, માણાવદર પધાર્યા પ્રભાત. ૫૫

ત્યાંથી વેળવે ઝીંઝરી થૈને, રહ્યા રાત ગણોદમાં જૈને;

ક્ષત્રિ ખેંગાર મોડજી નામ, ત્રીજા ભગવાનજી ગુણધામ. ૫૬

ઉતર્યા તેના દરબારમાંય, સૌયે સારી સેવા સજી ત્યાંય;

વિપ્ર ભીમજી ને દેવરામ, તેણે રાંધ્યું જમ્યા ઘનશામ. ૫૭

સુત ભીમજીનો હરિરામ, તેણે સેવ્યું જુનાગઢ ધામ;

વર્ણ વાસુદેવાનંદ પાસ, રહ્યો સંસારથી થૈ ઉદાસ. ૫૮

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, વૃષનંદનની કહું વાત;

સંતમંડળની સંગ રાસ, રમ્યા ભાદરતટ અવિનાશ. ૫૯

પ્રભુ પોઢ્યા હતા રુચિ લાવી, ત્યાં છે બેઠક રુડી બનાવી;

ભક્ત પ્રગટ પ્રભુના છે જેહ, તીર્થભૂમિ ગણે ભલી તેહ. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ગિરિધર વિચરી ગણોદ ગામ, કૃત સુચરિત્ર વિચિત્ર તેહ ઠામ;

સુણિ નૃપ ઉરમાં વધ્યો ઉમંગ, પુલકિત તર્ત થયું અખંડ અંગ. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિગણોદપુર-વિચરણનામા ત્રયોવિંશો વિશ્રામઃ ॥ર૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે